Search This Blog

01/12/2017

હું આપું છું... હું આપું છું !

અમારા કે અમારાથી પહેલાના જમાનામાં હોટલ કે નાસ્તાપાણીના બિલો ચૂકવવામાં મસ્તમઝાની બાદશાહીઓ નહિ... બદમાશીઓ થતી. 'હું આપું છું... હું આપું છું', એમ કહીને કોઈ બિલ ચૂકવે નહિ. આ સીસ્ટમ તો હજી ચાલે છે, પણ આજના 'હું આપું છું'માં ખરેખર 'અપાય' છે અને લગભગ જબરદસ્તીથી અપાય છે. એ વાત જુદી છે કે, બિલ ચૂકવવાનો હેતુ, સાથે આવેલા બધાઓ વચ્ચે પોતાનો 'પો પાડવાનો પણ હોય છે!

એ વખતે 'હું આપું છું'માં સ્વયંવરો જેવી ખેંચાખેંચી થતી... નહિ 'આપવાની'! જેને ચૂકવવાનું આવે, એ બે પગલાં પાછો જઈને ગીન્નાયો હોય, ''દર વખતે મારે જ આલ આલ કરવાનું...? ગઈ વખતે તારા... હમણાં કહું એણે આલેલા...?'' એવો ભડકે. (અહીં, 'હમણાં કહું એણે..?' નો સરળ ગુજરાતી અનુવાદ, પેલાના પૂજ્ય અથવા સદ્ગત પિતાશ્રીએ' એવો થાય! પણ, 'હમણાં કહું' વાક્યરચના મુજબ, પેલાએ 'હમણાં' કે 'પછીથી' કાંઈ કહેવાનું હોતું નથી. પણ આવું કહેવાથી વાતમાં જોસ્સો આવે છે! સ્પષ્ટતા પૂરી)

બીજો સૅટ અમારા કાઠીયાવાડમાં પેદા થયો છે.

નાસ્તાપાણી કરવા એ તમને પરાણે લઈ જાય. ''અરે, આઈંના મશ્શાલા ઢોંસા ખાઇ તો જુઓ... આ લારીવાળો એના ઘેરે ય આવા ઢોંસા નથી બનાવતો... એને ખાવા હોય તો ઈ સામેની લારી પર જાય... પણ ઢોંસો તો આ અમારા બચ્ચુભાયના જ! સંભાર તો નહાવાના લોટે લોટેથી પીઓ... વધારાનો રૂપિયો ય નંઈ. બચ્ચુભાઆ'ય...જો જો હોં... મે'માન છે... અમદાવાદથી આઇવા છે.

અશ્શલ ડીલક્ષ ઢોંસા બનવા જોઇં...'' તમે જમતા જમતા ગદગદિત થઈ જાઓ કે, કેવી પ્રેમાળ મેહમાનગતી! તમે રડી પડો પૈસા ચૂકવવાના આવે ત્યારે એનું ઝનૂન જોઈને, ''ઓહ... ઇ તો હાલે જ નંઈ... પૈસા તમારે તે કાંઈ ચૂકવાના હોય? આંઇ તમે અમારા મે'માન... બિલું તો હું જ દઇશ.... અમદાવાદ આવીએ તંઇ તમે દેજો, બસ? ...બચ્ચુભાઆ', જો જો, આપણા જામનગરના નાકું નો કપાય!''

અલબત્ત, આ હોટલ-પ્રવાસમાં નાસ્તો કરનારની સંખ્યા બેથી વધુ હોવી ન જોઈએ-એમાં એક એ પોતે! અને બીજી શરત એ કે, બિલ દસ-પંદર રૂપિયાથી ઓછું હોવું જોઇએ! બિલ આટલું નાનું હોય તો ભાયડાના ભડાકા જોવા મળે! પાણી-પુરી કે કાઠીયાવાડનો કાવો પીવડાવવાનો હોય તો મજાલ છે તમારી કે પૈસા તમે ચૂકવો! લારીથી નીકળ્યા પછી એ તમને કહે ય ખરો કે, ''ખાવા-પીવાની બાબતુંમાં અમે પૈસા સામું નો જોઇએ. ખાવા-પીવા માટે કોક અમદાવાદથી થોડું આવતું હોય કાંય...?'' છુટા પડતા સુધી એ તમને યાદ દેવડાવતો રહે, ''બીજી વાત જામનગર આવો તો ચિંતા નો કરશો... આપણે આંઈ જ નાસ્તાપાણી કરવા આવશું... બચ્ચુભાઆ'ય પાસે તો અમારે વરસ-દિ નું ખાતું હાલે, હોં!''

પણ બીજી વખત તમને બન્ને કુટુંબો સાથે મોટી હોટલમાં લઇ જાય, ''આ અમારા જામનગરની સૌથી મોટી હોટલ...!'' હોટલવાળાને ખબર ન હોય, એટલા વૈભવની વાતો આ હોટલ માટે કરે. 'એક વાર તો અમિતાભ બચ્ચન આંઇ જમી ગીયો છે...' ...'આંઈની ચટણીયું તો જર્મની ને ફ્રાન્સ સુધી જાય છે.'...'આંઈ જયમા પછી ઘરે તમારા ભાભીની રસોઇ નો ભાવે...!' તમને ખબર તો પડી જાય કે, 'ઇને આવી હોટલોમાં આવવા-જવાનો બહુ અનુભવ નથી. એ સ્ટુઅર્ડ કે વેઇટરને ય 'સર' કહીને બહુ વિવેક વિનયથી બોલાવતો હોય, ''સર, એક ગીલાસ ઠંડા પાની મિલેગા...?''

પેટ ભરીને જમ્યા પછી વેઇટર બિલ લાવે, એ પહેલા આના ચહેરાનો આકાર બદલાવા માંડે. પેટ ઉપર કારણ વગર ગોળગોળ હાથ ફેરવવા માંડે. બરોબર બિલના પેમેન્ટ વખતે ભ'ઇને ટચલી આંગળી લાગી હોય, એ આપણને બતાવીને દયામણા મોંઢે સીધો વૉશરૂમમાં ગરકી જાય.

પૅમૅન્ટ તો તમે કરી દીધું હોય પણ આંચકા તમને લાગવા માંડે કે, જગત આખામાં આ આટલી લાંબી કોઇને નહિ લાગી હોય... દૂરથી એ ખાત્રી કરી લે કે, બિલ ચૂકવાઇ ગયું છે, પછી એ કૅરમના સ્ટ્રાઇકરની જેમ પાછો આવે... મોઢા ઉપર નાનકડો ગુસ્સો કરીને, ''ભાઆ'ય વૅટર... તને કોણે કીધું'તું સાહેબને બિલ દેવાનું? ...અને તમે ય શું, મે'તાભાઆય... આંઇ આવીને બિલું તમારે દેવાતા હશે? મને આ જરી ય ગયમું નથી. હવે બીજી વખત આવું નો કરતા...''

કાઠીયાવાડમાં બીજી એક પરંપરા આજે ય ચાલી આવે છે, 'કોઈનું બાકી નહિ રાખવાનું!' આજે તમે બિલ ચૂકવ્યું હોય તો કોઇ પણ ભોગે નૅક્સ્ટ-ટર્નમાં એ બદલો વાળીને જ રહે, એટલે આ વખતે બિલ એ ચૂકવે. (રકમ લગભગ મળતી આવવી જોઈએ.) સૌરાષ્ટ્રની આ પરંપરા તમે સ્વીકારો કે નહિ, એ લોકો 'બદલા લેકે રહેંગે' ...તમે એમના માટે હજાર ખર્ચ્યા હોય તો બીજા મોકે એ તમારા માટે એટલા ખર્ચી જ બતાવે. એહસાન નહિ રહેવો જોઈએ.

અહીં તમે ભરાઇ ક્યારે જાઓ કે, એક વાર એમણે ચૂકવ્યા પછી, તમારા કદાચ મનમાં ય ન હોય ને બીજી વાર તમને યાદ ન રહ્યું કે પછી સાચા અર્થમાં એવું માનતા હો કે, 'એ ચૂકવે કે આપણે... બધું સરખું જ છે ને?' અને આવા વાતાવરણમાં બીજી વાર એમને ચૂકવવાના આવે તો સમજી લેવાનું કે, આ સંબંધ બહુ લાંબો નહિ ચાલે. ધંધામાં એમણે બહુ મોટી ખોટ ખાધી હોય-તમારા લીધે, એવું અવ્યક્તપણે ય તમને જણાવી તો દે જ! ને તો ય, અમદાવાદીઓને કોઇ ન પહોંચે. રાત્રે માણેક ચૉક કે દાળવડાં-ચોળાફળીની લારીએ આ દ્રષ્ય રોજના થઇ ગયા છે.

છેલ્લું દાળવડું મોંઢામાં હોય ને આનું તોફાન શરૂ થાય, ''એ ભાઇ, બિલ તો હું જ આપીશ... તમારે કોઇએ દેવાનું નથી. અરે, લારીવાળો જ તમારી પાસેથી નહિ લે... લો, આપી જુઓ.'' એમ તો પાછા તમે ય ઓછા ન હોય, એટલે આપો તો નહિ પણ આગળનો ખેલ રસપ્રદ હોય.

અમદાવાદીઓ જે ખિસ્સામાં વૉલેટ (પાકીટ) ન હોય, એમાં ઊંડો હાથ નાંખીને, ''હું આપું છું... હું આપું છું'' એમ બે-ત્રણ વાર ખોટા ખિસ્સામાં હાથ નાંખીને બોલે રાખે. એની બાજુવાળો એનાથી ય જાય એવો હોય. એ સીધી બે હજારની નોટ કાઢે. એ જાણતો હોય કે તમેય ખીજાવાના છો કે, આટલા ૭૦-૮૦ રૂપીયા માટે બબ્બે હજારની નોટો કઢાતી હશે?

પણ ત્રીજો ભારે ચાલુ માણસ હોય.

જોનારાને એમ થાય કે, આ નાસ્તાનું બિલ આને ચૂકવવા નહિ દઇએ, તો 'અમદાવાદ-બંધ'નું એલાન આપવું પડશે. એને પકડી રાખવો પડે અને ખાસ તો... આજુબાજુના પચ્ચા માણસો સાંભળે, એવી રાડું નાંખતો હોય, ''છોડ દો મુઝે... છોડ દો મુઝે... બિલ તો હું જ આપીશ. તમે બધા આઘા રહો... કહું છું, તમે બધા રહો!'' એમ એમ કહીને એ પોતે પાછો જતો જાય-કોઇએ એને પકડયો ન હોય! એને ખબર છે કે, આજુબાજુમાં ય એના કોક ને કોઈ ઓળખીતાઓ હશે, એટલે બૂમો સાંભળીને એ બધાને લાગવું જોઈએ કે, બિલ ચૂકવવા માટે આ માણસ કેટલો ઝનૂની બને છે!

છાના ખૂણે એણે જોઈ પણ લીધું હોય કે, સાથે આવેલામાંથી કોઇએ શાંતિથી બિલ ચૂકવી દીધું છે ને એ દાનવીર ખૂણામાં અદબ વાળીને શાંતિથી ઊભો ઊભો સ્માઈલો આપતો હોય. બિલ ચૂકવાઇ ગયું છે, એ જાણ્યા પછી પેલો વધુ જોરમાં આવે. પણ 'છોડ પકડ...મૂઝે ગુસ્સા આતા હૈ'ના ધોરણે એ એટલું જોર કરતો હોય કે એક વખત તો લારીવાળો લાગણીમાં આવી જાય ને કહી દે, 'તમે બધા રે'વા દિયો... હું દઇ દઉં છું!'

આમાં અમદાવાદીઓએ સર્વોત્તમ રસ્તો કાઢ્યો છે-સૉલ્જરીનો. કોઇ માથાકુટ કે મનદુ:ખવાળી વાત જ નહિ. સૉલ્જરી ખુલ્લેખુલ્લી ન પણ થાય, કે 'આના એમણે કાઢ્યા તો આના આપણે કાઢીશું.' ભાગે પડતો ખર્ચો બધાએ વહેંચી લેવાનો...

અને આ પધ્ધતિ, વ્યક્ત કે અવ્યક્ત રીતે લગભગ બધા કરવા માંડયા છે... આખરે, દેશ તો મિડલ-ક્લાસથી બનેલો છે ને!

સિક્સર

ભાજપ કે કોંગ્રેસ... બેમાંથી કોઇએ બ્રાહ્મણોનો ભાવ પણ પૂછ્યો નથી... એમના અસ્તિત્વનો ય સ્વીકાર કર્યો નથી... ને છતાં ય, આપણે મોદી-મોદી કે રાહુલ-રાહુલ કરે જઇએ છીએ!

No comments: