Search This Blog

01/12/2017

તેરે મેરે સપને (૧૯૭૧)

ફિલ્મ  : તેરે મેરે સપને (૧૯૭૧)
નિર્માતા: દેવ આનંદ (નવકેતન)
દિગ્દર્શક : વિજ્ય આનંદ (ગોલ્ડી)
સંગીતકાર : સચિનદેવ બર્મન
આસિસ્ટન્ટ સંગીત : મીરાંદેવ બર્મન
ગીતાકાર : નીરજ
રનિંગ ટાઈમ : ૧૭- રીલ્સ : ૧૭૧- મિનિટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, મુમતાઝ, (હેમા માલિની- મહેમાન કલાકાર), વિજ્ય આનંદ, પ્રેમનાથ, મહેશ કૌલ, તબસ્સુમ, આગા, પારોદેવી, લીલા મીશ્રા, ડી.કે.સપ્રૂ, જ્ય શ્રી ટી., દુલારી, મુમતાઝ બેગમ. વી.ગોપાલ, જૅરી, ભગવાન સિન્હા, ઉમા દત્ત, રવિકાંત, પ્રેમ સગાર.

ગીતો
૧...ફૂર્ર ઊડ ચલા હવાઓં કે સંગ સંગ દિલ... આશા ભોંસલે
૨... મેરા સાજન ફૂલ કમલ કા, કલી મૈં રાત કી.. આશા ભોંસલે
૩... જૈસે રાધા ને માલા જપી શ્યામ કી, મૈંને ઓઢી... લતા મંગેશકર
૪... હે મૈંને કસમ લી લી, હે તુને કસમ લી... લતા - કિશોર કુમાર
૫... જીવન કી બગીયા મહેંકેગી, મહેંકેગી... લતા- કિશોર કુમાર
૬... તા થઈ, તત થઈ, થઈ  થઈ અત થઈ... આશા ભોંસલે
(
ઉપરનું ૬ ગીત હેમા માલિની ઉપર ફિલ્માયું છે.)
૭... મેરા અંતર, એક મંદિર હૈ તેરા, પિયા મેરા... લતા મંગેશકર
૮... હે સુનો સુનો રે સજ્જનો... જમાને ધત તેરે કી.. મન્ના ડે

આજના ડૉક્ટરોને મિલિયોનેર બનવું તો એમના ડાબા ઇન્જૅક્શનનો ખેલ છે, પણ આખી ઝૂંપડી માસિક રૂ.૮-૧૦ હજારના ખર્ચામાં છ-સાત પરિવારજનો સાથે ચલાવતા ગરીબ દર્દીને તો પતરાના તાર ઉપર સૂકવવા મૂકવો પડે, એવો નીચોવાઈ જાય ત્યાં સુધી લૂટી લેવાનો, એટલે કે ફૂટબૉલની માફક આ ડૉક્ટરથી પેલા અને પેલા પછી પેલા... એમ ઘણા પેલાઓ પાસે 'રીપૉર્ટ કઢાવવા' ફરતો કરી દેવાનો અને આવા ડોક્ટરો બુગાટી કે બૅન્ટલી કારો તો એમની દીકરીના આણાંમા અપાય એટલું કમાતા હોય છે, એ મતલબની આ એક નોબલ ફિલ્મ બની છે, 'તેરે મેરે સપને.'

પહેલા તો જુસ્સામાં આ લેખનો પ્રારંભ એવી રીતે કરવાનો હતો કે, આજની ફિલ્મ 'તેરે મેરે સપને'નું બીજું કાંઈ જુઓ ન સાંભળો, બસ...એના મીષ્ટી- મધૂરા ગીતો સાંભળો તો જીવનમાં ઘણું બધું સાંભળી લીધું ગણાશે. બર્મન દા એ થઈ શકે એટલી મીઠી કમાલો આ ફિલ્મના સંગીતમાં સર્જી છે. એવા જ અર્થપૂર્ણ ગીતો પ્રો. ગોપાલપ્રસાદ 'નીરજે' લખ્યા છે. પણ ત્યાં નજર આ ફિલ્મની વાર્તાના લેખક એ.જે ક્રોનિન પર પડી (જેમની વાર્તા પરથી ગુલઝારની ફિલ્મ 'મોસમ' (The Judas tree ઉપરથી બની હતી.) એટલે ઊભરો ક્રોનિન માટે આવ્યો કે વાર્તા એની છે, તો ફિલ્મ તગડી જ હોય.

ગોટે તો ત્યાં ચઢી જવાય કે, ફિલ્મની વાર્તાની ક્રેડિટ એ.જે.ક્રોનિનને નહિ, પણ 'કૌશલ ભારતી'ને આપવામાં આવી છે... 'માલ કિસીકા, કમાલ કિસી કા !' પછી ધ્યાન વિજ્ય આનંદના દિગ્દર્શન પર ગયું ત્યારે 'આ..હ'નીકળી ગઈ. બેસ્ટ, બેસ્ટ જ હોય ! અને દેવ આનંદ કેમ ભૂલાય ? આ ફિલ્મમાં તો એ 'જ્વૅલ- થીફ'ની જેમ ડેશિંગલી હૅન્ડસમ અને ડીસન્ટ લાગે છે. 'ગાઈડસ, 'જવૅલ થીફ, જ્હૉની મેરા નામ અને ખાસ તો આ ફિલ્મ દ્વારા દેવ આનંદે પોતે સાબિત કરી દીધું. દિગ્દર્શક સારો મળે તો અભિનયમાં એ કોઈ દિલીપ કુમારો કે રાજ કપૂરોથી કમ નથી.આ ફિલ્મમાં તો કમાલ એના અભિનયની વધુ જોવા મળી છે. નૉર્મલી, એના અવાસ્તવિક 'મૅનરિઝમ્સ' (ચેનચાળા) એનું રૂપ, એની ચાલ અને કપાળે ફૂગ્ગો પાડેલી એની હેરસ્ટાઈલ કોલેજની અનેક યુવતીઓની નૉટબૂક છેલ્લા પાને ફોટા સાથે કોતરાયેલી રહેતી.

....
અને એ સિદ્ધિની દેવ આનંદને જાણ હતી!

'નવકેતનની' બધી ફિલ્મોમાં કૅમેરાકામ કેવું મનોહર રહેતું ? એ કૅમેરામેન ફલી મિસ્ત્રી (શ્યામાના પતિ)ની કમાલો હતી.. પણ આ ફિલ્મમાં પણ વી.રાત્રાએ 'નવકેતન'ની પરંપરાને છાજે એવું કામ  કર્યું છે.

છેલ્લે છેલ્લે તો પરદા ઉપરના વધુ પડતા ચેનચાળા અને 'ઝૅડ-કક્ષાના'પોતાના દિગ્દર્શનવાળી ફિલ્મોને કારણે અસહ્ય થઈ પડેલો દેવ આનંદ આ ફિલ્મમાં ઘણો ઘણો સારો અભિનય કર્યો છે.

જે કોઈ ફિલ્મમાં દેવને એના ભાઈ ગૉલ્ડીના દિગ્દર્શનમાં કામ કરવાનું આવ્યું છે, ('નૌ દો ગ્યારહ,તેરે ઘર કે સામને, તીન દેવીયાં, હમ દોનોં, જ્હૉની મેરા નામ, ગાઈડ, જ્વૅલ થીફ, એમાં ઍક્ટર તરીકે દેવ રાજ-દિલીપ જેટલો જ સ્વીકૃત બન્યો છે. આમાંની ૨,,૪ અને ૫ નંબરની ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે નામ બીજાનું, પણ દિગ્દર્શન ગૉલ્ડીનું જ હતું.) એમાં ય, આજની ફિલ્મ 'તેરે મેરે સપને'માં દેવ પાસેથી એનું જે કાંઈ સર્વોત્તમ હતું, તે 'ગાઈડ'ની માફ્ક ગૉલ્ડીએ બહાર કઢાવ્યું છે.
દેવનું વાંકા ચાલવું, આંખો ઝીણી કરવી કે ક્યાંક વધુ પડતા 'લાઉડ' થઈ જવું, એ બધું ગૉલ્ડીના દિગ્દર્શનમાં લગભગ ન ચાલે, એમાં તો એક વાર દેવ ખીજાયો પણ હતો કે, 'ગોલ્ડી.. મૈં દેવ આનંદ હૂં.. 'મતલબ, અમુક-તમુક નખરા તો કરવા પડે, પણ વાતને હસી કાઢીને ગૉલ્ડી દેવને તાબે ન થતો. ( આ વાત તાજા ઇન્ટરવ્યૂમાં વહિદા રહેમાને કરી છે.) વિજ્ય પોતે બહુ નબળો ઍક્ટર હતો, એ વાત પણ વહિદાએ જ કરી છે.

દેવ આનંદનો એક શોખ કદાચ એના ખૂબ ચુસ્ત ચાહકોને ય ખબર નહિ હોય... પોતાની કોઈ પણ ફિલ્મમાં એને પોતાના ખભા પાછળથી દેખાડવા બહુ ગમે અને હીરોઈન સાથે બીજી લપ્પનછપ્પનને બદલે સરસ મજાનું 'હગ'(આલિંગન) એની પ્રત્યેક ફિલ્મોમાં હોય અને એમાં દેવના સુંદર ખભા દેખાતા હોય.

ફિલ્મ જે વિષય પરથી બની છે, એ આજે ખાસ કાંઈ ઇમ્પ્રેસિવ ન લાગે કે, ડોક્ટરોએ પૈસા નહિ પણ માનવસેવાને વધુ મહત્ત્વ આપીને ગામડાંમાં પ્રૅક્ટિસ કરવા જવું જોઈએ. અને એક આદર્શવાદી ડૉક્ટર (દેવ આનંદ) એ સિધ્ધાંતો પર જીવવા જાય છે, એમાં મરે છે વધારે ને છેવટે એ પણ આજના ડૉક્ટરો જેવો માત્ર સંપત્તિ પ્રેમી બનીને લાખો રૂપિયા કમાય છે, પણ એમાં નૈતિક મૂલ્યો (medical ethics)ની કુર્બાની એનું લગ્નજીવન તહસનહસ કરી નાંખે છે.

મુમતાઝ એના જમાનાની સર્વોત્તમ અભિનેત્રી હતી, એમાં વિવાદ થઈ શકે એવો નથી. મૅઇક-અપ વગર તો એ પણ સામાન્ય કક્ષાની સુંદરી જ હતી, પણ બીજી મોટા ભાગની હીરોઈનો કરતા એનામાં અભિનયક્ષમતા વધુ તેજ હતી. એ ભૂલ્યા વિના તેની દરેક ફિલ્મમાં ભાજપ-રંગની સાડી કે ડ્રેસ પહેરે જ...

એમાં કોઈ ફેરફાર ન થાય ! હેમા માલિની સાઊથની બક્સમ બ્યુટી ખરી, પણ અભિનયના નામે કુંડાળું મોટું. મુમતાઝને હેમાની માફક હીરોઈન- આધારિત ફિલ્મો ઘણી બધી મળી, પણ એમાં હીરો ય ક્યારેક ઝાંખા પડી જતા. અહીં તો વિજ્ય આનંદ પોતે પણ સૅક્ન્ડ- લીડમાં છે. અડધી ફિલ્મ સુધી ( એ જમાનાની ફૅશન મુજબ, બાવાની જટા જેવા વાળ રાખતો વિજય માણસો રાખતા હોય એવી હૅરસ્ટાઈલ રાખીને આવે છે, ત્યારે દેવ જેટલો જ સોહામણો લાગે છે). મહેશ કૌલ તો કોઈ ઍક્ટર નહોતા- ફિલ્મ સર્જક હતા, છતાં ગૉલ્ડીએ આ ફિલ્મમાં એમને અસરકારક ચરીત્ર અભિનેતા બનાવ્યા છે.

ફિલ્મમાં પારોદેવીને એના સામર્થ્ય કરતા ઘણો તગડો રોલ આપવામાં આવ્યો છે. રજા માટે ડૉક્ટર દેવ આનંદ પાસે ખોટું સર્ટિફિકેટ લખાવવા આવીને ઝગડો કરનાર અને છેવટે ખાણ-હોનારતમાં પોતાનો હાથ કપાવનાર ઍક્ટર ભગવાન સિન્હા છે. એ વર્ષોથી દેવની ફિલ્મોમાં લગભગ હોય જ. અદાલતમાં પ્રેમનાથના ટેકામાં ખોટી જુબાની આપતો કાયમી પતલો ઍક્ટર જેરી છે. એ નોકરી માટે દેવનો ઇન્ટર્વ્યૂ લેતા પહેલા બીજા ડોક્ટર માટે સિફારીશ કરનાર લાંબો અને કાળો ટ્રસ્ટી ઉમા દત્ત છે.
  
કાળી બંડીમાં પોતાનું કાર્ડ પાછું માંગવા આવનાર દેવની ટીમનો કાયમી ઍક્ટર બિહારી છે ( જે 'જ્હૉની મેરા નામ'માં જ્યોતિષી આઈ.એસ.જોહર પાસે પોતાનો હાથ બતાવવા આવે છે.) હેમાની મા બને છે, મુમતાઝ બેગમ. દેવ આનંદનો આસિસ્ટન્ટ ડૉક્ટર બનતો ડો. પટવર્ધન દેવનો રૅગ્યૂલર ટાલીયો અને બેહદ કાળીયો કલાકાર રવિકાંત છે. જેનો ગરીબ પતિ આખરી શ્વાસો લઈ રહ્યો છે અને ડૉ.દેવ આનંદ જેને રૂ. ૪૦ ની દવા લઈ આવવાનું કહે છે, તે મોટા ભાગની જૂની ફિલ્મોમાં ઝૂંપડપટ્ટીની બાઈ બનતી કદરૂપી સ્ત્રી 'મેહર બાનુ' છે.

'હે મૈંને કસમ લી..' ગીતમાં દેવ આનંદ સાયકલના આગળના ડાંડા ઉપર મુમતાઝને બેસાડે છે. આવું જ દ્રષ્ય ફિલ્મ 'નૌ, દો, ગ્યારહ'માં નૂતનને બેસાડીને લેવાયું હતું. પણ એ જમાનાના વધુ પડતા દોઢડાહ્યા કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રી કેસકરે (નામની આગળ 'શ્રી' મૂકવું જરૂરી નથી લાગ્યું !)એ દ્રષ્યને 'બિભત્સ' ગણીને ફિલ્મમાંથી જબરદસ્તી કઢાવી નાંખ્યું હતું. પ્રેમનાથનો પુનર્જન્મ વિજ્ય આનંદે 'તીસરી મંઝીલ'થી કરાવીને 'જ્હૉની મેરા નામ' અને આજના જેવી બીજી બે-ત્રણ ફિલ્મોમાં કરાવ્યો.

ગામના ખૂણે ખાલી તળાવમાં પાડો નહાવા પડે, એમ પ્રેમનાથ ઘાંટાઘાંટ કરીને ગાળો બોલીને પોતાનો કિરદાર લંબાવે જતો હતો. એ સારો ઍક્ટર એને અનુરૂપ રોલ મળ્યો હોય ત્યારે કહેવાતો. જયકિશન, મદન, મોહન,મીન કુમારી, શ્યામ સુંદર કે 'હમરાઝ'વાળી વિમ્મીને દારૂએ બદનામ કર્યા, જ્યારે પ્રેમનાથને કારણે દારૂ પોતે બદનામ થતો હતો. તેમ છતાં , એના માપનો રોલ મળે ત્યારે પરદા પરના એની સાથેના કલાકારોને ખાઈ જતો.

કોરિયોગ્રાફી એટલે કે નૃત્ય નિર્દેશન એ વખતના બહુ મજેલા ડાન્સર હીરાલાલનું છે. કોઈ પણ ફિલ્મમાં તમે હેમા માલિનીને બૂક કરો, એટલે મિનિમમ એક ડાન્સ તો આપવો જ પડે, એ એની પૂર્વ શરત. અહીં પણ એનો 'તા થઇ તા થઇ'વાળો ડાન્સ સુંદર છે, પણ જેને ફિલ્મનગરીએ ડાન્સર ગણવામાં આળસ કરી છે, તે જયશ્રી.ટી.પાસે હીરાલાલે બેનમૂન નૃત્ય કરાવ્યું છે.

બર્મનદાના ઠેકાઓ ઉપર પળેપળે સ્ટૅપ્સ બદલાય અને છતાં ય જયશ્રી નૃત્યની પરિસીમાઓમાં રહે, એ અદભુત છે. આ જ બર્મનદાએ જયશ્રી પાસે ફિલ્મ'શર્મિલી'માં આજ આશા ભોંસલેના કંઠે 'રેશમી ઉજાલા હૈ, મખમલી અંધેરા'નો બેહદ ખૂબસુરત ડાન્સ કર્યો હતો. આ ડાન્સની માફક ડાન્સ-ડાયરેક્ટ પી.એલ.રાજે ફિલ્મ 'ઇન્તેકામ'માં હૅલન પાસે 'આ જાને જા, આ મેરા યે હુસ્ન જવાં..' આજ સુધીની હિંદી ફિલ્મોનો સર્વોત્તમ કેબરે કરાવ્યો હતો. એક માન્યતા એવી પણ છે કે, ખાસ આ ડાન્સ માટે ફિલ્મની હીરોઈન અને નિર્માત્રી સાધનાએ પી.એલ. રાજ ઉપરાંત કૉમેડિયન ભગવાન દાદાને પણ ખાસ બોલાવ્યા હતા, જેમણે મુખડાના શબ્દો 'આ જાને જા..'દરમ્યાન હૅલનના પગ પડે સ્ટૅપ્સ લેવડાવ્યા છે, એ બધા ભગવાન દાદાની કારીગરી હતી.

દાદાએ પોતાની ફિલ્મોના ડાન્સ પગની આ એક જ સ્ટાઇલ ઉપર કર્યા હતા, એ એટલા બધા લોકપ્રિય થયા કે, ઇવન અમિતાભ બચ્ચને પણ હૂબહૂ એ જ સ્ટૅપ્સ જીંદગીભર અપનાવ્યા. (ખાસ કરીને, આ નૃત્યગીતનું શૂટિંગ જોવા સ્વ. નરગીસ સ્ટુડિયો પર નિયમિત પહોંચી જતી.) સ્વ. અભિનેત્રી નંદાની સગી ભાભી થતી જયશ્રી ટી.નો.'ગોલમાલ અગેઇન'વાળો શ્રેયસ તળપદે ભાણો / ભત્રીજો થાય છે. આ છોકરીને હાઈટ નડી ગઈ હોવા છતાં (શરીરનો બાંધો જ એનો મૂળ વાંધો હતો !) ૫૦૦- હિંદી ફિલ્મોમાં ડાન્સ કર્યો છે.

કમનસીબે, માથેથી વિગ કાઢી નાંખે અને આંખ પરના ખૂણીયા ને મૅક અપ હટાવી લો, એ પછી જયશ્રી ને જોવાની જરૂર નહિ પડે, પાસે બેઠી હોય તો પણ ! પણ આ બસ્તીગીત 'મેરા સાજન ફૂલકમલ કા ગલી મેં રાતરાની કી.' માં જયશ્રીએ એકનો એક સ્ટૅપ પૂરા ગીતમાં રીપિટ કર્યો નથી.

નંદાનો સગો ભાઈ જયપ્રકાશ કર્ણાટકી જયશ્રીબેનના ઘરેથી ! ભારતીય ફિલ્મોની શ્રેષ્ઠ ડાન્સરોમાં હૅલન, વૈજ્યંતિમાલા, કુમકુમ, (ક્ક્કુનું નામ ઘણું મોટું હતું, પણ દરેક ગીતમાં કમર એકની એક ઢબે લચકાવવાની અને હથેળીઓ ગોળગોળ ફેરવે રાખવાથી વિશેષ શોધવું પડે એમ હતું.) ઉમા ધવન( હંસતે ઝખ્મ) ક્મ્મો, પદ્મા ખન્ના, ક્યારેય વળી બિંદુ, ખૂબ સારી મધુમતિ અને થોડી થોડી ફરિયાલ ('જવેલ થીફ'માં નાનકડો પણ શ્રૂંગારિક ડાન્સ કર્યો હતો) પદ્મિની-રાગિણી ખરા, પણ એમને બહુ હિંદી ફિલ્મો મળી નથી.

અફ કૉર્સ, આ બધા સાથે સીનિયોરિટીમાં '૩૦-ના દાયકાની ઇન્ડો-જર્મન ડાન્સર અઝૂરીએ કે.એલ. સાયગલની 'શાહજહાન' અને 'પરવાના'માં ડાન્સ કર્યા હતા, પણ એમાં આજે આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ એવું કશું નહોતું. ક્ક્કુને ફિલ્મોમાં લાવનાર આ અઝૂરી હતી અને ક્ક્કુ હેલનને પહેલી વાર ફિલ્મ 'શબિસ્તાન'માં લાવી...

ડૉક્ટર લાગવા માટે, આટલા નાના પચ્ચા મકાનોના ગામડામાં દેવ આનંદ અને વિજ્ય આનંદ શૂટ કેમ પહેરી રાખે છે, તે સમજની બહારનો વિષય છે. પાછા બન્ને સાયકલો ચલાવીને ડોકટરી- વિઝિટો કરે છે. આજકાલ તો મોટી હૉસ્પિટલના 'મોટા'ડૉક્ટરો ય સીધાસાદા શર્ટ-પેન્ટમાં હોય છે. એવી જ રીતે, કચરાછાપ જમવાનું બનાવતી મકાનમાલિકણ પારોદેવી સામે ગુસ્સો કરીને નોકરી છોડી દીધા પછી ત્રીજા દ્રષ્યમાં દેવ આનંદ જાણે કાંઈ બન્યું જ નથી, એટલો સ્વાભાવિક આ ડોસી સાથે પેશ આવે છે, એ નવાઈ પમાડનારૂં છે.

મધ્ય પ્રદેશના છીંદવાડા અને ડૉગર પરસીયામાં શૂટિંગ થયું છે. શૂટિંગ કરવા માટે કૅમેરા ક્યાં ગોઠવવાથી માંડીને શોટ કેવો લેવો, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિજય આનંદથી બહુ ઓછા દિગ્દર્શકો જાણતા હતા.

આવા ટેકિંગમાં ઉત્તમ કામ કરી ગયેલાઓમાં વ્હી. શાંતારામ, રાજકપૂર, ગુરૂદત્ત, રાજ ખોસલા અને મનોજ કુમારના નામો આવે. આ લોકો ફિલ્મના એક સામાન્ય દ્રષ્યને ક્લાસિક બનાવી શક્તા. હમણાના ઘણા તાજા ઇન્ટરવ્યૂમાં (એક જમાનામાં વહિદા-વિજય આનંદ લગ્ન કરવા સુધી પહોંચી ગયા હતા) વહિદા રહેમાને કહ્યું હતું, 'ગોલ્ડીથી વધુ સારો દિગ્દર્શક હવે છે ક્યાં ?...

પણ એક્ટિંગ એણે દેવ આનંદ ઉપર છોડી દેવી જોઇએ. He is a bad actor. તો આ વાતની બીજી સાઇડ પણ છે. દેવ આનંદ નાર્સિસિસ્ટ (એટલે કે, પોતાના પ્રેમમાં પડેલો) અભિનેતા હતો. એ સ્વીકારતો કે, દિગ્દર્શનમાં હું તો શું, બીજો કોઈ ગૉલ્ડીની તોલે ન આવી શકે, છતાં દેવને પણ એમ થઇ ગયું હતું કે, ગોલ્ડીનું ડાયરેકશન ને બીજું બધું બરાબર છે, પણ લોકો તો ફક્ત મને જ જોવા આવે છે. આ ઇગોએ દેવ આનંદને બહુ નબળો એક્ટર અને દિગ્દર્શક બનાવ્યો.

વિજય આનંદ સંવાદો લખવામાં ય ઉચ્ચ કોટીનું સાહિત્ય લાવી શક્તો. કોમેડીયનઆગા દેવ આનંદને મુમતાઝ વિશે વાત કરે છે, ત્યારે દેવ ખીજાઈને કહે છે, 'બડી બદતમીઝ લડકી હૈ' ત્યારે, આગા એના ટિપિકલ અંદાજમાં કહે છે, 'ઉંહુઉઉઉ... લે દે કે ઇસ કોયલે કે કાલે ઇલાકે મેં એક હી તો ગુલાબ કા ફૂલ હૈ...!'

ત્યારે બીજા એક દ્રષ્યમાં ડૉ.પ્રસાદ કૉલ (મહેશ કૌલ) શહેરમાં લાખો કમાવવાની તક છોડીને આવા નાનકડા ગામમાં પ્રેક્ટિસ કરવા આવેલા દેવને કહે છે, 'અગર આજ તુમ ભી વો હી દેખ રહે હો, જો તબ મૈંને દેખા થા... તો ભગવાન ન કરે તુમ ભી દેખો જો આજ મૈં દેખ રહા હૂં...' આ મહેશ કૌલ ફિલ્મ ઉદ્યોગનું એક પ્રણામયોગ્ય નામ હતું. એ નિર્માતા-દિગ્દર્શક હતા. બહુ કોઈ ઊંચી ઊંચી ફિલ્મો નહોતી બનાવી એમણે, પણ આપણા શમ્મી કપૂરને એની પહેલી ફિલ્મ આપનાર આમ હેશ કૌલ હતા.

આમ તો, શમ્મીને ફિલ્મોમાં લાવનાર અને પહેલી ફિલ્મ 'રેલ કા ડિબ્બા' આપનાર પી.એન. (પ્રેમ નારાયણ) અરોરા હતા, (પણ મહેશ કૌલવાળી 'જીવનજ્યોતિ' પહેલા રિલિઝ થઇ ગઈ, એટલે એ શમ્મીની પહેલી ફિલ્મ કહેવાઇ!) જેના આંધળા પ્રેમમાં ડાન્સર-એક્ટ્રેસ હેલન હતી.હેલને આવી બેવકૂફીભર્યા પ્રેમમાં અરોરાને લખેલા ૭૦૦ પ્રેમપત્રો-સંબંધ તૂટયા પછી અરોરાએ હેલનને બ્લેક-મેઇલ કરવા માટે વાપર્યા. હેલન ફિલ્મોમાં જે કાંઈ કમાતી, તે બધું આ અરોરો હડપી જતો...

વર્ષો સુધી હેલન આમ રિબાતી રહી, છેવટે હેલનના જીગરી દોસ્ત શમ્મી કપૂરે જ પોતાની લાલ આંખ બતાવી અરોરાને હાંકી કાઢ્યો અને હેલન સલમાન ખાનના પિતા સલીમ ખાન (જે લેખક બેલડી સલીમ-જાવેદ પૈકીના એક હતા.) સાથે લગ્ન કર્યા. એક સુંદર ફિલ્મ જોવાનો મોકો ઊભો થઇ રહ્યો છે...
ઝડપી લો !

(એક તો વાચકોની જ નહિ, સ્વયં સચિનદેવ બર્મનની પણ માફી માંગવાની છે કે, અગાઉ ફિલ્મ 'સાવન'ના રીવ્યૂ વખતે અમારી પસંદના સર્વોત્તમ દસ સંગીતકારોના નામો લખ્યા, તેમાં શરતચૂકથી દાદા બર્મનનું જ નામ રહી ગયું હતું. એમનો નંબર તો બે થી પાંચમાં આવે.)

અશોક દવે

8 comments:

Anonymous said...

गोल्डीसांब महान डिरेक्टर, परंतु देवसाब सिवाय नी टेमनी सफल फ़िल्मों जूज छे. I am a die hard fan of Devsaab and met him personally several times.
अशोक जी बहुज जानकारी वालों लेख, आभार अभिनंदन.
मुकेश जोशी. 🙏👍

Unknown said...

અશોકભાઈ
મારી જાણકારી માં હમદોનો ની ક્રેડીટ દેવસાહેબ ના કહેવાથી અમરજીત ને આપેલ, પણ તીન દેવીયાં તો અમરજીત પ્રોડક્સન ની ફીલ્મ હતી અને તેનુ ડાયરેક્સન અમરજીતે જ કરેલ એક પણ ફ્રેમ વીજય આનંદ કક્ષા ની તે ફીલ્મ માં છેજ નહીં, જ્યારે હમદોનો ની એકે એક ફ્રેમ પર વીજય આનંદ ની અમીટ છાપ છે, આ બે સીવાય ની બધી ફીલ્મો ની ક્રેડીટ તો તેમને મળીજ છે..
વીજય આનંદ જેવો હોનહાર ડાયરેક્ટર હવે જવલ્લેજ હીંદી ફીલ્મ માં પાકશે...👏👏👏👏👏

Ashok Dave said...

Thanks not only for loving Dev Anand Saab but also for APPRECIATING my article on TERE MERE SAPANE.

Ashok Dave said...

I would like to agree with you on Film Teen Deviyan's poor direction as well as the film itself. Goldie might not have directed the film.
But, if my memory does not betray, Dev in his autobiography ROMANCING WITH LIFE has credited Goldie even for that poor movie.
Thanks for reading my article so meticulously.
- Ashok Dave

Unknown said...

મેં હમણાં રાજુ ભારતન નો એક લેખ વાંચ્યો જેમાં તેમને તીન દેવીયાં ના ગીતો નું ડાયરેક્સન વીજય આનંદે કરેલ તેમ લખ્યું છે તે વાત થી સહમત થવાય તેમ છે, કારણ કે વીજય આનંદ અને રાજકપુર ગીતો ના ફીલ્માંકન ની બાબત માં ફીલ્મ જગત માં સર્વશ્રેઠ ગણાતા, આ ફીલ્મ માં પણ ખ્વાબ હો તુમ,કીતની સી ઠંડી હે, અરે યાર મેરી તુમ ભી હો ગઝબ, વી બધા ગીતો નુ ફિલ્માંકન અદભુત હતુ તે માનવુ પડશે, પણ બાકી પુરી ફીલ્મ નુ ડાયરેક્સન અમરજીતેજ કરેલ જે દેખાઈ આવે છે, હા હમદોનો સંપુર્ણ વીજય આનંદ નીજ ફીલ્મ હતી પણ અમરજીત નવકેતન ની પબ્લીસીટિ મેનેજર હોવાથી અને ખુબ વફાદાર હોવાથી તેની વીનંતી થી દેવસાહેબે એ ફિલ્મ ની ક્રેડીટ અમરજીત ને આપી તે એક પત્રકાર કબીર ને ઇન્ટર્વ્યુ માં જણાવેલ.
તમારી માહીતિ સાચી હતી...👏

Ashok Dave said...

Thanks, Dipakbhai.

Himanshu said...

. Thanks Ashokbhai. We do not find such a microlevel info at any single place.

Himanshu said...

Ashokbhai. Nowhere We find such a microlevel informations. Thanks a lot.