Search This Blog

13/12/2017

બલ્બ બદલવા કેટલા માણસોની જરૂર પડે ?

બલ્બ બદલવા કેટલા માણસોની જરૂર પડે ?

(સાહિત્ય કે કલામાં સ્થૂળ હાસ્ય (Slapstick comedy) ને સૂક્ષ્મ હાસ્ય (Subtle comedy) જેવું માન મળતું નથી. એટલે , ચાર્લી ચૅપ્લિન જેટલું લૉરેલ-હાર્ડી માન પામ્યા. પણ સ્થૂળ હાસ્ય ખડખડાટ હસાવે છે ને ચાર્લીની ફિલ્મો એમાંથી સહેજ પણ બાકાત નહોતી. લેખમાં સંપૂર્ણ સ્થૂળ હાસ્યનો પ્રયોગ કર્યો છે.)
 
એના ઘરમાં બલ્બ હતો, પણ લાઇટ નહોતી. લાઇટ ચાલુ કરવા માટે બંધ પડેલો બલ્બ બદલવો જરૂરી હતો, પણ બલ્બ બદલવા ઉપર ચઢવા માટે આવશ્યક ગણાતું સ્ટૂલ નહોતું. ઘરમાં બલ્બ હતો પણ સ્ટૂલ નહોતું, એટલે કોકના ઘેરથી લાવીને સ્ટૂલ ઉપર ચઢવું જરૂરી હતું.

''ઓહ... સ્ટૂલની તકલીફ છે ?'' કમનસીબી અંગ્રેજી ભાષાની કે, અડોસપડોસમાં જેની પાસે 'સ્ટૂલ' માંગવા ગયો બધાએ ચિંતાભરી નજરે એના પેટ તરફ જોયું. કોઈકે તો વળી સારા માઇલો જુલાબ લઈ લેવાની હિદાયત પણ કરી. બન્ને બ્રાન્ડના સ્ટૂલોના સ્પેલિંગ એક થાય છે.

છેવટે આખી સોસાયટીમાં એકાદું તો ડાહ્યું હોય ને ? એટલે કે, 'એટલું' ઇંગ્લિશ ભણેલું !

પડોસી સાઉથ ઇન્ડિયન હતો. નામ એનું ચિદમ્બરમ, પણ ખોટો ટાઇમ વેડફાય એટલે સૌ હળીમળીને એને 'ચિદુભ'' કહીને બોલાવતા. તે એમ તો આનું નામે 'ભૅક્સ' હતું. ભૅક્સ એટલે ભરતનું આજની પેઢી મુજબનું સ્ટાયલિશ નામ.

ઘરમાં બધાના નામો રીતે ટુંકાવી નાખવામાં આવ્યા હતા. મહેશનું સીધું 'મૅક્સ', ચેતનનું 'ચૅક્સ', પરેશનું 'પૅક્સ', એની વાઇફ રિમાનું 'રૅક્સ' જો કે, ઘરમાં એવી હિંમતવાળું પાછું કોઈ નહિ, એટલે 'સોનાલી'નું નામ એમનું એમ રહેવા દીધું. આપણો ભરત ભૅક્સ થઈ ગયો, પાછું એને પોતાને ગમતું. ''ઓહ ન્નો... ફૅક્સ... આઇ મીન, ફાલ્ગુની નથી ? ધેટ્સ ફાઇન... આવે તો કહેજો ને, 'ભૅક્સભ'' આયા'તા!'

હવે પછીના વાક્યમાં જલ્દી સમજ નહિ પડે કે, પડોસી ચિદુને ઘેરથી સ્ટૂલ લાવવા ભૅક્સે એના છોકરા 'ગૅગ્સ'ને મોકલ્યો. એણે જાતે જવાને બદલે 'જૅક્સ'ને મોકલ્યો (આઇ મીન, જતિનને) જે મ્યુનિસિપાલિટીમાં ટૅકસ ભરવા ગયો હતો. (અહીં 'ટૅક્સ' એટલે ટૅક્સ ... કરવેરા, ટીનીયાનું ટૅક્સ ના થાય !)

'રૅક્સી ડાર્લિંગ, તું નીચે ઊભી ઊભી સ્ટૂલ પકડી રાખ. હું સ્ટૂલ ઉપર ચઢીને બલ્બ બદલું છું.' વાત જુદી છે કે, સ્પેલિંગ- મિસ્ટેકને બહાને ભૅક્સના મોટા ભાગના ફ્રેન્ડઝો રિમાને 'રૅક્સી'ને બદલે જાણી જોઈને ''ને બદલે મસ્તીભર્યો અક્ષર વાપરવાનો આગ્રહ રાખતા. રૅક્સીને તો અફ કોર્સ ગમતું, ભૅક્સ ચિડાતો. પોતે કદી 'પોતાની' વાઇફને 'સૅક્સી' નહતો કહેતો ને મજાલ છે બીજા કહી જાય ?

પાછું બેમાંથી એકેયને એવું નૉલેજ નહિ, કે કોઈ સ્ટુલ ઉપર ચડતું હોય તો નીચેથી કોઈએ પકડી રાખવું પડે. રૅક્સીને ૫૦ ટકા નૉલેજ હતું એટલે એણે ભૅક્સના બન્ને પગ ટાઇટમટાઇટ પકડી રાખ્યા, સ્ટૂલને નહિ ! ભૅક્સને પણ સ્ટૂલ-વર્લ્ડનું ખાસ કોઈ નૉલેજ નહિ, એટલે છત નીચેનો બલ્બ ડ્રૉઇંગ-રૂમમાં આઠ ફૂટ દૂર હતો, ત્યાં સ્ટૂલ ગોઠવ્યું હતું. પાછું આપણે શીખવવા જવું પડે કે, સ્ટૂલ ખોટી જગ્યાએ મૂકાઈ ગયું છે, તો એને ખસેડવા માટે પાર્ટીએ એકવાર નીચે ઉતરવું પડે. 'રૅક્સી ડીયર... નીચેથી ધીમે ધીમે ધક્કા માર અને પેલા બલ્બની નીચે સ્ટૂલ આવે એમ ખસેડ...'

'નીચેથી' એટલે રૅક્સી ભૅક્સના પગ નીચેથી સમજી. એણે બન્ને પગને કસીને પકડી રાખી નાની નાની ધક્કીઓ મારવાનું શરુ કર્યું ને ઉપરથી ગોરધનને રિક્વેસ્ટ કરી, 'ડાર્લિંગ... કેન યુ હેલ્પ મી ? મારાથી તો તું એક ઇંચે ખસતો નથી. સ્ટુપિડ... તું જીદ્દી મૂવો તો પહેલેથી છું...'

આમ સંઘ કાશીએ નહિ પહોંચે એમ વિચારીને ભૅક્સે સ્ટૂલ ઉપર ઊભા ઊભા પગના નાના નાના ઝટકાઓ મારી સ્ટૂલ ખસેડવાનો ટ્રાય કર્યો. અડધોક ઇંચ ખસ્યો ખરો, પણ એને સ્પીડ બહુ ઓછી લાગી. વધારે લાંબા ઝટકાઓ મરાય એમ નહોતા... ભમ્મ થઈ જવાય ! એણે બીજો એક વિચાર કરી જોયો કે, પોતે નીચે ઉતરીને રૅક્સીને સ્ટૂલ પર ચઢાવે ને ધક્કા મારે. ''તું ઉપર રહે ભૅક્સ- ડાર્લિંગ... હું ઉપર આવું પછી તું નીચે આવજે.'' વાઇફ તો એની હતી ને ? ''નો ડીયર... સ્ટૂલ ઉપર જગ્યા બહુ ઓછી છે. યૂ કૅન ડૂ વન થિન્ગ... તુ ચિદુને ત્યાંથી બીજું મોટું સ્ટૂલ લઈ આવ, જેની ઉપર સ્ટેન્ડિંગ સ્પેસ વધારે હોય... આપણે સાથે ઊંચા થઈને બલ્બ બદલીશું... વોટ ડુ યુ સૅ, હની ?''

હની વખતે કોકનો 'વોટ્સ એપ' ચેક કરતી હતી. અચાનક એને યાદ આવ્યું,

'ભૅક્સ - ડાર્લિંગ આપણે ગૂગલમાં ચેક કરવું છે ?'

'ઓહ સિલી... એમાં આપ્યું હોય કે, સ્ટૂલ નાનું પડતું હોય તો મોટું કરવાના ઉપાયો કયા ?'

'અરે... હું સ્ટૂલ માટે નથી કહેતી... સ્ટૂલને બદલે વાંકો વળીને તું ઊભો રહે ને હું તારી કમર પર ચઢી જઉં તો સ્ટૂલ કરતા થોડી હાઇટે વધારે મળે ! ગૂગલમાં આવું બધું તો બહુ આપ્યું હોય.' બન્નેની મૂંઝવણો વધતી જતી હતી. નક્કી તો એવું કરી લીધું કે, નવો ફ્લેટ લઈએ ત્યારે છત સ્ટૂલની બરોબર ઉપર આવતી હોય એવો લેવો.

રૅક્સીએ સજેસ્ટ કર્યું કે લાઇટનો બલ્બ સિલિંગમાં હોવો જોઈએ. ઘણા બિલ્ડરો તો બલ્બની સ્વિચો છતમાં ફિટ કરાવતા હોય છે... રોજ રોજ તો ચિદુના ઘરે સ્ટૂલ માગવા ક્યાં જવું ! વાત જુદી છે કે, સ્ટૂલો આપી આપીને કંટાળીને આત્મહત્યાના વિચારો ઉપર ચઢી ગયેલા ચિદુએ કાયમનો ત્રાસ દૂર કરવા બન્નેની હૅપી મૅરેજ એનિવર્સરીમાં ચમકતા રૅપર્સમાં પૅક કરીને સ્ટૂલ ગિફ્ટ આપ્યું હતું. જો કે, બીજે અઠવાડિયે ભૅક્સ સ્ટૂલ ઉપર મૂકવાનો કોઈ એક્સ્ટ્રા પાટલો- બાટલો પડયો હોય તો આપવાની રિક્વેસ્ટ કરી હતી. ગિફ્ટ આપેલું સ્ટૂલ જરા નાનુ પડતું હતું.

ભૅક્સ ઉપર ઊભો ઊભો હવે કંટાળ્યો હતો. એને નીચે આવવું હતું પણ થેન્ક ગૉડ રૅક્સીએ એનું ધ્યાન દોર્યું કે, નીચે ઊભા ઊભા બલ્બ નાંખવામાં તારો પનો ટૂંકો પડશે. અચાનક એને યાદ આવ્યું કે, અસલી પ્રોબ્લેમ સ્ટૂલ ખસેડવાનો હતો. જો એકાદ વખતખસી જાય તો ઉપર બલ્બ નાખવાનું સૉકેટ હવે બહુ દૂર નહોતું. જાણતો હતો કે, જરા અમથી આળસ ઘરને પ્રકાશ નહિ આપી શકે. અંધારૂ દૂર કરવા માટે પ્રકાશનું હોવું જરૂરી છે અને પ્રકાશના હોવા માટે બલ્બ નાખવો વધુ જરૂરી છે.

રૅક્સીને અફલાતૂન વિચાર સૂઝ્યો. જમીન પર આડી પડી ગઈ અને બન્ને પગ વડે સ્ટૂલને ધીમે ધીમે નાની ધક્કીઓ મારવા માડી. ટાઇલ્સ અને સ્ટૂલ ઘસાવાનો મજાનો ચીચૂડ-ચીચૂડ અવાજ આવતો હતો ને બાજુ ભૅક્સ બૅલેન્સ જાળવવા બન્ને હાથ પહોળા કરી, ક્યારેક એક પગે તો ક્યારેક બન્ને પગે હાલકડોલક થતો હતો.

ચમત્કાર હતો કે સ્ટૂલ ખસતું હતું. પ્રોબ્લેમ હતો કે, ક્યાં સુધી ખસેડવું, એની રૅક્સીને માહિતી નહોતી. હાંફી ગઈ હતી. એટલી થાકી ગઈ હતી કે, વચમાં એકાદ ઝોકું આવી ગયું હશે. પછી તો તબક્કો પણ આવ્યો કે, પગ નીચે સ્ટૂલ નહિ તો ેએ પગ વડે ધક્કા મારતી રહી... ઉપર ભૅક્સ હતો કે નહિ, એની એને ખબર નહોતી રહી.

ઇશ્વરની કૃપા ગણો કે ભૅક્સ ઉપર હતો. પેલીએ વધુ ધક્કા માર્યા હોત તો વધુ ઉપર જાત. પણ હવે આનાથી આગળ જવાય એવું નહોતું, દિવાલ આવી ગઈ હતી. અચાનક બંને ચોંક્યા. જોયું તો બલ્બવાળું સૉકેટ તો સાતેક ફૂટ પાછળ રહી ગયું હતું. ઓહ... હવે પાછા જવાય એવું નહોતું.


ભર અજવાળાભર્યા દિવસમાં લોકોએ આખો દિવસ બલ્બ વગર કાઢ્યો !

સિક્સર
'
હૅલ્લો... આઇ ઍમ શશી કપૂર...' લખનારની દ્રષ્ટિએ માત્ર હિંદી ફિલ્મો નહિ, હૉલીવૂડના પણ કોઈ પણ હીરો કરતા વધુ હૅન્ડસમ 'શશી બાબા'નો હવે સીધો મુકાબલો સ્વર્ગના દેવો સાથે !

No comments: