Search This Blog

10/12/2017

ઍનકાઉન્ટર : 10-12-2017

* આ વખતની વિધાનસભાની ચૂંટણીઓ વિશે શું માનો છો ?
- ધિક્કાર થાય છે બન્ને પક્ષો ઉપર કે, એકબીજાને ભાંડવા સિવાય આ લોકોની પાસે દેશ માટે બોલવાના બે શબ્દો ય નથી ?
(
પ્રિયા સા. પટેલ, અમદાવાદ)

* સૈનિકો શહીદ થાય ત્યારે રેલીઓ નીકળે, અંજલિઓ અપાય... બસ, પછી તેમના પરિવાર સામે કોઇ જોતું ય નથી. આવું કેમ ?
- હવે સાવ એવું નથી. હવે સામે જોયા વગર શ્રધ્ધાંજલિઓ અપાય છે.
(
રમણભાઇ રાઠોડ, ઉદવાડા- વલસાડ)

* શું ગુજરાતના આજના હાસ્યલેખકો જ્યોતીન્દ્ર દવેની પિચ ઉપર રમે છે ?
- તો તો દુનિયાભરના ક્રિકેટરો ડૉન બ્રૅડમૅનની પિચ ઉપર જ રમતા હશે ને ?
(
કિશોર ડી. વેદ, રાજકોટ)

* સરહદે લડતો સૈનિક પ્રામાણિકતા ગુમાવશે ત્યારે શું થશે ?
- આપણા સૈનિકો જાન ગુમાવવા તૈયાર છે, પ્રામાણિકતા ગુમાવવા નહિ !
(
મૂકેશ ચંદારાણા, મીઠાપુર)

* ઈંગ્લિશ મીડિયા  કે ગુજરાતી મીડિયમ ?
- એનો આધાર ગાળો ખાનાર કઇ ભાષા સમજે છે, એની ઉપર છે !
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* સરકારી ઑફિસમાં કામ કઢાવવા માટે ય લાંચ આપવી જ પડે ?
- આપેલી લાંચ પાછી કઢાવવા માટે ય લાંચ આપવી પડે.
(
ક્રિષ્ણા ડી. સુમેસરા, વીરમગામ)

* મથુરા રેલ્વે સ્ટેશને હેમા માલિની ઉપર આખલાએ હુમલો કર્યો, એમાં સ્ટેશન- માસ્ટર સસ્પૅન્ડ...!
- આખલાનો ટેસ્ટ ઊંચો કહેવાય... રેલવે તંત્રનો નહિ !
(
ટી.વી. બારીઆ, વડોદરા)

* સવાલો પોસ્ટકાર્ડથી મંગાવો છો, પણ સરકારના ડિજીટલ- ઈન્ડિયાના પ્રચારનું શું ?
- એ અમે સરકારને પોસ્ટકાર્ડ લખી પુછાવ્યું છે.
(
દિનેશ મૂલરાજ મચ્ચર, અંજાર)

* કવિ સંમેલનોની જેમ હાસ્ય- સંમેલનો કેમ યોજાતાં નથી ?
- ગિર્દી એટલી થાય છે કે શ્રોતાઓને હૉલની બહાર બેસાડવા પડે છે... અંદર કોઇ હોતું નથી !
(
સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* 'સંભવામિ યુગે યુગે' કહેવા છતાં પ્રભુ હજી આવ્યા નથી... ચારે બાજુ દુઃશાસનનો જ છે !
- હવે સમજ્યા ને ? હું એકલો કેટલે પહોંચી વળું ?
(
મણીબેન પટેલ, ઊંટડી- વલસાડ)

* આપણા દેશમાં સાચી લોકશાહી ક્યારે જોવા મળશે ?
- લોકશાહી જોવાની નહિ, જીવ બાળવાની શાહી છે.
(
આર.એન. કાનાબાર, માણાવદર)

* શું કોંગ્રેસને  લુપ્ત થતી પ્રજાતિમાં મૂકી શકાય ?
- એ શું છે ?
(
મહેન્દ્ર આર. પટેલ, વિસનગર)

* રાહુલ ગાંધીના ગુજરાતમાં 'ફૅન્સ' વધી ગયા છે... અહીં પરણે તો કૉંગ્રેસ જીતી જાય !
- પૂછવું હોય તો 'નરેન્દ્ર મોદીના ગુજરાતમાં...' પુછાય.. રાહુલના ફૅન્સ તો કૉંગ્રેસમાં ય દેખાતા નથી.
(
જયશ્રી પરીખ, વડોદરા)

* ગુજરાતની ચૂંટણીમાં મતદારો કેવો અભિગમ અપનાવશે ?
- આ વખતે વૈષ્ણવ, બ્રાહ્મણ, સિંધી, પારસી કે લુહાણાઓને તો એક ય પક્ષે ગણ્યા છે ય ક્યાં ?
(
હરીશ મણિયાર, જેતપુર)

* આજકાલ માણસો મોટા ભાગે ચિંતામાં કેમ જીવતા હોય છે ?
- સોની સાહેબ... કોઇ મોટું 'કરી ગયું' લાગે છે ?
(
ભાનુપ્રસાદ સોની, અમદાવાદ)

* હવે મારા સવાલનો જવાબ નહિ આપો તો ચોક્કસ તમારાં બા ખિજાશે ?
- તમારે એમને સામો જવાબ નહિ આપવાનો. ખિજાવા દેવાનાં. સૌ સારાંવાનાં થશે.
(
સુરેશ છેડા, મુંબઇ)

* પોસ્ટકાર્ડમાં સવાલ પૂછનારાઓ માટે કોઇ નવો નિયમ ?
- હા. આ વખતથી સવાલ, ફોન નંબર અને નામ- સરનામાને બદલે બીજું બધું ચીતરી મેલનાર પોસ્ટકાર્ડ્સ સામે અમારા સ્ટાફે જોયું પણ નથી. તમારો સવાલ ન છપાય તો સમજજો, સવાલ સિવાયનું ઘણું ચિતરામણી કરી મેલ્યું હશે.
(
પ્રતીક્ષા કે. જાની, સુરત)

* ગુજરાતમાં વધુ પડતો રસ લેતા થયેલા રાહુલ ગાંધીની મહેનત ફળશે ?
- એમની પાસે મોદી સિવાયનો કોઇ મુદ્દો જ નથી. કૉંગ્રેસ દેશમાં સારું શું શું કરી શકે એમ છે, એનું એક વાક્ય તો બોલો ભ'ઈ ! પ્રજાને મોદીમાં કે રાહુલમાં રસ નથી, પોતાના વિકાસમાં રસ છે. બાબાભ'ઇ થોડા ગ્રો- અપ થાય તો ખબર પડે.
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

* આપણો મહાન દેશ ભાષણબાજીમાં નંબર- વન છે... શું કારણ હશે ?
- હા, તે વળી ઘેર પહોંચ્યા પછી ભાષણ કરી શકો નહિ... સાંભળવું તો પડે ને ?
(
દીવાન અરજા સૃજન, અમદાવાદ)

* શું એ વાત સાચી કે બ્રાહ્મણો ખૂબ ગુસ્સાવાળા હોય છે ?
- બહાર ખરા.
(
પ્રતાપ બી. ઠાકોર, ખરેટી)

* શઠ અને શેઠને કેમ ઓળખવા ?

- બન્નેને પૈસા આપી જુઓ. પાછા ન આપે એ શઠ... અને આપ્યા પછી તમારા ડબલ લઇ લે, એ શેઠ. (આ બન્ને પ્રયોગો તમે મારી ઉપર કરી શકો છો.)
(
દિનેશગિરિ ગોસ્વામી, પોરબંદર)

No comments: