Search This Blog

13/09/2017

ઍક્સિડૅન્ટ કર્યા પછી ઊભા રહેવાય...?

તમારાથી અજાણતામાં કોઈ રોડ-ઍક્સિડૅન્ટ થઇ ગયો ને તમારી ગાડીને ટકરાનાર લોહીના ખાબોચીયામાં તરફડતો હોય. તમે સ્વસ્થ હો, તો શું કરવું જોઇએ ?

બોલવામાં સારો લાગે એવો જવાબ તો એ છે કે, એ બિચારા ઘાયલને ઉપાડીને હોસ્પિટલ લઇ જવો જોઇએ અથવા તો ૧૦૮ને ફોન કરીને બોલાવી લેવી જોઇએ. એને સમયસર હોસ્પિટલ લઇ જવાને કારણે એનો જીવ બચી જાય.

આમાં હજી ત્રીજો જવાબ છે, પણ એ તમે વાંચો અને અમલ કરો તે પહેલા બે વાતનો ખ્યાલ રાખી લો. વાત પહેલી : આપણા દેશના કોઈ અકસ્માતમાં સ્ત્રીઓનો વાંક હોતો નથી. બધા વાંકો પુરૂષીયાઓના જ હોય છે.

અને વાત બીજી : ટક્કર ગમે તે કારણે વાગી હોય, પહેલો અને છેલ્લો વાંક કાર (ગાડી)વાળાનો જ હોય. એને ત્યાં ને ત્યાં ટીચી જ નાંખવાનો. કારવાળાઓ માટે કમનસીબે, સામાન્ય પ્રજાને લેવાદેવા વિનાની ચીઢ હોય છે.

અને હવે ઉપાય ત્રીજો અને છેલ્લો.

ઍક્સિડૅન્ટમાં વાંક કોઇનો બી હોય, આપણે ઘટનાસ્થળ છોડીને તાબડતોબ ત્યાંથી ભાગવાનું જ. બહુ ડાહ્યા થઇને ઊભા રહેવા ગયા તો ભેગું થયેલું ટોળું એ નહિ જુએ કે વાંક કોનો હતો... એ તો તમને મારી મારીને સુમડી બનાવી દેશે.

કોઈ દલિલ-ફલિલ નહિ... ટીચવા જ માંડશે. ટોળાને પેલા તરફડીયા મારતા ઘાયલને દવાખાને લઇ જવા કરતા તમને ટીચી નાંખવાનો સોટો મોટો ચઢે છે, ''દેખકે નંઇ ચલાતા...?'' આવો કહેવાતો ગૂન્હો કર્યા પછી ટોળાને તમે સામો વાર તો કરવાના નથી, એટલે, 'ચલો જરા આપણે ય હાથ સાફ કરી આઈએ...'ના ધોરણે, જેને આ બનાવ સાથે લેવાદેવા નથી, એ બહાદુરો ય લેવાદેવા વગરનાઓ તમને ટપલીદાવ કરવા આવી જશે.

ભાગી જવું તદ્દન બેહતર છે. ભાગી જવાના ગેરફાયદા છે કે નહિ, ઈશ્વર જાણે, પણ ફાયદા-તો -ફાયદા જ છે. એક તો, તમને ભાગતાને પકડવા એકેય માઈનો લાલ તમારી પાછળ પોતાનું વાહન લઇને ભાગવાનો નથી. એને ટીચાટીચમાં રસ છે, જૅમ્સ બૉન્ડ બનીને તમારો પીછો કરવામાં નહિ.

બીજું, ભાગી ગયા પછી મોટાભાગે તો કોઈ તમારી પાછળ આવવાનું નથી. આજે નહિ તો કાલે, પોલીસ આવે તો એ તો વાત કાયદેસરની થાય. એ ભલે ને થતી. ત્યાં તમારા વકીલે લડવાનું છે. એનો વકીલ ઘેર આવીને તમને મારવાનો નથી. અને કૅસ હારીશું જ, એવી કોઈ ગૅરન્ટી નથી.

મોટાભાગે તો વચગાળાનું સમાધાન થતું હોય છે. ધૅટ્સ ફાઈન... બનાવના સ્થળે પબ્લિકને હાથે ટીચાઈ જવા કરતા સમાધાનમાં જે કાંઈ થતા હોય, ચૂકવી દેવાના ! અને ત્રીજો ને મોટો ફાયદો. ઍક્સિડૅન્ટ કર્યા પચી દયામણા ભાવે ત્યાં ને ત્યાં ઊભા રહેવાની સદરહૂ ઍક્સિડૅન્ટમાં વાંક તમારો હતો કે પાર્ટીનો, એ તો કોઈ નક્કી કરવાનું નથી. ભારતભરના અકસ્માતોમાં ઘાયલ થનારનો વાંક હોતો નથી !

યસ. તમે બેમાંથી એકે ય પાર્ટી ન હો.. આઈ મીન, ઍક્સિડૅન્ટ કરનાર અને ઘાયલ થનાર. જસ્ટ, ત્યાંથી પસાર થતા હો, તો બેશક ઊભા રહી જઈને જે કોઈ ઘાયલ પડયું હોય, એને તમારા ખર્ચે ય હૉસ્પિટલ લઇ જવો પડે તો ચોક્કસ લઇ જાવ. માનવતા ત્યાં દેખાવી જોઇએ. સરકારે પણ ખાત્રી આપી છે કે, ઘાયલને તમે હોસ્પિટલ પહોંચાડશો, તો તમારી કોઈ પૂછપરછ નહિ થાય કે પોલીસની સતામણી નહિ થાય.

એ હિસાબે, તમે ઈશ્વરસ્વરૂપ બની શકો છો કે, કોઇને આવી દર્દનાક અવસ્થામાં છોડી દેવાને બદલે તાત્કાલિક સારવાર માટે લઇ જાઓ છો... તમારો 'બગડેલો(!)' એક કલાક કોઈની જીંદગી પાછી અપાવી શકે છે. ઇશ્વર તમારૂં આ સદકૃત્ય બેશક જુએ છે. ઘાયલને જાતે લઇ જવાનો સાચુકલો ટાઈમ ન હોય તો કમ-સે-કમ ૧૦૮ને ફોન કરીને બોલાવી લો. એ પણ મોટી સેવા કરી ગણાશે.

પણ તમારાથી થયેલા ઍક્સિડૅન્ટમાં કોઈ સ્ત્રી સંડોવાઈ હોય તો બહુ ચાગલા થવાની જરૂર નથી. તાબડતોબ ઘટનાસ્થળ છોડી આપણી પોતાની મુઠ્ઠીઓ વાળીને કોઈ બી પતલી ગલીમાંથી ભાગવું સલામત છે.

દોસ્તો, ધ્યાન રાખો. આપણા દેશના કોઈ પણ ઍક્સિડેન્ટમાં સ્ત્રીનો કોઈ વાંક જ હોતો નથી. એક તો, સાલી બહુ ખુબસૂરત હોય, એ જોવામાં તો ઍક્સિડૅન્ટ થયો હોય ને થોબડાંના ઘંટડી ય ઠેકાણાં ન હોય, માથામાં આટલું બધું તેલ રેડીને આઈ હોય ને આવનારા બસ્સો જનમ સુધી આવીઓને તો આપણી પડોસમાં ય રહેવા ન દઇએ, તો પણ એનું સ્ત્રી હોવું કાફી છે.

પબ્લિક એની જ ફૅવર કરવાની. સ્ત્રી હોય એટલે પબ્લિક તો ભેગું થવાનું અને પેલીના સેંકડો ટૅમ્પરરી ભાઈઓ ફૂટી નીકળવાના. કોઈ જોવાનું નથી કે, વાંક બધો પેલીનો જ હતો કે તમારો... ન્યાય એક જ... તમને પૂરજોશ ટીચી નાંખવાના... માટે... ભાગો...!

આપણા દેશમાં સૌથી વધુ લઝ્ઝત ચઢતી હોય તો પબ્લિકની ટ્રાફિક-નૉનસૅન્સની વાતો કરવાની. એમાં ય, જે કોઈ ઇંગ્લૅન્ડ-અમેરિકા જઇ આવ્યું હશે, એ ડાહ્યો પાછો ત્યાંની અદ્ભુત ટ્રાફિક-સૅન્સ અને ડિસીપ્લિનની સરખામણીઓ અહીં નડિયાદ કે ઉત્તરસંડાના ટ્રાફિક સાથે કરવા બેસે ને બાજુની લારી ઉપરથી તઇણ અડધી મંગાવે. ''સાલું... આપણા દેશમાં જ આવું ચાલે... કોઈ સાઇડ તો આપતું જ નથી. સીધો જ ઉપર આવે. અચાનક બ્રેક એવી મારશે કે, આપણી ગાડીની તો ઠોકઇ ગઈ...? સીધી પચ્ચી હજારની ઉઠાડી દે. ને ત્યાં દુબાઈ-અમેરિકામાં સાહેબ... ટ્રાફિક જુઓ...

એક ગાડી ઉપર તમને નાનકડી ખરૌચ જોવા ન મળે. આપણે તો સાચું નુકસાન પચ્ચા હજારનું થયું હોય તો કાપી-કપાઈને ઇન્શ્યોરન્સવાળા બાર હજાર તો માંડ આલે... સૂઉં કિયો છો ?... અલ્યા, કમ શક્કર બોલા થા, ને ? ચા છે કે લિંબુનું શરબત...? બોસ, ત્યાંની બધી કારોમાં ડૅશ-બોર્ડ કેમેરા લગાવવા જ પડે, જેથી એક્સિડૅન્ટ કરવામાં કોણે નોંધાઈ છે, તેની પોલીસવાળાને ય ખબર પડે !

આપણા દેશમાં આવા કૅમેરા ફરજીયાત કરવા જોઇએ... (તો એને ય સાલાઓ, સૅલ્ફીમાં ફેરવી નાંખે ! કોઈ પંખો ચાલુ કરો.) દુબાઈમાં તો સાહેબ... બીજા દિવસે તો તમને પૂરેપૂરી નુકસાની મળી જાય... કોઈ કોર્ટ-કચેરી નહિ. આપણે ત્યાં તો વીમો પાકે, એના કરતા પાર્ટી સાથે પતાવટની રકમ મોટી ચૂકવવાની આવે, પછી બ'ઇની ઝાલર મેરા ભારત મહાન...?'

ઘણાં પાનમસાલા ખાઉઓ ચાલુ ગાડી ધીમી પાડી, દરવાજો ખોલી, નીચા વળી રોડ ઉપર સડસડાટ પિચકારી મારશે, એનો રેગાડો ઠેઠ આપણી ગાડી ઉપર આવે. કોઇની નવી નક્કોર ૨૫-૩૦ લાખની ગાડી જોઇને આના મોંઢામાં પાનવાળું પાણી આવે છે. એનાથી સહન થતુ નથી. નવી ગાડી ઉપર લાલ લિસોટો પાડવાની લહેજત અનોખી છે.

એ મારશે અને મોટે ભાગે તો મોડી રાત્રે રોડ ઉપર પાર્ક કરેલી કારો ઉપર ડીઝાઈન પાડતા જવામાં એને સોલ્લિડ આનંદ આવે. સો કરોડના ખર્ચે પચાસ માળનું બિલ્ડિંગ બનાવ્યું હોય ને દાદરે-દાદરે ભલે ને સીસીટીવી-કૅમેરા ગોઠવ્યા હોય...'તોડે છે...પિચકારીઓ તો સીધી એ કૅમેરા ઉપર પહેલી આવે !' દાદરાનો ખૂણો કેમ જાણે એમનું બોરિવલી સ્ટેશન હોય, એમ ખૂણે ખૂણે રોકાઈને એક પિચકારી તો મારવાની જ !

મને યાદ છે, અમદાવાદમાં ઈન્ટરનૅશનલ ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે પાનની પિચકારીને બદલે લોકો પોતે ખાધેલા કેળાંની છાલ પૂરી મસ્તીથી આગળ કોઇના ઉપર ઊલાળે... અને પછી જોઇ લો, સાહેબ ધૂમધામઢીમ...'કોન હે, બે...? કિસને છિલકા ફેંકા... તેરી તો...!'ગુજરાતીઓ ઝગડે ત્યારે કોઈકારણ વગર હિંદીમાં બોલતા થઇ જાય છે. મુંબઇમાં ઊંધુ છે. ત્યાંની મેચમાં જેના ઉપર આવી ફેંકાયેલી છાલ પડી, એ પાછળ જોઇને ઝગડવાને બદલે, બિલકુલ સ્વસ્થ ચિત્તે એ છાલ આગળ કોઇની ઉપર નાંખશે. આગળવાળો એમ જ કરે. અને એમ એ છાલ માઈલો સુધી સ્ટૅડિયમમાં સફર કરતી રહેશે... એક પણ ઝગડા વગર !

આપણે ત્યાં ઍક્સિડૅન્ટ થયાની પહેલી ઘડી જોવા જેવી હોય છે. ઝડપથી પોતાનો દરવાજો ખોલીને વાંકા વળતા જોઇ લેવાનું, નુકસાન કેટલું થયું છે ! એ પછીની સેકન્ડે, જમણાં હાથનું કાંડુ બધા આંગળા પહોળા કરીને સામેની પાર્ટી સામે ફેરવવાનું, જેથી પેલો સમજી જાય કે, એને ગાડી ચલાવતા આવડે છે કે નહિ ? એ પહેલું કાંડુ ફેરવો તો તમારે સમજી જવાનું !

શહેર અમદાવાદ હોય તો મોટા ભાગે મારામારીઓ થતી નથી. સમયને અભાવે, થોડીઘણી અને તે પણ ઘરમાં ય બોલાય એવી નરમ પણ ગુસ્સા સાથેની ગાળો આપવાની હોય છે. શક્ય હોય ત્યાં સુધી, ગાંધીનગરમાં કેટલા અને પોલીસ-કમિશ્નરની કચેરીમાં તમને કોણ કોણ ઓળખે છે, એ બતાવો. નામ કોઇનું બી દો, પાછળ 'સાહેબ' શબ્દ આવવો જોઇએ, 'વાઘેલા સાહેબને ઓળખો છો ને ? હું એમનો સાળો છું.

રૂપાણી સાહેબ તો અમારા છોકરાઓને ટયુશનો આપવા ઘેર આવતા'તા... એને ઓલા મકવાણા સાહેબ----અરે, નામ કહીશ તો હમણાં તમે જલાની જાર ઉપર લટકી જશો, એના કરતા ઘરભેગીના થઇ જાઓ, !' અમારૂં જામનગર હોય તો આટલો વિવેકે ય ન હોય, 'ઓલો મકવાણો છે ને...હા ઇ જ, જેને મુખ્યમંત્રીઓ શલામ મારે છે... ઇ આંઈ આવશે તો તમને હાચ્ચીને ભારે થશે... એના કરતા શીધેશીધા વયા જાઓ... પછી કે'તા નંઇ કે ઝીંઝુવાડીયાસાહેબે અમને ચેતવણીયું નો'તી દીધ્ધી...!'

મેહસાણા-વિજાપુર અને કેશોદ બાજુના પતિઓ માને છે કે, ગાડી આપણી પોતાની હોય ને વાઈફ બીજાની હોય તો ગાડી રીવર્સમાં લેવા કે પાર્કિંગ કરવા એને મોકલાય, ગાડી ચલાવવા એને ન દેવાય. એ રીવર્સમાં લઇને ઠોકાડી દેશે તો મનમાં સમસમી જવાનું ને છતાં ય મોંઢા હસતા રાખીને, 'ઇટ્સ ઑલરાઇટ...' બે વખત બોલવાનું હોય છે. પણ જેને ઠોકાડી હશે, એ તમને મારવા નહિ આવે. ઉપરથી, 'બેન તમને વાગ્યું તો નથી ને...?' એવું ઢીલાં સ્માઇલે લોહી દબાવતો દબાવતો ઘરે જતો રહેશે.

દેશના શ્રેષ્ઠ ડ્રાઈવરો ટ્રક-ડ્રાયવરો છે. એમની ડયુટી બાંધેલી હોય છે. ફાસ્ટ જવાની જરૂર પડતી નથી અને જવું હોય તો એમની ટ્રકોની સ્પીડ બાંધેલી હોય છે. અંજાઈ જવાય એવી હૅડલાઇટો આપણી ગાડીવાળા મારે છે, ને મારી નાંખે છે ! જેમને પોતાના જીવો વહાલા હોય, તે રાત્રે હાઈ-વે પર નીકળવાનું ટાળે છે. રાત્રે માની લો કે, ૨૦૦-કી.મી. ગાડી ચલાવવાની આવી, તો સામેથી આવતી હૅડલાઈટોને કારણે મિનિમમ વીસેક કી.મી. તો તમારે પ્રભુભરોસે ગાડી ચલાવવાની હોય છે.

આ વીસમાંથી ફક્ત એકાદ મીટરનો ટુકડો જીવનભર તમને અપંગ બનાવી શકે છે.

સિક્સર
-
કોંગ્રેસ કે ભાજપ... બેમાંથી એકે ય રામરહીમને વખોડતા કેમ નથી ?
- એક બાજુ વૉટબૅન્ક છે... બીજુ બાજુ નૉટ બૅન્ક છે !

No comments: