Search This Blog

17/12/2017

ઍનકાઉન્ટર : 17-12-2017

* બેવકૂફીભર્યા નિવેદનો અને હાસ્યાસ્પદ રાજકારણ ખેલનારા કેજરીવાલ અને દિગ્વિજયસિંહથી થાકી ગયા હતા... હવે એ બન્ને ચૂપ કેમ છે ?
- હજી બીજા ૧૦- ૧૫ વર્ષ થાક ખાઓ ને, 'ઇ !
(
નરેન્દ્ર ઉદાણી, અમદાવાદ)

* ટીવી પરની જાહેરાતો જોઇને તમને શું વિચાર આવે છે ?
- એ જ કે, વિચારવું હોય તો જાહેરાતો ન જુઓ.
(
સચિન કોરિંગા, મોરબી)

* પેલા દેડકા માત્ર ચોમાસામાં જ કેમ દેખાય છે ?
- વિધાનસભાની ચૂંટણીઓ સુધી તો એવું રહેવાનું !
(
નૂતનકમાર એમ. ભટ્ટ, સુરત)

* તમે પત્નીને 'જાડી' કેમ કહો છો ?
- ઉંચકવી મારે પડે છે, એટલે.
(
ધર્મેશ મકવાણા, સુરત)

* આ મોદી જેવું બીજું કોઇ પાકે, એવું તમને લાગે છે ?
- મને તો મારા જેવું ય કોઇ બીજું પાકે એવું નથી લાગતું.
(
રાહુલ મેહતા, ધ્રાફા- જામજોધપુર)

* મહિલા ક્રિકેટ વિશે તમે શું માનો છો ?
- એ જ કે, એમાં મને ઍન્ટ્રી ન મળે.
(
ડૉ. હેમંત રાઠવા, તેજગઢ- છોટાઉદેપુર)

* 'વૉટ્સઍપ' વિશે શું માનો છો ?
- એક મેસેજનો માત્ર એક રૂપિયો ચાર્જ રખાય તો રોજના ૯૮ ટકા 'વૉટ્સ- ઍપો' બંધ થઇ જાય !
(
શબ્બીર દાહોદવાલા, પેટલાદ)

* નવી પેઢીને સાહિત્યમાં રસ ઓછો છે, તેનું કારણ ?
- હવે એવું નથી. વધુ પડતી ચાંપલાશભરી શુધ્ધ ગુજરાતી લખનાર બુઢ્ઢા લેખકો હવે પતવા આવ્યા છે. નવી પેઢીના નવા કવિ- લેખકો અદભુત લખે છે.
(
અભય વાળા, ગોંડલ)

* આપણે નવરા તો રવિવારે હોઇએ છીએ, તો 'બુધવાર'ને બદલે 'રવિવારની બપોરે' કેમ નથી લખતા ?
- રવિવારે તો સારા માણસોને આરામ મળવો જોઇએ ને ?
(
અરબીના મૅટરવાલા, વડોદરા)

* ચીનાઓની આંખ ઝીણી કેમ હોય છે ?
- દાનત પણ.
(
હેતુ ટેલર, હિંમતનગર)

* વિદ્યા બાલનની ફિલ્મ 'તુમ્હારી સુલુ'ના હીરો માનવ કૌલનું એ ફિલ્મમાં નામ 'અશોક દુબે' છે... બદલ્યું ?
- '
દવે' અને 'દુબે' મૂળ 'દ્વિવેદી'નો અપભ્રંશ થયેલી અટકો છે... ત્રણે ય એક જ.
(
દીપા તલવાણી, સુરત)

* 'ઍનકાઉન્ટર'માં જવાબ માટે નંબર ક્યારે લાગે ?
- નામ, સરનામું અને સૅલફોન નંબર લખ્યા હોય તો જલદી નંબર લાગે.
(
અંકિતા પટેલ, દહીંસર)

* હૉસ્ટેલમાં અઢળક ફી ભરી હોવા છતાં બીજીવાર માંગવા જઇએ તો મૅસવાળા મોંઢું કેમ બગાડે છે ?
- રસોઇ બગાડે, એના કરતા મોંઢા બગાડે એ વધુ કિફાયત પડે.
(
નરેશ રામલાલ પ્રજાપતિ, સુરત)

* પુરૂષો  કરતા સ્ત્રીઓ પાણીપુરી વધારે કેમ ખાય છે ?
- ભૈયાઓ પાણીપુરી સ્ત્રીના મોંઢાની સાઇઝની બનાવે છે માટે.
(
નિલેશ વાળા, ગીરસોમનાથ)

* 'જીએસટી'માં પેટ્રોલ- ડીઝલનો સમાવેશ કેમ નથી કર્યો ?
- પ્રજાનો જીવ ભડભડ ન બળે માટે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* અરવિંદ કેજરીવાલ ચૂપ કેમ છે ?
- મોંઢા ઉપર નિષ્ફળતાઓનું ગૂમડું થયું છે.
(
મનિષ એમ. વૈમા, ગોધરા)

* લાલુ યાદવ અને માયાવતિમાં વધારે બુધ્ધિશાળી કોણ છે ?
- આ લોકોને બુધ્ધિ સાથે શું લાગેવળગે ?
(
હરૂભા કારીઆ, મુંબઈ)

* ટીવી ન્યુઝમાં દેખાતું અને સચ્ચાઇ વચ્ચે કેટલું અંતર હોય છે ?
- દુનિયાભરનું સૌથી હમ્બગ ટીવી મીડિયા આપણા દેશનું છે.
(
દેવેન્દ્ર જાની, ગાંધીનગર)

* કાશ્મિરમાં ભાજપે મેહબૂબા મુફ્તિ સાથે હાથ મિલાવીને શું ઉકાળ્યું ?
- કાશ્મિરના મુદ્દે આવા અનેક સવાલોના સાચા જવાબ ભાજપ પાસે નથી.
(
મૂકેશ કે. શાહ, અમદાવાદ)

* સવાલને સાચી રીતે સમજી લેવો, એ જ અડધો જવાબ છે ?
- તમારો અડધો સવાલ સમજાયો છે.
(
દિપક આશરા, ગાંધીનગર)

* દેશની ટ્રાફિક વ્યવસ્થા માટે શું માનો છો ?
- ટૂંક સમયમાં દેશમાં કાર- ટુ વ્હિલર્સને બદલે ઘોડા અને સાયકલો આવશે.
(
ડૉ. મિલન સોલંકી, રાજકોટ)

* તમે ફક્ત આવડતા  સવાલોના જ જવાબો આપો છો કે પછી ?
- બસ... તમારે ફક્ત નામ બદલવાની જરૂર છે.
(
અશોક કાંતિલાલ ત્રિવેદી, ભરૂચ)

* મહેન્દ્રસિંહ ધોની અને સચિન વચ્ચે શું તફાવત છે ?
- તમારે માપ શેનું લેવું છે ?
(
ચંદ્રકાંત પટેલ, વલસાડ)

* આપણા દેશનો વિકાસ ક્યારે થશે ?
- આનો જવાબ આપવાનું કામ મેં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને સોંપ્યું છે.
(
પિનાકીન રાઠવા, વડોદરા)

* ક્લીન- શૅવ ન કરાવીએ તો બા ખીજાય ?
- બાએ ક્યાં દાઢી કરી આપવાની છે ?
(
ભાવિન સોની, માંડવી- કચ્છ)

* પૈસો જ પરમેશ્વર હોય તો સાચા પરમેશ્વર કોને માનવાના ?
- પૈસાને.
(સંકેત વ્યાસ, રાલીસણા- વિસનગર)

No comments: