Search This Blog

16/12/2017

પ્રહાર (૧૯૯૧)

નિર્માતા    :    સુધાકર બોકાડે
દિગ્દર્શક    :    નાના પાટેકર
સંગીત    :    લક્ષ્મીકાંત- પ્યારેલાલ
થિયેટર    :    --- (અમદાવાદ)
રનિંગ ટાઇમ    :    ૧૬ રીલ્સ : ૧૬૭ મિનિટ
કલાકારો    :    નાના પાટેકર, ડિમ્પલ કાપડિયા, માધુરી દિક્ષિત, ગૌતમ જોગલેકર, હબિબ તન્વીર, મકરંદ દેશપાન્ડે, અચ્યૂત પોતદાર, માસ્ટર સાઇ દેવધર 

ગીતો
૧.   ધડકન જરા રૂક ગઈ હૈ …    સુરેશ વાડકર
૨.   હમારી હી મુઠ્ઠી મેં …   મન્ના ડે
૩.   હમારી હી મુઠ્ઠી મેં …   કવિતા ક્રિષ્ણામૂર્તિ
૪.   યાદ પિયા કી આયે (ઠુમરી) …   શોભા ગુર્તુ

રોડ પર ઍક્સિડેન્ટ તમારી નજર સામે થાય અને લોહીથી લથબથ ઘાયલને તમે તરફડતા જુઓ તો શું કરો ? શરીરમાં તમારાથી ય પતલો કોઈ ખિસ્સાકાતરૂ ભાગતા ભાગતા તમને અથડાય તો તમે એને પકડીને પોલીસ કે ટોળાને હવાલે કરી દેવાના ખરા ?

શીટ...આ બધું તો તમે નહિ કરો, પણ તમારી જ યુવાન દીકરીને તમારી જ નજર સામે મવાલી બિભત્સ વર્તન કરે ત્યારે તમે કેવું રીએક્ટ કરવાના છો ?

શરમાવાની જરૂર નથી. તમે કાંઈ કરવાના કે કરી શકવાના નથી. 'આ બધું આપણું કામ નહિ' અથવા તો મવાલીને સીધો કરી નાખવા તમારી પાસે માનસિક તાકાત નથી, જે કદી પેદા જ થઈ નહોતી.

અને બધા ભારતીયો આવી જ નપુંસકતા બતાવે તો વાંક કોનો ગણવો ? તમને 'બેનિફિટ ઓફ ડાઉટ' એટલા માટે આપી શકાય કે, તમારી નજર સામે આવી અચાનક ઘટનાઓ બનવાની તમે અપેક્ષા નહોતી રાખી અને હબક ખાઈ ગયા હો, એટલે મવાલી ગુંડાઓનો સામનો કરવાની માનસિક તૈયારી જ ન હોય. અધૂરામાં પૂરું, આપણા દેશના કાયદા- કાનુનો... દીકરી સામે મવાલીઓ બિભત્સ વર્તન કર્યું, તો કાયદો એનું 'પ્રુફ' અને ઘટનાને નજર સામે જોનારા સાક્ષીઓ માંગે અને એ સાક્ષીઓ અદાલતમાં હિમ્મતભેર જુબાની આપે અને એ પછી પણ પુરાવાના અભાવે મવાલી- ગુંડાઓ નિર્દોષ છૂટી જાય તો કેવા ડઘાઈ જાય ?

અને આ જ, કાયદાકીય નબળાઈઓનો ગેરલાભ લઈને મવાલીઓ નાપાક હરકતો કરતા રહે છે ને તમે કાંઈ કરી શકતા નથી. એમાં ય, આપણા દેશની હલકટ ટીવી- ન્યૂસ ચેનલો આવી ઘટના કેમ જાણે મનોરંજનના ખેલ હોય એમ, 'ક્યા સુનિતા પર વાકઈ બલાત્કાર હુઆ થા ?' એવા નાટકોના ઘૃણાસ્પદ પેનલ- ડિસ્કશનો બતાવીને આપણા ઘા ઉપર મીઠું ભભરાવતી રહે...!

દેશના નાગરિકોની આવી જ લાચારીઓ સામે નાગરિકોએ સ્વયં કાયદો હાથમાં લેવો જોઈએ કે નહિ, તેના ઉપર આપણા બારમાસી ક્રોધી છતાં જસ્ટિફાઇડ નાના પાટેકરે પોતે એક અસરકારક ફિલ્મ બનાવી, 'પ્રહાર' ફિલ્મમાં પ્રહારનો અર્થ 'છેલ્લો ઘા' કરવામાં આવ્યો છે... ગુંડાગીરીનો સામનો કરવા કરતા એને શરણે જવામાં વધુ સલામતી છે, એવા અર્થઘટન સાથે જીવતા સમાજને નાના પાટેકરે આ ફિલ્મ દ્વારા બતાવ્યું છે કે, પોલીસ કે કાનુન તમારી મદદે ન આવી શકે તો તમે પ્રહાર કરો.

અલબત્ત, ફિલ્મના રચનાત્મક અંત માટે નાનાએ આવા સોલ્યુશનનો અંજામ પણ દર્દભર્યો જ બતાવ્યો છે. કમનસીબે આટલી સુંદર ફિલ્મ બનવા છતાં ફિલ્મમાં એ એસ્ટાબ્લિશ થઈ શક્યું નથી કે, '... તો પછી શું કરવું ? ન કાયદો મદદમાં આવે, ન તમારો અંગત પ્રહાર કામમાં આવે તો આવી અરાજકતાનો ઉકેલ શું ? એ જવાબ ફિલ્મ આપી શકતી નથી, કારણ કે જવાબ કદાચ છે પણ નહિ !'

શહેરમાં એક નાનકડી બેકરી ચલાવતા વૃદ્ધ જ્હોન ડી'સોઝાનો (હબિબ તન્વીર)નો યુવાન પુત્ર પીટર પપ્પા અને એની ફિયાન્સી શર્લી (મધુરી દિક્ષીત)ની ના હોવા છતાં લશ્કરમાં જોડાય છે, જ્યાં સહન ન થાય એવી આકરી ટ્રેનિંગ લેવી પડે છે, જેનાથી ગભરાઈને પાછો આવતો રહેવા માંગે છે, પણ શરીરે ખડતલ અને સ્વભાવના પૂરા લશ્કરી મિજાજી મેજર પ્રતાપ ચૌહાણ (નાના પાટેકર) એની આંખો ખોલે છે કે, હવે તું પાછો જઈશ તો લોકો તને બાયલો કહેશે. પીટર મૅજર માટેના આદર સાથે રોકાઈ તો જાય છે, પણ સ્કૂલના બચ્ચાઓનું અપહરણ કરીને લઈ જતા આતંકવાદીઓ સામેના રાતના રેસ્ક્યૂ ઓપરેશન દરમ્યાન પીટર એના બન્ને પગ ગૂમાવી દે છે અને ઘેર પાછો આવે છે.

થોડા વખત પછી ખૂબ આગ્રહ સાથે પીટરની એના લગ્નની કંકોત્રી મેજરને મળે છે અને ઉત્સાહ સાથે મેજર પીટરના ઘરે આવે છે, ત્યારે એને ખબર મળે છે કે, પીટરે આતંકવાદીઓ સામે લડતાં લડતાં જાન કુર્બાન કરવો પડયો છે. પીટરની પડોસણ વિધવા કિરણ (ડિમ્પલ કાપડિયા)ના મકાનમાં નાના ભાડે રહેવા જાય છે, જ્યાં કિરણ, પીટર કેવી બહાદુરીથી ગુંડાઓનો સામનો કરતા શહીદ થઈ ગયો છે એ માંડીને વાત કરે છે.

દરેક રહેવાસીએ ગુંડાઓને દર મહિને હપ્તો આપવો જ પડે, એ પ્રથા સામે પીટરના પપ્પા જ્હોન કે અન્ય પડોસીઓને કોઈ વાંધો નથી, એ ભયથી કે આપણે એમનો સામનો તો કરી શકવાના નથી તો દુશ્મની શુ કામ બાંધી લેવી ? પણ પીટર આ ગુંડાઓને તાબે થતો નથી અને કપાયેલા બન્ને પગે એ બધાની સામે લડીને શહીદ થઈ જાય છે.

મુંબઈના ફૉકલેન્ડ રોડ પરના બજારની રંડીનો આ પુત્ર મોટો થઈને વિદ્રોહી મિજાજનો બની જાય છે અને જે સજા પોતાની માતાને સરેબાઝાર ઉઠાવી જનાર અજ્ઞાત ગુંડાઓને કરી શક્યો નહતો, તેનો બધો ઉતાર ડિમ્પલ કાપડીયાની બેઇજ્જતી કરનાર એ જ ગુંડાઓને સ્વધામ પહોંચાડવાના ઇરાદા સાથે નાનો પોતાની જ ગલીના અંધકારમાં એકલે હાથે બધાને મારી નાંખે છે ત્યારે એને મનની શાંતિ મળે છે. ફિલ્મના દિગ્દર્શક તરીકે નાના પાટેકર પ્રેક્ષકોના મનમાં ભરાવા દે છે કે, એક સહૃદયી વિધવા (ડિમ્પલ)ને કારણે નાનો ગુંડાઓ સામે લડયો અને ફિલ્મી અંત મુજબ, છેવટે બન્ને એકબીજા સાથે જોડાઈ જશે, તેને બદલે વાત લટકતી રહેવા દેવામાં આવે છે અને ૫- ૭ વર્ષના નાગા બાળકોને પહાડો પર દોડાવીને ફિલ્મના અંતિમ દ્રષ્ય સાથે નાના મેસેજ શું આપવા માંગે છે, તે સામાન્ય પ્રેક્ષકને જ નહિ, બાલ્કનીની ટિકિટ કઢાવીને બેઠેલા ભગવાન શંકરો, શહેનશા અકબરો, રાણા પ્રતાપો કે શ્રી નટવરપ્રસાદ વાસુદેવ યાદવને ય સમજ પડતી નથી.

આપણે આ ફિલ્મ જોવા બેઠા પછી એક સમજ પાડવાની છે, જેમાં તમારે મને કોઈ મદદ કરવાની નથી. મામલો ડિમ્પલ કાપડિયાનો છે ને મારે એમાં અક્ષયકુમારો કે સની દેઓલોની પણ જરૂર નથી. કેસ ડિમ્પલનો જ છે એટલે હું જ સંભાળીશ. (...અમારે જરી નજીકમાં થાય !)

ડિમ્પલ કાપડિયા - ખન્ના કે બ્લેકમાં 'દેઓલ' ખન્નાના ગયા પછી જીવન ક્લબમાં (લાખોના સ્ટૅકવાળા) પત્તા રમવા ઉપરાંત મોંઘા ભાવની સિગારેટ સતત પીધે રાખવાની અને ડ્રિન્ક્સ તો હવે શરાબ કહેવાતું જ નહિ હોય, એમ પાણીની જેમ પીધે રાખવાનો, એવી બાતમીઓ મળતી રહે છે, પણ ફિલ્મોમાંથી તેની હકાલપટ્ટી અને પોતે દિગ્દર્શિત કરી છે કે હવે કોઈ એને લેતુ નથી, એ સમજવાનું હજી મને આવડયું નથી. વચમાં સની દેઓલ સાથે લંડનના કોઈ બાંકડા પર બેઠી બેઠી એ સિગારેટો પીતી હોય, એવો વિડિયો- વાયરલ ઘણો થયો, એવી ઘટનાઓ સાથે એના એક ફેન તરીકે આપણે ધ્યાનમાં કશું લેવાનું ન હોય. એક એક્ટ્રેસ તરીકે એ ગ્રેટ છે જ. એની અભિનયક્ષમતા સાર્થ કરવા માટે એની એક જ ફિલ્મ કાફી છે, 'કાશ' (જેનો હીરો જેકી શ્રોફ હતો.) આખી ફિલ્મ 'પ્રહાર'ની આ એક જ, નૉન-મરાઠી અભિનેત્રી કેવળ નાના પાટેકર માટેના આદરને કારણે આવી છે.

નહિ તો, ફિલ્મમાં એના રોલ કરતા, ફિલ્મના અંતે દોડતા નાગા બાળકોને ફૂટેજ વધુ મળ્યું છે. આપણા ગુજરાતના દિગ્દર્શક અનીસ બાઝમીની ફિલ્મ 'વેલકમ'માં પણ એણે ઍક્સ્ટ્રાથી મોટો રોલ કર્યો નથી. મને લાગે છે કે, આવી બધી ટચુકડી ફિલ્મોમાં પડવાને બદલે ડિમ્પલે એની મીણબત્તીઓ બનાવવાનો ધંધો વધુ ડેવલપ કરવો જોઈએ.

મકરંદ દેશપાન્ડે મોટા ભાગની ફિલ્મોમાં ચરસ- ગંજેરીના રોલમાં જ આવ્યો છે. 'સત્યા'માં તે ગુંડાઓનો વકીલ પણ બને છે. ઝાંખરા જેવા તદ્દન અસ્તવ્યસ્ત અને લાંબા વાળ એની આગવી પેહચાન હતી. શશી કપૂરની દીકરી સંજના અગાઉ બાસુ ભટ્ટાચાર્યના દીકરા આદિત્ય સાથે પરણી, તેને છૂટો મૂકીને આ મકરંદ દેશપાંડ સાથે સગાઈ કરી, એ પછી કે એ દરમ્યાન મકરંદે 'દિલ ચાહતા હૈ'ની ત્રીજી હીરોઇન સોનાલી કુલકર્ણી સાથે પણ સગાઈ કરી. નાના પાટેકરની ફિલ્મ 'ટૅક્સી ૯૨૧૧'માં એનો અભિનય વખણાયો હતો. અચ્યૂત પોતદારને તમે આમિર ખાનની 'રંગીલા'માં ઉર્મિલા માર્તોડકરના ચશ્માવાળા 'ફની' પપ્પા તરીકે જોયો છે.

ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં વાગતી રહેતી ઠૂમરી 'યાદ પિયા કી આયે' ભારત- પાકિસ્તાનના સમજો ને.. તમામ શાસ્ત્રીય ગાયકોએ અનેકવાર ગાઈ છે, તેમાં મુખ્ય નામ કયા ગણવા એ સવાલ છે. ઉસ્તાદ બડે ગુલામઅલીખાં, બેગમ અખ્તર, શોભા ગુર્તુ, ઉસ્તાદ સુલતાનખાન, ઇવન આપણી ફાલ્ગુની પાઠક, સાધના સરગમ, સોહૈલ ખાન... આ તો હજી અડધા જ થયા છે, પણ મંગેશકર કુલકર્ણીની આ રચનાને ક્લાસિકલના જાણકારોના કહેવા મુજબ, સૌથી વધુ અધિકૃત 'યાદ પિયા કી આયી' કૌશિકી ચક્રવર્તીએ ગાઈ છે.

પતીયાલા ઘરનાના જ વિશ્વપ્રસિદ્ધ ગાયક અજય ચક્રવર્તીની આ દીકરીના પતિ પાર્થસારથી દેસીકન સાથે પણ કૌશિકીએ અમેરિકામાં અનેક પ્રોગ્રામો કર્યા છે. અલબત્ત, આ ફિલ્મમાં આ ઠૂમરી ગાનાર શોભા ગુર્તુનું ય નામ મોટું છે. એનું સાચું નામ તો ભાનુમતિ શિરોડકર છે. ક્લાસિક એ પોતાની મા મેનકાબાઈ શિરોડકર પાસે શીખી પણ ગાયકી તો જયપુર- અત્રોલી ઘરાણાના ઉસ્તાદ અલ્લાદીયા ખાન પાસેથી શીખી.

મધુરી દીક્ષિત મરાઠી ચિતપાવન બ્રામણી દિકરી છે એક અલગ એનોય જમાનો હતો ૮૪માં અમોલ પાલેકર સાથે પહેલીવાર ફિલ્મ 'અબોધ'માં આવી. 'ધક ધક કરને લગા' એ નૃત્ય ગીતમાં છાતીના ઉભારને કેમેરામાં પૂરી છૂટથી લેવા દીધા પછી મધુરી રાતોરાત સેલિબ્રિટી-સ્ટાર બની ગઈ, પણ મૂળભૂત રીતે તો એની ઓળખાણ એક ડાન્સર તરીકે આપવી પડે. મહારાષ્ટ્રીયન ડો. નેને સાથે લગ્ન કરીને એ અમેરિકા વસી ગઈ, પણ ફિલ્મોનું ભૂત વળગ્યું હતું, એ ઉતારવા બેન પાછા મુંબઈ આવ્યા, પણ હવે પહેલા જેવો દબદબો રહ્યો નહતો.

ફિલ્મ 'પ્રહાર'માં મધુરીના સસુરજી બનતા હબિબ તન્વીર મૂળ તો 'ઇપ્ટા'ની રંગભૂમિનો કલાકાર અને વિચારક- લેખક. હિંદી ફિલ્મોમાં ખાસ કામ કર્યું નથી. ૫- ૭ ફિલ્મોને બાદ કરતા, પણ ઇફ્તેખાર જેવા દેખાતા આ કલાકારનું સ્ટેજમાં બહુ મોટું નામ ગણાયું છે. ફિલ્મમાં મધુરીનો પતિ બનતો આર્મીનો જવાન ગૌતમ જોગલેકર છે.

આમ તો, અનધિકૃત ઘણા નામો છે, પણ માધુરીના પહેલા ઓફિશિયલ પ્રેમી તરીકે પરણેલા સંજય દત્તનું નામ ચાલતું હતું. બન્ને લગ્ન પણ કરવાના હતા પણ દરમ્યાનમાં સંજયની 'ટાડા' કેસમાં ધરપકડ થયા પછી મધુરીએ આ સંબંધ તોડી નાખ્યો હતો.

'અંકુશ' નાના પાટેકરની પહેલી ફિલ્મ નહોતી. પહેલી તો મુઝફ્ફરઅલીની 'ગમન' હતી જેનું સુરેશ વાડકરે ગાયેલું અને જયદેવની ધૂન પર બનેલું ગીત 'સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ...' આ ફિલ્મમાં છાયા ગાંગુલીનું 'રાતભર આપ કી યાદ આતી રહી, રાતભર ચશ્મેનમ જગમગાતી રહી' તો તમને કંઠસ્થ જ હોય ! નાના પોતાના જૉનરનો કદાચ સર્વોત્તમ એક્ટર છે. એના અભિનયની સ્વાભાવિકતાએ એને લોકપ્રિય બનાવ્યો છે.

4 comments:

Vipul Rajyaguru said...

Dear Ashok ji, felt that your writing about Madhuri Dixit in Prahar movie review was factually wrong & it seems that you have some personal bias against her, Madhuri became overnight star after Tejab movie in 1988 and not post Beta in 1992, Madhuri gave no.of superhit movies like Tejab, Ramlakhan, Dil, Sajan, Prem Pratigna before Beta & already no. 1 actress at the time of Beta release, she won 5 filmfare awards for her acting and not as a dancer, she came very close for the national award for movie Mrityudand, she is not struggling to get movies even now at the age of 50 but she is looking for something different and so not in hurry to sign movies, she did meatier roles in movies Aaja Nachle, Dedh ishqia and Gulab Gang

Ashok Dave said...

....so, what did I write against her? Where was the bias?

Unknown said...

અશોકભાઈ,
માધુરી ની પહેલી ફિલ્મ રાજશ્રી ફિલ્મ્સ 'અબોધ: હતી જેનો હીરો તાપસ પોલ નામનો બંગાળી એક્ટર હતો. હું માનું છું ત્યાં સુધી અમોલ પાલેકર કોઈ પણ વિભાગ માં ફિલમ સાથે જોડાયલો ના હતો..
બીજું, માધુરી નું સન્માન ખાસ તો એટલે હોવું જોઈએ કે આજ સુધી મોટા ભાગ ની લીડ હીરોઈન વિદેશી ભારતીય સાથે લગ્ન કરી ને બહાર સેટલ થઈ ગઈ છે.(અને છૂટાછેડા પછી જ પાછી આવે છે.)જ્યારે માધુરી કદાચ એક જ એવી હેરોઇન છે જે વેલ સેટલ્ડ પતિ ને સાથે લઇ ને ભારત માં જ સ્થાયી થઈ છે અને ગૃહ જીવન ને પ્રાથમિકતા આપે છે.

Ashok Dave said...

YES. YOU ARE RIGHT. AMOL'S NAME WAS ERRONEOUSLY INCLUDED IN MY COLUMN. IT WAS TAPAS PAUL AS YOU MENTIONED.