Search This Blog

01/09/2017

'ઇન્સાન જાગ ઉઠા'('૫૯)

ફિલ્મ : 'ઇન્સાન જાગ ઉઠા'('૫૯)
નિર્માતા-દિગ્દર્શક    :શક્તિ સામંત
સંગીતકાર    : સચિનદેવ બર્મન
આસિ.સંગીતકારો : જયદેવ- આર.ડી.બર્મન
ગીતકાર    : શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ    :૧૫- રીલ્સ
કલાકારો    :    મધુબાલા, સુનિલ દત્ત, નિશી, મીનુ મુમતાઝ, નઝીર હુસેન, પરવિન પૉલ, બિપીન ગુપ્તા, પાછી, કેશવ રાણા, ગૌતમ મુકર્જી, સુંદર, મંજુ, કૃષ્ણકાંત, શ્યામ કુમાર, કુંદન, દેવકુમાર, શૈલેન બોઝ અને મદનપુરી.

ગીતો
૧..યે ચંદા રૂસ કા, ના યે જાપાન કા...આશા ભોંસલે- મુહમ્મદ રફી
૨..ચાંદ સા મુખડા ક્યું શરમાયા... આશા ભોંસલે- મુહમ્મદ રફી
૩..જાનું જાનું રે કાહે ખનકે હૈં તોરા કંગના...આશા ભોંસલે- ગીતાદત્ત
૪.. ઓ મહેનતકશ ઇન્સાન જાગ ઉઠા... મુહમ્મદ રફી- સાથીઓ
૫..બાત બઢતી ગઈ ખેલ ખેલ મેં, લાખ ચાહા કે... આશા ભોંસલે
૬.. દેખો ક્યા ઇશારે હૈં બહારોં સે નઝારોં કે... આશા ભોંસલે
૭..આંખે ચાર હોતે હોતે હો ગયા પ્યાર... આશા ભોંસલે

આ ફિલ્મ 'ઇન્સાન જાગ ઉઠા'' તો બર્મન દાદાના નામ પર જોઈ લીધી. એના બે-ત્રણ ગીતો એ વખતની જેમ આજે ય મધૂરા લાગ્યા ને એમાં ય, દાદાની ધૂનો એ સમયના શંકર- જ્યકિશન કે નૌશાદના સંગીતની બરોબરીએ ઊભી રહેતી અને આજ સુધી એ ધૂનો ટકી રહી. 'ચાંદ સા મુખડા ક્યું શરમાયા..' એ આશા-રફીનું યુગલ ગીત મજા કરાવી મૂકે છે-ખાસ તો દાદાએ ગીતના અંતરાઓના 'ઑબ્લિગેટો'માં વાંસળીનો મનોહર ઉપયોગ કર્યો છે, એ આપણા ઍકચ્યૂઅલ દાદાજી ચશ્મા ચઢાવીને છાપું વાંચતા બેઠા હોય ને પાછળથી ૫-૬ વર્ષનું બાળક છાનુંમાનું અડપલું કરીને ખિસકી જાય ને પાછું આવે, એવો ઑબ્લિગેટો દાદા બર્મને ફલ્યૂટ પાસે કરાવ્યો છે જેમ કે, 'યે ભીગે નઝારે.. (ફલ્યુટનો નાનકડો પીસ), કરતે હૈં ઇશારે (ફરી ફલ્યૂટ)..' તુઝકો રે સાંવરીયા (ફલ્યૂટ)' એમ મૌજ કરાવી દે છે, દાદા ! તો આશા-ગીતાદત્તાના 'જાનું જાનું રે કાહે ખનકે હૈ તોરા કંગના..'માં રિધમનો ઉપયોગ બન્ને ગાયિકાઓની મસ્તીખોરી સાબિત કરે છે કે, ફિલ્મનગરીના સૌથી વધુ ઉંમરલાયક દાદા બર્મનમાં દરેક ઉંમરે એક તોફાની બાળક જીવંત હતું.

સંગીત સચિનદેવ બર્મનનું અને લતાનું કોઈ ગીત જ નહિ ? એ સવાલ તમને થવો જોઈએ અને થાય... તો મારે જવાબ આપવો જોઈએ કે, ૧૯૫૮-થી '૬૨ સુધી લતા-બર્મનદા વચ્ચે ટોટલ અબોલા રહ્યા હતા. પણ કાકાની સુપર્બ હાઈટ તો જુઓ... લતા ઓર નો લતા.. આ ચાર વર્ષના ગાળામાં દાદાએ કેવા કેવા ગીતો આપ્યા છે ! ફિલ્મોના નામ જુઓ તો મારે એમના જાણિતા ગીતોના મુખડા નહિ લખવા પડે ! ( એ ન ભૂલતા કે રાજ કપૂર પાસે એના ગીતો એના જ કંઠે અનુક્રમે ફિલ્મ 'દિલ કી રાની'અને 'ચિત્તોડ વિજય'માં દાદાએ ગવડાવ્યા હતા. બન્ને ફિલ્મો '૪૭-ની પેદાશ છે.) લાજવંતી, ચલતી કા નામ ગાડી, પ્યાસા, કાગઝ કે ફૂલ, સુજાતા, ઇન્સાન જાગ ઉઠા, મીયાં બીબી રાજી, બેવકૂફ, અપના હાથ જગન્નાથ અને બાકીની બધી દેવ આનંદની ફિલ્મો સોલવા સાલ, નૌ દો ગ્યારહ, કાલા પાની, બાત એક રાત કી, મંઝિલ, બમ્બઈ કા બાબુ, કાલા બાઝાર, એક કે બાદ એક...! આમાં લતા મંગેશકરની જ હવા બગડી ગઈ. એક તો બર્મનદાના ગીતોની લોકપ્રિયતા અને ગુણવત્તામાં માઈનસ-લતા કોઈ ફેર પડયો નહોતો અને ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો લતાના બધા ગીતો એની બહેન આશા ભોંસલે, સુમન કલ્યાણપુર અને ગીતાદત્ત ('ગીતા'અને 'દત્ત' જુદા એટલે નથી પાડયા કે, દત્ત એની અટક નહોતી. અટક તો એના વરજીની 'પદુકોણ'હતી.) લઈ જતી હતી, એ પોસાય નહિ એટલે લતાએ સામે ચાલીને ફિલ્મ 'બંદિની'માં 'મોરા ગોરા અંગ લઈ લે' એ ગુલઝાર લિખિત પ્રથમ ગીત દ્વારા ગઢપ્રવેશ કર્યો.. અફ કૉર્સ, દાદા તો તૈયાર જ હતા. 'ડૉ.વિદ્યા'નું 'પવન દીવાની, ન માને મોરા ઘૂંઘટા..'થી લતાએ બર્મનગઢમાં પુન:પ્રવેશ કર્યો હતો, એ વાત સાચી નથી. લતાની ગઢવાપસીની એ ફિલ્મ 'બંદિની' હતી.

એ જમાનામાં ફક્ત ગુંડાગર્દી ઉપર આધારિત ફિલ્મો જ (એમાની મોટા ભાગની ફિલ્મોનો હીરો અશોક કુમાર...!) બનાવનાર બંગાલી નિર્માતા- દિગ્દર્શક શક્તિ સામંતે આ ફિલ્મ થોડીક સૅન્સિબલ અને મૅસેજવાળી બનાવી હતી. 'આરાધના' પછી એમની કુંડળી જ બદલાઈ ગઈ અને ખાસ તો રાજેશ ખન્નાને લઈને આદર્શ ફિલ્મો બનાવવા માંડી. વચમાં શમ્મી કપૂરનું શક્તિ-ફિલ્મોમાં એકહથ્થું શાસન ચાલ્યું હતું.

ફિલ્મ 'ઇન્સાન જાગ ઉઠા'ની વાર્તાના અંશો આવા છે.
સુનિલ દત્ત દોઢ-બે લાખનું સોનું લઈને ભાગતા પકડાય છે ને ત્રણ વર્ષ માટે 'અંદર' થઈ જાય છે. પણ ભાગતા ભાગતા સોનાની એ બૅગ કોઈ વૃક્ષની નીચેની ઝાડીમાં સંતાડી દે છે. છુટયા પછી બૅગ લેવા એ વૃક્ષ પાસે જાય છે તો ચોંકી જાય છે કે, કોઈ આખું ઝાડ જ ઉઠાવી ગયું છે. તપાસ કરતા ખબર પડે છે કે, નવા બંધાતા ડૅમ પર મજૂરણ બાઈ તરીકે કામ કરતી મધુબાલાના ઘરના કમ્પાઉન્ડમાં એ ઝાડ આવી ગયું છે. એ ત્યાં કેવી રીતે આવ્યું, એનો કોઈ ખુલાસો ફિલ્મના દિગ્દર્શકે કર્યો નથી. એ આપણે શોધી લેવાનો. એની બૅગ કરતા મધુબાલા માટેનો 'જીઍસટી' ઓછો લાગશે, એમ માનીને પ્રેમમાં પડી જાય છે. વિલન મદન પુરી અને તેના બે ગુંડા સાથીદારોને બધી ખબર હોય છે અને એ સુનિલ દત્તને મારી- ધમકાવીને બૅગ હાંસિલ કરવા માંગે છે. બૅગ બચાવવા ઉપરાંત વચમાં ટાઈમ મળે ત્યારે સુનિલ દત્ત મધુબાલાને પ્રેમે ય કરતો રહે છે.

વચમાં વિલનો ટાંગ અડાવતા રહે ને છેવટે દરેક ફિલ્મની જેમ આનો ય સુખદ અંત આવે છે. અલબત્ત, એ જમાનાના દોઢ-બે લાખના સોનાની કિંમત આજે જેટલી થતી હોય એટલી, પણ એ સોનું પોતાનું ન કહેવાય અને ભારત છે... સરકારને પરત કરવું જોઇએ, એવા નૈતિક વિચારોને કારણે ફિલ્મનું નામ  'ઇન્સાન જાગ ઉઠા' રાખવામાં આવ્યું છે..... 'ઇન્સાન જાગ ઉઠા'.. પણ ઑડિયન્સ સો ગયા !

'મુગલ-એ-આઝમ'માં અમથો ચહેરા પરનો પરસેવો દૂર કરવા જેટલો ય મૅક-અપ નહિ કરનાર મધુબાલા અહીં સફેદ થપેડા સાથે આંખમાં ખૂંચે (એની નહિ, આપણી) એટલો ભારેભરખમ મૅક-અપ કર્યો છે. અહીં કમાલ તમને  કે.આસીફની દેખાય કે, આવી ઑલટાઈમ સર્વોત્તમ સુંદર સ્ત્રીનું પોતાનું રૂપ ઢોળાતું ઢોળાતું ફિલ્મના પરદા ઉપરથી સિનેમાની આપણી સીટ સુધી આવતું હોય, પછી બાહરી મૅક-અપની કોઈ જરૂર ખરી ? આસિફે પૂરી 'મુગલ-એ-આઝમ'માં મધુબાલા ઉપર કોઈ લપેડા લગાવ્યા વિના એને રૂપપરી બનાવી અથવા બતાવી છે. અહીં આ ફિલ્મમાં પણ પૂરા મૅક-અપ સાથે એ કોઈ સામાન્ય સુંદરી નથી જ લાગતી.. પરફૅક્ટ સુંદર દેખાય છે. ભેદ માત્ર કે આસિફ અને અહીં શક્તિ સામંત જેવા દિગ્દર્શકોની પેશકશનો છે.

મદનપુરીના ચમચા બનતા શ્યામકુમાર અને કૂંદન બહુ જૂના જોગીઓ. સુરૈયા સાથેનું મધુરૂં યુગલ ગીત 'તુ મેરા ચાંદ, મૈં તેરી ચાંદની' ગાનાર આ ખલનાયક શ્યામકુમાર હતો. અહીં એ બન્ને જણા મદન પુરીના પાળેલા ગુંડાઓનો રોલ કરે છે.

આ કુંદન સામાન્ય ઍક્ટર હતો, પણ ટિપીકલ વિલનનો ચેહરો હોવાથી '૫૦-'૬૦ના દાયકાની ફિલ્મોમાં એ છુટક છુટક દેખાતો રહેતો. તમારે એને જોવો હોય તો 'યૂ-ટયૂબ' પર ફિલ્મ 'હાવરા બ્રીજ'માં મુહમ્મદ રફીના 'ઇંટ કી દુક્કી પાન કા ઇક્કા, કહીં જોકર કહીં સત્તા હે...'ગીત ઘોડાગાડી ચલાવતો ઓમપ્રકાશ ગાય છે, એની બાજુમાં આ કુંદન બેઠો છે.

અસલી જીવનમાં આપણા લાડકા ખલનાયક કે. એન.સિંઘની ધર્મપત્ની પરવિન પૉલ હોટલની માલકીનનો રોલ કરે છે. ફિલ્મોમાં એ ય લલિતા પવારની જેમ હરકોઈ સાથે ઝગડતી રહે છે. ચરીત્ર અભિનેતા ઓમપ્રકાશનો નાનો ભાઈ પાછી આ હોટલમાં એના દોસ્તને લઈને આવે છે.

શરીરમાં ડબલ પણ બિલકુલ ઓમ જેવા દેખાતા આ પાછીને નામે એક રૅકોર્ડ છે, ભારતની પહેલી ૭૦ એમ.એમ.ની ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વલ્ડૅ'બનાવવાનો. રેકોર્ડ એ વાતનો ય ખરો કે, આ ફિલ્મના કેમેરામેન જી. સિંઘે ૩૫ એમ.એમ.ના કેમેરાથી ૭૦ એમ.એમ.ની આ ફિલ્મ સ્ટીરિયોફોનિક સાઉન્ડ સાથે ટેકનિકલરમાં ઉતારી હતી. ઇસ્ટમૅન કલર ઘણી સસ્તામાં પડે, પણ ટેકનિકલર રાજ કપૂરની 'સંગમ' અને દિલીપ કુમારની 'આન' ઘણી મોંઘી, પણ પરદા ઉપર કલર્સ દર્શાવવામાં એનો કલાસ જ જુદો છે.

યાદ રહ્યું હોય તો '૬૦-ના દાયકામાં ખાસ કરીને હોમી વાડીયા ગૅવા કલર કે ફયૂજી કલરની ફિલ્મો બનાવતા અથવા ફિલ્મના બે રીલ્સ આવા કલરમાં બનાવતા. આ પાછી રાજ કપૂરનો અંગત દોસ્ત પણ હતો. ફિલ્મ 'કન્હૈયા'માં મૂકેશના કંઠે 'યાદ આઈ આધી રાત કો, કલ રાત કી તૌબા..'માં 'સાકી મુઝે બતલા તો દે, મૂંહ ફેરકે મત હંસ...'માં શરાબના દેસી અડ્ડામાં રાજ કપૂરથી મુંહ ફેરવી લેનારો એ સાકી 'પાછી' હતો. 

નવાઈ કરતા આઘાત એ વાતનો વધુ લાગે કે, સુંદરતામાં હિંદી ફિલ્મોની કોઈ પણ હીરોઈનની બરોબરી કરી શકે એવી હીરોઈન નિશી શરૂઆતની થોડી ફિલ્મોને બાદ કરતા શા માટે સાઈડ- હીરોઈન કે વૅમ્પના કિરદારો કરવામાં ભરાઈ ગઈ હશે ? ફિલ્મ 'મૈં નશે મેં હૂં'માં લતાએ ગાયેલા કલાસિકલ- કમ-વૅસ્ટર્ન ગીત 'સજન સંગ કાહે, નેહા લગાયે..'માં નિશી રાજ કપૂરની સાથે કલબમાં ડાન્સ કરતી દેખાય છે.

પછી તો ધી ગ્રેટ પૃથ્વીરાજ કપૂર અને દારાસિંઘ સાથે એ ફિલ્મ 'લૂટેરા'માં આવી હતી. લક્ષ્મીકાંત- પ્યારેલાલના સંગીતમાં ગાયેલા આ ફિલ્મના ગીતો લતાના ચાહકોને કંઠસ્થ છે. ફાલતુ ફિલ્મોના નિર્માતા- દિગ્દર્શક રાજકુમાર કોહલી સાથે પરણીને તદ્દન ફલોપ ગયેલા હીરો અરમાન કોહલીની એ મમ્મી થાય.

આ ફિલ્મ 'ઇન્સાન જાગ ઉઠા'માં બારે માસ રોતડા ચરીત્ર અભિનેતા નઝીર હુસેનને પ્રેક્ષકો ઉપર દયા ખાઈને બહુ રોવા નથી દીધો. ડૅમના બાંધકામના ઍન્જીનીયર તરીકે ગૌતમ મુકર્જી છે ( જે ફિલ્મમાં સુનિલ દત્તની પુરાણી પ્રેમિકાનો પતિ બને છે.) એની પત્ની અને સુનિલની ભૂ.પૂ.પ્રેમિકા બનતી કલાકાર 'મંજૂ' છે.

કરણ દીવાનની (એની સ્ત્રૈણ્ય પર્સનાલિટી અને એવો જ અવાજ સાંભળીને કેટલાક એને 'કરૂણ' દીવાન કહેતા.) પત્ની મંજૂ પાછી જુદી. યસ. ૧૯૫૩માં મીના કુમારી- અશોક કુમારની ફિલ્મ 'પરિણીતા'માં મંજૂનો નાનકડો રોલ હતો. ને એના આસિસ્ટન્ટનો રોલ આપણા સુરતના ગુજરાતી એક્ટર કૃષ્ણકાંત(ભૂખણવાલા) છે.

પતલું શરીર, હાસ્યાસ્પદ ચેહરો બનાવવાની આવડત અને બન્ને હાથની કોણીથી પોતાની કમર ઉપર ઝટકા મારીને પાટલૂન ઊંચે ચઢાવવાનું એમનું 'મેનરિઝમ' પ્રેક્ષકોને ગમી જવાથી અન્ય બે-ત્રણ ફિલ્મોમાં ય દિગ્દર્શકોએ કૃષ્ણકાંત પાસે આ જ હરકત કરાવે રાખી હતી. ફિલ્મમાં એ અંગ્રેજોના જમાનાની 'પિથ હૅટ' પહેરે છે (જેને લોકબોલીમાં 'ખાખી ટોપો' કહેવાતું !)

મધુબાલા સાથે ગીતાદત્તના પ્લેબેકમાં 'જાનૂં જાનૂં રે કાહે ખનકે હૈં તોરા કંગના..'ગીતમાં મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ  છે.

ફિલ્મ ઍકચ્યૂઅલ લોકેશન આંધ્ર પ્રદેશના નાગાર્જુન સાગર ડૅમ ઉપર ઉતારવામાં આવી છે. પંડિત જવાહરલાલ નેહરૂના હાથે આ ડૅમનો શિલાન્યાસ થયો હતો. ડૅમનું બાંધકામ ઇ.સ.૧૯૫૫-માં શરૂ થયું  અને  ૬૭-માં પૂરૂં થયું એ દરમ્યાન એટલે કે '૫૯-માં આ ફિલ્મ બની. ડૅમનો કૉન્ટ્રાક્ટ આપણા ગુજરાતી પશાભાઈ પટેલ ઍન્ડ કું.નો હોવાથી ફિલ્મના ટાઈટલ્સમાં નિર્માતાએ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. ફિલ્મમાં સુનિલ દત્તનો દોસ્ત બનનારા 'રૉબર્ટ' અભિનેતા કેશવ રાણા છે.


નેપાળી હોવાથી દેવ આનંદની ફિલ્મ 'જ્વેલ થીફ'માં એને નાનકડો કિરદાર મળ્યો હતો. મોટા ભાગે હોટેલના રીસેપ્શન ઉપર બેઠેલા કલાર્કના એને રોલ મળતા. બહુ ઓછાને ખ્યાલ હશે કે, દેવ આનંદની ફિલ્મ 'બમ્બઈ કા બાબુ'માં હીરોઈન મધુબાલા હતી અને પ્રચાર- પુસ્તિકાઓ ઉપરાંત ફિલ્મના પોસ્ટરોમાં મધુબાલાના ફોટા મૂકવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ શું થયું, એ તો ખબર નથી, પણ મધુને બદલે સુચિત્રા સૅન આવી ગઈ. બર્મન દાદાએ રફી સાથે ખાસ મધુબાલા માટે આશાની તોફાની હરક્તો સાથે 'દીવાના મસ્તાના હુઆ દિલ જાને કહાં હે બહાર આઈ..' બનાવ્યું હતું, જે સુચિત્રાના ઘેરા અવાજને ક્યાંય માફક આવતું નહોતું. ખોટો પ્રચાર એવો કરવામાં આવી રહ્યો હતો કે, મધુબાલાએ એની ફિલ્મોના તમામ નિર્માતાઓને કહી દીધું હતું કે, એની બધી ફિલ્મોમાં પ્લૅ-બૅક (હીરો માટે નહિ, સાહેબજી..!) ફક્ત લતા મંગેશકરનું જ હોવું જોઈએ. રૅકૉડર્સ જોતા આ વાતને સમર્થન મળતું નથી. ફિલ્મ જુઓ તો ખાસ કોઈ નુકસાન થવાનું નથી અને નહિ જુઓ તો બા સિવાય કોઈ ખીજાવાનું નથી !

No comments: