Search This Blog

20/09/2017

સાચું હૅરિટેજ તો અમારૂં ખાડીયા છે

જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવ્યા, ત્યારે મોદીએ માણેક ચોકનું રાત્રિબજાર કે અમારૂં ખાડીયા બતાવ્યું હોત, તો જાપાનમાં, ખાડીયું, કેવી રીતે બનાવવું, એના સપનાંમાં એ જાપાનની બુલેટ ટ્રેનોને ભૂલી ગયા હોત !

કોઈ મજાક વગર પણ કહીએ તો ખાડીયા કેવળ અમદાવાદની જ નહિ, પૂરા ગુજરાતની શાન છે. બ્રિટિશ વડાપ્રધાનને ય પૂછવું પડયું હતું કે, what is this khadia ? દેશનો ઇતિહાસ લખવા બેસો ને એમાં ગુજરાત આવે ત્યારે અમદાવાદથી ય પહેલા ખાડીયાને યાદ કરવું પડે. આજે અમેરિકા- ઇંગ્લેન્ડમાં ય ગુજરાતીઓમાં સૌથી વધારે ખાડીયાવાળા રહે છે.

ખાડીયાની સર્વોચ્ચ સિધ્ધિ એ છે કે, છાપામાં છેલ્લે પાને આવતી બેસણાંની જા.ખ.માં સ્વર્ગસ્થના સરનામાંમાં ખાડીયાની કોઈ પોળનું સરનામું છે કે નહિ, એટલું જ વાંચી લેવાનું. પછી એ જોવાની જરૂર નહિ કે સ્વર્ગસ્થ વીરમતીબેન કે એમના ફૅમિલીને તો આપણે ઓળખતા નથી, પણ સરનામામાં 'મોટો સુથારવાડો' છપાયું છે, એટલે બેસણું ભરચક થઈ જવાનું. લગભગ '૮૦ કે '૯૦ પછી તો ખાડીયાના જૂના વાસીઓ તો બોપલ, પ્રહલાદનગર કે મણીનગર રહેવા ચાલ્યા ગયા અને સારા પ્રસંગે ન જાઓ તો ચાલે, પણ બેસણામાં જવાનું હોય તો અમારા ખાડીયાવાળા કોઈને ટ્રાફિક, અંતર કે તબિયત ન નડે. એવા તો અનેક બેસણાં હશે, જેમાં બેસણે આવનાર તો સ્વર્ગસ્થને નામથી ય ઓળખાતો ય ન હોય ! બસ, સ્વર્ગસ્થ ખાડીયાનો હોવો જોઇએ.

જૂનું અમદાવાદ જ હતું ય કેવડું ? પૂરા શહેરમાં માંડ ૧૭-૧૮ સિનેમાઓ. ચેતના, યમુના, મૈસૂર કાફે, મદ્રાસી બ્રાહ્મણીયા હોટલ અને સારી બે જ ઍર કન્ડિશન્ડ હૉટલોમાં રીલિફ સિનેમાની બાજુમાં ર્ક્વાલિટી અને એની સામે 'નીરો'' ગાડી તો બહુ દૂરની વાત છે કે પૂરા શહેરમાં બધું મળીને ૨૦-૨૫ કારો માંડ હતી, ત્યાં સ્કૂટરો તો હજી આવ્યા ય નહોતા. બ્રાન્ડ ન્યુ વૅસ્પા રૂ.૩,૦૦૦/- માં અને લૅમ્બ્રેટા એનાથી ય એકાદ હજાર ઓછામાં.
લોકો થોડા થોડા પૈસા ભેગા કરીને ત્રણ હજારનું વૅસ્પા છ હજારમાં વેચતા ને ઘણું કમાયા. ખાડીયા ચાર રસ્તે ઘોડાગાડીનું સ્ટૅન્ડ હતું, રોહિત હોટલ પાસે તો એવું બીજું સ્ટૅન્ડ ભદ્રકાળીના મંદિરની સામે પ્રેમાભાઈ હૉલ પાસે. એની સામે એસ.ટી.બસ સ્ટેશન હતું એ તો કોઈ માનશે ય નહિ ! જગતભરની સૌ પ્રથમ ડબલ-ડેક્ર મૂતરડી ગાંધી રોડના ફર્નાન્ડીઝ બ્રીજ ઉપર હતી.

(ઉપર જઈ આવીને એક આંટો નીચે ય મારવાનો, એવું નહિ... પણ નીચે માણેક ચોકમાં આવનારાઓને ઉપર ધક્કો ખાવો ન પડે કે ત્યાં સુધી રહેવાય પણ નહિ, માટે આવી સગવડ કરવામાં આવી હતી. રસ્તો બતાવનારા ય માપ મૂતરડીનું જલે,''અહીંથી સીધા જશો,એટલે બે મૂતરડી આવશે-એક નાની, એક મોટી'... ઊહું.. ફૂટપાથવાળી નહિ ગણવાની ! બસ, સામે છેલ્લી આવે ત્યાં તમારૂં લાલ દરવાજા આવી જશે.''

એ જમાનામાં 'જહાં શૌચ, વહી શૌચાલય'જેવા પાટીયાં નહોતા માર્યા. આજે પાટીયાં બધે છે, પણ શૌચાલય એકે ય નથી.

અમે તો અડધી જીંદગી ખાડીયામાં કાઢી, પણ યાદ નથી કે કોઈ પોળ પોળ વચ્ચે નાનકડો ય ઝગડો થયો હોય, મારામારી તો બહુ દૂરની વાત છે.પોળોના નામ સાથે એના અર્થને કોઈ લેવાદેવા નહિ. અમારી ખત્રી પોળમાં એકે ય ખત્રી રહેતો નહતો. અમારી ખત્રી પોળમાં એકે ય ખત્રી રહેતો નહતો. વેરાઈ પાડામાં વેરાઈ માતાનું વાહન પાડો હતો કે નહી, તેની તો ખબર નથી પણ સામે પાડા પોળમાં ભલે શરીરે જોરદાર હોય, તો પણ પાડો કોઈ રહેતો નહતો.

એની જેમ મામુ નાયકની પોળ ભૌગોલિક દ્રષ્ટિએ ખાડિયાની ન કહેવાય, પણ એ બન્નેની વચ્ચે ઘુસી ગયેલી રાજા મેહતાની પોળવાળા ય પોતાને ખાડીયાવાળા માનતા. આ બાજુ ધોબીની પોળ અને દેસાઈની પોળ ખાડીયાના નાક-કાન ગણાતા. જેઠાભાઈની પોળ નાની કઈ રીતે, એ તો કોઈને ખબર નથી. પણ 'નાના' નહિ, 'નાની' જેઠાભાઇની પોળ છે. જેઠાભાઇની જાતિ બદલી નાંખી.

ગોટીની શેરીમાં ગોટી ક્યાંથી આવી અને પોળ હોવા છતાં આધાર-કાર્ડમાં 'શેરી' કઈ કમાણી ઉપર લખવું પડતું, એ તો એના જૂના રહેવાસીઓને આજે ય ખબર નથી. અમૃતલાલની પોળ કોઈ અમૃતલાલે બનાવી હશે એવું નથી, ત્યાં કોઈ અમૃતલાલ રહેતા હશે અને હિસાબ- કિતાબ ચોખ્ખો રાખતા હશે, એટલે નામ કુર્બાન !

એવા જ કોઈ શેઠ મણિયા શાહ હશે, એટલે એમના નામે પોળ, પણ સોનીના ખાંચામાં તો સોનીઓ રીતસર રહેતા હતા. પણ સ્વ.તારક મહેતા રહેતા, એ ઝૂમખીની ખડકીવાળી આ ઝૂમખી કોણ ? અર્જુનલાલની ખડકી એક ખડકી જેવડી જ પોળ. પિપળા શેરીમાં કોઈ દસેક હજાર વર્ષ પહેલા પિપળો હશે પણ કવિશ્વરની પોળમાં કવિ એકે ય નહતો, એટલે પોળ ઘણી સન્માનપાત્ર બની.

લોકો એમાં જવાની હિમ્મતો કરી શકતા કે, કોઈનું કાંઈ (ગઝલ, કવિતા, અછાંદસ કે હાઈકુ) સાંભળવું નહિ પડે. સામા ગુંડાઓ સિવાય કદી કોઈને નહિ નડેલો 'ટેંગલા દાદા' પણ બાલા હનુમાનની પેદાશ. સેવકાની વાડીમાં સુંદર દાદા, શ્રીરામજીની શેરીના ભરત દાદા અને ભાણસદાવ્રતની પોળના કમલ દાદા. આટઆટલા દાદાઓ છતાં પૂરા ખાડીયામાં એમની કોઈ બીક નહિ.. હા, બહારના ગુંડામવાલીઓ એમને કારણે ડરતા.

ને આ ચારે ય ને કારણે કોઇ ગુંડો ખાડીયામાં આવી નહતો શકતો. ગોલવાડને કારણે કૌમી રમખાણોમાં પૂરૂં ખાડીયા સલામત રહેતું, એવી ગોલાઓની ધાક. મૂળ કોઈ જૈન શ્રેષ્ઠી 'ફતા શાહ'ના નામનું અપભ્રંશ કરીને 'પતાસાની પોળ' થઈ ગયું. હિંગળોક જોશીની પોળ નામ પડતા તો પડી ગયું પણ એ પછી પૂરા ગુજરાતમાં કોઈ જાશીએ પોતાના દીકરાનું નામ 'હિંગળોક' પાડયું નથી.

કોઠારી પોળમાં તો અમારૂં રીસેપ્શન યોજાયું હોવાથી અત્યારે એ યાદ કરતા ફફડી જવાય છે. સારંગપુર ખાડીયાના પહેલા ખોળાનું કહેવાય, એટલે લાખીયાની પોળના માનપાન પૂરા ખાડીયામાં ખરા. તળીયાની પોળલાંબી થઈથઈને સારંગપુરની ય બહાર નીકળવા જતી હતી, પણ ખાડીયાવાળાઓએ રોકી લીધી.

પાડો નામનું જાનવર હોય છે, પણ પહોળો પાડો હોઈ શકે, પણ લાંબો પાડો અને એની ય પોળ તો ખાડીયાના જુડવા ભાઈ રાયપુરમાં જોવા મળે. એક રેકોર્ડ મોટા અને નાના સુથારવાડાને નામે પણ છે કે, પૂરા શહેરમાં બિલકુલ સામસામે બે પોળો પડતી હોય, એવો તો પૂરા શહેરનો આ એક જ દાખલો છે. શોભારામ સુરતીની પોળના સાઈબાબાના મંદિરમાં દર ગુરૂવારે મોટા અંબાજી જેટલી ભીડ ભક્તોની થતી.

આજે જેના વગર ગુજરાતભરની સ્ત્રીઓને ચાલતું નથી. તે પાણી-પુરીની ગુજરાતભરમાં શરૂઆત ખાડીયામાં થઇ હતી. ફાફડા- જલેબી પણ પૂરા ગુજરાતને ખાડીયાએ આપ્યા. ગાંધી રોડ પર ખત્રી પોળને નાકે વિદ્યારામ નામનો ભૈયો અને ધોબીની પોળને નાકે મોટી લારીવાળો ભૈયો ખૂબ વખણાતો.

જેઠાભાઈની પોળ સામે હીરાલાલ નામના સિંધીના બરફના ગોળા એ જમાનાના ખાડીયાવાસીઓ હજી ભૂલ્યા નથી. ગોળો ત્રણ પૈસાનો હોય ને એની ઉપર આઇસક્રીમની ચમચી અડાડે તો પાંચ પૈસાનો. પૂરા ખાડીયાને શાકભાજી જમાડવાની જવાબદારી 'છન્નુભૈયા'ની હતી.

વનિતા વિશ્રામ અને રા.બ.રણછોડ ગર્લ્સ સ્કૂલની છોકરીઓને જેઠાભાઈની પોળની સામે લારી લઈને ઊભા રહેતા વાડીલાલ(વાડીયો)ના ખારા, ખાટાં અને તીખા આંબોળીયા બહુ ભાવતા. આ લખનારની મમ્મીએ ગોટીની શેરીને નાકે હરિરામની દુકાનેથી તેલ લાવવાનું કહ્યું, ત્યારે રૂ.૨.૪૦ પૈસે તેલ મળતું, પણ યાદ છે કે, તેલના ભાવ રૂ.૨.૫૦ થઈ ગયા, ત્યારે પૂરા ખાડીયાની ગૃહિણીઓએ બુમરાણ મચાવી દીધી હતી. અમદાવાદના સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ કે વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ રમવા આવે તો ૧ અથવા ૧/એ લાલ બસમાં બેસીને લાલ દરવાજા જવાનું અને ત્યાંથી સ્ટેડિયમ પહોંચવા આખા લાલ દરવાજે દોરડાં બાંધતા, જેથી લાઈનસર બધા જઈ શકે. ગાંધી રોડ પરની મોડેલ ટૉકીઝમાં મહાન ગાયક કે.એલ.સાયગલની ફિલ્મ 'શાહજહાં' આવી ત્યારે સાયગલ સાહેબ ચાલતા ખાડીયાનો આંટો મારવા નીકળ્યા હતા.

શ્રી મહાદેવજીના ખાડીયા જેટલી સંખ્યામાં મંદિરો બીજે ક્યાંય નથી. એ વખતના જૈનો પતાસાની પોળની સામે આવેલા જૈન દેરાસરથી સંતોષ માનતા, પણ રોજ સાંજે ખરી ભીડ સારંગપુરના રણછોડજીના મંદિરે થતી. દર્શન કરી લીધા પછી બે ઘડી એના ઓટલે બેસવાનો પરમ આનંદ આવતો, તો ઘણા કાકાઓ એ ઓટલે બેસીને કાકીઓ જોઈને રાજી થતા.

તોફાનો રમખાણો માટે ખાડીયાને પહેલેથી જ બદનામ કરવામાં આવતું, પણ ખાડીયા હંમેશા પ્રજાના હક્ક માટે લડયું છે, એ બહુ ઓછાને ખબર હશે. રાયપુરમાં અંગ્રેજ અમલદારની કાર ઉપર સુથળી-બોમ્બ ફેંકનાર પણ ખાડીયાવાસી જ હતા.

હૅરિટૅજનો સાચો દરજ્જો તો ખાડીયાને આપવો જોઈએ... સુઉં કિયો છો ?

સિક્સર
જાપાનના વડાપ્રધાને દર અઠવાડીયે અમદાવાદ આવવું જોઈએ... ખાડીયા, બોપલપ્રહલાદનગર, સેટેલાઈટ, બાપુનગર કે ચમનપુરા જેવા સેંકડો વિસ્તારોના રસ્તા તો સુધરી જાય !

1 comment:

Yours potentially said...

Please continue to write about old ahmedabad. it helps us ex-pats to reminisce our childhood days in beloved city.