Search This Blog

03/12/2017

ઍનકાઉન્ટર : 03-12-2017

* મેહબૂબા મુફ્તિ ક્યારેય કૅમેરામાં જોઈને કેમ બોલી શકતા નથી ?
- શરમથી લાજી મરવા કરતા આડું જોઈ લેવું સસ્તું પડે.
(
નરેશ પ્રજાપતિ, સુરત)

* અમદાવાદનો સમાવેશ 'વર્લ્ડ-હેરિટેજ'માં થયો, તમારો કેમ નહિ ?
- મારે મરવાનું હજી બાકી છે.
(
ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* મારે તમારા જેવું લેખક બનવું છે. શું કરવું ?
- રોજ રાત્રે પરમેશ્વરનું નામ લઈને સૂવાથી સારા વિચારો આવશે... આવા નહિ !
(
છત્રસિંહ શેખવા, ફરેણી-ધોરાજી)

* તમે અમુક સવાલના જવાબ આપવામાં ધમકાવી નાંખો છો...!
- હાથ જોડી જોડીને લખીએ છીએ કે, સવાલ પૂછવા તમારું નામ, સરનામુ, મોબાઈલ નંબર લખો. નથી માનતાને તો ય ધમકાવી શકાતા નથી. શું કરવું બોલો !
(
મૂકેશ.કે.શાહ, અમદાવાદ)

* અમદાવાદને હૅરિટૅજ- સિટીમાં મુકાયા પછી શહેરમાં કોઈ સુધારો થશે ?
- હા. અમદાવાદ સિહોર જેવું લાગવા માંડશે.
(
વૃષિ પરમાર, સિહોર)

* શ્રીમદ્ રાજચંદ્રના જન્મસ્થાન વવાણીયાની ઉપેક્ષા થઈ રહી છે.
- અત્યારે માહૌલ ચૂંટણીનો છે.. માર દો હથૌડા..! કોઈ પણ પક્ષને કહો. કામ થઈ જશે.
(
કુલદીપસિંહ જાડેજા, મોટા દહીંસરા-મોરબી)

* 'લવ' વિશે તમારો અનુભવ ?
- બે બાળકો છે.
(
નીલેશ પઢિયાર, આંકલાવ)

* સત્યનો હંમેશા વિજય થાય છે, એ કેટલું સાચું ?
- આ સત્ય તો ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે, ત્યારે ય સિધ્ધ નહિ થાય !
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* પહેલા 'એન્કાઉન્ટર' ઊભું આવતું, ત્યારે હાસ્ય દોડતું હતું. હવે આડું થયા પછી હાસ્ય પણ સૂઇ ગયું લાગે છે...
- એ વખતે તમે દોડતા દોડતા છાપું વાંચતા હતા ?
(
ચિંતન માખેચા, રાજકોટ)

* અસદુદ્દીન ઓવૈસી વિશે તમે શું માનો છો ?
- કંઈક માનવું પડે, એટલો અગત્યનો એ માણસ નથી.
(
બલવંતસિંહ સોલંકી, છાણી)

* સુપર્ણખા જેવી રાક્ષસણીની પણ ચૉઇસ જોરદાર હતી, નહિ ?
- એ જનમમાં કદાચ હું લક્ષ્મણ હતો.
(
દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* આપણા દેશમાં રાષ્ટ્રપતિ તરીકે સ્ત્રી આવે તો રાષ્ટ્ર'પતિ' જ કહેવાય ?
- શબ્દની રમત છે. બાકી એ સર્વોચ્ચ બંધારણીય હોદ્દો છે... જેનું ગૌરવ એક સ્ત્રી જાળવી શકી નહોતી.
(
ટી.વી.બારીયા, વડોદરા)

* શું જાણીતા લેખકો અને ધર્મગુરુઓએ 'બેટી બચાઓ' આંદોલનમાં સક્રિય થવું ન જોઈએ ?
- આ બન્ને જાતો રાષ્ટ્રગીતના ગૌરવ માટે ય સક્રિય કાંઈ કરતી નથી, ત્યાં 'બેટી-બચાઓ'...?
(
નીલમ કે.પટેલ, સુરત)

* કવિઓને વરસાદી સાંજે જ પ્રિયતમા યાદ આવતી હશે ?
- પેલી હજી સુધી છત્રી પાછી આપી ગઈ ન હોય, તો યાદ તો આવે જ ને ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* આપણો દેશ આઝાદ ક્યારે થશે ?
- ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪૭ના દિવસે.
(
મહેશ ચાવડા, ગાંધીનગર)

* ધર્મને રાજકારણ સાથે જોડાવવું કેટલું યોગ્ય છે ?
- બન્નેનું દેશ સાથે જોડાવું જરૂરી છે.
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* સાતમ- આઠમના તહેવારો નજીક આવતા જાય, એમ તમને કોઈ ઉત્સાહ ચઢે કે નહિ?
- એ કે અન્ય તહેવારો ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી જેટલા અગત્યના નથી.
(
રહીમ મલકાણી, ભાવનગર)

* કુમ્બલે જેવા બાહોશ કોચ સાથે રાજકારણ રમવામાં કોહલી-શાસ્ત્રીની જેમ તેન્ડુલકરે પણ સાથ આપ્યો. આ યોગ્ય કહેવાય ?
- કુમ્બલેનો ય શું વાંક હતો, એની મને કે તમને ક્યારે ય ખબર પડવાની ખરી ?
(
રોહિત યુ.બુચ, વડોદરા)

* લોકો પહેલા સૅલરી, પછી જ્વૅલરી અને હવે ગેલેરી સંતાડે છે...
- તમે ડિસ્ટિલરીનું કાંઈ ન પૂછ્યું !
(
દેવેન્દ્ર જાની, પેથાપુર)

* મોબાઈલની ટૅકનોલોજી વધવાની સાથે લોકોની ઊંઘે ય ઘટી રહી છે ?
- આ કમ્પ્યૂટરમાં કઈ ટૅકનોલોજી વપરાય છે ?
(
અ.રહેમાન આઈ.બોગલ, ધન્ત્યા)

* પાનના ગલ્લે મોંઢામાં ડૂચો મારીને ઊભા રહેતા લોકોના હાથમાં હૅન્ડ-ગ્રેનેડ પકડાવીને બૉર્ડર પર મોકલી દેવા ન જોઈએ ?
- હા, પણ ત્યાં પાનની દુકાન હશે ?
(
તુષાર સુખડીયા, હિમતનગર)

* આપણા દેશની રાજધાની દિલ્હીને બદલે ગાંધીનગર ન હોવી જોઈએ ?
- ગાંધીનગરમાં હોય તો ય શું કાંદા કાઢી લેવાના છે ?
(મહેશ એમ. પરમાર, ગાંધીનગર)

No comments: