Search This Blog

04/02/2018

ઍનકાઉન્ટર : 04-02-2018

* કોંગ્રેસ આવે છે?
- કોંગ્રેસ આવે કે ભાજપ જાય... દેશને કોઈ ફરક લાગતો નથી.
(
નિમિષ મ. પારેખ, અમરેલી)

* 'ઘરડા વિના ગાડાં ન ચાલે', પણ જ્યાં ઘરડા જ ન હોય ત્યાં શું કરવું?
- થોડાં વર્ષો રાહ જુઓ.
(
ધવલ જે. સોની, ગોધરા)

* મંદિરો-દેરાસરોમાં અબજો રૂપિયાનાં દાન થાય છે. એટલા પૈસા દેશના વીર સૈનિકો કે શહીદોના પરિવારો માટે કેમ ન ખર્ચાય?
- દરેક શહીદની આરસપહાણની ખાંભી ઉપર દાતાશ્રીનાં નામો કોતરાવો. રોજના અબજો રૂપિયાનાં દાન મળશે.
(
પિયુષ સોની, અમદાવાદ)

* વિનાશક વાવાઝોડાનાં નામો સ્ત્રીઓના નામ પરથી કેમ પડે છે?
- વાવાઝોડું કોઈ મંગલ પ્રસંગ થોડો છે?
(
કમલેશ એ. ઉદાણી, રાજકોટ)

* રાજકીય ગૂનેગારોને જેલમાં લઈ જવાતી વખતે જ છાતીમાં દુ:ખાવો કેમ ઊપડે છે?
- બીજે ક્યાંય દુ:ખાવો ઊપડે, તો ટીવી-ન્યૂસમાં ફોટા સારા ન આવે.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* કરણ જોહરનું નામ સ્ત્રીઓ સાથે સંભળાતું નથી, છતાં એની ફિલ્મોમાં લવ-સ્ટૉરી ફાંકડી હોય છે...
- પૉસિબલ છે, હવે પછી એ 'પુરુષ-પુરુષ'ની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવશે.
(
ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)

* મારા સવાલોના જવાબ નથી મળતા. શું આધાર-કાર્ડ લિન્ક કરવાનું છે?
- '...દિલ કો બહેલાને કે લિયે, 'ગાલીબ', યે ખયાલ અચ્છા હૈ.' મોટા ભાગના વાચકોએ આ સ્ટાઇલ પકડી છે, 'અમે કેટલાય સવાલો પૂછ્યા...!'
(
તુષાર સુખડિયા, હિંમતનગર) અને (ઘનશ્યામ વરીયા, સુરત)

* તમારી લોકપ્રિયતાની ઈર્ષા થાય એવું છે...!
- કરો..! બાકી, હું જ્યાં રહું છું, એના એકે ય ફ્લેટવાળાને ખબર નથી કે, આવો કોઈ લેખક અહીં રહે છે...!
(
મૃગાંકી જે. મેહતા, અમદાવાદ)

* કાશ્મીર-વિરોધીઓને સીધા કરવા શું કરવું જોઈએ?
- ઈમ્પૉસિબલ... આપણા  ને આપણા  જ નેતાઓને તો સીધા કેવી રીતે કરો?
(
મિતેશ અંબોડીયા, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછવા માટે શું કરવું જોઈએ?
- સવાલ પૂછવો જોઈએ.
(
કુણાલ સોની, અમદાવાદ)

* નરેન્દ્ર મોદીના આવ્યા પછી 'વિકાસ' શબ્દ સાંભળ્યો. એ પહેલાં તો 'કૌભાંડ' અને 'ગોટાળા' જ સાંભળવા પડતા હતા...
- પહેલાં 'કૌભાંડ' અને 'ગોટાળા' જોવા મળતા હતા... આજે 'વિકાસ' જોવા મળે છે.
(
હેમંત રાઠવા, તેજપુર-છોટા ઉદેપુર)

* શું રાહુલ ગાંધીના મતે, દેશમાં ઊભી થતી કોઈ પણ સમસ્યા માટે મોદી જ જવાબદાર છે?
- તો તો... રાહુલને 'સમસ્યા' ના કહેવાય!
(
વિશ્વ પટેલ/કેતુલ પટેલ, નડિયાદ)

* શું નેતાઓનું એક બાળક ફરજિયાત લશ્કરમાં જોડાય, એવો કાયદો ન હોવો જોઈએ?
- ગેરકાયદેસર સંતાનો ચાલે... ગેરકાયદેસર સૈનિકો ન ચાલે.
(
કિરીટ ગોસાઇ, ખેરવા-મેહસાણા)

* તમે કોઈનાથી છેતરાયા છો ખરા?
- વિધાનસભાના ઍક્ઝિટ-પોલ વખતે દેશની તમામ ટીવી-ન્યૂસ ચેનલોએ આખા દેશને બેવકૂફ બનાવ્યો હતો - પોતે સુપર-બેવકૂફ બનીને!
(
મનિષ એન. વર્મા, ગોધરા)

* 'કેબીસી'ના સ્પર્ધકો સાથે અમિતાભ બચ્ચન 'સેલ્ફી' લેતા... તમારે પણ વિચારવું જોઈએ?
- હા, પણ અમિતાભ માનવો જોઈએ ને!
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* અમદાવાદના ટ્રાફિક-જામ વિશે શું કહેશો?
- હું ઘોડો ખરીદવા માંગું છું.
(
રાકેશ બી. ભાવસાર, ભરૂચ)

* અમદાવાદી થઈને પોસ્ટકાર્ડમાં સવાલ પુછાય?
- ઘેર આવીને ના પૂછતા.
(
મૂકેશ પડસાલા, અમદાવાદ)

* રામ-રહીમ જેવા બાબાઓની જાહેરખબરોને બંધ ન કરી શકાય?
- ના. દેશમાં પરમેશ્વર કરતાં આવા બાબાઓને પૂજનારા કરોડોની સંખ્યામાં છે.
(
મધુકર મેહતા, વિસનગર)

* આપણા રાષ્ટ્રગીતને પ્રણામ...
- બહુ ઓછાને ખબર છે કે, વિશ્વના તમામ દેશોમાંથી ભારતનું રાષ્ટ્રગીત પ્રથમ નંબરે મુકાયું છે.
(
યશ મહેતા,અમદાવાદ) અને (સુરભી ઠક્કર, પેટલાદ)

* ડિમ્પલ કાપડિયા અને સની દેઓલ લંડનના રેલ્વે-સ્ટેશનના બાંકડે બેઠાં હતાં...
- 'બેઠાં' હોય, ત્યાં સુધી શું વાંધો?
(
કુલદીપસિંહ જાડેજા, આણંદ)

* જૂનાં ફિલ્મી ગીતોનો જમાનો પાછો ક્યારે આવશે?
- આનો જવાબ મહિના, વર્ષ કે સદીના આંકડામાં ન અપાય!
(
જતિન દેસાઈ, મુંબઈ)

* નવરાત્રી વખતે પોતાની સોસાયટી છોડીને બીજે ગરબા રમવા જનારાઓને શું કહેવું?
- જય અંબે.
(
મમતા કામદાર, મુંબઈ)

* 'આઈક્યૂ' વધારવા શું કરવું?
- ટીવી-ન્યૂસ ન જોવા.
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)

No comments: