Search This Blog

22/12/2017

નારણપુરાના લાઉડ-સ્પીકરો

ક્યારેક આવો તો, અમદાવાદના અમારા નારણપુરામાં તમને ૯૦-ટકા લોકો બહેરાં જોવા મળશે, આઈ મીન... સાંભળવા મળશે. જે કોઈ મળે, એ પોતાના કાને અથવા તમારા મોંઢે હાથ રાખીને પૂછશે, ''હેં... ? સુઉં કીધું ?'' જગત આખામાં બહેરીયાઓની સંખ્યા નારણપુરામાં હાઇએસ્ટ છે.

આદતને જોરે, એ એટલા તોતિંગ અવાજે બોલશે કે, દૂર મણીનગરમાં ય એનું આ 'હેં... ? સુઉં કીધું ?' સાંભળી શકાય. દુનિયાભરના બાકીના બહેરા માણસોને આ ફાયદો હોય છે કે, એ પોતે શાંતિથી મૃદુ અવાજે બોલતા હોય ને આપણી પાસે ઘાંટાઘાટ કરાવે. એ જાણતા હોય કે, તમે બહેરા નથી... એટલે એ તો સ્વસ્થ બેઠા હોય, આપણે હચમચી જઈએ.

આપણામાંથી મોટા ભાગનાઓ પરણેલા હોઈએ, એટલે આમે ય, મોટેથી બોલવાની હિમ્મત અને શક્તિ રહી ન હોય, પણ આ લોકો પાસેથી છટકવું ક્યાં ? એમની પાસે માત્ર ઘાંટા પાડીને જ નહિ, બબ્બે ત્રણ ત્રણ વખત એકનો એક ડાયલોગ બોલવો પડે અને એ સાંભળી લે, એટલે જાણે કાંઈ બન્યું જ નથી, એટલી શાંતિથી ફક્ત મોઢાના ઈશારે કહેશે, ''હા, ઠીક... !'' આપણે તૂટી ગયા હોઈએ અને એ પ્રસન્નતાથી બોલશે, 'હા, મને ખબર છે.'

નારણપુરા વર્લ્ડ-રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. દર ત્રીજે દિવસે અહીં કોઈને કોઈ ધાર્મિક કે સામાજીક પ્રસંગ ઉજવવા મસમોટા વરઘોડા કાન ફાડી નાંખે એવા લાઉડ-સ્પીકરો સાથે માત્ર સાંભળવા નહિ, જોવા પણ મળશે. આવા બિહામણા ઘોંઘાટો અડધી રાત્રે તો ખાસ ચાલુ.

જેને ત્યાં પ્રસંગ હોય કે પછી નામ ધર્મનું હોય, ખબર આખા નારણપુરાને પડવી જોઈએ કે, અમારે ત્યાં આવો ભવ્ય પ્રસંગ આવ્યો છે તો તમે ય જોઈ શું રહ્યા છો... જોડાઈ જાઓ. કેટલાક ઈર્ષાળુઓ આને 'દેખાડો' કહે છે. અમારા ઘરમાં કે ધર્મમાં આવો શાનદાર પ્રસંગ આવ્યો છે ને તમે ઘસઘસાટ ઊંઘતા હો ?... અને એ ય, ઊંઘની ગોળીઓ લઈને ? ડોહા બિમાર પડયા પડયા છેલ્લા ડચકાં ખાતા હોય તો... આમે ય, આજે નહિ તો કાલે ઉકલી જવાના છે, તો એમાં અમારા વરઘોડા, ભજનમંડળી કે ધાર્મિક સરઘસો વચમાં ક્યાં આવ્યા ?

આટલા મોટા લાઉડ-સ્પીકરો મફતમાં નથી આવતા. આ મોટું ભાડું આપવું પડે છે, ત્યારે નારણપુરા આખું ગરજે છે. કાન ફાડી નાંખે એવા અવાજોથી અમારા ફેમિલીનો, ધર્મનો કે ભજનોનો પ્રચાર કરવામાં કોઈ બહેરૂં બની જતું હોય તો કાનના ડૉક્ટરને બતાવવું જોઈએ... એ ય, નારણપુરાનો હશે તો એ ય કાને (હીયરિંગ-એઈડ) ભૂંગળા નાંખીને બેઠો હશે.

કહે છે કે, બહેરાં હોય, એ બોબડા હોય જ, પણ એ મેડિકલ કારણ થયું. અહીંના બહેરીયાઓ તોતડું બોલે કે ઘાંટા પાડી પાડીને બોલે, એની પાછળનું કારણ લાઉડ-સ્પીકરો છે. અહીંની પ્રજા ઘરની બહાર નીકળે ત્યારે પોતાનું વસાવેલું લાઉડ-સ્પીકર લઈને નીકળે છે, જેથી સામાવાળાને સાંભળવામાં તકલીફ ન પડે. પાછા બન્ને સામસામા લાઉડસ્પીકરો રાખીને વાત કરતા હોય... !

આવું હકીકતમાં બનતું નથી, પણ નજીકના ભવિષ્યમાં બનશે ત્યારે વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં બહેરીયાઓ અમારા નારણપુરામાં મળી આવશે. શક્ય છે, થોડા વર્ષોમાં નારણપુરા પોતાને એક અલગ દેશનો દરજ્જો આપવા આંદોલન ચલાવે. અલબત્ત, આવા આંદોલનો માટે જાહેરસભાઓ ન થઈ શકે... સાંભળનારા તો બધા બહેરીયા જ હોય ને ?

કાન આડો હાથ રાખીને કોઈની વાત સાંભળવી, એ ફેશન તો જૂની થઈ ગઈ... અહીં તો, કાનની આડે ઘરનો દરવાજો મૂકીને સાંભળો તો ય સરખું સંભળાય નહિ. કાનને કમર સાથે કોઈ લેવાદેવા નથી, છતાં જેને પોતાના કાને હાથ મૂકીને સાંભળવું પડતું હોય, એને કમરેથી વાંકા ય વળવું પડે છે. પહેલી નજરે જોનારને એવું ય લાગે કે આ કાનથી નહિ, કમરથી સાંભળતો હશે.

સવાલ એ થાય ખરો કે, મારે ઘેર પ્રસંગ હોય એટલે મને દમદાર ઉજવણીનો હરખ તો થાય. પણ મારા પડોસીઓને એવો હરખ શેનો થાય ? એ લોકોને તો કેમ જાણે આપણે ત્રાસ આપતા હોઈએ, એમ અમારા ઘર/ધર્મના પ્રસંગોના લાઉડ-સ્પીકરોથી ત્રાસી જવાના નાટકો કરે છે.

આમાં ઈર્ષ્યા સિવાય બીજું કાંઈ નથી. એ લોકો એટલું નથી સમજતા કે, લાઉડ-સ્પીકરોથી અમે જગત નહિ તો છેવટે નારણપુરાના ઘરઘરમાં સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે, અમે કમ-સે-કમ લાઉડ-સ્પીકરોનું ભાડું ચૂકવવા જેટલું કમાયા છીએ. અમારા ફેમિલીનો, અમારા ભગવાનનો કે અમારા ધર્મનો પ્રચાર કરીને નામ તો અમારે જ કમાવવાનું છે, એમાં તમારી શેની આટલી બધી બળે છે ?

આ તો રામ જાણે સાલી કઈ સરકાર આવી ગઈ જેણે અમારી નવરાત્રી દરમ્યાન રાત્રે ૧૨-વાગે લાઉડ-સ્પીકરો બંધ કરાવી દીધા, નહિ તો આખી રાત પ્રજાના લોહીઓ પીવાના કેવા ટેસડા પડતા હતા ! અમારી પ્રજા થોડી બેવકૂફ છે ને રાત્રે ૧૨ વાગે બધું બંધ કરી દે છે... અરે, આવામાં તો સવારે જમ્યા પછી આખા ગામમાં લાઉડ-સ્પીકરો ધમધમાવીને બપોરે ૧૨ થી રાતના ૧૨ સુધી ગરબા ચાલુ રાખવા જોઈએ... ગરબા ગાવા ભલે કોઈ આવે કે ન આવે... લાઉડ-સ્પીકરો ચાલુ રહેવા જોઈએ.

કેવા દુ:ખની વાત છે કે, હજી સુધી બેસણાંમાં આવી રમઝટ બોલાવતી ડીજે-પાર્ટીઓ બોલાવવાનું કોઈને યાદ આવતું નથી. હજી આપણે ત્યાં સ્મશાનયાત્રાઓ શાંતિથી બોલ્યા-ચાલ્યા વગરની નીકળી જાય છે. ડાઘુઓ એકલું 'રામે રામો' બોલે રાખે, એમાં શું જલસા પડે ? વરઘોડાની માફક સ્મશાનયાત્રાઓમાં શા માટે બેન્ડ-વાજાંવાળાઓને લાઉડ-સ્પીકરો સાથે ધૂમધામ લઈ ન જવાય ? અલબત્ત, ફેશનને નામે હમણાં હમણાંથી બેસણાં થોડા સંગીતમય બન્યા છે ખરા.

ભક્તિ-સંગીતને નામે બિચારા પોતાનો હરખ પૂરો કરે છે. કમનસીબે, મરનાર ડાન્સ-મ્યુઝિકનો ગમે તેટલો શોખિન હોય, તો પણ બેસણાઓમાં ડીજે-પાર્ટીઓ રખાતી નથી, એ કેટલી શરમની વાત છે ! એવું રાખો તો બેસણું ભલે આપણે ત્યાં હોય, અડોસપડોસમાં ય બધાને ત્યાં બેસણાં હોય, એવી ફીલિંગ્સ આવે.
હજી જો કે, આ પધ્ધતિમાં ક્રાંતિ નથી આવી અને જે હોલમાં બેસણું હોય, ત્યાં પૂરતું સંભળાય એવા લાઉડ-સ્પીકરો રખાય છે. આમાં શું કમાવાનું ? આ પદ્ધતિનો મોટો ગેરફાયદો એ છે કે, માણસ આપણે ત્યાં મર્યું છે, એની સમાજને સરખી જાણ થતી નથી. 'આવા તો રોજના કેટલાય બેસણાં હોય... !' એવું માનીને નફ્ફટો આગળ વધી જાય છે.

છ-સાત કલાકના બેસણામાં રાક્ષસી લાઉડ-સ્પીકરો સાથે ભક્તિ-સંગીત અને સ્વર્ગસ્થનું જીવનકવન વાંચતા રહેવાય તો મરનારની પબ્લિસિટી ય થાય અને બીજાઓને પણ 'મરવું તો આવી રીતે' એની પ્રેરણા મળે. મરનાર એવો શોખિન હોય તો હોલમાં ભલે બેસણું ચાલતું હોય, બહાર કમ્પાઉન્ડમાં 'ટેન્ગો' ડાન્સ-પાર્ટી રાખો તો રમઝટ વધુ બોલે. સુઉં કિયો છો ? આપણે ત્યાં ઘોંઘાટ વગરના લગ્નો હોતા નથી તો બેસણાં શેના થાય ? આ તો એક વાત થાય છે.

કરૂણ ભક્તિ ગીતો અને રામધૂનવાળું ફેક્ટર જોકે મઝા કરાવે એવું નથી હોતું. એમાં કંઈ ટેસ પડતો નથી. બેસણાઓમાં કોઈ સરખો ટાઈમ લઈને ન આવ્યું હોય-સંગીતનો ભારોભાર ચાહક હોય છતાં હાથ જોડતો આવીને ૩૦-સેકન્ડ બેસીને એ 'જેશી ક્રસ્ણ' જ કરી જવાનો છે. આ વખતે કરૂણસ્વરે ગવાતા બેસણાંમાં નથી એ સંગીતમાં ધ્યાન આપી શકતો, નથી સદગત થઈને ઉપડી ગયેલા ફોટાવાળામાં ! સોસાયટીમાં જ મંડપ બાંધીને લગ્નપ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમ રખાય તો પડોસીઓ કે વટેમાર્ગુઓ કાને કચ્ચીને હાથ દબાવવા ઉપરાંત આપણી ઈર્ષાઓ કરે છે.

બેસણાંમાં કોઈ ઈર્ષા કરતું નથી અને કરાવવી હોય તો બેસણાં પણ રમઝટ બોલે એવા ગોઠવવા જોઈએ. મરનારની પબ્લિસિટી થવી જોઈએ, જેથી અન્યોને પ્રેરણા મળે.
જસ્ટ એ મિનિટ.... ! ભારતના આટલા બધા શહેરો છોડીને અમદાવાદનું ફક્ત નારણપુરા જ કેમ ? લાઉડ-સ્પીકરો તો બધે એટલી જ ધમાલથી વાગે છે !

વેલ... અમે આ લખાણપટ્ટીના બરાડા છોડીને નારણપુરામાં લાઉડ-સ્પીકરોનો ધંધો શરૂ કરવા માંગીએ છીએ.

સિક્સર
કહે છે કે, હવે તમારા વિઝિટિંગ-કાર્ડ સાથે પણ 'આધાર-કાર્ડ' જોડાયેલું જોઈશે.

No comments: