Search This Blog

22/09/2017

'પરવરિશ'('૫૮)

ફિલ્મ: 'પરવરિશ'('૫૮)
નિર્માતા : મહિપરાય શાહ
દિગ્દર્શક : એસ.એન.બૅનર્જી
સંગીત : દત્તારામ
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ
કલાકારો : રાજ કપૂર, માલા સિન્હા, મેહમુદ, રાધાકિશન, લલિતા પવાર, શીલા વાઝ, મીના, બ્રહ્મ ભારદ્વાજ, મીરાજકર, નઝીર હૂસેન, કૃષ્ણકાંત અને નર્મદા શંકર.

ગીતો
૧....ઝૂમે રે, ઓ મેરી ગોદી મેં તારેં ઝૂમે રે.... આશા ભોંસલે
૨....મામા, હો મામા, ઘરવાલે ખાયે ચક્કર.....રફી-મન્ના ડે
૩....બેલીયા-૪, ભીગી સી બહારોં મેં..... લતા-મન્ના ડે
૪....મસ્તી ભરા હૈ સમા, હમતુમ હૈ દોનોં જવાં.....લતા-મન્ના ડે
૫....ઈસ કદર તેરા તસવ્વૂર.....જાને કૈસા....આશા-સુધા મલ્હોત્રા
૬....જહાંવાલે તેરે ઘર....લૂટી જીંદગી ઔર....લતા મંગેશકર
૭....આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં, કોઇ ઉનસે.....મૂકેશ

રાજ કપૂરે એની પૂરી કારકિર્દીમાં આવી તકલાદી ઍક્ટિંગ કદાચ કોઇ ફિલ્મમાં કરી નથી. ફાલતુ ફિલ્મની પસંદગીમાં એનો વાંક ન કાઢીએ કે, એ જમાનામાં 'સારીફિલ્મો બનતી ય કેટલી હતી ? હાથમાં આવે, એ સ્વીકારી લેવાની, પણ પછી રાજ કપૂર જેવું મોટું નામ આવે છે, એનું તો પૂરૂં સન્માન એણે પોતે કરવું જોઇએ, જે નથી કર્યું. આપણે તો બીજા બધા કામો પડતા મૂકીને 'ફિલ્મ રાજ કપૂરની છે', એટલે જોવા ગયા હોઇએ અને ફિલ્મ કચરાછાપ નહિ, એનો અભિનય કચરાછાપ નીકળે તો કેવી નિરાશા ઉપડે ? કાંઇ બાકી રહી જતું હોય, એમ નામ મેહમુદનું સાંભળીને 'ચલો, હસવું-બસવું આવશે' એમ માનીને ઊપડયા હોઈએ... પણ મેહમુદે તો અહીં ગંભીર અને અર્થ વગરનો કિરદાર કર્યો છે.... જાણે અભિ ભટ્ટાચાર્ય નામનો બીજો રોતડો ફિલ્મમાં ઉપાડી લાવ્યા હોય ! માલા સિન્હા તો સમજ્યા કે, 'બેન પહેલેથી રોતડાં છે...' પણ આ ફિલ્મમાં તો બેન નક્કી કરી શક્યા નથી કે, ફિલ્મમાં એણે કરવાનું છે શું ? રાધાકિશન જેવો પૂરબહાર કૉમેડિયન હોવા છતાં એનો કોઇ ઉપયોગ કરાયો નથી અને ફિલ્મ જોવાનું નહિ, સાંભળવાનું એક માત્ર જમાપાસું દત્તારામનું દિલબહાર સંગીત છે.

નવાઇઓ તો લાગે ને કે, ફિલ્મ રાજ કપૂરની હોવા છતાં મોટા ભાગના ગીતો મન્ના ડે ના અને મૂકેશનું એક જ, 'આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં...ને છતાં મન્ના દા ને પણ સુરિલી તરજો લતા સાથે ગાવા મળી છે. લતા મંગેશકરના ખૂબ વહાલા ચાહકોએ પણ અજાણતામાં આ ફિલ્મનું 'લૂટી જીંદગી ઔર ગમ મુસ્કુરાયે, તેરે ઈસ જહાં સે હમ બાજ આયે...' ભાગ્યે જ સાંભળ્યું હશે ને એવું હોય તો તાબડતોબ આ ગીત સાંભળી લેજો. એમાં ય દત્તારામની ઢોલકીની મજા લૂંટવા જેવી છે.

રાજ કપૂરની જ ફિલ્મ 'અબ દિલ્હી દૂર નહિ'થી સ્વતંત્ર ફિલ્મ સંગીતની શરૂઆત કરવા છતાં દત્તારામે શંકર-જયકિશનનો મદદનીશ સંગીતકારનો રોલ છોડયો નહતો. આ ઠીક છે, હવાફેર માટે દત્તુ બહારની બે-ચાર ફિલ્મો કરી આવે.

પણ એક કવ્વાલી બનાવીને દત્તારામે શંકર-જયકિશનનો જે વીક-પોઇન્ટ હતો (કવ્વાલીની તરજો બનાવવાનો) તે પૂર્ણ કર્યો પોતાના સંગીતની ફિલ્મ 'જબ સે તુમ્હેં દેખા હૈ' ફિલ્મમાં 'તુમ્હે હુસ્ન દે કે ખુદા ને, સિતમગર બનાયા બનાયા...' જે ફિલ્મના મેહમાન કલાકારો શમ્મી કપૂર અને શશી કપૂર ઉપર ફિલ્માઇ હતી. અલબત્ત, શંકર-જયકિશનને એમની ફિલ્મોમાં કવ્વાલીઓ બનાવવાની આવી નહિ, એટલે દત્તુનો ઉપયોગ પડયો રહ્યો.

આ ફિલ્મમાં દત્તારામના આસિસ્ટન્ટ સંગીતકાર સોનિક-ઓમીવાળા સોનિક હતા. સોનિક પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર હતા, પરંતુ મ્યુઝિક-ઍરેન્જર તરીકે એમનું નામ સૅબેસ્ટિયન (એ પણ આ ફિલ્મનું મ્યુઝિક આસિસ્ટ કરે છે.) જેટલું જ ઊંચુ હતું. દત્તારામ પાછા મૂળ તો શંકર-જયકિશનના આસિસ્ટન્ટ અને નામ એમનું રિધમ (તબલાં-ઢોલક)માં ભારતભરમાં ઊંચું. એમને નામે મશહૂર થયેલો 'દત્તુ-ઠેકોઆજના સંગીતકારોએ પણ વગાડવો પડે છે.

વાચકો આ દત્તુ-ઠેકો જાણવા માટે અહીં આપેલા ગીતોમાં વાગતા ઢોલક-તબલાંના તાલ યાદ કરી લો. આ જ ફિલ્મના લતા-મન્ના ડે ના 'મસ્તીભરા હૈ સમા, હમતુમ હૈ દોનોં જવાં...' 'દૂર કહીં તુ ચલ, દિલ રહા હૈ મચલ' (બેદર્દ જમાના ક્યા જાને), 'કજરે બદરવા રે, મરઝી તેરી હૈ ક્યા ઝાલમાં' (પતિ-પત્ની), 'ઇસ દુનિયા મેં જીના હો તો સુન લો મેરી બાત' (ગુમનામ) કે 'મૈં યહાં, તુ કહાં, મેરા દિલ તુઝ પુકારે....' આ તમામ ગીતોમાં વાગતો ઠેકો 'દત્તુ-ઠેકા' તરીકે વપરાયો અને વખણાયો, પછી ભલે એમાં સંગીત બીજાનું હોય. દત્તારામ એમની 'વાડકરઅટકને કારણે મહારાષ્ટ્રીયન હોવાનું મનાય છે. એમના પુત્રનું નામ 'સુરેશહોવાથી ગાયક સુરેશ વાડકરને અજાણતામાં કેટલાક દત્તારામનો પુત્ર માની લે છે. ગાયક સુરેશ મરાઠી છે, જ્યારે દત્તુ-પુત્ર ફેશન-ડીઝાઇનર છે.

સાલ હજી '૫૮ની હતી, એટલે આશા ભોંસલેને લતા પછીનો હજી બીજો નંબર મળ્યો નહતો. મને/તમને તો બહુ અંદાજ ન હોય, પણ એ જમાનામાં હીરોઇનના ગીતો લતા મંગેશકર જ ગાય, એવો વણલખ્યો દસ્તુર પડી ગયો હતો... બાકીના રડયા-ખડયા બાકીની ગાયિકાઓ માટે હોય, એમ અહીં આશાને કોઇ નહિ ને લલિતા પવાર ઉપર ફિલ્માયેલું હાલરડું, 'ઝૂમે રે, ઝૂમે રે, મેરી ગોદી મેં તારેં ઝૂમે રે' અને બીજો મુજરો સુધા મલ્હોત્રા સાથે ગાવો પડયો છે. અલબત્ત, સંગીતની દ્રષ્ટિએ બન્ને રચનાઓ કાબિલ છે. આશા-ઓપી નૈય્યર વચ્ચે પછીથી સંબંધો ગમે તેવા અને ગમે તેના કારણે બગડયા હોય, પણ આશા ભોંસલેને હીરોઇનના ગીતો સુધી લઇ જનાર એક માત્ર નૈય્યર હતા.

આશા આજે પણ ભલે ઓપીનું નામ લેવા તૈયાર ન હોય, પણ એનો આત્મા કબુલશે કે, એ કેવળ ગઇ કાલે જ નહિ, આજે પણ જે કાંઇ છે, તે માત્ર ઓપી નૈયરને કારણે છે. સચિનદેવ બર્મન કે રાહુલદેવ બર્મને જરૂર પૂરતો હાથ પકડયો હતો અને આશા સાથે લગ્ન કરી લીધા પછી પણ આરડીએ ફિલ્મના ટૉપ ગીતો તો લતા પાસે જ ગવડાવ્યા હતા. ઓપીએ માત્ર આશાને જ સપૉર્ટ આપે રાખ્યો હતો.

ફિલ્મના ગુજરાતી નિર્માતા મહિપતરાય શાહને રાજ કપૂર સાથે સારો ઘરોબો હતો. એટલે આ ફિલ્મની જેમ એમની બીજી ફિલ્મ 'મૈં નશે મેં હૂં'માં પણ રાજની સાથે માલા સિન્હાને જ લીધી. રાજ-માલાની લાઇફ-ટાઇમ શ્રેષ્ઠ ઍક્ટિંગ રમેશ સહગલની ફિલ્મ 'ફિર સુબહ હોગી'માં જોવા મળ્યો, તેમ છતાં એ બન્ને બહુ ફિલ્મમાં સાથે કેમ ન આવ્યા, એ મૂંઝવણ ખરી. રાજને આમ તો મેહમુદ સાથે બહુ બનતું નહોતું. મેહમુદ શકીલાની પાછળ દીવાનો બન્યો હતો ને શકીલાની ફરિયાદ ઉપર રાજ કપૂરે મેહમુદને સખ્ત તતડાવ્યા પછી મેહમુદ ક્યારેય શકીલા (....કે ઈવન રાજ કપૂર પાસે) ફરક્યો નહતો.

એની પહેલા મહિપતરાયે ફિલ્મ 'શ્રીમાન સત્યવાદી'મા સંગીતકાર દત્તારામની જેમ રાજ કપૂર-મેહમુદને રીપિટ કર્યા હતા. ડાયરેક્ટર એસ.એન.બેનર્જીને કઇ બેવકૂફી ઊપડી હશે કે રફી-મન્ના ડેના કૉમિક ગીત 'મામા, ઓ મામા'માં મેહમુદ અને રાજ કપૂર પાસે અત્યંત સ્ટુપિડ ડાન્સ કરાવ્યો છે. બૅનર્જીમાં તો અક્કલ નહિ હોય, પણ રાજ આવો ફૂટપાથીયો ડાન્સ કરવા તૈયાર કેમ થઇ ગયો, એ આપણને મૂંઝવે !

આ ગીતના 'મામા' એટલે મશહૂર કૉમેડિયન રાધાકિશન. એક જમાનામાં એની એવી લોકપ્રિયતા હતી કે, સ્ટેજ પરનો દરેક મિમિક્રી-આર્ટિસ્ટ રાધાકિશનની 'રામરામરામ...'વાળી નકલ અચૂક કરતો. વિલનીમાં કૉમેડી યાકુબ પણ કરતો પણ રાધાકિશન જેટલી લોકપ્રિયતા એને નહોતી મળી. કમનસીબે, અંગત કારણોસર રાધાકિશન મુંબઇમાં પોતાના બિલ્ડિંગના આઠમા કે દસમા માળેથી કૂદીને આપઘાત કરીને મરી ગયો.

(અહીં આપઘાત કરવાનો માળ આઠમો કે દસમો એટલે લખ્યો છે કે, આ જ કૉલમમાં બહુ વર્ષો પહેલા આ વાત લખી ત્યારે એક ભૂલ-શોધુ વાચકે ભૂલ શોધી કાઢી હતી કે, 'રાધાકિશન સત્તરમા નહિ, સોળમા માળેથી કૂદીને મરી ગયો હતો....!')

બારે માસ રોતડાઓની ક્લબના પ્રેસિડેન્ટ નઝીર હૂસેન રડારોળ કરીને બહુ બોર કરે છે. કાં તો ઘાંટા પાડવાના ને કાં તો રડારોળ કરી મૂકવાની, એનું નામ એક્ટિંગ ! લલિતા પવાર આમ તો દરેક ફિલ્મમાં હીરો-હીરોઇનને નડતી હોવા છતાં આ ફિલ્મમાં એ સારી સ્ત્રીનો રોલ કરે છે. બન્ને રાજ કપૂર અને મેહમુદના મા-બાપ બને છે.

ફિલ્મના ટાઇટલ્સમાં મિરાજકર અને નર્મદાશંકરના નામો લખ્યા છે, પણ ફિલ્મમાં દેખાતા નથી. મિરાજકર એટલે એ વખતની મોટાભાગની ફિલ્મોમાં મદ્રાસીનો રોલ કરતો, એ કલાકાર અને નર્મદાશંકર એટલે ફિલ્મ 'ગાઇડ'માં દેવ આનંદની સંસ્કૃતની કસૌટી કરવા જે બે પંડાઓ આવે છે, તેમંનો એક ખૂબ જાડો રામઅવતાર અને બીજો નર્મદાશંકર.

આપણા સુરતના સ્વ.ચરીત્ર અભિનેતા કૃષ્ણકાંત ભૂખણવાલા રાજ કપૂરના માનિતા કલાકાર હતા. અહીં એમને ઑલમોસ્ટ ટાઇટલ રોલ અપાયો છે. લગભગ ૯૦-૯૫ની ઉંમર પછી સુરતમાં એમણે દેહ છોડયો હતો.

જો કે, આપે આ ફિલ્મ છોડવા જેવી હતી. એ જમાનાની મોટા ભાગની ફિલ્મોની વાર્તા બકવાસ હતી. બકવાસ એટલે તમને માત્ર ન ગમે એટલું પૂરતું નહિ, ખુન્નસ ચઢે કે આવી તે કાંઇ વાર્તા હોય ? રાજ કપૂર કે માલા સિન્હા જેવા એ-ક્લાસના કલાકારો તદ્દન વાહિયાત ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરે ? નઝીર હુસેન એની પત્ની લલિતા પવારને પ્રસૂતિગૃહમાં આગ લાગવાથી બચાવી તો શકે છે, પરંતુ એમને થયેલા બાળકની સાથે બીજું કોઇ અજાણ્યું બાળક પણ મળી આવે છે, જે શહેરની કોઇ તવાયફનું ત્યજી દીધેલું બાળક છે.

નઝીર  જેવા બીજા 'ઠાકૂર સા'' (સુરતના ચરીત્ર કલાકાર કૃષ્ણકાંત ભૂખણવાલા)ના કહેવાથી લલિતાબાઇ બન્ને બાળકોને પોતાના ઘેર લઇ જાય છે કે, વખત આવે ખબર પડી જશે કે, બેમાંથી તવાયફનો દીકરો કોણ છે ! બન્ને બાળકો મોટા થઇને રાજ કપૂર અને મેહમુદ બને છે અને ઠાકૂર સા'બની વિલાયત (એ જમાનામાં લંડનને 'વિલાયતકહેવાતું !) ભણીને આવેલી દીકરી માલા સિન્હા સાથે અસલી સુપુત્રનું ગોઠવવાનું હોય છેપણ નાનપણથી જ પોતાની તવાયફ બહેનનો દીકરો શોધવા નઝીર હૂસેનને ઘેર આવેલો કોઠાવાળો રાધાકિશન પણ નઝીરના ઘેર જ ગોઠવાઇ જાય છે, એ શરતે કે, બેમાંથી તવાયફનો દીકરો કોણ છે, એ જાણ્યા પછી રાધાકિશન એને લઇ જશે. રાજ-મેહમુદ એકબીજાને ખૂબ ચાહે છે, માટે રાજ કુર્બાની કરીને ચોરી-જુગારના ધંધાનું નાટક કરીને ઘર છોડી દે છે. હવે પોતાનો અસલી દીકરો મેહમુદ જ છે, એમ માનીને નઝીર ખુશ થતો રહે છે.

આ બાજુ, રાજ માલા સિન્હાના પ્રેમમાં પડીને ફિલ્મ આગળ વધારે છે. ઈવન, આજકાલની હિંદી ફિલ્મોની જેમ એ વખતે ય 'ઠાકરોં કા ખાનદાન ઊંચા હોતા હૈ...' ના ગર્વ પર હજારેક ફિલ્મો બની હશે, એમાંની આ એક વધારે. ફિલ્મ પૂરી કરવા અંત તો એ જ લાવવો પડે છે કે, 'ઔલાદ વંશથી નહિ, મા-બાપની પરવરિશથી મોટું થાય છે.. છોટા-બડા કોઇ નહિ હોતા...!'

No comments: