Search This Blog

24/12/2017

ઍનકાઉન્ટર : 20-12-2017

* ગુજરાત ચૂંટણીના પરિણામો...
- હવે પછીની ચૂંટણીઓ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહિ, જ્ઞાતિ-જ્ઞાતિઓ વચ્ચે લડાશે.
(
મધ્યમ સી. પટેલ, અમદાવાદ)

* ટીવી પર જાહેરખબરોનો મારો જોઈને ત્રાસી જવાય છે...
- ધેટ્સ ફાઈન... મતલબ, સમાચારો જોઈને તમે ખુશખુશ થઈ જાઓ છો!
(
રજાહુસેન બચુભાઈ, મહુવા)

* આ મોંઘવારીમાં માણસ બે છેડાં ભેગા કેવી રીતે કરી શકતો હશે?
- બહુ સહેલું છે. એક એક હાથમાં બન્ને છેડાં પકડીને એકબીજાને અડાડી દેવાના.
(
વિનુભાઈ ભટ્ટ, બાબરા- અમરેલી)

* રાજકારણીઓ દેશને પોતાની જાગીર સમજે છે?
- એમની જાગીર તો છે જ... એ સ્વીકારવું પડે!
(
હસમુખ કાશીપરા, અમદાવાદ)

* તમે નોર્થ કોરીયા જઈને એનકાઉન્ટર કરીને મોટો સફાયો ન કરી શકો?
- ઓે ભાઇ... પેલો જાડીયો અત્યારે તો અમેરિકા ઉપર બૉમ્બ ફોડવાનું નક્કી કરી બેઠો છે... એનું ધ્યાન ન બદલાવો.
(
રમેશ શાં.કોઠારી, મુંબઈ)

* 'જય જવાન, જય કિસાન'...પણ જવાનો આજે શહીદ થઇ રહ્યા છે ને કિસાન પાયમાલ...!
- એ બન્ને જેટલી જ બિહામણી ચિંતા જાતિવાદના રાજકારણની કરવા જેવી છે.
(
વિસનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

* લાલુ યાદવ શ્રી.મોરારી બાપુની કથા સાંભળતા ટીવીમાં જોયા...
- એનાથી ઊલટું થાય તો ચિંતા...!
(
જગદિશ વાલજી સચદે, મુંબઈ)

* બૉલિવૂડની હીરોઇનોના ડ્રેસ ટૂંકા થતા જાય છે...
- થોડી વધારે રાહ જુઓે.
(
ભરત ડી. સાંખલા, ડીસા)

* મને સવાલ પૂછતા કે જવાબ આપતા- બેમાંથી એકેય આવડતું નથી. શું કરવું?
- પહેલી વારના લગ્ન કરી નાંખો... થઇ ગયા હોય તો છાના રહો.
(
દિનેશ રવિશંકર જોશી, મુંબઈ)

* હવે રેડિયો ઉપર ફર્માઇશી ગીતો બંધ થઈ ગયા?
- રેડિયો જ કેટલાને ત્યાં ચાલુ છે?
(
મયંક આચાર્ય, જામનગર)

* 'પતિ' માટે તમે 'ગોરધન' શબ્દ વાપરો છો. જેનું નામ ગોરધન હશે, એને દુ:ખ નહિ થતું હોય?
- જગતભરના ગોરધનો દુ:ખોથી ટેવાઈ ગયા હોય છે.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* અશોકજી, તમારા નામનો અર્થ થાય છે, 'શોક ન કરવો'. તમારા જીવનમાં એની સાર્થકતા કેટલી?
- શોક કરવાનો ખર્ચો બહુ આવે... અને ખોટા ખર્ચા મને પોસાતા નથી.
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* હવે સફેદ ટોપીવાળા નેતાઓ કેમ દેખાતા નથી?
- હવે એ લોકો ગાંધીજી બની ગયા છે. પોતે ટોપી નહિ પહેરવાની... બીજાને પહેરાવવાની!
(
મીના નાણાવટી, રાજકોટ)

* તમારી પાસે રોજના હજારો પોસ્ટકાર્ડસ આવતા હશે. એમાં તમે નક્કી કેવી રીતે કરી શકો કે, કુટુંબના અનેક સભ્યોના નામે એક જ વ્યક્તિ અનેક સવાલ જુદા જુદા પોસ્ટકાર્ડસમાં લખે છે?
- જવાબ તો મારે એમાંના એકને જ આપવાનો છે. બાકીના રદબાતલ થાય.
(
ટી.વી. બારીઆ, વડોદરા)

* ઘણા સવાલો તદ્દન સ્થૂળ હોવા છતાં તમારા ચમત્કૃતિપૂર્ણ જવાબોને કારણે કૉલમ ચાલે છે!
- એવું આપણે બન્ને માનતા રહીએ, ત્યાં સુધી સારું છે.
(
પ્રતાપભાઈ  ઠાકોર, ખરેંટી- માતર)

* આદ્યકવિ નરસિંહ મેહતાના પત્ની ગૂજરી ગયા, ત્યારે એ બોલ્યા હતા, 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ' ...આવા સન્માન્નીય ભગતે પત્ની માટે 'જંજાળ' શબ્દ કેમ વાપર્યો હશે?
- કોક બોલી બતાવે... કોક મનમાં સમજે!
(
અઝમત એ. સૈયદ, પાલનપુર)

* 'અચ્છે દિન કબ આયેંગે?'
- ગયા એ તો.... ૧૫૦- સીટ ન આવી.
(
સુમન વડુકૂળ, રાજકોટ)

* આજના માણસ પાસે બધો વૈભવ છે, પણ દિમાગમાં હિટર શા માટે હોય છે?
- દિમાગને બદલે હોય તો ચિંતા કરવા જેવી નહિ.
(
સંધ્યા પુરોહિત, અમદાવાદ)

* પાકિસ્તાનને જડબાતોડ જવાબની ચર્ચા હજી કેમ થયે રાખે છે?
- મજા આવે છે.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

*...'એક ગરીબ બ્રાહ્મણ હતો', એવું ક્યાં સુધી બોલાયે રાખશે?
- બ્રાહ્મણને ગરીબ બનાવી શકાય... ગરીબને બ્રાહ્મણ ન બનાવાય!
(
મનુભાઈ થાનકી, વડોદરા)

* આસારામ, રાધે મા, રામ- રહિમ, ફાળાહારી બાબા, નિર્મલ બાબા... હવે કોણ?
- જોઉં છું હવે... આ લખાણપટ્ટીનો ધંધો સરખો ન ચાલ્યો તો, ''અશોક બાબા''.
(
મનસુખલાલ થાનકી, વડોદરા)

* પાનમસાલા ખાઈને ગમે ત્યાં થૂંકનારને શું સજા અપાય?
- 'તમારા રસોડામાં આવું થૂંકશો?' પૂછી લેવાય.
(
અજયસિંહ ચંપાવત, હિમ્મતનગર)

* તમે ગઝલ કેમ નથી લખતા?
- એક વાર લખી હતી. વાચનારાએ કહ્યું, ''તમે બહુ હસાવો છો.''
(
પ્રેરણા લક્ષ્મીચંદ, વડોદરા)

*...'ઍનકાઉન્ટર'માં સવાલ છપાય જ, એનો રસ્તો શું?
- જવાબ અપાય જ... એવો સવાલ પૂછવો.
(માલિની જે. ઠક્કર, મુંબઈ)

No comments: