Search This Blog

23/02/2018

'ગોદાન'('૬૩)


ફિલ્મ : 'ગોદાન'('૬૩)
નિર્માતા-દિગ્દર્શક    : ત્રિલોક જેટલી
સંગીત  :  પંડિત રવિશંકર
ગીતકાર  :  અંજાન
રનિંગ ટાઈમ  :  ૧૫-રીલ્સ : ૧૧૦ મિનિટ્સ
કલાકારો : રાજકુમાર, કામિની કૌશલ, મેહમુદ, શુભા ખોટે, શશિકલા, ત્રિલોક જેટલી, બિપીન ગુપ્તા, મદન પુરી, રવિકાંત, ટુનટુન, રામમોહન, નંદકિશોર, રાધેશ્યામ, એસ.એન.બૅનર્જી, મનોહર દીપક, બૈજનાથ, રાગિણી અને સ્ત્રીવેષમાં કૉમેડિયન પૉલસન.       

ગીતો
૧. જાને કાહે જીયા મોરા ડોલે રે...    લતા મંગેશકર-કોરસ
૨. ઓ બેદર્દી ક્યું તડપાયે જીયરા  ...    ગીતાદત્ત-મહેન્દ્ર કપૂર
૩. જનમ લિયો લલના કે ચાંદ મોરે અંગના...    આશા ભોંસલે-કોરસ
૪. હિયા જરત રહેત દિન રૈન,હો રામા...    મૂકેશ
૫. પિપરા કે પતવા સરીખ ડોલે મનવાં...    મુહમ્મદ રફી
૬. જોગીરા સરરર... હોલી ખેલત...  મુહમ્મદ રફી-કોરસ
૭. ચલી આજ ગોરી પિયા કી નગરીયા... લતા મંગેશકર
ગીત નં ૨ અને ૬ ડીવીડીમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે.

ભારતના સર્વોત્તમ પૈકીના લેખક મુન્શી પ્રેમચંદે ઠેઠ ઇ.સ. ૧૯૩૬-માં લખેલી આ વાર્તા 'ગોદાન'ને આજે પણ હિંદી ભાષાની સર્વકાલીન શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક ગણાય છે. ભારત દેશમાં ગાયને માતા કેમ કહેવાય છે, એ વિવાદનો નહિ, સમજનો વિષય છે.

વિશ્વની કોઈપણ જાતિ-પ્રજાતિ હોય, નાના ધાવણા બાળકથી જ ગાયના દૂધની ગરજ શરૂ થાય છે. ધર્મ કોઈપણ હો, ગાયના દૂધ વિના કોઇને ચાલ્યું નથી અને એમાં ય હિંદુ ધર્મમાં ગાયને દાનમાં આપવાથી મોટું પૂણ્ય મળે છે (ગૌ-દાન) એ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં લઇને મુન્શી પ્રેમચંદે આખા વિશ્વમાં લાડકી બની ગયેલી આ નવલકથા લખી હતી.

ગ્રામ્ય જીવનમાં ગાયનું કેવું મહત્ત્વ હતું, તે ફિલ્મના પ્રારંભમાં સમજાવતા એક દ્રષ્યમાં હીરો રાજકુમાર કહે છે, 'અરે... ગૌ સે તો દ્વાર કી શોભા હૈ...!... 'ગૃહસ્થ કે ઘર મેં એક ગાય ભી ન હો, વો કિતની લજ્જા કી બાત હૈ...'' (આ દ્રષ્યમાં રાજકુમાર સાથે વાતોએ ચડેલો વૃધ્ધ ગ્રામવાસી આ ફિલ્મનો નિર્માતા-દિગ્દર્શક ત્રિલોક જેટલી પોતે છે. '૬૩-માં ત્રિલોક જેટલીએ આ ફિલ્મ 'ગોદાન' બનાવી તે પછી ગુલઝારે ૨૦૦૪-માં 'તેહરીર, મુન્શી પ્રેમચંદ કી' નામની 'દૂરદર્શન' પર સુંદર શ્રેણી બનાવી હતી, જેમાં પંકજ કપૂર અને સુરેખા સિક્રી લીડ રોલમાં હતા.

રાજકુમારને 'વક્ત' કે 'હમરાઝ' જેવી ફિલ્મો બદલ ગ્રેટ ઍકટર કહેવાતો, પણ એ સારા ઍકટર તરીકે એની અગાઉની ફિલ્મો માટે એનું મૂલ્યાંકન બહુ સામાન્ય સ્તરનું થતું. કિશોર સાહૂની 'દિલ અપના ઔર પ્રિત પરાઈ' અને પછી 'દિલ એક મંદિર' પછી બૉસ ઉચકાયા. આ 'ગોદાન' '૬૩માં આવી તેની આસપાસ પણ એને કોઈ મહાન ઍકટર ગણવામાં આવતો નહતો - એ હોવા છતા ! જેમ કે, આ ફિલ્મની જરૂરિયાત મુજબ રાજકુમાર અત્યંત ભાવવાહી અવાજે પોતાની ગરીબી અને લાચારી જે કરૂણાથી વ્યક્ત કરે છે, એમાં તગડા અભિનયની જરૂર પડે અને એ જરૂરત બેશક પૂરી કરે છે.

હીરોઇન કે એકટ્રેસ તરીકે મને ભાગ્યે જ ગમેલી કામિની કૌશલ પણ અહીં એની કરિયરનો ઉત્તમ અભિનય કરી ગઈ છે. એની પ્રત્યેક ફ્રેમમાં એને દુ:ખ, ભૂખ, મજબુરી અને ગુસ્સાના હાવભાવ અને સંવાદો લાવવાના છે, એ કામ એણે બખૂબી નિભાવ્યું છે. કામિની તો ગરીબીનો ય પ્રભાવ મજબુતાઈથી પાડી શકે છે - સ્વમાન જાળવીને !

મેહમુદનો અહીં એક ખૂબ પ્રતિભાશાળી ઍકટર તરીકે ઉપયોગ થયો છે. શુભા ખોટે સાથે એની કેટલી ફિલ્મો આવી, તેનો તો આંકડો ય આપણી પાસે નથી. મોટા ભાગે તો સાથે ધૂમાલ પણ રહેતો.

ગાય ખરીદવામાં રાજકુમારે કોઈ મોટાનું કરી નાંખ્યું લાગે છે, એવી ખાટલામાં સુતા સુતા ચુગલીઓ કરનારા બન્ને એકટરોમાં ફાળીયાવાળો મહેન્દ્ર (જે રાજકુમારના ઘેર ગાય ચોરવા આવે છે અને એનો સગો ભાઈ બને છે) અને બીજો રામમોહન છે (આ રામમોહન પર 'ધન્નો કી આંખો મેં, બસ રાત કા સુરમા...' ગીત ફિલ્માયું હતું.) રાજકુમારના ઝૂંપડામાં નવી ગાય આવવાનો હરખ કરવા આવેલો મહારાજ રાધેશ્યામ છે ('જ્હોની મેરા નામ'માં 'ગોવિંદબોલો હરિ ગોપાલ બોલો...' ગીતનો પૂજારી.) દરોગા (ગામો પોલીસ મુખીયા) ગોળમટોળ સોહામણો એસ.એન.બેનર્જી છે.

શશિકલા, મદન પુરી અને બિપીન ગુપ્તા સાથે ડિનર-ટૅબલ પર મોડો જોડાનાર રવિકાંત છે, જે ફિલ્મ 'જાનવર'માં પાગલ રાજીન્દરનાથથી બચવા પોતાની વાઈફના ગાલ પર ટપાલ-ટિકીટ ચોડી દે છે. અલબત્ત, ફિલ્મમાં આ આખું દ્રષ્ય કે પ્રસંગ અપ્રસ્તુત લાગે છે... ફિલ્મની વાર્તા સાથે કોઈ મેળ પડતો નથી. મારી ધારણા ખોટી હોઈ શકે છે કે, શશિકલાને ચાહનારો શિક્ષિત ઝીણી આંખવાળો પ્રોફેસર બૈજનાથ છે. ફિલ્મમાં આ ટૉળકીનું કોઈ મહત્ત્વ છતું થતું નથી.

વાર્તા આ પ્રકારની છે :
હોરી (રાજકુમાર તેની પત્ની ધનિયા (કામિની કૌશલ) એક પુત્ર ગોબર (મેહમુદ) અને એક પુત્રી સાથે અત્યંત નીચલા સ્તરની ગરીબીમાં રહે છે. દેવું વધી જતા ગામના પંચો એની પાસેથી ખેતખલીયાન ઉપરાંત હોરીને જીવથી ય વધુ વહાલી ગાય પણ આપી દેવા ફરમાન કરે છે.

બીજી બાજુ, ગામમાં રખડપટ્ટી કરતો પુત્ર ગોબર (મેહમુદ) રાજકુમારના કરજદાર ભોલા (ત્રિલોક જેટલી)ની પુત્રી શુભા ખોટે સાથે પ્રેમ કરી, એને સગર્ભા બનાવી લખનૌ જતો રહે છે. ગામમાં ઉહાપોહ મોટો થાય છે પણ રાજ-કામિની શુભાને રાખે છે, એમાં ગામવાળા વધુ બગડે છે. આની પાઈપાઈ છીનવી લઇ ખેતરમાં મજૂરી કરતો કરી મૂકે છે ને એમાં એ ગૂજરી જાય છે.

મેં મુન્શી પ્રેમચંદની અસલ નવલકથા તો નથી વાંચી, પણ જગતના કોઈ સાહિત્ય પરથી ફિલ્મ બને એટલે વંટોળ શરૂ થઇ જવાનો કે નોવેલ વધુ સારી હતી કે ફિલ્મ ! ઉત્સાહઘેલાઓ એ ન સમજી શકે કે, ૩૦૦ કે ૮૦૦ પાનાની નોવેલ પરથી ફિલ્મ બનાવવાની હોય તો એમાંનું બધું તો ન લઇ શકાય ! જવાબ એ આવવો જોઇએ કે, તમને સારું લાગે, એ માધ્યમ સફળ !

પણ અહીં તો એકલા મુન્શી પ્રેમચંદની વાતો નથી કરવાની ! સદાબહાર સંગીતકાર પંડિત રવિશંકરનો ય આ ફિલ્મમાં મોટો ફાળો છે. ગીતો તો અપેક્ષા મુજબ તમામ કર્ણપ્રિય છે પણ એમની પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ પણ પૂરી થાય છે.

પંડિત રવિશંકર જેવા સંગીતસમ્રાટે એમના પ્રિય ગીતકાર શૈલેન્દ્રને બદલે અન્જાનને 'ગોદાન' માટે ખાસ પસંદ કર્યા, તેનું મોટું કારણ અંજાનનું વારાણસીનું બૅકગ્રાઉન્ડ હતું. ઉત્તર પ્રદેશની મીઠી બોલીઓ ભોજપુરી, મૈથિલી, અવધી, ખડી બોલી, હરિયાણવી, બુંદેલી, બાધેલી, કનૌજી કે છત્તીસગઢી ઉપર એમના સ્વાભાવિક પ્રભુત્વ માટે હતું. મુહમ્મદ રફીના નજીકના ચાહકોએ એમનું ગૈરફિલમી ગીત 'મૈં કબ ગાતા મેરે સ્વર મેં, પ્યાર કિસી કા ગાતા હૈ... (સંગીત : શ્યામ સાગર) પણ અંજાને લખેલું. ગીતકાર અંજાન બ્રાહ્મણ હતા-સાચું નામ, લાલજી પાંડે, અમિતાભ બચ્ચન એમનો ખૂબ આદર કરે છે.

બચ્ચનની ફિલ્મ 'દો અન્જાને'માં ગીતો લખવાની શરૂઆત કરી, એ પછી બચ્ચનબાબુને એમનું કામ ગમી ગયું અને બચ્ચનની હેરાફેરી, ખૂન પસિના, મુકદ્દર કા સિકંદર, ડોન (ખઇ કે પાન બનારસવાલા...) અન્જાનનું જ. લાવારિસ, દો ઔર દો પાંચ, નમકહલાલ, શરાબી, મહાન અને જાદુગરમાં અન્જાનના ગીતો હતા. '૮૦ના દાયકા પછી એમનો દીકરો સમિર પણ સફળ ગીતકાર બન્યો.

ફિલ્મમાં સંગીત 'ભારત રત્ન' પંડિત રવિશંકરે (અસલ નામ 'રવિશંકર ચૌધરી' જન્મે બંગાળી) આપ્યું છે, એ આપણા બધાનું સદભાગ્ય છે. એમણે માંડ ૪-૫ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ એ બધું પેલું ઇંગ્લિશમાં શું કહે છે, CONNOISSEUR (કૉનોશ્યોર... એટલે કે આર્ટના કોઈ એક ક્ષેત્રનો નિપુણ જાણકાર) લૅવલના સંગીતચાહકને જ નહિ, સામાન્ય રસિકજનને પણ બહેકાવી મૂકે એવું મધુરૂં હતું. બહુ ઓછી હિંદી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું, પણ સૌથી વધુ લોકભોગ્ય બન્યું (થૅન્કસ ટુ લતા મંગેશકર) ફિલ્મ 'અનુરાધા'નું સંગીત.

એની જેમ આ ફિલ્મમાં લતાનું એક ગીત કમનસીબે લોકો સુધી બહુ પહોંચ્યું નહિ, 'જાને કાહે જીયા મોરા ડોલે રે...' તમે લતાના ડાય-હાર્ડ ફૅન હો, છતાંઆ ગીત સાંભળવામાં ન આવ્યું હોય તો ચોક્કસ સાંભળજો. લતા કેવી મહાન ગાયિકા છે, એની ફરી એક વાર સાબિતી મળશે. રવિશંકરે કમાલ એ કરાવી છે કે, પૂરા ગીતમાં સૂર અને લય ઘણી કઠિન ઊંચાઈઓમાંથી પસાર થાય છે અને માની જ જવુંપડે કે, લતા સિવાય કોઇનોક્લાસ નથી આવું અઘરૂં ગીત આટલી સહેલાઈથી ગાઈ બતાવવું.

બીજી બાજુ, મૂકેશ શાસ્ત્રોક્ત રીતે સિધ્ધહસ્ત ગાયક નહોતો મનાતો અને ભોળીયો પોતાને પણ ઘણો સામાન્ય ગાયક માનતો. એને શાસ્ત્રીય સંગીતનું સ્વર પકડવા સુધીનું જ જ્ઞાાન હતું, રાગદારી કે તાલદારીમાં એને સમજ ન પડે, પણ ગીત ગાવામાં શાસ્ત્રીય જ્ઞાાન જ જરૂરી હોત તો પંડિત રવિશંકર જેવા સંગીતકાર એને લે ખરા ? ને એમાં ય, આ ફિલ્મમાં તો મૂકેશે પોતે ઘણી કમાલ બતાવી છે, 'હિયા જરત રહેત દિન રૈન, ઓ રામા...' કરૂણા મૂકેશને સ્વાભાવિક સ્વરૂપે સિધ્ધ હતી, એ તો આ ગીત જેણે સાંભળ્યું હશે, એ મારી પહેલા કબુલ કરી લેશે. આ ગીતમાં રવિશંકરે સિતાર અને વાંસળીનો જ ઉપયોગ કરીને ગીતને સરળ છતાં અસરકારક ધૂન બનાવી છે.

ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ પંડિતજીએ સિતાર અને વાંસળીનો ઉપયોગ મહત્તમ કર્યો છે. શાસ્ત્રીય સંગીતના એવા જ આદરણીય ગુરૂસમાન સંગીતકાર જયદેવે પણ 'કિનારે કિનારે'માં મૂકેશ પાસે કેવું દર્દીલું ગીત ગવડાવ્યું હતું,'જબ ગમે ઈશ્ક સતાતા હૈ તો હંસ લેતા હૂં...'!

પણ શહેનશાહોના શહેનશાહ, સમ્રાટોના સમ્રાટ અને રાજાઓના રાજા મુહમ્મદ રફી સાહેબની સવારી આવે, એટલે ભલભલા સુબા-સુલતાનો દરબારી બની જાય ! અહીં લોકબોલીમાં પંડિતજીએ એમની પાસે ગીતો તો બે જ ગવડાવ્યા છે, 'પિપરા કે પતવા સરીખે ડોલે મનવા...' અને 'હોલી ખેલત નંદલાલ બિરજ મેં...'પણ રફીની માતૃભાષા ભોજપુરી હોય, એટલી સ્વાભાવિકતાથી આ ગીતો ગાયા છે.

બન્ને ગીતો મેહમુદ પર ફિલ્માયા છે. 'પિપરા કે પતવા સરીખે ડોલે મનવા...' અર્થાત્, પિપળાનું પાંદડું જેવી રીતે સટકમટક થતુંહોય એવું મનડું ડોલે છે... કેમ કે...'પૂરવા કે ઝોંકવા મેં આયો રે સંદેસો આજ ચલ આજ દેસવા કી ઓર...' મતલબ, પૂર્વ દિશામાંથી આવતા પવને સંદેશો આપ્યો છે કે, હવે દેશ (પોતાના ગામ તરફ) જવા નીકળી પડ... (કારણ કે, ત્યાં કોક રાહ જોનારી બેઠી છે.)

પંડિતજીની અન્ય ફિલ્મોમાં ચેતન આનંદની નીચાનગર, ગુલઝારની મીરાં, ધરતી કે લાલ, કાબુલીવાલા (બંગાળી) અને છેલ્લે સર રિચર્ડ ઍટનબરોની ગાંધી, અમેરિકાના કૅલિફોર્નિયાના મોન્ટેરી ખાતે ૧૯૬૭માં યોજાયેલી પૉપ-કોન્સર્ટમાં પંડિતજીની સિતાર સાથે ઉસ્તાદ અલ્લારખા (ઉ.ઝાકીર હૂસેનનાપિતા) ૯૦ હજાર પ્રેક્ષકો આવ્યા હતા.

ઉપર લખ્યા મુજબના તમે કૉનોશ્યોર હો, તો ફિલ્મ જોવા જેવી જરૂર છે.

No comments: