Search This Blog

06/12/2017

રીસેપ્શનમાં પહોંચવાના પાંચ રસ્તા

વહેલી પરોઢની ઠૂઠવાઇ જતી ઠંડીના લસરકાઓ વચ્ચે એક મર્સીડીઝ પૂરપાટ ઝડપે સાણંદ હાઇ-વેથી આવી રહી છે. શની-રવિના થાકને કારણે પક્ષીઓ હજી ઉઠયા નથી. રોડ ઉપર છાપાના ૪-૫ કાગળીયાઓ પવનની દાદાગીરી મુજબ, આમથી તેમ હડકાયા થઇને આળોટે રાખે છે.

કાર હજી તો માંડ એસ.જી. હાઇવે ટચ કરી રહી છે, ત્યાં કોકે હાથ ઊંચો કર્યો ને ગાડીએ પૂરજોશ બ્રૅક મારી. ડ્રાયવરે ગાડી રોકનાર સામે વિસ્મયથી જોયું ને ઇશારાથી પૂછ્યું, 'વૉટ કૅન આઇ ડૂ ફૉર યૂ ?' એટલે કે મોંઢું સ્થિર રાખીને આંખની ફક્ત ભ્રમરો તરત-તરત બે વાર ઊંચી કરવાની. બોલવાનું નહિ. આને 'શું છે ?'નું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કહેવાય. ગુજરાતીમાં આ જ વાત પૂછવી હોય તો સીધું પૂછવાની સગવડ છે જ કે, 'બોલો... શું હતું ?'

એ મર્સીડીઝ ચલાવતો હતો છતાં ડ્રાયવર નહતો રાખ્યો, જાતે ચલાવતો હતો. ગળામાં સવા કરોડના સોનાની ચૅઇન પહેરી હોય ને બૉડી ઉપર ગંજીફરાક પહેર્યું હોય, એવું લાગે.

'અરે સર... આટલી વહેલી પરોઢે... આટલી સૉલ્લિડ સ્પીડમાં...??' પછી કાંઇ ન બોલો, એટલે ઇશારામાં 'કઇ બાજુ ઊપડયા ?' પૂછ્યું કહેવાય. એ યુવાનના હાથમાં ઘોડાની લગામ હતી, સાથે શણગારેલો ઘોડો !

કારમાં બેઠેલા ચારે ય શાંતિથી ઉતરી ગયા. શિયાળાની સવાર વહેલી હોય (ત્યાં સુધી) સુંદર કહી શકાય એવી બે સ્ટાયલિશ સ્ત્રીઓ હતી. (પછી તો તડકો નીકળે ને ?) રીસેપ્શનના કપડાં પહેર્યાં હતા. ઘરેણાં લથબથ અને સ્પા સાથે ફૂલ મૅક-અપ દેખાતો હતો.

વાળ ઊડતા નહોતા, રીસૅપ્શનમાં જવાનું હોવાને કારણે બાંધેલા અને હોળી રમ્યાની હોય એવી રીતે હૅર-સ્પ્રે નાંખેલા હતા. સાથેના બંને પુરૂષો એમના આ જન્મના ગોરધનો હતા. એ સાલાઓ તો દેખાવમાં ય હસબન્ડોઝ જેવા લાગતા હતા... પોતાની કાંઇ પર્સનાલિટી નહિ ! સાંભળ્યું છે કે, આ વાઇફો સાથે આ બંનેનો પહેલો જ જન્મ હતો.... બીજા છ જન્મો કાઢવાના બાકી હતા.

'સર-જી, મારે રીસૅપ્શનમાં પહોંચવાનું છે... બહુ લૅટ થઇ ગયું છે. કૅન યૂ હૅલ્પ મી, પ્લીઝ ?' પેલાએ ઘોડા ઉપર બેઠા બેઠા પૂછયું.

તદ્દન અજાણ્યો માણસ આમ ગાડી રોકાવીને પાઇ-પૈસો નહિ ને લિફ્ટ માંગે, છતાં આ લોકોને નવાઇ ન લાગી, એના કારણ બે હતા. એક તો, એ લોકો પણ આટલી વહેલી પરોઢે રાજપથની પાછળ કોઇ પાર્ટી પ્લોટમાં રીસેપ્શનમાં જતા હતા અને બીજું.. આ લિફ્ટ-માંગુએ પણ કપડાં મૅરેજના પહેર્યા હતા.

'સર-જી, હું વરરાજો છું. મારા પોતાના રીસેપ્શનમાં જવાનું છે. અમદાવાદના ટ્રાફિકથી ત્રાસીને ઘોડો જરા ફાટયો છે ને વારેવારે બંને પગ ઊંચા કરીને મને ઊંચો કરી નાંખે છે...તમારી ગાડીમાં--'

'આટલા મોટા ઘોડાને તો ગાડીમાં લિફ્ટ કેવી રીતે આપું....તમારે બેસવું હોય તો--'

'ઓહ સર, હું મારી જ વાત કરતો હતો. લગ્ન મારા છે, ઘોડાના નહિ... આવી જઉં ?'

'પણ આટલી વહેલી પરોઢે રીસેપ્શન...?'

'ઓહ નો સર... રીસેપ્શન તો આવતી કાલે સાંજનું છે, પણ આપ તો અમદાવાદનો ટ્રાફિક જાણો છો....અત્યારે નીકળું ને ટ્રાફિક ક્લિયર મળે તો કાલે સાંજે મૅરેજમાં પહોંચી શકું ને !'

'...ને આ ઘોડો ?'

'એ આમ તો સીધો માણસ-આઇ મીન, સીધો ઘોડો છે, પણ આ લગ્નસરાની મૌસમમાં સીજી રોડ અને એસજી હાઇ-વેના ટ્રાફિકમાંથી નીકળવાનું છે, એ જાણ્યા પછી ભડક્યો છે....એ પોતે જ આ વરઘોડાનો કૉન્ટ્રાક્ટ કૅન્સલ કરવા આયો છે....હું વાહન ગોતું છું. ઘરના બધા તો સ્કૅટિંગ કરીને રીસેપ્શનમાં આવે છે.'

'ઓહ....અમે ય રીસેપ્શનમાં જ જઇએ છીએ... અમારે કાલે સાંજના લગ્ન છે...પણ ટ્રાફિક-બાફિકમાં ક્યાંક ભરાઇ જઇએ, એના કરતા મેં 'કુ....વહેલું નીકળવું સારૂં ! અંદર આવી જાઓ.'

કહે છે કે, શહેરોની ટ્રાફિક-સમસ્યાને કારણે ગુજરાતભરમાં વરઘોડા નીકળતા બંધ થઈ ગયા. કયાંક રડયોખડયો નીકળે તો લગ્નવાળા હૉલની આજુબાજુનું ચક્કર મારીને પાછો આવી જાય. અલબત્ત, હવે ધંધો બધામાં લાગી ગયો છે, એટલે કેટલાક મૅરેજ-દલાલો સફળ એટલે કે ટ્રાફિક-જામ વગરનો વરઘોડો કઢાવી આપવાની ગૅરન્ટી આપે છે. આખા વરઘોડાને એ લોકો પતલી-પતલી ગલીઓને અને સૉસાયટી-ફ્લૅટોના ડાયરેક્ટ કમ્પાઉન્ડો ને જરૂર પડે તો ફ્લૅટના ટેરેસો ઉપરથી વરઘોડા કઢાવે છે.

આ ઉપરાંત જે પાર્ટીઓને પોસાતું હોય એ 'ચંબલ-ઘાટી બ્રાન્ડ'ના વરઘોડા કઢાવે છે. કહે છે કે, વરઘોડાની ગોળેબાજુ લાંબી રાયફલો અને મોટી મૂછો સાથે ઘોડા ઉપર બેઠેલા ચંબલ ઘાટીના ડાકૂઓ ભાડે મળે છે. એ લોકો ચાલુ વરઘોડે ઘોડા ઉપર રાયફલો ઊંચી કરી કરીને ચકરડાં મારતા જાય.

ડરના માર્યા શહેરના ટુ-વ્હિલર્સ કે ગાડીવાળાઓ સલામ ભરી ભરીને મારગ મોકળો કરી આપે. વચ્ચે વચ્ચે ડાકૂઓના હવામાં ગોળીબારો ચાલુ હોય, એટલે ફટાકડાનો ખોટો ખર્ચો નહિ. ચંબલ ખીણમાં હવે કામધંધો રહ્યો ન હોવાથી વર્ષોથી આ ખૂંખાર ડાકૂઓ નવરાધૂપ બેસી રહ્યા હતા. કોકે સાયકલ-રીપૅરિંગની દુકાન શરૂ કરી, તો કોક ડાકૂ વળી વહેલી પરોઢે ઉઠીને દૂધની કોથળીઓ વેચે છે.

ખખડી ગયેલા વૃધ્ધ ડાકૂઓ ચીલમ સિવાય કાંઇ પીતા નહોતા, એ બધા 'ભૂરાલાલ છાપ વાદળી દોરા'ની બીડીઓ પીતા થઇ ગયા. પણ આ વરઘોડાની આગળપાછળ ઘોડા ઉપર બેસીને આંટા મારવાનો ધંધો ફાવી ગયો છે.

મૂછો મરડવા ય મળે અને ભડાકા ય કરવા હોય એટલા કરવા મળે...બધો ભાર કન્યાના બાપને માથે ! આ 'ચંબલ-ઘાટી બ્રાન્ડ' બધા વરરાજાના ફાધરોને પોસાતી નથી. કહે છે કે, એમાં લાગતો 'જીએસટી' તોડી નાંખે છે. (પ્રુફરીડરભાઇ, આ વાક્ય કાળજીપૂર્વક કમ્પોઝ કરશો... ભુલમાં, 'વરરાજાના બધા ફાધરોને પોસાતી નથી', એવું છપાઇ ન જાય...!)

કમનસીબે, હવે તો એક જ સાંજે ૪-૫ રીસેપ્શનોમાં જવાનું કૉમન થઇ ગયું છે. ચાંદલા બધામાં ફટકારવા પડે પણ જમવાનું એકમાં જ પહોંચી વળાય છે. અંગત કારણોસર કે ટ્રાફિકને કારણે આપણે કોઇ રીસેપ્શનમાં પહોંચી ન શકીએ, તો સર્કસ કે જાદુના પ્રયોગોના દૂર રહેતા પ્રેક્ષકો માટે જેમ, 'ખાસ દૂર રહેતા પ્રેક્ષકો માટે'ની માફક વધારાનો શો ગોઠવાય છે, એવા વધારાના રીસેપ્શનો ગોઠવી શકાતા નથી. એમાં ય, અમદાવાદના ૯૦-ટકા રીસેપ્શનો એસ.જી. હાઇવેની પાછળના પાર્ટી-પ્લોટોમાં આવે છે.

બધાને જવાનું તો શહેર છેદીને. પ્રજાની ટ્રાફિક-સૅન્સ એ હદની ઊંચી છે કે, રોજની મારામારીઓ અટકાવવા આપણા મૂર્ધન્ય સાહિત્યકારોએ મા-બેનની ગાળોની શોધ કરી, જેથી મહીં બેઠા બેઠા જ ઝગડો પતી જાય. આટલા ભીડોભીડ ટ્રાફિકમાં કારનો દરવાજો ખોલીને ફાઇટિંગ કરવા બહાર ન અવાય. બા ખીજાય.

ગાળો સસ્તામાં પતે. રોજની પચ્ચા ફાઇટિંગો તો કોને પોસાય, '? ઘરની ઍવરેજ ૩-૪ નહિ ગણવાની ? આ તો એક વાત થાય છે. ઇંગ્લૅન્ડ-અમેરિકામાં હૉર્ન વગાડો તો આગળની ગાડીવાળો કાળીયો તમને મારવા આવે.... ઈન્ડીયામાં 'ન વગાડો' કાળીયો અમેરિકાથી મારવા આવે ! એમાં ય, શહેરમાં મૅટ્રોના ખોદકામો પૂરબહારમાં ચાલે છે, એટલે લગ્નના મોંઘા કપડાં ઉપર ચારેકોર સીમેન્ટ ચોંટાડયો હોય એવું લાગે.

અમદાવાદ શહેરની રચના એવી કલાત્મક રીતે કરવામાં આવી છે કે, ઉતાવળે પહોંચવાનું હોય ત્યારે કારને પતલી ગલીમાંથી કાઢવી પૉસિબલ નથી કારણ કે શહેરની મુખ્ય સડકો એ પતલી ગલીથી ય વધુ પતલી હોય છે-ભરચક ટ્રાફિકને લીધે. ટ્રાફિકમાં જ્યાં ગાડી ફસાઇ હોય ત્યાં નવું મકાન લઇ લેવું કિફાયતભાવે પડે, પણ જ્યાં અટક્યા છો, ત્યાંથી સાંજના સુધીમાં તો આગળ ન વધાય.

સુઉં કિયો છો ? હવેના રીસેપ્શનીયાઓને આવા ૪-૫ રીસેપ્શનોમાં જવાનું હોય ત્યારે ઘરના બધા વચ્ચે એકએક રીસેપ્શન વહેંચી દે છે, 'તું અને કૃતિ ચીમ્પુના લગનમાં જઇ આવો. (પપ્પા... 'કૂતરી' નહિ...કૃતિનું રીસેપ્શન છે...!) સુધુ અને પરૂ સ્પૉર્ટ્સ કલ્બવાળામાં જાય. હું અને તારી મા શાહીબાગવાળામાં જઇ આવીએ....એવું હોય તો જમવાનું ક્યાં સારૂં બન્યું છે, એનો મોબાઇલ વારાફરતી બધાને કરી દેજો....'

ત્યાં પહોંચ્યા પછી ખરો સંગ્રામ શરૂ થાય છે. બધે 'વૅલે' પાર્કિંગ નથી હોતું. ભ', મર્સીડીઝ લઇને આવ્યા હોય, વાઇફને ગૅટ પર ઉતારી ગાડી પાર્ક કરવા ગયા હોય... છેવટે પાર્ટી-પ્લોટના વૉચમૅનની ખુરશી પર વાઇફ લાલમચોળ થયેલી બેઠી હોય ત્યાં અંધારા બર્ફીલા જંગલોની ઝાડીઓ વચ્ચેથી 'વો કૌન થી ?'વાળી સાધના પ્રગટ થાય, એવો આ મર્સીડીઝિયો ગોરધન પોણા બે કલાકે કાર પાર્ક કરીને દૂરથી કોકે લાત મારીને રગડતું 'સ્પ્રાઇટ'નું ડબલું તત્તડતત્તડ કરતું આવતું હોય. એવો ઘસડાતો આવતો દેખાય. કોઇ ગૅરન્ટી નહિ કે, એ એ જ છે. એ એના હસબન્ડ જેવો સહેજ બી ન લાગે. એને ખાત્રી થાય કે વર તો મારો જ લાગે છે. પણ આટલે દૂર ક્યાં પાર્કિંગ કરી આયો હશે ?'

'ડાર્લિંગ આટલામાં તો ક્યાંય પાર્કિંગ ન મળ્યું. આગળ જતો ગયો... જતો ગયો, કલાક પછી જગા મળી તો એ આપણા ફ્લૅટની નીચે જ હતી... ત્યાં પાર્ક કરી દીધી...! ઘેરથી ચાલતો આવું છું...'

'કોના ઘેરથી....?'

સિક્સર
ઇલૅકશન્સની આ બધી લમણાંઝીંકમાંથી બે ઘડી બહાર નીકળીને ફ્રેશ થવું હોય તો બે નવી ફિલ્મો ખાસ જુઓ, એક આપણી અર્બન ગુજરાતી 'લવની ભવાઇ' અને બીજી, વિદ્યા બાલનની 'તુમ્હારી સલ્લુ'.

No comments: