Search This Blog

16/09/2017

'લાલ પથ્થર'('૭૧)

ફિલ્મ: 'લાલ પથ્થર'('૭૧)
નિર્માતા     : ફકીરચંદ મેહરા
નિર્દેષક     : સુશીલ મજુમદાર
ગીતકારો     : નીરજ, હસરત, દેવ કોહલી
રનિંગ ટાઇમ : ૧૭ રિલ્સ : ૨ કલાક ૨૮ મિનીટ્સ
થીયેટર     : રૂપમ (અમદાવાદ)
કલાકારો     : રાજકુમાર, હેમા માલિની, રાખી, વિનોદ મેહરા, અસિત સેન, રાધેશ્યામ, કેશન રાણા, મહેન્દ્ર, દેવ શર્મા, રણવીર રાજ, જી.એમ દુરાણી, ઉમા ખોસલા, પેઇન્ટલ, દુલારી, લીલા મીશ્ર, પદ્મા ખન્ના, જી.એમ. દુરાણી, મીના ટી., ચંદ્રમોહન, સુજાતા, લતા અરોરા, ચંદ્રિમા ભાદુરી, સુશીલ મજમુદાર (દિગ્દર્શક પોતે) શોભા, (અજીત, સપ્રૂ અન સંજના-મેહમના કલાકારોમાં)

ગીતો 
૧. આઆઆ...દિખાઉં તુઝે જન્નત કી શાન....    આશા ભોંસલે
૨. ઉન કે ખયાલ આયે તો આતે ચલે ગયે....    મુહમ્મદ રફી
૩. સૂની સૂની સાંસ કી સિતાર પર, ભીગે ભીગે....    આશા ભોંસલે
૪. ગીત ગાતા હૂં મૈં ગુનગુનતા હૂં મૈં....    કિશોર કુમાર
૫. રે મન સૂર મેં ગા, કોઇ તાર ન બેસૂર ન બોલે...    આશા-મન્ના ડે
૬. ફૂલોં સે મેરી સેજ સજાઓ, આજ મૈં લૂંગી....    આશા ભોંસલે
૭. કુરાન ખાની....    જી.એમ. દુરાની
(ગીત નં.૧-૨, હસરત જયપુરી, ,,૬ - નીરજ, ૪ - દેવ કોહલી)

દેવાધિદેવ ભગવાન શંકરની બાજુમાં મુલાયમસિંહને બેસાડયા હોય, એવો નજારો ફિલ્મ 'લાલ પથ્થર'માં 'જાની' રાજકુમારની સાથે વિનોદ મેહરાને જોઇને લાગે.

દર્શકોએ એ દિવસે એક ટાણું નહિ રાખ્યું હોય તે સારી એક્ટ્રેસ રાખી સાથે એક્ટ્રેસ તરીકે મોટા મીંડાસમી હેમા માલિનીને વેમ્પ (ખલનાયિકા) સ્વરૂપે જોવી પડી. પણ ખોટું નહિ કહેવાય ! કમ-સે-કમ આ ફિલ્મમાં હેમા માલિની એક એક્ટ્રેસ તરીકે બડી ખૂબસુરતીથી પેશ આવી છે.

આમ, એની ગણતરી એક 'અભિનેત્રી' તરીકે ક્યારેય થઇ શકી નથી. રૂપસૌંદર્ય, હાઇટ-બોડી અને નૃત્યની પ્રવિણતાને કારણે એના જમાનાની સૌથી સફળ હીરોઇન ગણાવાઈ. બસ, કમી હતી તો સારા અભિનયની, જે કમ-સે-કમ આ ફિલ્મમાં પૂરી થઇ. વિવેચકોએ જવલ્લે જ હેમાને સારી એક્ટ્રેસ ગણાવી છે.

ફિલ્મ રીલિઝ થઇ, તે કેવળ રાજકુમારની પર્સનાલીટી પર. લોકો એને જોવા બેકાબૂ હતા, એમાં ય ખાસ કરીન ચોપરાની ફિલ્મો 'વક્ત' અને 'હમરાઝ'ની દોમદોમ સફળતા પછી તો જાની ઝાલ્યા રહે એમ નહોતા. સંવાદો ભલે ફિલ્મના હોય, પણ એ રાજકુમાર બોલે, ત્યારે પ્રેક્ષકો સમજી જતા કે, આ સ્ટાઈલથી સંવાદો બોલવાનું જ્યાં અમારૂં જ કામ નથી, ત્યાં આ બધા ભાઇઓ વિનોદ મેહરા, જીતેન્દ્ર, રાજેન્દ્રકુમાર, પ્રદીપ કુમાર કે વિશ્વજીતો તો કેવા લાગે ?

સંવાદોવાળી છટા બાજુ પર મૂકીએ તો પણ રાજકુમારની પર્સનાલિટી એ હતી કે, સ્ક્રીન પર જ્યાં સુધી એ દેખાતો હોય ત્યાં બીજા કોઇને જોવાની જરૂરત જ ન લાગે. આ એકમાં બધું આવી ગયું. આ એક કલાકાર હતો જે વગર સંવાદે બોલે પણ આંખોના હાવભાવથી અનેક સંવાદો બોલી શકતો. એની ચાલ કે એના કપડાં બધા હીરોને આટલા શોભતા નથી, આજે પણ !

આટલા બધા વખાણ કરવા છતાં, એ જ 'જાની' રાજકુમાર એના જમાનાના ત્રણ ગ્રેટ રાજ કપૂર, દેવ આનંદ કે દિલીપ કુમારની બરોબરીનો એક્ટર કદી બની ન શક્યો, એનું કારણ એ કે, રેસે-રેસો કાપીને કાતરથી પરફેક્ટ માપનું ઝભલું સિવાયું હોય અને એને ફિટ થાય, એવા રોલમાં જ એ જામ્યો.

રોલ એની પર્સનાલિટી મુજબનો લખાવવો જોઈએ, નહિ તો વધુ પડતો અભિનય દેખાતો (જેને પોળની ભાષામાં 'ઓવર-એક્ટિંગ'કહે છે.) સંવાદોનો શહેનશાહ બનાવી-બનાવીને ફિલ્મોવાળાએ એને (અને આપણને) અધમૂવો કરી નાંખ્યો. નાના છોકરા તરીકે આવેલો પ્રેક્ષક પણ સમજી જાય કે, 'આ ડાયલોગ્સ ઓડિયન્સ પાસે લેવાદેવા વગરની તાળીઓ પડાવવા લખાયો છે.

' એની છેલ્લે છેલ્લે આવેલી તો મોટા ભાગની ફિલ્મોમાં એના ગુરૂર અને ઘમંડને પોષીને તાળીઓ પડાવવા દિગ્દર્શકો એને નચાવતા. પરિણામે, એક 'એક્ટર' તરીકે અન્યો જેવી જાહોજલાલી ન પામ્યો. કમનસીબે, ઘમંડના આવા તમામ સંવાદો બોલવામાં એના ચેહરા પરના હાવભાવો ય એકના એક રહેતા. ક્યાં સુધી પ્રેક્ષકો મોંઢામાંથી પાઇપ કાઢીને બોલાતા શેર-શાયરીવાળા સંવાદો ચલાવી લે !

ફિલ્મને ઐતિહાસિક ટચ આપીને ફિલ્મને ક્લાસિક બનાવવાનો પ્રયત્ન થયો છે.

રાજા કુમાર બહાદુર ઊર્ફે જ્ઞાનશંકર રાય (એટલે કે, રાજકુમાર) પૂરૂં જીવન શુદ્ધ જીવ્યા છે. સ્ત્રી તો શું, શરાબ સુધ્ધાનો સ્પર્શ કર્યો નથી. એક દિવસ સૌદામિની (હેમા માલિની)ને પહેલી નજરે જોતા જ પ્રેમમાં પડી જાય છે અને એનું બેકગ્રાઉન્ડ જાણવા છતાં હેમાને ખરીદી લઇને મહેલમાં લાવે છે. તબક્કાવાર હેમાને જોઈને રાજકુમાર એનો પ્રેમ હાંસિલ કરવા ઘણા પ્રયત્નો કરે છે, પણ નિષ્ફળતા મળતા રાજકુમાર દારૂના રવાડે ચઢી જાય છે.

આમ તો સૌદામિનીનું નામ બદલીને 'મધુરી' રાખે છે, પણ એની સાથે લગ્ન કરતો નથી. થોડા વર્ષો પછી રાજકુમાર પોતાનાથી અડધી ઉંમરની બીજી એક યુવતી (સુમિતા.. એટલે કે, રાખી)ને જોઇને એના પ્રેમમાં પડી જાય છે. એના મા-બાપને મળીને એ લોકોનું દેવું ચૂકવી રાખી સાથે લગ્ન કરે છે. જો કે, રાખીને સ્પષ્ટ શબ્દોમાં કહી પણ દે છે, આ મહલમાં હેમાનો જ કાયદો ચાલશે. રાજકુમારને એ પણ ખબર પડે છે કે, રાખીનો એક ભૂતપૂર્વ પ્રેમી શેખર (વિનોદ મેહરા) હતો, જે હાલમાં ઇન્ડિયા પાછો આવ્યો છે. રાજકુમાર શેખરને મળીને એ જાણી લે છે કે, આ બન્ને વચ્ચે હજી પ્રેમસંબંધ છે એટલે અસલામતિ અને ઈર્ષ્યાથી બળતો રાજકુમાર ફતેપુર-સિક્રીના ઐતિહાસિક મેદાન પર, જેમાં શહેનશાહ અકબરની હિંદુ પત્ની મહારાણી જોધાબાઇ અને ક્રિશ્ચિયન પત્ની મરિયમની કબરો છે, ત્યાં ખૂની પ્લોટ રચી બેસે છે, જેનો પર્દાફાશ થતા આ સ્થળે લાલ પથ્થર નામ અપાયું છે.

એક ઈર્ષાળુ શૉક્યના કિરદારમાં હેમા માલિની પહેલી વાર વેમ્પનો રોલ કરે છે. ફિલ્મની વાર્તા મગજમાં જલ્દી ઉતરે એવી ન હોવાથી ભારતભરના પ્રેક્ષકોએ એને જલ્દી હડસેલી મૂકી, નહિ તો જે બંગાળી ફિલ્મ 'લાલ પથ્થર' ઉપરથી આ ફિલ્મ બની હતી, તે ઉત્તમ કુમારની ફિલ્મ અત્યંત સફળ થઇ હતી.

દાયકો 'સિત્તેરનો બેસી ગયો હતો. આપણા બધાના કમનસીબે, જયકિશન રહ્યો નહતો અને શંકર પાસે ય પેટીનો માલ ખૂટવા આવ્યો હતો, ત્યારે જતા જતા ય જયકિશનની કમાલ આ ફિલ્મમાં સંભળાય છે. (એવું ધારી લીધું છે કે, હસરત જયપુરીએ લખેલા ગીતો જયના સ્વરાંકનો હશે !) છતાં ય, આ ફિલ્મમાં પ્રો. ગોપાલપ્રસાદ 'નીરજ' અને સીખ્ખ કવિ દેવ કોહલીનો પ્રવેશ એ વાતની સૂચક છે કે, સ્વયં જય શંકરને કહેતો ગયો હતો કે, વધારે ગીતકારોની જરૂરત પડશે.

શંકરની (માઇનસ જયકિશન) ફિલ્મોમાં એ પછી ગીતકારો બદલાતા રહ્યા એમ આ ફિલ્મમાં પણ નીરજ અને દેવ કોહલીનો પ્રવેશ જોઇ શકાય છે. શંકર-જયકિશન બન્નેની કમાલ જોવા જાઓ તો રફીનું 'ઉનકે ખયાલ આયે તો' અને કિશોરનું 'ગીત ગાતા હૂં મૈં...'ની સાથે અદભૂત સુરાવલિઓથી સજેલું શાસ્ત્રીય 'રે મન સૂર મેં ગા રે...' એ બતાવે છે કે, આ બન્ને સંગીતકારોનો 'ક્લાસ' અકબંધ રહ્યો હતો.

ઈવન આશાબાઈનું સોલો 'સૂની સૂની સાંસ કી સિતાર પર...' કેવી કલાત્મક ઢબે ગવાયું છે ! જરા ઈન્ટરેસ્ટની વાત એ લાગે કે, એક જમાનામાં મુહમ્મદ રફી જેનાથી જુનિયર કહેવાતા હતા, એ ગાયક જી.એમ. દુરાણીને અહીં રફીએ જ ફિલ્મના સર્વોત્તમ ગીત 'ઉનકે ખ્યાલ આયે તો...' માટે પ્લેબેક આપ્યું છે.

(આ જી.એમ. દુરાણી અભિનેત્રી નિમ્મીના માસા થાય. દુરાણીની પત્ની જ્યોતિ નિમ્મીની મા વહીદબાઇની સગી બહેન.) આ દુરાણી અને રફી પાસે ઓપી નૈયરે 'હમ સબ ચૌર હૈ' ફિલ્મમાં શંકર-જયકિશન પર દાઝ કાઢવા ગીત ગવડાવ્યું હતું, 'હમકો હંસતે દેખ ઝમાના જલતા હૈ', જેના જવાબદમાં દેવ આનંદની ફિલ્મ 'લવ મેરેજ'માં આ જોડીએ વળતો હૂમલો કરીને 'ટીન કનસ્તર પિટપિટ્કર ગલા ફાડકર ચિલ્લાના, યાર મેરે મત બુરા માન, યે ગાના હૈ ન બજાના હૈ' ઓપીને ચાબુકો ફટકારવા બનાવાયું હતું.

એ વાત જુદી છે કે, ઓપીના 'ફિર વો હી દિલ લાયા હૂં'ના ગીતોથી અત્યંત પ્રભાવિત થઇને શંકરે 'ફિલ્મફેર'માં આપેલા ઇન્ટરવ્યૂમા ઓપીના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું, 'આવા સુંદર ગીતો અમે કેમ બનાવી ન શક્યા ?' યોગાનુયોગ, આ બન્ને ગીતો મુહમ્મદ રફીએ ગાયા હતા. પહેલામાં દુરાણી પણ સાથે હતો.

અજીત, ડી.કે. સપ્રૂ અને સંજના મેહમાન કલાકારો તરીકે આવીને જતા રહે છે, પણ બાકીનાઓનું પરદા પર હોવું પણ જતાં રહેવાથી વિશેષ નથી. (એક રાજકુમાર હોય પછી બીજા કોણ અને કેટલા સ્ક્રીન પર ટકી શકે ?) આ ફિલ્મના સેકન્ડ હીરો વિનોદ મેહરા ૧૦૦ હિંદી ફિલ્મોમાં કામ કર્યા પછી ૪૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.

બહુ ઓછાને ખબર હશે કે, અશોક કુમારની ફિલ્મ 'રાગિણી'માં વિનોદે નાના કિશોર કુમારનો રોલ ભજવ્યો હતો. ૧૯૬૫માં 'ફિલ્મફેર' અને યુનાઇટેડ પ્રોડયુસર્સ આયોજીત ટેલેન્ટ હરિફાઇના દસ હજાર ઉમેદવારોમાં રાજેશ ખન્ના ફર્સ્ટ આવ્યો હતો અને બીજા નંબરે આ વિનોદ મેહરા હતો.

એ પણ બહુ ઓછા જાણતા હશે કે, દેવ આનંદની ફિલ્મ એક કે બાદ એકની સેકન્ડ હીરોઇન શારદાનો આ વિનોદ સગો ભાઈ હતો. એ ફિલ્મની હીરોઇન ગુજરાતી તરલા મેહતા હતી, જે ચરિત્ર અભિનેત્રી દીના પાઠક (ગાંધી)ની નાની બહેન થાય. 'જીત હી લેંગે બાઝી હમતુમ, ખેલ અધુરા છુટે ના...' ગીતમાં બાકીની અડધી બાજી જીતવા માંગતી આ હીરોઇન તરલા હતી.

ફિલ્મના પ્રારંભમાં પિકનિક પર સત્યેન કપ્પૂની સાથે ગળે મફલર વીંટેલો કલાકાર રણવીર રાજ છે. બધી ફિલ્મોમાં તે એકસ્ટ્રા તરીકે આવતો. વાસ્તવમાં એ હિંદીનો બહુ વિખ્યાત તો નહિ, પણ ઠીકઠીક પ્રસિદ્ધ લેખક હતો. ગામમાં ડાકુઓની ધાડ પડતા જે છોકરી ઘરની કમાડો વાસી દે છે, એ બહુ સામાન્ય કક્ષાની થર્ડ કે ફોર્થ-હીરોઇન સંજના છે.

રાજકુમારને ખિતાબ અર્પણ કરવાના સમાચાર આપવા આવનાર વૃદ્ધ 'રાધેશ્યામ' છે, જેને તમે 'જ્હોની મેરા નામ'માં 'ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો' ગાતો જોયો છે.  ઘોડા ઉપર જાંબલી શર્ટ પહેરીને પોતાના ખૈમી (છાવણી) પર આવનાર રાજકુમારને ખાખી ડ્રેસમાં 'નમસ્કાર' કહીને આવકારનારાઓમાં એક કેશવ રાણા અને બીજો મહિન્દર છે.

તવાયફના રોલમાં પદ્મા ખન્ના છે. ફિલ્મોની ઘણી બધી હિરોઇનોના કપાળ મોટા (ઓલમોસ્ટ ટાલ જેવા) હોવાથી પૂરી કરિયરમાં એ લોકોએ માથે વિગ પહેરી છે, એમાંની એક આ પદ્મા ખન્ના, બીજી હેમા માલિની. વિગ શોધાઇ ન હોત તો મુમતાઝ ચાર ફિલ્મોની હીરોઇન પણ બની શકી ન હોત ! આજની એક પણ હીરોઇનને વિગ પહેરવાની જરૂર પડતી નથી. ડિમ્પલ કાપડીયા, શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ, પ્રિયંકા ચૌપરા કે દીપિકા પદુકોણના પોતાના વાળ ઘણા લાબા અને ઘટાદાર છે.

જોકે, હિંદી ફિલ્મોમાં સ્ટાઇલિશ વાળની ફેશન શરૂ કરનાર સાધના હતી અને માત્ર ફિલ્મોમાં નહિ, સમાજમાં પણ છોકરીઓ છુટા વાળ રાખતી પરવિન બાબીને કારણે થઇ. હીરો રાજકુમાર અને હીરોઇન હેમા માલિની હીરોને બદલે વિલન/વૅમ્પના રોલમાં હોય, એવી કદાચ આ પહેલી ફિલ્મ હતી. રાજને જો કે, વિલન નહિ, પણ 'એન્ટી-હીરો' કહી શકાય.

No comments: