Search This Blog

24/09/2017

ઍનકાઉન્ટર : 24-09-2017

* સરકાર કરતા ક્રિકેટર ગૌતમ ગંભીર દેશના સૈનિકોની વધુ સેવા કરે છે.
મારા/તમારા જીવનમાં 'જયહિંદ' શાશ્વત બન્યું રહે, એ વધુ જરૂરી છે.
(
ડૉ. રવિ દયાની, સુરત)

* સવારે ઉઠીને તમે કયો યોગા કરો છો ?
એ તો સવારે જે ઉઠતું હોય, એને ખબર. (આપણે ભારતીય છીએ. 'યોગા' ધોળીયાઓ બોલે. આપણે તો 'યોગ' જ બોલાય.)
(
ઇન્દ્રસિંહ ડી. રાણા, સાણંદ)

* દોસ્તોને ક્રિકેટ રમવું તો ગમે છે, પણ એને માટે પૈસા કાઢવા ગમતા નથી.
એ લોકો ક્રિકેટમાં નહિ, તો રાજકારણમાં સફળ થશે.
(
સુફિયાન પટેલ, ચાવજ-ભરૂચ)

* મેં જે છોકરીને પ્રપોઝ કર્યું, એની બહેને મને પ્રપોઝ કર્યું. મારે શું કરવું ?
તપાસ પૂરતી કરી લેજો... હજી એને બીજી ૩-૪ બહેનો છે ?
(
રજનીકાંત ધમસાણીયા, જામનગર)

* આપે દારૂ (વ્હિસ્કી) ઉપર ઘણું સંશોધન કર્યું લાગે છે.... (સૌજન્ય : 'બુધવારની બપોરે')
પીનારાઓ સંશોધનોમાં ટાઇમો ન બગાડે.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ધૂળેટી 'રમાય' છે. તો એની ગણત્રી ખેલકૂદમાં કરવી કે તહેવારમાં ?
ઘણી બધી રમતોમાં આપણે વર્લ્ડ-ચૅમ્પિયન છીએ... બસ, ધૂળેટીનો સમાવેશ ઑલિમ્પિકમાં કરાવો ને પછી જુઓ, ભાયડાના ભડાકા !
(
નીતિન પી. શર્મા, મુંબઈ)

* ગાંધીજી વિશે તમારો શું અભિપ્રાય છે ?
એમના જેવી પૂજનીય પ્રતિભાની તો પ્રશંસા કરવા પૂરતો ય હું લાયક નથી.
(
શરદ ગોરાસવા, ટોડા-લાઠી)

* ભેંસાણ તાલુકાના સાંકરોળા ગામે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રોજ રાષ્ટ્રગીત અચૂક ગવડાવાયું છે.
૪-૫ કલાક ચાલતી કથામાંથી કેવળ ૫૨-સૅકન્ડનું રાષ્ટ્રગીત ગવડાવવામાં સાધુસંતોએ 'ઈગો'નો પ્રશ્ન કેમ બનાવી દીધો છે, એ મને સમજાતું નથી.
(
રોહિત બારડ, વેરાવળ)

* પાકિસ્તાનને ઘમરોળવા માટે આપણે સૈન્યને પાનો ચઢાવવાનો છે કે રાજકારણીઓને ?
આગામી ચૂંટણીઓ જીતવા માટે આપણા નેતાઓ ઈવન, પાકિસ્તાન પાસે ભીખ માંગતા જવું પડે, તો ય અચકાય એવા નથી.
(
માલતી જાની, વડોદરા)

* 'રૅન્સમવૅર'નો વાયરસ તમારો ડેટા હૅક કરીને ખંડણી માંગે તો શું કરી શકો ?
મારૂં ખાતું જોયા પછી, પૂરા દયાભાવથી એ લોકો સામે ચાલીને મને કરોડ-બે કરોડની ઑફર કરે.
(
વૈશાલી ભટ્ટ, રાજકોટ)

* સુકન્યા બૉન્ડ તો બહાર પડી ગયા. હવે 'સુવર' બૉન્ડ ક્યારે ?
લગ્નના બજારમાં તમારો હિસાબ-કિતાબ પતી ગયો હોય તો આપણે આમાં પડવા જેવું નહિ !
(
ચેતન ભટ્ટ, અમદાવાદ)

* 'પહેલા જમી લો... પછી મારે તમને એક વાત કરવી છે.' એવું પત્નીએ કીધા પછી ફફડાટમાં કયો નરબંકો જમી શક્યો છે ?
એ તો રોજ પોતાના ઘેર જમવાની ટેવ પાડો, તો આવા ફફડાટો રોજના છે.
(
દીપક આશરા, ગાંધીનગર)

* પરપ્રાંતમાંથી ગુજરાતમાં અનેક લોકો ઘુસી આવ્યા છે. કોઇ ઉપાય ?
પહેલા ટોટલ દસ ગુજરાતી તો શોધો, જેમને ગુજરાતી હોવાનું ગર્વ હોય !
(
રાકેશ બી. ભાવસાર, ભરૂચ)

* 'ઍનકાઉન્ટર'માં મારા સવાલની જેટલી રાહ જોઉં છું, એટલી મોબાઇલ કંપનીની નૅક્સ્ટ ઑફરની ય નથી જોતી !
સોળ સાકરીયા સોમવાર કરો.
(
હેતલ ડોડીયા, ગીરસોમનાથ)

* તમને એક દિવસ માટે કાશ્મિર સરહદે એકે-૪૭ સાથે મોકલવામાં આવે તો પહેલું કામ શું કરો ?
આખો દિવસ એ બંદૂક પકડી રાખનાર નોકર શોધું.
(
કૌશિક શાહ, ભાવનગર)

* આપણા કન્ટ્રીમાં પરિવર્તન ક્યારે આવશે ?
એને 'ઇમ્પોર્ટ' કરવું પડશે.
(
દર્શના રામાણી, નવસારી)

* 'બુધવારની બપોરે'ની તમારી 'સિક્સર' મુજબ, કૉંગ્રેસ કે ભાજપ બાબા રામરહીમની વિરુદ્ધમાં એક અક્ષરે ય બોલી શક્તા કેમ નથી ?
બાબા એમને ય જરૂર પડે ત્યારે 'સગવડ' કરી આપતા હોય.. !
(
મિનોતી જયપ્રકાશ, જામનગર)

* દારૂબંધી પ્રજાના ફાયદા માટે છે કે શાસકોના ?
પ્રજાને કદી 'ફાયદો' શબ્દ અડયો નથી.
(
દેવેન્દ્ર જાની, પેથાપુર)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ સાદા ફૉન્ટસમાં અને જવાબ બૉલ્ડ ફૉન્ટસમાં કેમ ?
તો તમને આવી લખાણપટ્ટીઓને બદલે મુદ્રણકલામાં વધુ રસ છે !
(
અંકિતા પટેલ, મુંબઈ)

* શું નોટો ઉપર લખાણની રીઝર્વ બૅન્કે છૂટ આપી છે ?
આત્મકથા-બથા લખવી હોય તો કોઇ ફાલતુ પૅપર વાપરો ને !
(
રાકેશ ગાભવાલા, આણંદ)

* 'ઍનકાઉન્ટર'માં ઘણા વાચકોના સવાલો વારંવાર છપાય છે...

ક્યાંક તમે સાચા છો. પોતાનું નામ વારંવાર છપાવવા માટે કેટલાક વાચકો  રોજના પાંચ-દસ સવાલો મોકલે છે, એટલે સારા હોય તો એમના સવાલ છપાય. પણ હવે આ મુદ્દે પૂરતું ધ્યાન આપવા માંડયું છે. સવાલ ગુણવત્તાનો હોય તો જ મોકલવો જોઇએ.
(
સુરેશ જમનાદાસ, મુંબઈ)

No comments: