Search This Blog

09/09/2017

'દૂર કી આવાઝ'('૬૪)

ફિલ્મ: 'દૂર કી આવાઝ'('૬૪)
નિર્માતા- નિર્દેષક : દેવેન્દ્ર ગોયલ
સંગીત : રવિ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૧૬- રીલ્સ - ૨ કલાક ૧૬- મિનિટ્સ
થીયૅટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : જૉય મુકર્જી, સાયરા બાનુ, પ્રાણ, જહૉની વૉકર, ઓમ પ્રકાશ, દુર્ગા ખોટે, મલિકા જાદુગર ગોગીયા પાશા, માસ્ટર રાજુ, મનોરમા, પ્રેમસાગર, રાજેશ, અજ્ય કશ્મિરી, મીના ટી. અને મલ્લિકા.

ગીતો
૧... હૂસ્ન સે ચાંદ ભી શરમાયા હૈ, તેરી સૂરત ને... મુહમ્મદ રફી
૨... ઇક મુસાફિર કો દુનિયા મેં ક્યા ચાહિયે... મુહમ્મદ રફી
૩... દિલ મેરા આજ ખો ગયા હૈ કહીં, આપ કે... મુહમ્મદ રફી
૪... મુકદ્દર આઝમાના ચાહતા હૂં, તુમ્હેં અપના... મુહમ્મદ રફી
૫... કયા યૂં હી રૂઠ કે જાને કો મુહબ્બત કિ થી... મુહમ્મદ રફી
૬... હમ ભી અગર, બચ્ચે હોતે, નામ હમારા... મન્ના ડે-આશા-રફી
૭... હાથોં મેં હાથ હોંઠો પે અફસાને પ્યાર કે... આશા- રફી
૮... મોહે તીરછી નજરીયા ન મારો સૈંયાજી... આશા ભોંસલે
૯... તૂટ ગઈ મેરે મન કી મુરલીયા, રહે ગયે ગીત... આશા ભોંસલે

એક ટ્રેન અકસ્માતમાં સાયરા બાનુ પોતાની યાદદાસ્ત ખોઇ બેસે છે. અગાઉ ભૂલમાં એ ડબ્બામાં આવી ચઢેલા જૉય મુકર્જી સાથે એની મુલાકાત થાય છે. જૉય તો ગાડી ઉપાડતા જતો રહે છે, પણ પ્રાણ એની આદતોથી સુધરતો નથી અને સાયરા બાનુ ઉપર બળાત્કારની કોશિષ કરે છે. ચાલુ ટ્રેને મોટો અકસ્માત થતા ટ્રેન ઉથલી પડે છે, એમાં એકે ય પૅસેન્જરને નાનકડો ઘસરકો ય પડતો નથી, પણ સાયરા એની યાદદાસ્ત ગૂમાવી બેસે છે. વાચકો, યાદ રાખો.

ફિલ્મોમાં જ્યારે જ્યારે હીરો કે હીરોઈનને મોટો અકસ્માત થાય ત્યારે કપાળમાં સાઈડ ઉપર એક નાનકડાં પૂમડાં ઉપર મુલાયમ પાટો બાંધ્યો હોય. કોઈ હીરો-હીરોઈનનો આગલો દાંત તૂટયો કે ગાલ ચીરાઈ ગયાનું કદી સાંભળ્યું.. આઇ મીન, જોયું ? જૉયની બહેન (મલ્લિકા) અને થનારા બનેવી જહૉની વૉકરની મદદથી જૉય સાયરાને પોતાના ઘેર લઈ આવે છે. સાયરાને હાંસિલ કરવા પ્રાણ સાયરાના બનાવટી ભાઈને મોકલે છે, પણ જૉય અને જહૉની બનાવટ પકડી પાડે છે. સાયરા- જૉય અને મલ્લિકા- જહૉની વૉકરના લગ્ન થઈ જાય છે. સાયરાને દીકરો થાય છે. બીજો ઍક્સિડેન્ટ થાય છે, એમાં સાયરાની યાદદાસ્ત પાછી આવતી રહે છે. જૉયને ખબર પડે છે કે, એની પત્ની (સાયરા) તો તવાયફ છે.

હિંદી ફિલ્મોમાં આવું કાંઈ થાય તો હીરોઈન કોઈ ઑફિસમાં ટાયપિસ્ટ કે મહિલા- પુલિસ જમાદાર- બમાદાર ન હોય... સીધી તવાયફ જ હોય. પૂરી ફિલ્મનું એકે ય કૅરેકટર કોઈ નોકરી - ધંધો કરે છે કે નહિ, તેની પ્રેક્ષકોને આજે ફિલ્મના ૫૩- વર્ષ પછી ય ખબર પડી નથી. પ્રાણ કોણ છે, શું કરે છે એની કોઈ વિગતોમાં પડયા વિના ફિલ્મના લેખક અને સાયરા- જૉયના જીવનમાં અડપલાં કરતો રહે છે ને છેલ્લે ફિલ્મ પૂરી કરવાની હોવાથી જહૉની વૉકરની સહાયથી જૉય મુકર્જી પ્રાણનો સર્વનાશ કરે છે.

'૬૦- ના એ દાયકામાં રંગીન ફિલ્મો ભાગ્યે જ આવતી. 'દૂર કી આવાઝ' રંગીન હતી, રવિના કર્ણમધુરા પણ લોકપ્રિયતામાં નિષ્ફળ સાબિત થયેલા ગીતો હતા, સાયરા બાનુ- જૉય મુકર્જી જેવી લગભગ બધાને ગમી જાય એવી જોડી હતી અને સાચ્ચે જ પેટ પકડીને હસાવે એવી જહૉની વોકરની કોમેડી હોવા છતાં ફિલ્મ પિટાઈ ગઈ અને અમદાવાદની રૂપમ ટોકીઝમાં ભાગ્યે જ ૭-૮ વીક્સ ચાલી હતી. આજે ૫૩- વર્ષ પછી આ ફિલ્મ ફરીથી જોયા પછી એવું લાગે છે કે ફિલ્મની વાર્તા પ્રેક્ષકોને અત્યંત બોર કરનારી હતી. હકીકતમાં તો દર્શકોને કંટાળો લાવે એવી પટકથા પંડિત મુખરામ શર્માએ લખી હતી.

(પંડિતજીની મોટા ભાગની બૉરિંગ વાર્તાઓને કારણે લોકો એમને 'મુખરામ' નહિ, 'મૂરખરામ શર્મા' કહેતા.) ફિલ્મ પિટાઈ જવાનું બીજું પણ એક કારણ હોઈ શકે કે, પ્રેક્ષકોને સુંદર ગીતો રેડિયો પર સાંભળવા ગમે, એટલે જરૂરી નથી કે, ફિલ્મમાં એ જ મધુરાં ગીતો વાર્તાની જરૂરત વગર આડેધડ ગોઠવી દીધા હોય તો ય ગમે. અહીં તો આપણને આઘાત લાગે કે, અહીં આ ગીત શેને માટે આવ્યું ? જ્યાં જગ્યા ખાલી પડે, ત્યાં દિગ્દર્શક દેવેન્દ્ર ગોયલે ગીત ગોઠવી દીધું છે.

સંગીતકાર રવિની મુહમ્મદ રફી માટેની ભક્તિ જગજાહેર છે. ચિત્રગુપ્તની માફક આ સંગીતકારે પણ રફી માટે અંત સુધી પોતાનો પ્રેમ અને કદરદાની ચાલુ રાખી હતી. કિશોર કુમારનો સપાટો ફિલ્મ 'આરાધના' પછી બોલ્યો અને રફી પણ એ પૂરમાં તણાવા માંડયા ત્યારે આ બન્ને સંગીતકારોએ લક્ષ્મીકાંત- પ્યારેલાલની જેમ રફીનો સાથ છોડયો નહતો. 'દૂર કી આવાઝ'માં તો ૯-માંથી ૭ ગીતો રફીના છે.. પાંચ સોલો તો ખરા જ... અને લગભગ બધા હિટ નિવડયા હતા.

રવિની ધૂનો બેશક સારી હતી, પરંતુ ગીતના ઇન્ટરવ્યૂડ મ્યુઝિક અને ખાસ તો રિધમ-સૅક્શનમાં ડબલાં પછાડતા હોય એવી નબળાઈ હતી. અલબત્ત, રવિની કર્ણપ્રિય ધૂનો એના ભૂતપૂર્વ માસ્ટર હેમંત કુમારની જેમ સૉફટ રહેતી. ઝાઝી તોફાનીમસ્તી કે ધમપછાડા નહિ. કારણ બહુ જાણી શકાયું નથી, પણ રવિએ ન છુટકે જ એની ફિલ્મોમાં લતા મંગેશકરનો ઉપયોગ કર્યો છે. જ્યાં સુધી આશાથી ચાલી જાય ત્યાં સુધી લતા નહિ !  રવિનું રિધમ-સેક્શન ઘણું સામાન્ય હતું.

શકીલ બદાયૂની જેવા અધરવાઈઝ, બહુ આદરણીય શાયરે આ ફિલ્મ માટે ઢંગઘડા વગરના ગીતો લખ્યા છે, એનું એક કારણ એ હોઈ શકે કે, સાયરા બાનુ એવી બ્યૂટી- કવીન હતી કે, એને સાંકળતી બધી ફિલ્મોમાં ગીતકારો પાસેથી એની ભરચક સુંદરતાના વખાણો કરાવવાના. એમાં સૌથી પહેલો તો ચંદ્રને વાપરી નાંખવો પડે. રામ જાણે ચંદ્રએ શાયરોનું શું બગાડયું હશે કે, બધાઓ મંડયા હોય હીરોઈનની સુંદરતા સામે ચાંદની સુંદરતાને ઝાંખી પાડવા !

કડી- કડીએ અતિશયોક્તિ અલંકારો જ આવે, એટલે આપણા તો ઠીક, સાયરા બાનુના મગજમાં ય ન ઉતરે, એટલી સુંદરતા આ લોકોએ લખી આપી હોય. પાવરફૂલ તો શુક્ર સુધી નથી પહોંચ્યો... એકલો ચંદ્ર જ મરવાનો થાય છે ! કોઈને ચંદ્રના વખાણ કરવાનું કહેવામાં આવે તો એકે ય શાયરે એવું લખ્યૂં છે કે, ચાંદની સુંદરતા વૈજ્યંતિમાલાને ય ઝાંખી પાડી દે એવી એ રાત્રે લાગતી હતી..!

સાયરા બાનુની તો ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં ગીતકારો આડેધડ મંડયા હતા પરિણામે, શબ્દ કે સાહિત્યનું તો કોઈ જોર ન ચાલે ! અહીં શકીલ બદાયૂનીની હાલતે ય એ જ રૂપીયાના ચાર જેવી થઈ છે. 'હુસ્ન સે ચાંદ ભી શરમાયા હૈ, તેરી સૂરત ને ગઝબ ઢાયા હૈ... 'દિલ મેરા આજ ખો ગયા હૈ કહીં, આપ કે પાંવ કે નીચે તો નહિ ? બોલો, કાંઈ સમજાવવાનું રહે છે ? ગીતની ધૂનો સારી, પણ શબ્દો તો જુઓ..!

ફિલ્મનો સૌથી વધુ ગમે એવો પાર્ટ એની રંગીન ફોટોગ્રાફી છે. દાયકો '૬૦- નો હજી શરૂ થયો હતો અને કલર- ફિલ્મો તો ભાગ્યે જ આવતી, એટલે પ્રેક્ષકો આકર્ષાતા. પાંડુરંગ નાઈકની રંગીન ફોટોગ્રાફી અને તેમણે લીધેલા મનોહર બાહરી દ્રષ્યો આંખને રાહત પહોંચાડે છે. ઓમપ્રકાશ અને જહૉની વોકર... અધરવાઈઝ આવી ફાલતુ ફિલ્મ માટે મોટું આશ્વાસન છે. જહૉની વૉકરનો જમાનો હતો અને બધા નિર્માતાઓ પાસે એ મનફાવે એવું કરાવી શક્તો.

મૂળ બદરૂદ્દીન કાઝી નામના આ ગરીબ બસ- કન્ડક્ટરને બલરાજ સાહનીએ શોધ્યો હતો અને ગુરૂદ્દત્ત પાસે રજુ કર્યો હતો. મુંબઈની 'બેસ્ટ'ની બસોમાં બલરાજ સાહની પણ સફર કરતો, એમાં ચાલુ નોકરીએ જહૉની ફિલ્મી- કલાકારોની મિમિક્રી કરતો, એમાં બલરાજને ગમી ગયો અને ગુરૂદત્ત પાસે રજુ કરી દીધો. ગુરૂનો એ કાયમી દોસ્ત બની ગયો અને એકાદ અપવાદને બાદ કરતા ગુરૂદત્તની બધી ફિલ્મોમાં એને મહત્વનો કિરદાર મળતો. મેહમુદની જેમ દબદબો જહૉનીનો ય હતો અને નિર્માતા- દિગ્દર્શકો પાસે એ ધાર્યું કરાવી શક્તો.

દિલીપ કુમાર- દેવ આનંદનો પણ એ અસ્ખલિત ગુજરાતી બોલી શક્તો. દેવ આનંદની 'સી.આઈ.ડી'ની હીરોઈન શકીલાની બહેન નૂર સાથે એ પરણ્યો હતો. ઋષિકેશ મુકર્જીની 'આનંદ'માં સાવ ટચુકડા રોલમાં સહુને યાદ રહી ગયો. જૉય મુકર્જી પુરબહાર હૅન્ડસમ લાગે છે અને સાયરાના સૌંદર્ય સામે થોડો ય ઝાંખો પડતો નથી. એ માર ખાઈ ગયો ઍકિંટગમાં, નહિ તો અમિતાભ બચ્ચન જેવા હાઈટ-ર્બાડી, ઘેરો અવાજ અને સુંદરતા છતાં ઍક્ટિંગમાં પૈસા પડી ગયા.

મુહમ્મદ રફીએ જહૉની વોકર માટે એક શમ્મી કપૂરને બાદ કરતા સૌથી વધુ ગીતોમાં પ્લેબૅક ૧૩૬-ગીતોમાં આપ્યું છે. શમ્મી માટે રફીએ ગાયેલા ગીતો ૧૭૦- થાય છે... નવાઈ લાગી શકે, પણ એ પછીનો ત્રીજો નંબર શમ્મીના જ ભાઈ શશી કપૂરનો ૧૨૦-ગીતો સાથે આવે છે. બાકીના એકે ય હીરોએ સેન્ચ્યૂરી પૂરી કરી નથી. દેવ આનંદે તો ઑલમોસ્ટ સરખા ગીતો કિશોર કુમાર પાસે ગવડાવ્યા હતા, છતાં દેવ આઠ ગીતો માટે સૅન્ચૂરી (૯૨) ચૂકી ગયો હતો.

રફીએ ગાયેલા દિલીપ કુમારના બહુ ગીતો નથી થતા (૬૬). એના કરતા જીતેન્દ્ર (૭૧), રાજેન્દ્ર કુમાર (૯૬), ઓહ... ભારત ભૂષણ (૮૬) અને જૉય મુકર્જી માટે રફીએ ૭૩- ગીતો ગાયા આ ફિલ્મ બનાવનાર નિર્માતા- દિગ્દર્શક દેવેન્દ્ર ગોયલે મદન મોહનને એની પહેલી બે ફ્લ્મિો 'આંખે' અને 'અદા'માં ચાન્સ આપ્યો,એમ આ ફિલ્મના સંગીતકાર રવિને પણ સૌ પ્રથમ ચાન્સ ફિલ્મ 'વચન'માં આપ્યો હતો.

પણ રવિ સાથે આખરી દમ તક દેવેન્દ્રએ સાથ નિભાવ્યો. એમની બધી ફિલ્મો વચન, નરસી ભગત, એક સાલ, ચિરાગ કહાં રોશની કહાં, પ્યાર કા સાગર, દૂર કી આવાઝ, દસ લાખ, એક ફૂલ દો માલી, એક મહલ હો સપનોં કા, ધડકન અને આદમી સડક કા નું સંગીત રવિને આપ્યું હતું. વચમાં એક ફિલ્મ 'રઝીયા સુલતાના'માં લચ્છીરામને સંગીતનો કારભાર સોંપ્યો હતો. ( જેમાં રફી- આશાનું મસ્ત યુગલ ગીત 'ઢલતી જાયે રાત કહેલે દિલ કી બાત, શમ્મા- પરવાને કા ન હોગા ફિર સાથ' મશહૂર છે. અલબત્ત, ગીત, ફિલ્મના હીરો જ્યરાજ ઉપર નહિ, પણ એ જમાનાની ફિલ્મોના ઑલમોસ્ટ બધા કલબ- સોંગ્સમાં ડાન્સ કરતા 'હરબન્સ' ઉપર ફિલ્માયું હતું.) આ લચ્છીરામે લતા મંગેશકરની કરિયરના ટૉપ-ટૅન ગીતો પૈકીનું એક ( આ લખનારની સમજ મુજબ) 'અય દિલ મચલ મચલ કે યૂં રોતા હે ઝારઝાર ક્યા, અપના ચમન ઉજડ ગયા આયેગી અબ બહાર ક્યાં ?' ફિલ્મ 'મૈં સુહાગન હૂં માટે બનાવ્યું હતું.

ફિલ્મ 'વક્ત'માં સુનિલ દત્તનો જે બંગલો બતાવ છે, એ બંગલામાં નહિ નહિ તો ય પચીસેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. અલબત્ત, બંગલો બહારથી બતાવાય.. અંદરના દ્રષ્યો માટે ફિલ્મના સૅટ્સ લાગેલા હોય.

જહૉની વોકરની પ્રેમિકા મુમતાઝની નાની બહેન મલ્લિકા બને છે. મલ્લિકા દેખાવમાં ઘણી સામાન્ય હતી. દારા સિંઘના ભાઈ રણધાવા સાથે તેના લગ્ન થયા હતા. જાદુગર ગોગિયા પાશાના શૉનું ઍનાઉન્સમૅન્ટ કરનારા ઍકસ્ટ્રા કલાકાર બાજીદ ખાન છે, જેને ભાગે મોટા ભાગની ફિલ્મોમાં આવી ઍનાઉન્સમૅન્ટો કરવાની જ આવતી હતી.

સાયરા બાનુ (જન્મ.તા. ૨૩ ઑગસ્ટ, ૧૯૪૪) એ ૧૯૬૬- માં દિલીપ કુમાર (જન્મ. તા.૧૧ ડીસેમ્બર, ૧૯૨૨) સાથે લગ્ન કર્યા, તે પહેલા રાજેન્દ્ર કુમાર સાથે નામ ઘણું તગડું જોડાયું હતું. સાયરાની મા નસીમ બાનુએ આ જોડી તોડવાના અથાગ પ્રયત્નોના ભાગરૂપે દિલીપ કુમારનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. દિલીપે સાયરા સાથે લગ્ન કરી આ વિવાદનો અંત આણ્યો હતો. સાયરા પોતે રાજેશ ખન્નાની મોટી ફૅન હતી. ખન્ના સાથે એકે ય ફિલ્મમાં કામ કરવાનો મોકો નહિ મળ્યો, એનો તેને કાયમી અફસોસ છે.

''રાજેશ ખન્ના અત્યંત સોહામણો,નમ્ર અને શરમાળ છોકરો હતો. ફિલ્મ 'છોટી બહુ' માં એને ખન્ના સાથે કામ કરવાનો મોકો મળ્યો, પણ સાયરાની તબિયત બગડતા કેવળ બે રીલ્સનું શૂટિંગ પૂરૂં કરી શકી. જૉય મુકર્જી પણ તેને ગમતો એટલે સૌથી વધુ ફિલ્મો (૫) સાયરાએ જૉય સાથે કરી છે. આઓ પ્યાર કરેં, સાઝ ઔર આવાઝ, દૂર કી આવાઝ, યે ઝીંદગી કિતની હસિન હૈ અને શાગિર્દ.

૧૯૬૪- ની સાલમાં અમદાવાદના થીયેટરો ધમધમતા હતા. પ્રજાની પાસે સિનેમા સિવાય બીજું કોઈ ઍન્ટરટૅઇન્મૅન્ટ જ નહોતું. એટલે સામાન્ય ફિલ્મો ય ૮-૧૦ અઠવાડિયા તો એમને એમ પણ ચાલી જાય. બધા થીયૅટરો એકબીજાને અડીઅડીને એટલે આમાં ટિકીટ ના મળે તો આમા.. ગાડી કે સ્કૂટરો તો દૂરની વાત હતી.

થોડું પોસાય એ લોકો રીક્ષા કરીને સિનેમાં જોવા આવતા, બાકીના ચાલી એટલા માટે શક્તા કે, શહેર માની ન શકાય એટલું નાનકડું હતું. ટૉકીઝ પર પહોંચવું જરાય મુશ્કેલ નહોતું. જુઓ. એ જમાનામાં ક્યા સિનેમામાં કઈ કઈ ફિલ્મો ચાલતી !

આઈ મિલન કી બેલા, પછી ગીત હાયા પથ્થરોં ને (કૃષ્ણ), બાગી પછી ચા ચા ચા (અશોક), બેનઝીર પછી દૂર ગગન કી છાંવ મેં, પછી હક્કીત, પછી સાંઝ ઔર સવેરા, પછી શરાબી, પછી શહેનાઈ (લાઈટ હાઉસ), બેટી બેટે પછી મૈં ભી લડકી હૂં (નૉવેલ્ટી), ફિરોઝ ખાન- સઇદા ખાનનું ચાર દરવેશ, પછી મજબુર, પછી કૈસે કહૂં ? (ઍલ.ઍન.) દુલ્હા દુલ્હન, ગંગા કી લહેરેં પછી દૂર કી આવાઝ અને પછી ચિત્રલેખા, પછી વો કૌન થી ? (રૂપમ) હમારા ઘર પછી દૂજ કા ચાંદ, પછી ઇશારા, કોહરા, પછી જી ચાહતા હૈ, પછી ફૂલોં કી સેમજ (લક્ષ્મી), જહાનઆરા પછી મેરા કસૂર ક્યા હૈ (પ્રકાશ) લીડર (અલંકાર), સંગમ, (રીલિફ) સંત જ્ઞાનેશ્વર અને છેલ્લે ઝીદ્દી (મૉડેલ).

No comments: