Search This Blog

09/02/2018

'મિસ્ટર સંપત' ('૫૨)

ફિલ્મ    :    'મિસ્ટર સંપત' ('૫૨)
નિર્માતા    :    જેમિની સ્ટુડિયો - મદ્રાસ
દિગ્દર્શક    :    એસ. એસ. વાસન
વાર્તા    :    આર. કે. નારાયણ
સંગીત    :    શંકર શાસ્ત્રી- બાલકૃષ્ણ કલ્લા
ગીતકાર    :    પં. ઇન્દ્રદેવ- જમુનાસ્વરૂપ કશ્યપ
રનિંગ ટાઇમ    :    ૧૭ રીલ્સ
કલાકારો    :    મોતીલાલ, પદ્મિની, આગા, કન્હૈયાલાલ, સ્વરાજ, બદ્રીપ્રસાદ અને સુંદરીબાઈ

ગીતો
૧.    ચલો પનિયા ભરન કો    ગીતા દત્ત- જીક્કી
૨.    માલનીયા જગહ નાંહિ    ગીતા દત્ત- શ્રીનિવાસ
૩.    અચ્છે દિન આ રહે હૈ    શમશાદ બેગમ- વસંતકુમારી
૪.    આઓ આઓ કહાની સુનો    ગીતા દત્ત- જીક્કી
૫.    લૌ મૈં આઇ સુંઇયા,  ?
૬.    દેવેન્દ્ર કી જય,     તલત- શમશાદ
૭.    ઔ બેરાગી બનવાસી    ગીતા દત્ત
૮.    અજી હમ ભારત કી નારી    ગીતા દત્ત- શ્રીનિવાસ
૯.    ખબરદાર હોંશિયાર,     ?
૧૦    હિંદુસ્તાન મહાન, હમારા    ગીતા દત્ત- શ્રીનિવાસ
૧૧    ક્યું જનમ દિયા    તલત મેહમૂદ- શમશાદ બેગમ
૧૨    લો બરી જીપ્સી    શમશાદ બેગમ- શ્રીનિવાસ

આ કૉલમ લખનારની અને વાંચનારની ય કમનસીબી કે 'મોતીલાલ' કઈ ફિલ્મી હસ્તિનું નામ હતું, એ અડધાથી વધારે વાચકોને ખબર પણ ન હોય ! હજી અશોકકુમાર કે મીના કુમારીની ઓળખાણ આપવી પડે, એટલે સુધી ખરાબ દિવસો નથી આવ્યા, પણ વાચકોના બચાવમાં કહી શકાય કે, આટલો ગ્રેટ 'એક્ટર' (હીરો નહિ!) હોવા છતાં બહુ ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું. હજી હમણાં જ ફિલ્મ 'પરખ' વખતે આ મોતીલાલ રાજવંશ વિશે ડિટેઇલમાં લખ્યું હતું.

અફ કૉર્સ, એ સમયની ફિલ્મોના જાણતલ જોશીડાઓ માટે તો મોતીલાલ એટલે પ્રણામયોગ્ય નામ અને છતાં ય, બહુ ફિલ્મો જોઈ ન હોય એમને માટે રાજ કપૂરની 'અનાડી'માં એ નૂતન 'ચાચાજી' બને છે અને લીલા નાયડૂ-સુનિલ દત્તવાળી ફિલ્મ 'યે રાસ્તે હૈ પ્યાર કે'માં પ્રોસીક્યૂટર અલી ખાન તરીકે દાદામોનીને કૉર્ટમાં મસ્તમજાની ટક્કર આ મોતીલાલ આપે છે. યાદ રહ્યું હોય તો એવા જ રોલમાં ફિલ્મ 'વક્ત'માં મોતીલાલ અદાલતમાં સુનિલ દત્તને હંફાવે છે.

આ મોતીલાલ પહેલા ફિલ્મ ઍક્ટર હતા જેમની માલિકીનું પોતાનું વિમાન હતું. ખૂબ પૈસા કમાયા અને રેસકૉર્સમાં અઢળક પૈસા ગૂમાવ્યા પછી આ જ મોતીલાલને ખાવા (પીવાની ખબર નથી !)ના સાંસા પડી ગયા. 'જીંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં ઝૂઠ ક્યા...' પીધેલી હાલતમાં ફિલ્મ 'જાગતે રહો'માં એમણે મૂકેશના કંઠમાં ગાયું હતું.

મૂકેશ એમનો નજીકનો ભત્રીજો કે ભાણો હતો. કરૂણતા એ હતી કે, મોતીલાલની આખરી ફિલ્મ 'છોટી છોટી બાતેં' ઘણા બધા માટે કરૂણ બની ગઈ. મૂકેશે આ ફિલ્મ માટે ગાયેલું 'જીંદગી ખ્વાબ હૈ, થા હમેં ભી પત્તા, પર હમેં ઝીંદગી સે બહોત પ્યાર થા...' મૂકેશની જેમ આ લખનાર ગીતકાર શૈલેન્દ્ર માટે ય ગીતના શબ્દોની માફક વધુ પડતું વજનદાર નીકળ્યું અને મોતીલાલ, મૂકેશ અને શૈલેન્દ્ર- ત્રણે માટે આ ગીત આજે પણ પ્રસ્તુત લાગે છે.

ક્વોલિટીમાં આ તગડી ફિલ્મ કરિયરમાં મોતીલાલ માટે આજની આ ફિલ્મ 'મિસ્ટર સંપત' એક લૅન્ડમાર્ક ફિલ્મ હતી. એમનું નામ ઉજળું આ ફિલ્મથી થયું. રાજ કપૂરના 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ'વાળી પદ્મિનીની પણ હિંદીમાં આ બીજી ફિલ્મ હતી. પહેલી ઉદયશંકરની (અશોકકુમાર નિર્મિત) ફિલ્મ 'કલ્પના' હતી. આ ફિલ્મ 'મિ. સંપત્ત' ચાલી નહિ, એટલે સુધી કે એ જમાનામાં એ આવીને જતી રહી, તો ય પબ્લિકે કોઈ નોંધ ન લીધી. નહિ તો ઉત્તમ ફિલ્મોમાં સ્થાન મળે, એવી હળવીફૂલ કૉમેડી હતી.

દેવઆનંદની ફિલ્મ 'ગાઇડ' જેમણે લખી હતી. તે આર.કે. નારાયણની ખૂબસુરત વાર્તા પરથી આ ફિલ્મ બની હતી. આ આર. કે. એટલે જેને તમે બહુ હૃદયપૂર્વક ચાહો છો, તે ભારતના લૅજન્ડરી કાર્ટુનિસ્ટ 'ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના પહેલા પાને દાયકાઓથી વર્લ્ડ-ફેમસ રહેલી કૉમનમેનવાળી 'યૂ સૅઇડ ઇટ'ના કાર્ટુનિસ્ટ સ્વ. આર.કે. લક્ષ્મણના મોટા ભાઈ થાય.

વાર્તાને મજાની એટલે કીધી કે, આ ફિલ્મ મિ. સંપત્ત બની/ લખાઈ તો હતી ૧૯૫૨-માં, પણ તે સમયનું હ્યૂમર કેવું તગડું હતું કે, આજે પણ એના કટાક્ષો પ્રસ્તુત લાગે છે. આજે ઇ.સ. ૨૦૧૮-માં ય રસ્તા ઉપર મરવા પડેલા કોઈ ઇજાગ્રસ્તને સાઇડમાં પણ ખસેડવાની કોઈ જરૂરત સમજતું નથી, ત્યારે આર. કે. એ કેવા ધારદાર કટાક્ષો સાથે ફૂટપાથ પર મરવા પડેલા ગરીબને જોઈને ત્યાંથી પસાર થતા લોકો પોતપોતાના સ્વાર્થ મુજબ કેવા  હાસ્યાસ્પદ નિરીક્ષણો કરે છે, તે આજે ય હસાવી જાય છે.

યાદ હોય તો ટી.વી. પર આર. કે. લક્ષ્મણના અદ્ભુત કાર્ટુનવાળી એમના મોટાભાઈએ લખેલી 'માલગુડી ડૅયઝ' જામી હતી. આ ફિલ્મની વાર્તા પણ એનો જ એક હિસ્સો છે, The Printer Of Malgudi નામની વાર્તા પરથી લેવાઈ છે. એ જમાનાના કટાક્ષો આજે પણ કેટલા સચોટ લાગે છે, એ ખૂબી લેખકની છે પણ એ 'કરૂબાજ' (ઇંગ્લિશમાં 'કૉનમેન')ની ભૂમિકા મોતીલાલે એ ઉંચાઈથી ભજવી છે કે, ભલે એ ગામ આખાનું કરી નાંખતો, પણ માણસ છે વહાલો, એવી ફીલિંગ્સ આપણને થાય. એ મોતીલાલની જેમ જૅમિનીના સર્વેસર્વા (દિગ્દર્શક) એસ. એસ. વાસનની પણ ખરી કે જેમિનીએ બનાવેલી મોટા ભાગની ફિલ્મો સફળ હતી, પણ આ પિટાઈ ગઈ.

નહિ તો 'ચંદ્રલેખા' ('૪૮), અને 'નિશાન' ('૪૯) પછી આ તો હજી ત્રીજી જ ફિલ્મ હતી, પણ વાસનના દિગ્દર્શનનું વધુ પડતું નાટકીયપણું કદાચ દર્શકોએ પકડી પાડયું હશે. કન્હૈયાલાલ, આગા કે બદ્રીપ્રસાદ જેવા મજેલા કલાકારોને બાદ કરતા (ઇવન... ફિલ્મના સો-કૉલ્ડ હીરો 'સ્વરાજ') બધા કલાકારો બહુ નાટકીયા લાગે છે. સ્થૂળ તો સ્થૂળ... કોમેડિયન આગા જેટલી વાર પરદા ઉપર આવે છે, એટલી વાર મજો કરાવી જાય છે.

માનનારાઓ આજે ય  માને છે કે, 'મધર ઇન્ડિયા'માં સુખીલાલ બનનાર કન્હૈયાલાલની બરોબરીનો ચરિત્ર અભિનેતા ઇવન આજ સુધી પેદા થયો નથી. આ ફિલ્મમાં એ ત્રીજા નંબરનો સૌથી મહત્ત્વનો રોલ 'મખ્ખનલાલ ઘીવાલા'નો પૂરી સ્વાભાવિકતાથી કર્યો છે. ઠેઠ ઇ.સ. ૧૯૧૦માં જન્મેલા (મૃત્યુ તા. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૨) કન્હૈયાલાલ ચતુર્વેદી મૂળ બનારસના ચૌબેજી હતા. 'મધર ઇન્ડિયા, ગોપી, ઉપકાર અને ધરતી કહે પુકાર કે અને ગંગા જમનાના, તમામ કિરદારો માટે કન્હૈયાલાલ બેમિસાલ હતા.

આપણે બધા તો પ્રેક્ષકો કહેવાઈએ, પણ મહાન સર્જક મહેબૂબખાને ૧૯૪૦-માં ફિલ્મ 'ઔરત' બનાવી, તેમાં સુખીલાલનો કિરદાર એમણે એટલો બખૂબી નિભાવ્યો કે ૧૭- વર્ષ પછી મેહબૂબ ખાને એ જ ફિલ્મ 'મઘર ઇન્ડિયા' બનાવી, ત્યારે સુખીલાલનો રોલ કન્હૈયાલાલને જ આપ્યો. આપણને બધાને યાદ છે, પોતાની વહાલી 'રાધારાની' (નરગીસ)ને પોતાની બનાવવા માટે સુખીલાલ કેટલી અધમ કક્ષાએ જાય છે કે, ફિલ્મના પરદા ઉપર જઈને સુખીલાલનું માથુ ભાંગી નાખવાના ઝનૂનો ઉપડે !

કન્હૈયાલાલ એક જ એવો એક્ટર છે જે પહેલી ફિલ્મ 'ઔરત'નો એ જ રોલ 'મધર ઇન્ડિયા'માં મેળવ્યો છે અને એક જ ઍક્ટરને બે ફિલ્મોમાં આવો રીપિટ રોલ મળ્યો હોય, એવો હિંદી ફિલ્મોનો આ એકમાત્ર દાખલો છે. (કદાચ જીલ્લોબાઈને પણ આ બહુમાન મળ્યું હતું...'મુગલ-એ-આઝમ'માં અનારકલીની બેસહારા મા બનનાર જીલ્લોબાઈ 'મધર ઇન્ડિયા'માં રાજકુમારની મા બને છે.)

પદ્મિની સ્ટેજ-ઍક્ટ્રેસ માલિની તરીકે એ જમાનામાં ય 'બકસમ-બ્યુટી' લાગતી હતી. ફિલ્મ 'જીસ દેશ મેં...'માં તોફાની સુંદરતા સાથે પ્રેક્ષકોને ગમી જાય એવો રોલ કરનાર પદ્મિનીને રાજ કપૂરે 'મેરા નામ જોકર'માં પણ બોલાવી હતી.... ખાસ તો એની ભરાવદાર છાતીનો કૅમેરામાં લલચામણો ઉપયોગ કરવા માટે.

રાજ કપૂરે દર્શકોને ખૂબ રમાડયા હતા. સાઉથમાં એનું બહુ મોટું નામ હતું. હિંદીમાં થોડીઘણી ફિલ્મો કર્યા પછી એ અમેરિકા સ્થાયી થઈ ગઈ, પણ વતનપ્રેમ એને પાછુ ઇન્ડિયા લઈ આવ્યો. મૂળ કેરાલાની પદ્મિની ભરતનાટયમ અને પછી તો નૃત્યોના તમામ પ્રકારોમાં એની નિપૂણતાને કારણે ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની જ કક્ષાની ઉત્તમ નૃત્યાંગના વૈજ્યંતિમાલા સાથે ધંધાદારી હરિફાઈને કારણે બન્ને એકબીજાની દુશ્મન બની ગઈ. એમાં'ય રાજ કપૂર તો બન્ને માટે અંગત જીવનમાં પણ આરાધ્ય દેવ હતો, એટલે દુશ્મની વધી.

અમેરિકા સ્થિત ડો. રામચંદ્રન સાથે લગ્ન કર્યા પછી ન્યુ જર્સી - અમેરિકામાં પોતાના નામે ડાન્સ- સ્કૂલ સ્થાપી. એની બન્ને બહેનો રાગિણી અને લલિતા પણ નિપુણ નૃત્યાંગનાઓ અને ઍક્ટ્રેસો હતી.

એ પોતે તો કેરલાઇટ હતી, પણ તમિલનાડુના એ વખતના મુખ્યમંત્રી કરૂણાનિધિ સાથેની એક મીટિંગ દરમ્યાન જ એને હાર્ટ-એટેક આવ્યો અને બીજે દિવસે ગુજરી ગઈ. એકલા શિવાજી ગણેશન (સાઉથ) સાથે પદ્મિનીએ ૫૯ ફિલ્મો કરી હતી.

ફિલ્મનું સૌથી વિરાટ નિષ્ફળ પાસું એનું સંગીત હતું. એસ. શંકર શાસ્ત્રી અને બાલકૃષ્ણ કલ્લા નામની જોડીએ સાઉથમાં ભલે નામ કમાયું હશે, પણ જે બે-ત્રણ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું, તેમાનું એક પણ ગીત રેડિયો સુધી ન પહોંચ્યું, ને એમાં ય આ ફિલ્મમાં તો ૧૨ ગીતો હતા... બારે બાર ગીતો ફાલતુ હતા, એવું ય કહેવાય એમ નથી કારણ કે સંગીતના ધોરણથી લગભગ બધા ગીતો શ્રવણીય તો હતા, પણ લોકોએ શ્રવણ કરી ન શક્યા,નહિ તો એ જમાનામાં લતા મંગેશકરની બરોબરીએ ચાલી રહેલી.. આઇ મીન, ગાઇ રહેલી ગીતા રૉય (દત્ત)ના આ ફિલ્મમાં ૬- ૭ ગીતો હતા. ફિલ્મ જોતી વખતે સાંભળો તો તલત મેહમુદના અવાજથી તાબડતોબ પ્રેમમાં પડી જવાય, એવું મધુરું ગાયું છે. જૂના ફિલ્મી ગીતોના અનેક ચાહકો આજે ય માને છે કે, તલત મેહમુદ જેવી મીઠાશ ભાગ્યે જ કોઈ પ્લેબૅક સિંગરના ગળામાં હતી.

તલતની જેમ શમશાદ બેગમનો પણ એ જ પ્રશ્ન થયો કે, ફિલ્મ સંગીત ઉપર બન્નેનો દબદબો હતો, પણ દેખાવમાં હેન્ડસમ હોવાને કારણે એ હીરો પણ બન્યો, એમાં ગાયકી છીનવાઈ ગઈ. શમશાદ તો કેવી મીઠડી હતી, પણ એક વાર લતા મંગેશકરનું આગમન થયું, એમાં શમશાદ તો શું, સુરૈયા કે ગીતા દત્ત બધાએ લતા માટે જગ્યા કરી આપવી પડી.

મદન મોહનનું ફિલ્મ 'મેરા સાયા'માં આશા ભોંસલેએ ગાયેલું તોફાની ગીત 'ઝુમકા ગીરા રે, બરૈલી કે બાઝાર મૈં'... નું કેવળ મુખડું અહીં એક હાથરીક્ષાવાળો ગુનગુનાવે છે. માત્ર શબ્દો જ નહિ, તરજ પણ એ જ છે.

No comments: