Search This Blog

19/09/2017

ઍનકાઉન્ટર : 19-09-2017

* અમને બધાને બહુ ગમેલી (તમારા કરતાં ય) તિતીક્ષા કેમ દેખાતી નથી ?
એ તમને બધાને ન દેખાય, એ મારા ફાયદામાં છે.
(
જસ્મિન ભીમાણી, રાજકોટ)

* વેકેશનમાં મામાનું ઘર જ કેમ ?
ત્યાં, એ વખતે 'મામી' કરતાં 'મમ્મીનું' વધારે ચાલતું હોય છે.
(
સુનિલ પ્રજાપતિ, રાધનપુર)

* કોલેજમાં આવ્યા પછી બહેનોની સંખ્યા વધતી જાય છે, એનું શું કારણ ?
બહેનો તમારી હશે ! બીજાઓને પૂછી જુઓ.
(
કેવલ શુકલ, વલસાડ)

* હજી તમામ સંસ્થાઓ એમના કાર્યક્રમોમાં ભારતનું રાષ્ટ્રગીત કેમ ગવડાવતી નથી ?
કોઈનો રાષ્ટ્રપ્રેમ ઓછો હોતો નથી. એ ઘડી યાદ આવવી જોઈએ કે, અત્યારે આપણા ભગવાનો (દેશના સૈનિકો) પોતાના કોઈ સ્વાર્થ વગર કેવળ આપણી રક્ષા માટે એમના પ્રાણની આહુતિ આપી રહ્યા છે... બદલામાં એમને આપણા માટે ગર્વ થાય, એ પૂરતું ય દરેક ભારતીયે તિરંગાને માન આપી, રાષ્ટ્રગીત ગાવું જોઈએ.
(
શ્રીવિદ્યા જે. શાહ, સુરત)

* જવાબ આપતા પહેલાં હોમવર્ક કરવું પડે છે ?
હોમના વર્કમાંથી ટાઈમ મળે, તો કરી લઈએ !
(
વર્ષા જે. સુથાર, પાલનપુર)

* વધારેમાં વધારે કેટલી ગર્ફફ્રેન્ડ્સ રાખી શકાય ?
એ જેટલા બોયફ્રેન્ડ્સ રાખતી હોય, એટલી.
(
દીપક આર. પંડયા, ભાવનગર)

* ગુજરાતને યોગી જેવા મુખ્યમંત્રી ક્યારે મળશે ?
આપણા મુખ્યમંત્રી પણ યોગી જ છે, 'મૌન યોગી.'
(
જનાર્દન ભટ્ટ, રાજકોટ)

* 'હાફગર્લફ્રેન્ડ' એટલે શું ?
૫૦ટકા કોઈ બીજો લઈ જાય.
(
ભરત ગાંભવા, ચંડીસરપાલનપુર)

*રાષ્ટ્રગીત માટે આપની મુહિમથી પ્રેરાઈને મેં મારી દીકરીના લગ્નમાં સંગીતસંધ્યામાં રાષ્ટ્રગીત ગવડાવ્યું. બધા શુભ પ્રસંગે આવો ચીલો પાડવો જોઈએ કે નહિ?
દેશની સાઉથમાં તેલંગાણા રાજ્યના એક સાવ નાનકડા ગામ 'જામીકુંતા'માં ગામના ૧૬જાહેર લાઉડસ્પીકરો ઉપર વર્ષોથી રોજ સવારે શાર્પ દસ વાગે ભારતનું રાષ્ટ્રગીત ગવાય, ત્યારે આખું ગામ અદબથી ઊભું રહી જાય છે. પૂરો ટ્રાફિક સ્ટેચ્યૂ બની જાય. આપણે ત્યાંય કદીક આવું થશે.
(
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* ડાયરામાં નોટો ઉછાળવાની ઘટનાને આપે શુભકાર્ય કહ્યું. આપની પાસેથી આવી અપેક્ષા નહોતી.
મેં આવું કીધું છે કે નહિ, તે તો ખબર નથી પણ આ રીતે પણ એકત્રિત થયેલી નોટો દેશના જવાનોના જ કામમાં વપરાય, તો આજે પણ એને હું શુભ કાર્ય કહીશ.
(
ડૉ. સુરેશ કે. પટેલ, ડિસા)

* આગામી ચૂંટણીઓમાં તમને 'આપ' અથવા 'કોંગ્રેસ'માં જોડાવાનું કહેણ આવે તો શું કરો ?
એ બન્ને પક્ષો માટે રહ્યુંસહ્યું માને ય ઊતરી જાય !
(
ભાર્ગવ મકાણી, અમરેલી)

* 'સારી પત્ની'ની એક શબ્દમાં વ્યાખ્યા શું આપો ?
બહેરી.
(
યોગેશ મસોત, મોરબી)

* વૃદ્ધાશ્રમોની જરૂર જ ન પડે, એવા ભારતનું નિર્માણ ન થઈ શકે ?
એવા નિર્માણની જરૂર નથી. વૃદ્ધાશ્રમો ફક્ત સંતાનોની જરૂરત માટે નથી... માબાપોને ય શાંતિ જોઈએ છે.
(
પુલિન શાહ, સુરેન્દ્રનગર)

* ઝડપી પૈસાદાર થવા માટે શું વિજય માલ્યા જેવાં કૌભાંડો કરવા જરૂરી છે ?
હા.
(
ધ્રુવી કાચા, અમદાવાદ)

* મોટા ભાગના લોકો રિક્ષાભાડા બાબતે રકઝક કેમ કરતા હશે ?
રીક્ષા ખરીદી લેવાની માથાકૂટમાં ન ઉતરાય, માટે !
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* કેજરીવાલના જવાને હવે કેટલી વાર ?
કોણ કેજરીવાલ... ?
(
રાજેશ ત્રિવેદી, અમદાવાદ)

* 'સુંદરતા પામતા પહેલાં, સુંદર બનવું પડે', પણ સુંદર બનવા શું કરવું પડે ?
ઉપરવાળાની પહેલી શરત હોય છે. વેચેલો માલ બદલી આપવામાં આવશે નહિ.
(
ધવલ જે. સોની, ગોધરા)

* ભગવાન અને મહેમાન વચ્ચે ફર્ક શું ?
આપણે બન્ને એકબીજાને ત્યાં આવતાજતા થઈએ, તો ખબર પડે.
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* દેશના લશ્કરમાં ભરતી થવાનું ફરજિયાત ન બનાવી શકાય ?
લશ્કરના સૈનિકનો માનમરતબો અને પગાર તગડા (સંસદસભ્યોથી ઊંચા) રાખો, તો યુવાનો આકર્ષાય.
(
રાકેશ ગાભાવાલા, બાકરોલ)

* બાળકોને કયા માધ્યમમાં ભણાવવાં જોઈએ ?
ઇંગ્લિશ.
(
કોમલ પ્રકાશ દવે, કલોલ)

* નેતાઓની ગાડીઓ ઉપરથી લાલબત્તી ક્યારે દૂર થશે ?
બસ. હવે એ લોકોએ સમજવાનું છે કે, આવા નખરાથી પ્રજા કેટલી ઉશ્કેરાય છે!
(
જયમિન પટેલ, લુણાવાડા)

* 'માણસ સારો હતો', આટલું સાંભળવા સાલું મરવું પડે છે...

તમે માંડી વાળજો. હું તમને અત્યારથી 'સારા માણસ' કહી દઉં છું.
(
જેનિશ કે. ગાંધી, ડોમ્બિવલી)

No comments: