Search This Blog

27/09/2017

ધ રીટર્ન ઑફ તિતિક્ષા

તિતિક્ષા ફ્લૅટમાં એકલી રહેતી હતી. મમ્મી-પાપા મોરબીમાં. કોકવાર આવે જાય વળી. પણ તિતિક્ષાની અમદાવાદમાં બૅન્ક-મૅનેજરની નોકરીને કારણે એનાથી મોરબી બહુ જવાય-અવાય નહિ. પેલા બે ના ય આંટા આવી ગયા હતા એટલે ક્યારે ઢફ્ફ થઇ જાય, કહેવાય નહિ.

ડોહા-ડોહી ના ય બાપ થાય એવા હતા. જીદ્દી બહુ. અઢાર વર્ષથી જઉં-જઉં કરતા'તા... જતા નહોતા... તિતિક્ષાનો ય વાંક શું ? એફ.ડી. હોય ને પાકે તો નવી ય લેવાય... પાપા-મૉમમાં શું કમાવાનું ?

તિતિક્ષા સખ્ત ગરમ મિજાજની અને સ્વાવલંબી સ્વભાવને કારણે બીજાઓ કરતા પોતાના પ્રેમમાં પહેલી પડી ગયેલી. એ જાણતી હતી કે, તે માત્ર 'પરફૅક્ટ-ટૅન' વાળી સુંદર જ નથી, એના ડ્રેસીઝ પણ પૅરિસ જઇને લઇ આવતી.દર વર્ષે એક આંટો પૅરિસ હોય. પૅરિસનું પરફ્યુમ-માર્કેટ તિતિક્ષાથી વધુ મહેંકે છે, એવું ત્યાંના પરફ્યૂમ-ડીલર્સ કહેતા હોય... આને ચણાના ઝાડ પર ચઢાવવા. બૅન્કની નોકરી તો એ શોખથી કરતી હતી.

બૅન્કમાં એને નાનકડો ફાયદો હતો. એ બધાથી ફક્ત એની લાઈફ-સ્ટાઇલને લીધે જુદી તરી આવતી. સ્ટાફમાં તો કોઇના કપડાંમાં ઠેકાણા ન હોય. ફૅશન તો દૂરની વાત છે. દુનિયા આટલી આગળ વધી ગઇ તો ય માથે તેલના ડબલાં રેડીને આવનારી સ્ટાફવાળી ક્લાર્ક-ઓફિસરો હતી.

બૅન્ક-મેનેજમેન્ટને એક ફાયદો કે આવી તેલસુંદરીઓ પાસે કસ્ટમરો ય દોઢ મિનિટથી વધારે ઊભા ન રહે એટલે બહુ ભીડ ન રહે. આવી એક તેલસુંદરી ઑફિસરની પાછળ કોક ચાંપલાએ સરકારનું 'જહાં શૌચ, વહાં શૌચાલય'નું પાટીયું લગાવી દીધું હતું.

તિતુએ હજી લગ્ન કર્યા નહોતા. કરવા જ હોય તો બૅન્કનો ઈવન પરણેલા સ્ટાફે ય રોજેરોજ પરણવા તૈયાર હતો, પણ બેનની સોચ જરા ઊંચી. (પ્રૂફ રીડર, ધ્યાન રાખજો. અહીં 'સોચ'માં '' લખાઈ ન જાય !) છોકરી બિલકુલ અપ-ટુ-ડેટ, ઇંગ્લિશ બ્રિટિશ ઍક્સેન્ટ (ઉચ્ચાર)નું બોલે, ઢીંચણ સુધીની મિડી તો બૅન્કના પુરૂષ સ્ટાફથી ન પહેરાય, પણ છોકરીઓ માટે એવો કોઈ કાયદો નથી.

સ્ટાફ પોતપોતાની રીતે મનમાં રોજ પ્રાર્થના કરતો હોય કે, મિડી પહેરવાની છુટ પૂરા બૅન્ક-જગતમાં તિતિક્ષા સિવાય કોઈ મહિલાને મળવી ન જોઇએ.... આવા શૅઇપમાં પગ તો ભગવાને બનાવવાના ય બંધ કરી દીધા છે. છુટ મળે તો હમણાં બૅન્કની કૅશિયર ઢમઢોલ કાદંબરીબેન (કાદુ) રોજ મિડાઓ પહેરીને આવે.

એની પાસે મિડીઓની તો બહુ બધી વૅરાયટી છે, એ સાબિત કરવા કાદુડી એક સાથે તત્તણ મિડીઓ પહેરીને આવે એવી છે. આપણામાંથી તો કોઈ નેહરૂ બ્રીજની પાળીએ ઊભા રહી વાંકા વળીને જોયા ન હોય એટલે ખ્યાલ ન આવે કે, બ્રીજના બે થાંભલા ઉખાડીને કાદુબેનને વાપરવા આપ્યા હોય એવું લાગે.

... ને આ બાજુ તિતિક્ષા... ઓ મ્મી ગૉડ, ફ્લાવર-વાઝમાંથી ફૂલની બે કળીઓ વાંકી વળીને બહાર નીકળી હોય એવા પગ એ સોફા ઉપર બેઠી હોય ત્યારે લાગે. એ જ સોફા ઉપર કાદુ બેઠી હોય તો શ્રી. જગન્નાથજીનો હાથી છુટો મૂક્યો હોય એવું લાગે. કોઈ પંખો ચાલુ કરો !

બ્રાન્ચમાં કામ કરતો ઇવન સારા ઘરનો સ્ટાફ પણ ઇચ્છતો કે આજે નહિ તો કાલે તિતુના શર્ટનું ઉપલું બટન કોક 'દિ તો તૂટશે... તો શું કે, સાંધી આપવાની રીકવૅસ્ટ કરવા જઇ શકાય... મનમાં કોઈ પાપ નહિ ! આવા કામોમાં તિતુને હૅલ્પ કરવા ઇવન બીજી બ્રાન્ચોનો સ્ટાફે ય તૈયાર. એ વાત જુદી છે કે, સાલી તીખી એવી હતી કે, અમથી ફૉર્માલિટીમાં ય હૅલ્પ-બૅલ્પ માટે કાંઈ પૂછવા જાઓ તો તડાક કરતી સંભળાવી દે, 'ગો ઍન્ડ માઇન્ડ યૉર બિઝનૅસ...'

પણ આ વખતે તિતુને કોઇની મદદની જરૂર પડી હતી.

કહે છે કે, બૅન્ક જેવી કંટાળાજનક નોકરીઓમાં, જોઇને રોજ બે ઘડી રાજી થતા રહેવાય, એવો લૅડીઝ-સ્ટાફ તો જોઇએ જ ! નહિ તો પૅન્ગ્વિન પક્ષીની ચાલે આવતી કસ્ટમર ડોસીઓને જોઇને શું કાંદા કાઢવાના ! બન્ને કમરો ઝલાઈ ગઇ હોય એટલે ગુજરાતણો મોટી ઉંમરે હાલકડોલક જ ચાલી શકે છે... એવીઓ પાછી બૅન્કમાંથી હજી રીટાયરે ય ન થઇ હોય ! નવા લોહીને ચાન્સ આપવાની તો આ દેશમાં વાત જ નથી. આ તો એક વાત થાય છે !

મદદની જરૂર હવે પડી હતી.

તિતિક્ષાનો એક લક્ઝુરિયસ ફ્લૅટ હતો. એના ચોથા માળે ગોદરેજનું કબાટ ચઢાવવાનું હતું. લિફ્ટમાં આવે નહિ અને બહારથી ટીંગાટોળી કરીને લઇ જવાય એવું નહોતું. રીસેસ-ટાઈમમાં એણે પારેખને બોલાવ્યા. વગર બોલાવે પૂરા ઉત્સાહથી સ્ટાફના બીજા ત્રણ-ચારે ય ઘુસી આવ્યા. કામ તિતુને હતું એટલે આ વખતે ગુસ્સે ન થઈ.

'પારેખ, તમે આપણા સ્ટાફના ત્રિવેદી, ચાવડા, મંકોડી અને ખાસ તો... (જરા હસી પડીને) દુધીયાને લઇને મારા ફ્લેટ પર આવશો ? એમનું શરીર ભારેખમ છે, તો વધારે મદદમાં આવી શકશે. ઍકચ્યૂઅલી, મારૂં નવું કબાટ આવ્યું છે, તે ઉપર ચઢાવવું છે. તમે આવશો તો મને જરા ટેકો રહેશે... આમ તો --'

ટેકાની વાતમાં ચારે ય કૂદ્યા, 'ઓહ મૅડમ, એમાં પૂછવાનું હોય ? તમે ત્યારે મારા ખભે બેસી જજો... છેક ચોથા માળ સુધી--'

'શટ અપ... ચાવડા, બોલવાનું ભાન રાખો. મારે કબાટ ચઢાવવા તમારી મદદ જોઇએ છે...'

ફ્લેટના ગ્રાઉન્ડ-ફ્લોરના કમ્પાઉન્ડમાં (સૉરી, કમ્પાઉન્ડ તો ગ્રાઉન્ડ-ફ્લોરનું જ હોય... ત્રીજા-ચોથા માળનું ના હોય !) બૅન્કનો પૂરો પુરૂષ સ્ટાફ બાંવડા દબાવતો ઊભો છે. બાજુના ટૅમ્પામાં કબાટ ઊભું છે. એ વાત જુદી છે કે, ઉપસ્થિતોમાંથી એકે ય નું ધ્યાન ટૅમ્પા કે કબાટ ઉપર નથી.

મૅડમ સૂચના આપે (અને 'મને પહેલી આપે') એવી રાહો જોઇને બધા ઊભા છે. બધા દૂધીયાની રાહ જોઇને ઊભા હતા. બે કલાક માટે સાયકલ ભાડે લઇ આવવાની હોય એમ દુધીયાને મંકોડી આ કબાટ માટે લાવવાનો હતો.

''મને નહિ ફાવે, ત્રિવેદી. આટલું મોટું કબાટ હું એકલો--''

''બે, શું નહિ ફાવે ? તિતુના ફેમિલીને મહીં બેસાડીને કબાટ ચઢાવવાનું નથી...! અને અમારા બધામાં સૌથી સ્ટ્રોંગ તું એકલો છે... તને તો મૅડમે ખાસ બોલાવ્યો છે.'' મંકોડી બોલવામાં તો મીઠો હોય !

દોરડાં મંગાવવામાં આવ્યા. આ લોકો સ્મશાનમાં અંધારી રાત્રે કોઈ લાશ બાંધતા હોય, એમ કબાટને દોરડાં બાંધવા માંડયા... પાછું કોક બોલ્યું ય ખરૂં, ''મોઢું ઉત્તર તરફ કે દક્ષિણ તરફ રાખવાનું ?'' ફ્લેટના ચારેચાર માળ ઉપર સ્ટાફના બબ્બે જણા દોરડું ખેંચવા ઊભા રહી ગયા હતા... થૅન્ક ગૉડ, ફ્લેટમાં ભોંયરૂં નહોતું !

તિતુ તો કબાટને હાથે અડાડવા ય નહોતી આવાતી... આવે તો એકાદ વખત એને અડી તો જવાય!  પછી 'સોરી' બોલીને 'હોં' ક્યાં નથી બોલાતું ? આ તો એક વાત થાય છે. (કામ પતી ગયા પછી આપણા ખભે હાથ અડાડીને 'થૅન્ક યૂ-હોં' બોલવાનો વારો તિતુનો કહેવાય... પણ આપણને તો પહેલાવાળા 'સોરી- હોં'માં જ સંતોષ !)

દોરડાં ટાઈટમટાઈટ બંધાઈ ગયા પછી તિતુએ ઓકે કહ્યું એટલે પહેલા માળની બાલ્કનીમાં ઊભા રાખેલા ચાવડા અને મંકોડી તો શું જાણે સુકવવા મૂકેલો સાડલો ઉઠાવવાનો હોય એટલી આસાનીથી કબાટ ઊંચુ કરવા ગયા. મૅડમે કીધું કે, આમાં બે જણનું કામ નથી. બીજા બે ઉપર જાઓ અને સરખે ભાગે દોરડાં ખેંચો.

એવા સરખા ભાગ કરવામાં ખેંખોટી સાઇઝનો ચાવડો તો બાલ્કની માર્ગે જ ઊલળીને હેઠો આવ્યો. બહુ વાગ્યું નહિ-અથવા એવું એણે બતાવ્યું નહિ... તિતુને કેવું લાગે ? એ પાછો ઉપર ગયો.કબાટ તો પહેલા માળ સુધી ઉપર આવ્યું. અહીં દુધીયાને જરૂર પડે.

બાકીના ત્રણ બીજા માળે જાય ત્યાં સુધી દુધીયો એકલે હાથે કબાટ પકડી રાખે... રાખ્યું ય ખરૂં અને બાલ્કનીનો લોખંડનો કઠેડો નીચેની તરફ વળ્યો ય ખરો પણ દુધીયો અડીખમ હતો. પારેખ આમ સીધો માણસ પણ માણસે એટલા સીધા ય ન રહેવું જોઇએ કે, આવું ભારે વજન ખેંચવાનું આવે ત્યારે પૅન્ટ તદ્દન ઢીલું થઇને પોતાનું મૂળ સ્થાન છોડવા માંગે ! પારેખના એક હાથમાં દોરડું ને બીજા હાથમાં પૅન્ટ... જીવનમાં પહેલી વખત પૅન્ટનો ભાર વધુ લાગ્યો.

બેમાંથી એકે ય હાથ છુટો મૂકાય એમ નહોતો કે બાજુમાં મોટે મોટેથી ''હઇસો-હઇસો'' કરતા ત્રિવેદીને ય બેમાંથી એક પકડી રાખવાનું કહેવાય એવું નહતું. કમ્પાઉન્ડના બાંકડે બેઠી બેઠી મોબાઈલ પર વૉટ્સએપો વાંચતી તિતુ ત્રીજા માળની બાલ્કનીમાંથી ય કેવી મોહક લાગતી હતી. થૅન્ક ગૉડ... એના શર્ટનું ઉપલું બટન ખુલ્લું હતું. પેલા આઠે ય જણા નીચે જોઇને કબાટ ઉપર ચઢાવતા હતા, બોલો.

ત્રીજા માળે કોક ફ્લેટમાં વળી પાછી કોક તિતુની બહેન જ લાગે, એવી મનમોહિની છોકરી કમ્પ્યૂટર પર બેઠી હતી, એમાં આ લોકોનું ધ્યાન બાલ્કનીની બહારને બદલે અંદર જવા માંડયું. આ લોકોને બોરિવલી આવવા જેવું લાગ્યું. ઘડી બે ઘડી અહીં જ ચા-નાસ્તા કરીને ઉપર જોઇએ.

એ તો થેન્ક ગૉડ કે, નીચેથી તિતુનો ઘાંટો સંભળાયો કે, 'કેટલે પહોંચ્યું ?' ત્યારે વાત ઊંચી ગઇ એટલે કે ચોથા માળ સુધી ગઈ, જ્યાં તિતુ રહેતી હતી. ત્રિવેદીના ગગનભેદી 'હઇસો-હઇસો' વચ્ચે આખરે કબાટ તિતુના ફ્લેટે પહોંચ્યું. તિતુ હસતા મોંઢે તાત્કાલિક લિફ્ટમાં ઉપર આવી ગઈ. બધાની સાથે 'હાથ મિલાવીને' થૅન્ક્સ કીધા, એમાં આજના દિવસની મજૂરી તો નીકળી ગઈ, પણ સખ્ત હાંફ ચઢી જવાને કારણે એકેયમાં બોલવાના હોશ નહોતા.

બધા ફ્લોર પર ભીંતને ટેકે મંદિરની બહાર માંગણો બેઠા હોય, એવી લાચારીથી બેસી ગયા હતા... એકલો ત્રિવેદી સ્વસ્થ હતો. એને કોઈ હાંફ-બાફ ચઢ્યો નહતો. આવડો ઊંચો થઇ ગયો, ''ત્રિવેદી... આજે જ્હૉની વૉકર ઠોકીને આયો છે કે શું ? તને શેના શ્વાસ-બાસ નથી ચઢ્યા...?''

ત્રિવેદીએ રહસ્ય ખોલ્યું, 'બેવકૂફ... આવામાં આપણે તો 'હઇસો-હઇસો...ને 'જોર લગા કે હઇસાઆઆ...' જ બોલવાનું હોય... જોર બીજો લગાડે...' તિતુ ખડખડાટ હસી. પારેખ, દુધીયો, મંકોડી કે ચાવડાનું ત્રિવેદીનું ગળું દબાવી નાંખવાનો જોશ એટલે ન ચઢ્યો કે એ સાલો બધાને ઉલ્લુ બનાવી ગયો હતો, પણ એટલે ચઢ્યો કે, સાલાની આવી જોક ઉપર તિતુ-ડાર્લિંગ ખડખડાટ હસી હતી.'

'પણ મૅડમ... બીજા કબાટો કરતા આ કબાટ જરા ભારે લાગ્યું... કોઈ નવું નીકળ્યું છે ?' દૂધીયાએ પૂછ્યું.

'ઓહ નો...! ઈન ફૅક્ટ... કબાટ મોટું હતું તે મેં 'કુ.. ગૅસના બન્ને સીલિન્ડરો એમાં જ મૂકીને કબાટ ચઢાવડાવીએ...! થૅન્ક યૂ સો મચ...!!'

સિક્સર
એવો સમય પણ આવશે કે, 'કૌન બનેગા કરોડપતિમાં' એક વખત કેવળ અમિતાભ બચ્ચનનો ચહેરો દેખાડશે... બાકીની ૫૯ મિનિટ જાહેર ખબરો !

No comments: