Search This Blog

11/02/2018

એનકાઉન્ટર : 11-02-2018


* હનીપ્રિતની ધરપકડ વિશે શું માનો છો ?
- થેન્ક ગૉડ... એણે હજી સ્ત્રીઓની છેડતીનો કેસ કરી દીધો નથી.
(
જગદીશચંદ્ર, પરમાર, ભરૂચ)

* ... 'દુનિયા મેં કિતને ગમ હૈ... મેરે કિતને કમ હૈ'...  આ વાક્ય ઉપર શું કહેવું છે?
- તે હશે... પણ મેરે તો બહુ વધારે હૈં...!
(
લલિત ઇન્દ્રવદન દોશી, કરજણ)

* નોટબંધીને વર્ષ પૂરું થઇ ગયું... હવે ?
- વૉટબંધી.
(
ભૂપેન્દ્ર બી.પંડયા, જૂનાગઢ)

* માણસના પૂર્વજ વાંદરા હતા, પણ વાંદરાના પૂર્વજો કોણ ?
- હું કોઈની પર્સનલ લાઈફમાં માથું નથી મારતો.
(
રીયાંશી પી. ભટ્ટ, જૂનાગઢ)

* પૈસા વધારે મહત્ત્વના કે સંસ્કાર ?
- મને તો એટલી ખબર છે કે, સંસ્કારથી પૈસા ખરીદી શકાતા નથી.. ને પૈસો  હોય તો સંસ્કારને કોણ પૂછે છે ?
(
હરદીપગીરી ગોસ્વામી, જૂનાગઢ)

* કોલેજ કેન્ટીન અને હોસ્પિટલની કેન્ટીન વચ્ચે શું ફર્ક ?
- પેમેન્ટનો ! હોસ્પિટલની કેન્ટીનનાં બિલો ચૂકવીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
(
મૂકેશ ચોરડીયા, સુરત)

* તમને ભગવાન રસ્તામાં મળે તો શું માંગો ?
- એમનો મોબાઈલ નંબર...!
(
મીના ચૌહાણ, અમરેલી)

* આપણા દેશમાં હિંદુ, મુસલમાન, કિશ્ચિયન કે શિખ્ખો છે... એમાંથી ભારતીય કોણ ?
- બધા
(
ભરત જે. વાધેલા, મંડાલી- મહેસાણા)

* આજકાલ તમે પણ દાઢી વધારો છો, એ વાત સાચી ?
- ના. મારે તો કાળી આવે છે.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* ડેરાના રામ- રહિમ અને 'પ્લેબોય'ના હ્યૂ હેફનર વચ્ચે શું તફાવત ?
- બન્નેમાં આપણે જોઈને રાજી થવાનું !
(
રોહિત દરજી, હિમતનગર)

* પેટ્રોલના ભાવ...
- સાઇકલ લઈ આવો.
(
મિહિર ગજેરા, સુરત)

* હાથ ઊંચા કરીકરીને બોલેલું જૂઠ્ઠું કેટલું ચાલે ?
- બસ. આપણી આઝાદીને ૭૦ વર્ષ થયાં.
(
અ.રહેમાન બોગલ, ગોધરા)

* ભારતમાં દિવાળી, હોળી કે ઉત્તરાયણની ઉજવણીઓ ઉપર જ પ્રતિબંધ... ?
- દેશમાં બધા વૈષ્ણવ છે, પટેલ છે, બ્રાહ્મણ છે... હિંદુ ક્યાં છે ?
(
દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* તમને જવાબો આપવાના પૈસા મળે છે, તો અમને સવાલ પૂછવાના કેમ નહિ ?
- આપણા દેશમાં સવાલો ઊભા કરનારા સવા-સો કરોડ છે... જવાબ આપનાર એક જ !
(
નિકુંજ ભટ્ટ, ભાવનગર)

* તમને નથી લાગતું, સવાલ સાથે અમારા ફોટા ય મૂકવા જોઈએ ?
- વાચકોને એમ ને એમ હસવા દો ને.. !
(
મીરા ગોહેલ, ભાવનગર)

* 'એનકાઉન્ટર' માં તમારે મને સવાલ પૂછવાનો હોય તો કયો પૂછો ?
- 'હવે મટી ગયું ?
(
દેવ શુકલ, ભાવનગર)

* ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે ? એક ગામ તો બતાવો !
- જે ગામમાં હોય, ત્યાં કોઈ જાય ખરું ?
(
કિરીટગીરી ગોસાઈ, ખેરવા- મહેસાણા)

* ચીનમાં સિંહોનાં નાક કેવાં હશે ?
- અડી આવો.
(
સ્મિત આચાર્ય, અમદાવાદ)

* ફૂટબોલનો 'ફિફા વર્લ્ડ કપ... અન્ડર-૧૭ હોય છે, પણ અન્ડર-૧૯ કેમ નહિ ?
- 'સ્વિટ- સૅવન્ટીન સારું લાગે... 'નવર્સ- નાઈનટીન નહિ !
(
મૂકેશ કે. શાહ, અમદાવાદ )

* પોપટલાલનાં લગ્ન થશે ?
- ચાંદલો કરવો પડે, એવો કોઈ પ્રસંગ મને ગમતો નથી.
(
વિશાલ કુમાવત, નવસારી)

* અમદાવાદની ટ્રાફિક- સેન્સ ઉધારવા કોઈ ઉપાય ?
- નવી મુંબઈ કે નવી દિલ્હીની માફક 'નવું અમદાવાદ' આકાર લેશે.
(
તપન ખત્રી, અમદાવાદ )

* તમને જવાબો આપવાની શું ફીલિંગ થાય ?
- એ જ કે, આનો જવાબ શું આપવો !
(
રાકેશ રાઠોડ, કુકસવાડા, માળિયા- હાટિના)

* આજકાલ કેજરીવાલનું મોંઢું બંધ છે ને રાહુલબાબાનું ખૂલ્યું છે...
- કેજરી કરતાં રાહુલ વધુ સેન્સિબલ તો છે !
(
અમિત શર્મા, આણંદ)

No comments: