Search This Blog

09/12/2017

'પરખ' (૬૦)

ફિલ્મ : 'પરખ' (૬૦)
નિર્માતા- દિગ્દર્શક : બિમલ રૉય
સંગીત : સલિલ ચૌધરી
ગીત-સંવાદ :  શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ : ૧૬- રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : સાધના, વસંત ચૌધરી, નિશી, મોતીલાલ, દુર્ગા ખોટે, લીલા ચીટણીસ, સરિતા દેવી, નઝીર હુસેન, કન્હૈયાલાલ, જયંત,રાશિદ ખાન, અસિત સેન, હરિ શિવદાસાણી, મોની ચૅટર્જી, ર્પાલ મહેન્દ્ર, મુમતાઝ બેગમ, શીલા રાવ, પરવિન(રૂબી) ર્પાલ, રાધેશ્યામ, આકાશદીપ, મહેરબાનુ અને કેશ્ટો મુકર્જી.

ગીતો
૧...ઓ સજના, બરખા બહાર આઈ, રસ કી ફૂહાર લાઈ.. લતા મંગેશકર
૨... મિલા હૈ કિસી કા ઝૂમખા, ઠંડે ઠંડે હરે હરે નીમ તલે.. લતા મંગેશકર
૩...ઓ બંસી ક્યું ગાયે, મુઝે ક્યું સતાયે... લતા મંગેશકર
૪... મેરે મન કે દિયે, યૂં હી ઘૂટઘૂટ કે જલ... લતા મંગેશકર
૫... ક્યા હવા ચલી, બાબુ રૂત બદલી, શોર હૈ ગલીગલી.. મન્ના ડે

અમારી પેઢીના તો બધા ગૌરવપૂર્વક બોલે છે કે, 'અમે નસીબદાર છીએ કે બિમલ રૉય, ઋષિકેષ મુકર્જી કે રાજ કપૂરની પેઢીની ફિલ્મો જોવા મળી.

આ ત્રણે સર્જકોનું કૉમન-ફૅક્ટર સ્વચ્છ મનોરંજનનું હતું. કોઈ મોટા ઉપદેશો નહિ. ગળે ઉતરે નહિ એવી વાર્તાઓ નહિ અને એ ત્રણેયનો ફિલ્મો બનાવવાનો ધ્યેય એકસરખો.. જે કાંઈ કહો. મનોરંજન સાથે- હળવાશથી કહો. કોઈ મહાત્મા ઉપદેશ આપતા હોય એમ નહિ. પ્રેક્ષકો ખાસ્સા એવા પૈસા ખર્ચીને ફિલ્મ જોવા આવે છે. હિસાબ 'વળતર'ના સંદર્ભમાં નહિ, સંતોષના સંદર્ભમાં પૂરો પૉઝિટીવ હોવો જોઈએ.'

બિમલ રોયે એમની આ ફિલ્મ 'પરખ'માં ય એવું જ કર્યું. ફિલ્મ ઉમદા ખરી, કોઈ ગ્રેટ ફિલ્મ પણ નહિ અને વાતો ય મોટી મોટી નહિ. એક જ ઇન્દ્રીયનું જ્ઞાન રાખ્યું, હળવી ભાષામાં સ્વચ્છ મનોરંજન. માણસની લોભવૃત્તિ વિશે કટાક્ષ કરવો બધાને ગમે-ભલે પોતે જ એ જ જૉનરનો હોય, પણ બીજાના લોભની ઠેકડી ઊડતી હોય, તો જોવાની આવે મઝા. એક સાવ નનેકડા ગામમાં ઘટનાઓ બને એવું તાઉમ્ર કાંઈ થતું નથી અને ઘટના જેવું કાંઈ ગણી શકાય, એવી તદ્દન નાની વાત બને છે જેમાં ગામના કહેવાતા મોટાઓ ખુલ્લા તો પડી જાય છે, પણ પ્રેક્ષકોને ગમ્મત આપતા આપતા !

જેને ખાવાના સાંસા છે, એવા પોસ્ટ માસ્ટર નિવારણ બાબુ (નઝીર હુસેન) અને તેની પત્ની લીલાબાઈ ચીટણીસની સુંદર યુવાપુત્રી સીમા( સાધના) ગામના યુવાન અને હોનહાર શિક્ષક (પ્રો.રજત શર્મા) વસંત ચૌધરીના પ્રેમમાં છે, પણ સાધના ઉપર ગામનો શેઠીયો ભંજુબાબુ( અસિન સેન) ટાંપીને બેઠો છે.

આ લોકોની ગરીબાઈનો લાભ લેવા શેઠ ગામના કર્મકાંડી અને નાલાયક બ્રાહ્મણ (પંડિત તર્કાલંકારજી) કન્હૈયાલાલ સાથે મળીને સાધનાનું અસિત સેન સાથે ગોઠવાવી દેવા માંગે છે. પોસ્ટમાસ્ટરને ત્યાં પોસ્ટમેનની નોકરી કરતો હરાધન (મોતીલાલ) આનંદી અને બધી વાતો પોઝિટીવ લેવાવાળો છે. સાધનાને દીકરીસમી ગણી એના ઘરના શાકભાજી કે દાણોપાણી પણ લાવતો રહે છે.

આ બાજુ પોસ્ટમાસ્ટર પાસે કોક અજાણી ચિઠ્ઠી આવે છે, જેમાં ચિઠ્ઠી લખનાર આ ગામનો કોક જૂનો રહેવાસી છે. ગામમાં હવે નથી રહેતો પણ ખૂબ ધનદૌલત કમાયો હોવાથી ગામના વિકાસ માટે રૂ.૫ લાખ મોકલાવે છે અને પોસ્ટમાસ્ટરને વિનંતી કરે છે કે, આ પૈસા એવા માણસને આપજો, જે ગામને સુધારી શકે, વિકાસ કરાવી શકે.

ગામની આ લાલચુ ટોળીમાં ઝમીનદાર રાય બહાદુર તાંડવ તરફદાર (જયંત), ગરીબોને લૂટતો રાશિદ ખાન ડૉકટર, બુઢ્ઢો અસિત સેન અને પોસ્ટ માસ્ટર નઝીર હુસેન પાસે ફિલ્મનો હીરો વસંત ચૌધરી નક્કી કરાવે છે કે, પાંચ લાખ રૂપીયા જેટલી માતબર રકમ ગામના વિકાસ માટે મળી છે, તો એ કોણ વાપરી શકશે, એ નક્કી કરવા માટે ચૂંટણી થવી જોઈએ જેથી ગામલોકોનો મત મળે.

અહીં મોતીલાલનું બીજું સ્વરૂપ જોવા મળે છે - સર જે. સી.રોયનું. એણે જ પોતે છોડેલા આ ગામની બદીઓ જોઈને આ પૈસા મોકલ્યા હોય છે. એના પી.એ. તરીકે પોલ મહેન્દ્રએ રોલ કર્યો છે. ૫-લાખનો મામલો આવતા આ આખી ટોળકી સુધરી જાય છે, પણ કાવાદાવા ચાલુ રાખે છે. અંતે મોતીલાલ એમના અસલસ્વરૂપે પ્રગટ થાય છે ને સહુ સારાવાના થાય છે.

બિમલ રોયની આ ખૂબી કહેવાય. ફિલ્મનો ટ્રેડિશનલ હીરો તો વસંત ચૌધરી કહેવાય અને પ્રેમલા- પ્રેમલીવાળી વાત હોવા છતાં પણ વાર્તા મુજબનું સેન્ટ્રલ કેરેક્ટર નઝીર હુસેન પણ છે અને મોતીલાલ પણ છે.

અફ કોર્સ, ફિલ્મ પૂરી થતા સુધીમાં તો બિમલ રોયે બનાવેલી 'પરખ' મુજબ ફિલ્મનો હીરો મોતીલાલ જ કહેવાય, પણ ફિલ્મ જોનારાને હીરો કોણ છે, એ બધી કડાકૂટમાં પડવાની જરૂરત લાગતી નથી. મગજને કોઈ પણ કષ્ટ ન પડે, એ રીતે ગાલ ઉપરથી સરી જતી રેતી જેવી વાર્તા ય એટલી સરળ બની છે કે, ફિલ્મમાં જયંત કે કન્હૈયાલાલ જેવા ખલનાયકો હોવા છતા, ''ઓ મ્મી ગોડ.. હવે શું થશે ?'' એવા ટેન્શનો પ્રેક્ષકો પાસે કરાવાતા નથી.

આપણી પોતાની અસલી જીંદગીના વિલનો વિલન હોય ખરા, પણ હિંદી ફિલ્મો જેવા આપણી ઔકાત બગાડી નાંખે એવા નહિ. આ ફિલ્મમાં પણ બિમલ દાએ આ જ ધ્યાન રાખ્યું છે. કેશ્ટો મુકર્જી કે રાશિદ ખાન જેવા કોમેડિયનો હોવા છતાં મેહમુદ- જર્હાની વૉકર જેવી ખડખડાટ હસાવે એવી કોઈ કોમેડી નહિ, તમને મરકમરક હસવું આવે રાખે, ધૅટ્સ ઓલ !


ફિલ્મમાં કોઈ સૅટ વાપર્યા હોય એવું જણાતું તો નથી. બધા લોકેશન્સ એક્ચ્યૂઅલ છે, એટલે ગામડાના સૌંદર્ય કે ગંદકીની સીધી ફોટોગ્રાફી કમલ બોઝે કરી છે, જે આંખને ઠંડક આપે છે, પણ આ ફિલ્મ આજે ય યાદ રહી. ગઈ હોય તો એના મધુરા ગીતોને કારણે. સંગીતકાર સલિલ ચૌધરીને માધુર્યના દેવતા લતા મંગેશકરે પણ માનવા પડે, એવા મીઠડા ચારે ય ગીતો ગવડાવ્યા છે. હવે તો સ્ટેજ- પ્રોગ્રામોને કારણે બધા જાણતા થઈ ગયા છે કે, લતા પાસે અનેક ગીતો બંગાળીમાં સલિલ દાએ પહેલા ગવડાવ્યા હતા ને પછી એમનું હિંદીકરણ કરીને ફિલ્મોમાં લેવડાવ્યા હતા.

'આ સજના, બરખા બહાર આઈ..'નું મૂળ બંગાળી ગીત 'ના જેઓના, રોજોની એખોનો બાકી, આરો કિછુ દિતે બાકી, બાલે રાત જાગા પાખી' અને બીજું બાંગ્લા ગાન, 'ઓ બાશી, બાશી કેનો ગાય, આમારે કદાય, કે ગેશે હરાયે, શોરોનરો બેદોનાય, કેનો મોને એને દાય..'' જેના ઉપરથી 'ઓ બંસી ક્યું ગાયે, મુઝે ક્યું સતાયે.. અને લતાએ ગાયેલા આવા ઘણા બંગાલી ગીતોના માત્ર સંગીતકાર જ નહિ, ગીતકાર પણ સલિલ દા હતા. બિમલ રોયની એર્વાડ-વિનિંગ ફિલ્મ 'દો બીઘા જમીન'ની જેમ આજની ફિલ્મ 'પરખ'ની વાર્તા પણ એમણે લખી છે.

સાધના- શશી કપૂરની બિમલ રૉયવાળી ફિલ્મ 'પ્રેમપત્ર'ની પટકથા સલિલ દાએ લખી હતી. આ ફિલ્મ 'પરખ'નાં સંવાદો ગીતકાર શૈલેન્દ્રને લખ્યા છે. લતાના બન્ને મધુરા ગીતોમાં સલિલ દા એ મધુરી વાંસળી અને સિતારનો બખૂબી ઉપયોગ કર્યો છે, 'ઓ સજના..ની સિતાર જયરામ આચાર્યએ વગાડીએ છે. કહે છે કે દાદાને આ ધૂન વરસાદમાં ગાડીના વાઈપરના અવાજો પરથી સૂઝી હતી.

આ ફિલ્મ માટે બિમલ રોયને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ સર્પોટિંગ-એકટર માટે મોતીલાલને અને શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રણ માટે જર્યોજ ડી 'ક્રુઝને એ વર્ષના 'ફિલ્મફેર એર્વાડર્સ''એનાયત થયા હતા. ૧૯૬૧ની શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફૅર એવોર્ડ તો દેખિતું છે, કે. આસિફની 'મુગલ-એ આઝમ'ને મળ્યો હતો પણ બીજે નંબરે 'પરખ' આવી હતી. ઇ.સ.૧૯૬૦ના જ આ વર્ષે સાચા અર્થમાં એકબીજાથી ચઢીયાતી ફિલ્મો રીલિઝ થઈ હતી, 'મુગલ-એ-આઝમ', 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ,' કોહિનૂર, બરસાત કી રાત, ચૌદહવી કા ચાંદ અને આ પરખ.   મહારાષ્ટ્રીયનોની જેમ બંગાળીઓમાં ય પ્રાંતવાદ પહેલો. વ્હી.શાંતારામની ફિલ્મોના ટાઈટલ્સ જુઓ... મોટા ભાગના મરાઠીઓ જ.

બાલ ઠાકરેએ તો મુંબઇની પરાંના સ્ટેશનો પરથી ગુજરાતી નામો ય કઢાવી નાંખ્યા હતા ને આજે ય ઉધ્ધવ કે રાજ ઠાકરે ગુજરાતીઓને ભાંડવામાં કાંઈ બાકી રાખતા નથી. ત્યાંની પ્રજા કમાય છે ગુજરાતી ઉદ્યોગપતિઓને કારણે, પણ ગાળો ગુજરાતીઓને જ દેવાની. ગુજરાતીઓને એવી પડી ય નથી. આજ સુધીની હિંદી ફિલ્મોના 'તમામ ગુજરાતી કલાકારોએ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ તો જવા દો, પોતાની ઓળખાણ પણ ગુજરાતી તરીકેની આપવામાં શરમ અનુભવી છે.

શરમ તો બિમલ રોયને બહુ આવી હતી, જયારે એમની દીકરી રિન્કી કોઈ ચાયનીઝ કે રશિયન સાથે નહિ, બંગાળી સર્જક અને આ ફિલ્મમાં પણ એમના આસિસ્ટન્ટ દિગ્દર્શક રહેલા બાસુ ભટ્ટાચાર્યને પરણી, જેમાં બેમાંથી એકે ય ફેમિલી રાજી તો નહોતું, પણ ઉગ્ર હતું.

(બાસુ દા એ રાજ કપૂરવાળી ફિલ્મ 'તીસરી કસમ' કે સંજીવ કુમાર-તનૂજાની ફિલ્મ 'અનુભવ' બનાવી હતી.) એમાં એ મેરેજ થોડા વખતમાં ફિટાઉન્સ થઈ ગયા,પણ બાસુ- રિન્કીનો દીકરો આદિત્ય ભટ્ટાચાર્ય એક ઍક્ટર અને દિગ્દર્શક તરીકે થોડું નામ કમાયો. આમિર ખાન અને પંકજ કપૂરવાળી ફિલ્મ 'રાખ' એણે બનાવી હતી.

દેખાવડો ખૂબ હોવાને કારણે એને ભારતના સૌથી વધુ સૅકસી પુરૂષનું ટાઈટલ મળ્યું હતું. શશી કપૂરની દીકરી સંજના સાથે પ્રેમમાં પડીને બન્નેએ નિષ્ફળ લગ્ન પણ કરી લીધા અને બન્ને સરખા ભાગે પછતાયા, પછી આદિત્યે ઇટલીની ખૂબસુરત મરિયા જીયોવાના સાથે લગ્ન કર્યા. અત્યારે એ અડધો ટાઈમ ઇન્ડિયા અને બાકીનો ઇટલીમાં પસાર કરે છે.

બિમલ રોય ગીતોના ફિલ્માંકનમાં આપણાથી તદ્દન અજાણ્યા કલાકારોને મૂકી દેતા, જેમ કે આ જ ફિલ્મ 'પરખ'ના મન્ના દા એ ગાયેલા 'ક્યા હવા ચલી..' ફિલ્મમાં મશહૂર ડાન્સ-ડાયરેક્ટર સચિન શંકર છે. 'બંદિની'ના આશા ભોંસલેએ ગાયેલા 'અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ' ફિલ્મમાં જે ગાય છે, તે સ્ત્રી બિમલ રોયના પ્રોડક્શન મેનેજર કપૂરની પત્ની છે.

'મત રો માતા લાલ તેરે બહુતેરે' પણ રાજદીપ નામના એક એકસ્ટ્રા કલાકાર ઉપર ફિલ્માયું છે, પણ સૌથી નવાઈવાળી વાત એ છે કે, ૧૯૩૨-માં બોલતી હિંદી ફિલ્મો શરૂ થઈ, તે પહેલી ફિલ્મ 'આલમઆરા' (અને હિંદી ફિલ્મોનું સૌથી પહેલું ગીત) 'દે દે ખુદા કે નામ પે... જે કલાકારે ગાયું હતું, તે ડબલ્યૂ.એમ.ખાન પાસે બિમલ દા એ ફિલ્મ 'કાબુલીવાલા'નું 'અય મેરે પ્યારે વતન..' ગવડાવ્યું છે, તો 'ગંગા આયે કહાં સે...' એમ.વી.રાજન પરદા ઉપર આ ગીત ગાય છે.

રાજનને તમે વિનોદ ખન્નાની ફિલ્મ 'ઇન્કાર'માં વિનોદના આસિસ્ટન્ટ તરીકે અને ધર્મેન્દ્ર-માલા સિન્હાની 'જબ યાદ કિસી કી આતી હૈ'માં વિલનના રોલમાં જોયો છે. આજની ફિલ્મનું એક મધુરૂં ગીત 'ઓ બંસી ક્યું ગાયે, મુઝે ક્યું સુનાયે' નિશી ઉપર ફિલ્માયું છે. નિશી અત્યંત મોડર્ન અને સેકસી લાગતી સુંદર ઍકટ્રેસ હતી. પણ ફિલ્મો પસંદ કરવાની અણઆવડતને કારણે છેલ્લે છેલ્લે તો દારા સિંઘવાળી 'લૂટેરા' જેવી ફિલ્મો પતાવીને છુટી થઈ ગઈ.

મોતીલાલ એક અદભુત ઍક્ટર હતો. બૅઝ-વોઈસનો ધની અને પર્સનાલિટી તવંગરની. રાજ કપૂરને એની હ્યૂમર ખૂબ આદરપૂર્વક ગમતી. 'જાગતે રહો'માં મોતીને ખૂબ સુંદર કિરદાર રાજે આપ્યો હતો. પોતાના પરિચયમાં મોતી કહેતો,'સો વાર પરણ્યો છું. બે વાર મરતાં બચ્યો છું.

જન્મ્યો ક્યારેય નથી પણ કાયમ પેરેશૂટથી ધરતી પર અવતર્યો છું.' નસીરૂદ્દિન શાહના મતે હિંદી ફિલ્મોમાં ત્રણ જ સર્વોત્તમ એકટરો આવ્યા છે, મોતીલાલ, બલરાજ સાહની અને યાકૂબ. અમિતાભ બચ્ચને The Hundred luminous years of Hindi cinema પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે, 'આ મહાન અભિનેતાની પ્રશંસામાં ખાસ કાંઈ કહેવાયું /લખાયું જ નહિ. એ જમાનાથી ઘણા આગળના અભિનેતા હતા.

આજે હયાત હોત તો, અમારામાંથી ઘણા બધા કરતા એ ઘણા સફળ હોત ! મોતીલાલના લગ્ન તૂટી ગયા હતા, પણ નાદિરા સાથેની અફૅયર જગજાહેર હતી, એના કરતા નૂતન/તનૂજાની મા શોભના સમર્થ સાથેના સંબંધો પતિ-પત્નીથી કમ નહોતા. મોતી દારૂ અને રેસના વધુ પડતા શોખિન હોવાને કારણે બધું ગૂમાવ્યું પણ એમાં જ નહિ તો, પોતાની માલિકીનું વિમાન ધરાવનાર ભારતનો એ પહેલો ફિલ્મસ્ટાર હતો... એનું સાચું નામ 'મોતીલાલ રાજવંશ' હતું. ખિસ્સામાં દસ પૈસા ય નહિ, એવી કરૂણ હાલતમાં ગૂજરી ગયેલા મોતીલાલ ગાયક મૂકેશના નજીકના સગામાં હતા. મૂકેશને ફિલ્મ 'પહેલી નઝર' ('દિલ જલતા હૈ તો જલને દે..) અપાવનાર પણ મોતીલાલ જ. કરૂણા એ વાતની છે કે, પૈસેટકે કંગાળ થઈ ચૂકેલા મોતીએ આખરી ફિલ્મ બનાવી, 'છોટી છોટી બાતેં,' એમાં મૂકેશના જ કંઠે મોતી અને મૂકેશની જેમ શૈલેન્દ્રને પણ લાગુ પડતા શબ્દો કેવા ચોટદાર નીકળ્યા.

ચંદ દિન થા બસેરા હમારા યહાં, હમ ભી મેહમાન થે ઘર તો ઉસ પાર થા,
હમસફર એક દિન તો બિછડના હી થા, અલવિદા, અલવિદા.. અલવિદા

મોતીલાલની કરિરની સર્વોત્તમ ફિલ્મ 'મિસ્ટર સંપત' કહેવાય છે, જે ફિલ્મ 'ગાઈડ'ના લેખક અને કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણના મોટા ભાઈ આર.કે.નારાયણે લખી હતી ( એ ફિલ્મ વિશે પણ આ કોલમમાં આવશે). બિમલ દા ની જ દિલીપ કુમારની ફિલ્મ 'દેવદાસ'માં ચુનીલાલના કરેક્ટર માટે મોતીલાલને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

સાધના એની વર્લ્ડ-ફેમસ હેર સ્ટાઈલ 'સાધના-કટ' પહેલાની આ ફિલ્મ હતી અને ટાઈટલ્સમાં એનું નામ સાધના શિવાદાસાણી લખાયું છે. એના સગા કાકા અને બબિતાના પપ્પા હરિ શિવદાસાણી આ ફિલ્મમાં છે. પણ બન્ને કુટુંબો વચ્ચે કદી ય બન્યું નથી. નૂતન- તનુ મોતીલાલને જીવનભર મોતીકાકાને નામે બોલાવતા. પોતાની અનધિકૃત પ્રેમિકા શોભના સમર્થને ખાતર મોતીએ નૂતન-તનૂજાને ફિલ્મોમાં લાવવા 'હમારી બેટી' નામની ફિલ્મ ઉતારી. એ વાત જુદી છે કે, વચમાં કંઈક એવું બન્યું કે, નૂતનને એની મા સામે કોર્ટમાં ચઢવું પડયું. તનૂજા, તનિષા શોભનાની તરફેણમાં ! અંજામ શું આવ્યો, તે નથી ખબર.

બંગાળીઓના કંઠ બહુ મીઠા હોય. ફિલ્મના હીરો વસંત ચૌધરી ઉંમરલાયક છતાં દેખાવડો લાગે છે. એનો અવાજ વિશ્વજીત જેવો સૂરીલો છે.

અમારી જેમ આ કોલમના અનેક વાચકો પંકજ મલિકવાળી ફિલ્મ 'યાત્રિક'ના મોટા ફૅન છે. એ ફિલ્મમાં આ વસંત ચૌધરી હીરો હતો. વસંતને કશ્મિરી અને પર્શિયન શોલનો પાગલ શોખ હતો. જેનાથી અંજાઈને સત્યજીત રેએ એમની ઘણી ફિલ્મોમાં એ જ શોલ વાપરી છે. એને રેર કોઈન્સને અપ્રાપ્ય છાપેલી નોટોનો બેહદ શોખ હોવાને કારણે વસંત ચૌધરી numismatics હેસૈજસચૌજાનું બિરૂદ પામ્યો હતો. (એટલે આવા અપ્રાપ્ય ચલણના સંગ્રાહક)


No comments: