Search This Blog

06/09/2017

ઉઠો હવે... સવાર થઈ...!

 જગતની સૌથી બિહામણી જો કોઈ ગાળ હોય તો એ વાઇફો બોલે છે અને એ ય સવાર-સવારમાં, 'ઉઠો હવે... સવાર પડી!' કહેવાય છે કે, સારા ઘરના લોકો ગાળો નથી બોલતા... નહિ બોલતા હોય, તો આ શું થયું? વાંક ગમે તેનો હોય, આપણને કોઈ ગાળ બોલી જાય, એ સહન થાય છે? તો આ ય સહન થતું નથી કે, મસ્તમજાની ઊંઘો ખેંચતા હોઈએ ને એની બૂમ પડે, 'ઉઠો હવે... સવાર પડી!'

તારી ભલી થાય ચમની. અમને ઊંઘમાં ખબર નહિ પડતી હોય કે સવારે ૬-૭ વાગે તો સવાર જ પડે, કોઈ ભરબપોર ના પડે! લગ્નના ઈવન ૩૦-૪૦ વર્ષો પછી ય વાઇફ એવી જ સેક્સી અને સુંદર લાગતી હોય, તો પણ ભરઉંઘમાંથી એ ઉઠાડે ત્યારે અત્યંત બિહામણી અને કંઠે કર્કશ લાગે છે.

એવું નથી કે, આપણને ખખડાવીને ઉઠાડે તો જ ચૂડેલ લાગે... મઘુરા કંઠે પ્રેમભર્યું ગીત ગાઈને ઉઠાડે તો ય કાયદો વચમાં આવતો હોવાથી સવાર-સવારમાં આપણાથી એને ત્રણ વખત 'તલાક-તલાક-તલાક' કહી શકાતું નથી. જો ભારતમાં આ સગવડ મળે તો રોજ સવારના પહોરમાં ભારતભરમાં બબ્બે-પાંચપાંચ કરોડ તલાકો થાય... સુઉં કિયો છો? આડે દિવસે તો સમજ્યા કે, એ બિચારી આપણા ભલા માટે પરાણે તો પરાણે... વહેલી ઉઠાડતી હોય છે, કારણ કે ઑફિસમાં પછી સરખી ઊંઘો આવતી નથી.

એ વાત જુદી છે કે, રવિવારોએ તો મોડા ઉઠયા પછી ય ભરાઈ જવાય છે કે, ઉઠી તો ગયા, પણ હવે કરવાનું શું? (રોજ જે નિયમિત કરતા હોઈએ, એની વાત થતી નથી!) જરા હાથ સરખો થાય એટલા માટે વાઈફને બોલાવીને, ''ચલ, જરા પંજો લડાવીએ...'' કહી શકાતું નથી અને એક વખત હિંમત ભેગી કરીને કહી નાંખીએ તો ય રીઝલ્ટ જાણતા હોવાથી એવું રિસ્ક ઉઠાવાતું નથી. એના કરતા તો બન્ને હાથે ફ્રીજ ઉઠાવીએ તો ય જીતી જઈએ... આ તો એક વાત થાય છે!

હવે તો પહેલા જેવા પડોસીઓ ય રહ્યા નથી કે, આપણે છાપું મંગાવવું ન પડે, એટલે એ લોકો મંગાવે, એમાં એમના ઘરની સવારની ચાઓ ય પીતા અવાય. આવા સંકટને કારણે-પ્લસ, આપણને રોજ સવારે બોલાવનારું કોઈ રહ્યું ન હોય, માટે રવિવારની સવાર ઘરમાં જ કાઢવી પડે છે. ઈવન, 'મહાભારત' કે 'મુગલ-એ-આઝમ'ના યુધ્ધોમાં પણ રણભૂમિમાં રવિવારે રજા રહેતી અને દુશ્મન સેનાપતિઓ એકબીજાની છાવણીમાં જઈને છાપા-બાપા વાંચી આવતા... ભલે પછી જેનું છાપું વાંચી આવ્યા હોત, એના બેસણાંની જા.ખ. બીજા દિવસના છાપાંના છેલ્લા પાને છપાઈ હોય...!

આ જ કારણે, અમને સવારે ૮ થી ૧૦ વાળા બેસણાં ગમતા નથી. રવિવારોએ તો મરવાને બદલે કોઈ સારું કામ કરતા જવું જોઈએ, તો દુનિયા યાદ રાખે. કેટલાક સ્વર્ગસ્થો તો પાછા શનિવારે 'પત્યા' હોય એટલે બેસણું રવિવારે સવારનું આવે. રવિવારોએ આપણે તો બીજા કોઈ કામધંધા હોય કે નહિ? આમ કોઈ આડેધડ-બીજાઓનો વિચાર કર્યા વિના મરે, એ અમને ન ગમે.

કબુલ કે, દર રવિવારોએ આપણે બેસણે જવાનું હોતું નથી, છતાં પણ ઘરમાં સાવ નવરા બેઠા હોઈએ તો એમ પણ થાય કે, આના કરતાં તો કોઈના બેસણે જઈ આવીએ, તો બીજીવાર ધક્કો નહિ. સાયન્સ હજી એ શોધી શક્યું નથી કે, ગુજરાતીઓએ દર રવિવારે શું કરવું? રજાનો દિવસ હોય એટલે શાંતિ તો હોય પણ આગળ શું કરવું? આગળ તો જાવા દિયો... પાછળે શું કરવું, એનો વૈજ્ઞાનિકો હજી તાગ મેળવી શક્યા નથી. અફ કૉર્સ, સદીઓના સંશોધન પછી એટલું જાણવા મળ્યું છે કે, રવિવારોએ સવારે મોડા ઉઠવાનું હોય છે.

જો કે, એક વખત ઉઠવાનું ચોક્કસ હોય. ઘરવાળાઓને એક ખાટલો ખાલી થયો, એવી પર્મેનેન્ટ રાહત મળવી ન જોઈએ. ઉંમર-બુમ્મર થઈ ગઈ હોય તો જુદી વાત છે, બાકી આમ જ રોજ સવારે ૬ વાગે ઉઠતા હો, તો રવિવારે આરામથી ૮-૯ વાગે જ ઉઠવાનું હોય! ...અને એ પણ બની શકે તો આપણા પોતાના ઘેર જ ઉઠવાનું રાખવું! એ તો, જેવા જેના નસીબ! આ તો એક વાત થાય છે.

જો કે, રવિવાર હોવા છતાં કેટલાક સદનસીબો આદતન રોજ પરોઢીયે પાંચેક વાગે ઉઠીને ક્યાંય નહિ ને ચાલવા જાય છે. પાછા ફાંકા મારે, ''આપણે તો રવિવાર હોય કે દિવાળી... ઉઠવાનું તો પરોઢીયે પાંચ વાગે જ. ઉઠીને તરત ચાલવા જવાનું જ...!'' ભલે પછી ભીંતમાં ભટકાય. હજી સુધી ચાલતા ચાલતા ઊંઘવાનો કસબ શોધાયો નથી, એટલે જેટલું ચાલે, એટલી ઊંઘ તો બગડી!

આમાં શું ધાડ મારી? એક વાર પાંચને બદલે છ વાગે ઉઠીને બતાય તો ખબર પડે કે, વિશ્વમાં એક કલાકની શું કિમત હોય છે. ઑફિસે એક કલાક મોડો પહોંચે તો એ લોકો ચલાવી લેવાના છે? આ દુનિયામાં તારી એન્ટ્રી એક કલાક મોડી થઈ હતી? તારા પોતાના લગ્નમાં મોડો પહોંચેલો? રીસેપ્શનમાં જમવાનું રાખ્યું હતું, એટલે અમે શું અડધો કલાકે ય મોડા આવેલા? જમવાનું રીસેપ્શનમાં હતું એટલે અમારું તો આખું ઘર સવારે ૫ ને બદલે ૪ વાગે ઉઠી ગયું'તું! ટાઈમની કિંમત છે, 'ઇ!

આમે ય, રવિવારે સવારે બીજું કરવાનું ય શું? છાપા-બાપા વાંચીને આ તમારો ટીવો જોઈએ, વૉટ્સએપના 'જે શી ક્રસ્ણ' ને 'જય જીનેન્દ્ર'વાળા મૅસેજો સાફ કરીએ, ફૅસબુક પર આજે આપણે કેવા લાગીએ છીએ, એ જોવા નવો સૅલ્ફી લઈને (નાહ્યા પછી) અપલોડ કરીએ, જેથી યારદોસ્તોને ખબર પડે કે, 'ગઈ કાલ કરતા આજે આપણે કેટલા વધારે સ્માર્ટ લાગીએ છીએ!'

એ બધું પતાવ્યા પછી જમી-કરીને પાછા બે-ત્રણ કલાક ઘોંટાઈ જવાનું. કપડાં-વાસણ આપણે પતાવવાના હોય તો ઘરસંસાર સારો ચાલે.

આમાં વાઇફની ભરબપોરની ઊંઘો બગાડાય નહિ. કોઈ જાણે તો ય કેટલું ખરાબ લાગે કે, હજી આવડો આ વાઇફ પાસે જ કામ કરાવે છે? યસ. બપોરે મનભરીને ઊંઘો ખેંચી કઢાય, એમાં બા ના ખીજાય!

અફ કૉર્સ, સુતા પહેલા સાંજે કઈ બાજુ જવું છે, એ નક્કી કરી લેવું પડે છે. એક તો પાર્કિંગનો પ્રોબ્લેમ ને બીજું, એકે ય સારી હોટલમાં આપણો નંબર ન લાગે (નોકરી માટે નહિ... જમવા માટે!)

રવિવારે ક્લબમાં તો જવાય જ નહિ. રામરોટી સદાવ્રત જેવી લાઈનો લાગી હોય. મોંઘા ભાવની ફીઓ આપીને મેમ્બર બન્યા હોઈએ, જમવામાં એક રૂપિયો ય ઓછો નહિ અને શિવાજીના સૈનિકો સુરત લુંટવા આવ્યા હોય, એવા ઝનૂનથી આપણું ટેબલ ગોતવાનું. કહેવાય છે કે, મનુષ્ય બન્ને હથેળીઓ ભેગી કરીને દાઢી નીચે મૂકતો આ હૉટલ-કલ્ચરને કારણે થયો. ના જોવું હોય તો ય બાજુવાળાના ટેબલ પર એ લોકોએ શું મંગાવ્યું છે, એ જોવાઈ જાય. ઓર્ડર સર્વ થતા વાર ગમે તેટલી થાય, ટેબલ છોડીને તો વૉશ-રૂમ બી જવાનું નહિ. જઈએ તો કોક બીજું બેસી ગયું હોય અને એ ય આપણા ફેમિલી સાથે! ક્ષણભર ભૂલી જવાય કે, આપણું ફેમિલી આટલું સારું દેખાતું હતું?

જો કે, રવિવારની સાંજ તો ધક્કામુક્કીમાં પસાર થઈ જાય છે. એમાં શું હોય છે કે, સાંજનું જમવાનું તો ક્લબ કે હોટલ કે લારી ઉપર જ! આમાં ગોરધનો ય સ્માર્ટ રમે છે. એ લોકો ય આખું અઠવાડીયું એકનું એક (આઇ મીન, એકની એક વાઇફે બનાવેલું) ચુપચાપ જમી લેવાનું હોય છે. વાઇફો આખું અઠવાડીયું રાંધ-રાંધ કરીને એવી થાકેલી-કંટાળી હોય કે, જો રવિવારે એના હાથનું જમવાનું આવ્યું તો સેન્ટ્રલ જેલમાંથી જમવાનું મંગાવ્યું હોય એવું લાગે!ૅૅ (અમને જો કે, જેલમાં જમવાનો અનુભવ નથી, છતાં એક વખત કેદીઓને અમારા ઘરનું રવિવારનું ડિનર લેવા બોલાવો... લાઇફ-ટાઇમમાં નાનકડો ગૂન્હો ય નહિ કરે!)

હોટલ-બૉટલ તો ઠીક છે (સૉરી, બોટલ જ ઠીક છે!) પણ રવિવારોએ તો કોઈના ઘેરે ય જઈ શકાતું નતી. કોઈના ઘેર જવાના જમાના તો ગયા! જમાનો એ ચાલી રહ્યો છે કે, કોઈના ઘેર જઈ ચઢીએ તો ગયા પછી એ લોકો કાઢી મૂકી શકતા નથી, પણ એ લોકો કૂતરાં રાખતા થઈ જાય છે... આપણને એક વખત જમાડવા કરતા બારે મહિના કૂતરાં રાખવાનો ખર્ચો ઓછો આવે! કોઈ પંખો ચાલુ કરો.

જો કાંઈ કરવાનું ન હોય તો, ઘરમાં નાનું-મોટું રીપેરિંગ કરવા રવિવારે બેસી જવાય. ગાડી સાફ કરવા બેસી જવાય... આઇ મીન, ઊભા રહી જવાય. અંગૂઠો દાબી દાબીને વાંકા વળી જતા હો, તો ટીવીનું રીમોટ ખોલીને ફરીથી ફિટ કરી દેવાય, જેથી નવું તો આવે. હોશિયાર દાદાજીઓએ કદી એમના પોતા-પોતી સાથે ન રમવું... એમાં તમને કશું આવડતું નથી, એની પોલ ખુલી જાય!

આપણા દેસીઓ ધોળીયાઓના વાદે ચઢે છે અને શનિ-રવિને બદલે 'વીક-ઍન્ડ' બોલે છે. એ તો જે જઈ આવ્યું હોય એને ખબર હોય કે, ધોળીયાઓ વીક-ઍન્ડમાં જ નવરા હોતા નથી. આખા 'વીક'ની ગ્રોસરી લેવા જવાથી માંડીને ઘરના નળ રીપેર કરવા એ 'વીક-ઍન્ડ' પુરું કરે છે. હોટલના ખર્ચા તો એ લોકોને ય પોસાતા નથી અને 'ડ્રિન્ક્સ'ની ત્યાં કોઈ નવાઇ નથી. ઈન્ડિયામાં કમ-સે-કમ દર શનિ-રવિ પાળેલા 'ડૉગી'ને નવડાવવામાં તો કાઢવા પડતા નથી. એમને તો ડૉગીને લઈને સવાર-સવારમાં ડૉગીની પ્રાત:ક્રિયાઓ કરાવવા ય નીકળી જવું પડે.

જો કે, 'શૌચ'ના નવા કાયદા કૂતરાઓને લાગુ પડે છે કે નહિ, તેની ખબર નથી.

એટલે જ રાજ કપૂર કહી ગયો છે ને કે, 'લાખ લૂભાયે મહલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...'

સિક્સર
-
કયા લગ્નમાં જવાનો બેફામ આનંદ થાય?
- જેના નિમંત્રણમાં લખ્યું હોય, 'ભેટ-ચાંદલો અસ્વીકાર્ય.'

No comments: