Search This Blog

11/09/2017

ઍનકાઉન્ટર : 10-09-2017

* 'હાર્યો જુગારી બમણું રમે', તો જીતેલો જુગારી માલ ઘરભેગો કરે ?
- લગ્ન પછી માલ ઘરભેગો કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઘણા સમયથી સવાલ પૂછવા માંગુ છું પણ સમય મળતો નથી. શું કરૂં ?
- તમારે કાંઇ કરવાનું નથી. મને સમય મળે પછી જવાબ આપીશ.
(
પ્રદીપસિંહ ગંભીરસિંહ ઝાલા, રાજકોટ)

* તમે 'ઓહ', 'આહ', 'એમ ?'...એવા જવાબો કેમ આપો છો ?
- 'ઓહ નો...!'
(
મનોજ પી. દેસાઇ, સુરત)

* ગીરમાં સિંહના પગ પાસે પડી ગયેલું તમારૂં પાકીટ સિંહ મને આપી ગયો છે ...!
- તમારા કરતા સિંહ વધુ સારો નાગરિક કહેવાય !
(
મેઘાવી મેહતા, સુરત)

* તમારા પુસ્તકો 'મોર્નીંગીયું ઍનકાઉન્ટર'અને 'ઇવનિંગીયું એનકાઉન્ટર' વચ્ચે શું ફરક ? શું સવારે આપેલા જવાબો સાંજ કરતા જુદા હોય છે ?
- મારા (બુધવારની) બપોરના જવાબો વધુ ધારદાર હોય છે.
(
ડો. માધુરી કોડિયાતર, ગાંધીનગર)

* દાદુ, તમે મારા સવાલોનું જ કેમ એનકાઉન્ટર કરી નાંખો છો ?
- સવાલો તો સારા હોય છે... જવાબો 'એનકાઉન્ટર' કરી નાંખવા જેવા હોય છે.
(
અંજલિ મયંક રાઠોડ, અમદાવાદ)

* આધુનિક યુવાનોમાં ધીરજનો સદંતર અભાવ હોય છે... તમે સહમત છો ?
- 'ઇ ડોકટરે આપેલા સમય પહેલા કશું ના થાય !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* હું ઇ.સ. ૧૯૯૨થી તમારી 'બુધવારની બપોર'નો ચાહક છું...
- હા... એ પહેલા તો સારૂં લખતો હતો...!
(
નિશાંત પુરોહિત, મુંબઇ)

* કોંગ્રેસ આવે છે કે જાય છે ?
- એ મૂંઝવણ તો દેશભરનો એક ય કોંગ્રેસી ઉકેલી શકે એવો નથી ને બીજા કોઇને એ મૂંઝવણની પડી ય નથી.
(
હરદીપસિંહ જાડેજા, અબડાસા- કચ્છ)

* 'શૂન્ય'ની શોધ ભારતમાં થઇ હતી... એવી કોઇ બીજી શોધ ખરી ?
- એ જ કે... શૂન્યના આકારની બીજી ૫૦ લાખ ચીજો દુનિયામાં છે. બીજા કોઇ આંકડાની નહિ !
(
ચેતન વાય. ભટ્ટ, અમદાવાદ)

* સવારે પંખો ચાલુ કર્યા પછી ય ગરમી લાગે છે. તો શું કરવું ?
- હા, પણ તમે તો રોજ પોતાના ઘરનો પંખો ચાલુ કરતા હશો ને?
(
અજીત સોલંકી, આલમપુર- ગાંધીનગર)

* રજત શર્માની 'આપ કી અદાલત'માં તમારે જવાનું થાય તો ?
- ..તો એ આ બધા સવાલો કોની પાસે તૈયાર કરાવે છે...?
(
કશ્યપ મહેન્દ્રભાઇ ઓઝા, અમદાવાદ)

* આજકાલ તમે જવાબો ટુંકા આપવા લાગ્યા છો...!
- આજકાલ...?
(
રિયાઝ આર. જમાણી, મહુવા)

* તમે સૌથી મોટું સત્ય ક્યારે બોલ્યા હતા ?
- એટલું ય બોલ્યો છું કે નહિ, એની તો તપાસ કરો !
(
સુનિલ વોરા, મુંબઇ)

* તમે સુરતમાં કેમ નથી આવતા ?
- વગર બોલાવે તો ભગવાનના ઘેરે ય જતો નથી.
(
ડો. અશ્વિન કાકડીયા- ડો. દિનેશ પેથાણી, સુરત)

* કાશ્મીરમાં રોજ આપણા આટલા બધા સૈનિકો મરે છે... એનું શું કરવાનું ?
- આપણે ત્યાં કઇ સભા કે પ્રોગ્રામમાં 'રાષ્ટ્રગીત' કે 'વંદે માતરમ' ગવાય છે...? જવાનોને જીવાડવાની જવાબદારી એમની એકલાની જ છે ? જે પ્રોગ્રામમાં મને બોલાવાય છે, ત્યાં પહેલા રાષ્ટ્રગીત ગવાવાનું હોય તો જ હું જઉં છું, એ મારી પહેલી શરત હોય છે.
(
કમલેશ પટેલ, અમદાવાદ)

* યોગીજીની બરોબરી કરી શકે, એવા ગુજરાતના કયા મુખ્યપ્રધાન તમને દેખાય છે ?
- ધાર્મિક કે સ્વાગત સમારંભો છોડીને રાજ્યનું ભલું વિચારવા માંડે, તો અત્યારના મુખ્યમંત્રી ય ચાલે !
(
જીજ્ઞોશ એમ. ચાવડા, પોરબંદર)

* લોકડાયરાઓમાં હવે ફિલ્મી ધૂનોએ પ્રવેશ કરવા માંડયો છે...
- અત્યંત પ્રસન્ન અને ભાવુક થઇને ડાયરાના જે કલાકારના ચરણસ્પર્શ કરવા જઇએ, ત્યારે ખબર પડે, આટલા સન્માન્નીય કલાકારને ડાયરા વિના ચાલે, દારૂ વિના નહિ!
(
જય જોશી, પોરબંદર)

* તમે પોલિટિક્સમાં જોડાશો ખરા ? હા, તો કેમ ?
- નહિ જોડાઉં... અમારા સાહિત્યજગત જેટલું છીછરૂં પોલિટિક્સ તો દિલ્હીમાં ય નથી.
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* તમારા નામ પહેલા 'શ્રીશ્રીશ્રી' ક્યારે લગાવશો ?
- જ્યારે હું ધર્મને બાજુ પર રાખીને દેશનો આધ્યાત્મિક વિકાસ કરતો થઇશ ત્યારે.
(
વિપુલ મકવાણા, શામપરા- સિદસર)

* તમે કેરીના રસને બદલે કેરીની કાપેલી ચીર ખાઓ છો ખરા ?
- હથેળીમાં મીઠું રાખીને...! જ્યારે મારી સામે કોઇ બેન્ડબાજાંવાળો વાજું વગાડતો હોય ત્યારે.
(દિવ્યા સાણંદીયા, સુરત)

No comments: