Search This Blog

08/02/2018

પૉપકૉર્નને સિનેમા સાથે શું સંબંધ ?


છેલ્લા કેટલાક સમયથી અમને પોતાનું પેટ પકડીને ધાંયધાંય હસવું આવ્યું હોય તો કોઇ મશ્કરાએ સુંદર મઝાની હ્યૂમર કરી હતી, એનું ! અમદાવાદમાં ફિલ્મ 'પદ્માવત'ની રીલિઝ પહેલા નાનકડા તોફાનો ફાટી નીકળ્યા હતા અને તોફાનીઓએ કેટલાક સિનેમા હાઉસમાં આગજની અને તોડફોડ કરી હતી. એ જોઇને પેલાએ લખ્યું હતું, ''ભાઇ કર્ણીસેનાવાળા ભાઇઓ, તમારા કામમાં તમને સફળતા ઈચ્છું છું.... પણ સિનેમાઓમાં તોડફોડ કરવા જાઓ છો, તો બસ્સો-બસ્સો રૂપીયામાં પૉપકૉર્ન વેચીને ઉઘાડી લૂંટ ચલાવતા થીયેટરના પૉપકૉર્નવાળાઓને પણ જરા ઠમઠોરતા આવજો...'

બીજા એકે તો ખડખડાટ હસાવનારૂં વન-લાઇનર લખ્યું હતું, ''કર્ણીસેનાવાળા ભાઈઓ, મારી પત્ની આજે ફિલ્મ 'પદ્માવત' જોવા ગઇ છે...''

ફિલ્મ જોવા જનારાઓ સિનેમાના પૉપકૉર્ન-પાર્લરો ઉપર કેટલી હદે ગુસ્સે થયા હશે, તેનો આ દાખલો. કૉસ્ટ ગણવા જાઓ, તો પૉપકૉર્ન માંડ આઠ-દસ રૂપીયાની પડે, એના એ લોકો સીધા બસ્સો-બસ્સો રૂપીયા ઠોકી લેતા શરમાતા નથી. (આ દ્રષ્ટિએ તો એ લોકો કેવા દયાળુ કહેવાય કે, પેટે પાટા બાંધીને ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ભાંગે છે.... સારી ભાષામાં કહેવું હોય તો ભૂખાવડાઓને વઘારેલી ધાણીઓ ખવડાઇ-ખવડાઇને બે પૈસા કમાય છે !) આમાં જે મલ્ટી-પ્લેક્સના માલિકો આવા પાર્લરો રાખવા માટે જંગી રકમ માંગે છે, જેનો બદલો પાર્લરવાળા આપણને નવડાવીને લે છે.

પણ કોઇ બોલનાર નથી અને રાજ્યના મંત્રીઓ સાથે મેળાપિપળી.... પછી 'કૌન માઇ કા લાલ તુમ્હેં પિટને આ સકતા હૈ ?' લોકોની લાચારી અને બેવકૂફીનો કેવો મિસયૂઝ...? પપ્પાના પૈસે ગર્લ-ફ્રેન્ડ્ઝ અને યારદોસ્તોને લઇને ફિલ્મ જોવા આવનારી યંગ-જનરેશનને પૈસાની કોઇ ફિકર નથી, એનો આ લોકો કેવો બદતમીઝ ફાયદો ઉઠાવે છે ! પૉપકૉર્નના એક બૉક્સના બસ્સો રૂપીયા અને કોકા કોલા અને સમોસા લો તો ચાર્જ ફાઈવ-સ્ટાર રેસ્ટરાં જેટલો ! આ જ કારણે આ લેખની શરૂઆતમાં લખેલા વન-લાઇનર ઉપર અમને ધાંયધાંય હસવું આવ્યું હતું....

અમેરિકાના મૅનહટનના ઍમ્પાયર સ્ટેટ બીલ્ડિંગ પાસે આવેલા લિન્કન-સ્ક્વૅર થીયેટરમાં અમે લિયામ નીસનની ફિલ્મ A Million Ways to Die in the West જોવા ગયા, ત્યાં થીયેટરોમાં પૉપકૉર્ન ડૉલ ભરીને અપાય છે અને એક વાર પૈસા ખર્ચી દીધા પછી જેટલી વાર ડોલ ભરાવવી હોય, ભરાવ શકો... બીજી કે છઠ્ઠી વારના પૈસા નહિ આપવાના. કોકા-કોલા પણ સાથે આવે.

કાળીયાઓ ચોથો-પાંચમો રાઉન્ડ મારવા જાય તો પણ લોકો મોંઢું ન બગાડે.... અમને તો એવી લાલચે ય હતી કે એક પૉપકૉર્નની સાથે કોકા કોલા વગેરે આપે છે, તો વળતા ટૅક્સીમાં આપણી હોટલ પર મૂકવા ય આવશે ! પણ કહે છે કે, એવી સગવડ જોઇતી હોય તો ભવિષ્યમાં અમદાવાદના મલ્ટીપ્લેક્સવાળાઓ જ આપી શકશે... એકાદી નવી હૉન્ડા-સિટી કે હ્યૂન્ડાઇ જેટલા મામૂલી ખર્ચામાં શો છુટયા પછી એ લોકો ઘર સુધી ય મૂકવા આવશે.

પણ આ બધા પછી સવાલ એ પેદા થાય કે, છોકરાઓ પૉપ-કૉર્ન સિનેમામાં જ કેમ ખાય છે ? મૅરેજ-રીસેપ્શન કે કૉલેજ-કૅમ્પસની ચાની કિટલી ઉપર કેમ કોઇ પૉપ-કૉર્ન ખાતું નથી ? સિનેમા જોવા કોઇ મસાલા-ઢોંસા, સેવ-પાપડી કે ચણીબોર લઇને જતું નથી !

અમારા વખતમાં પૉપકૉર્ન નહોતા, ખારી સિંગ હતી અને ખાસ તો ઈન્ટરવલમાં પ્રેક્ષકો પોતાના નાના નાના અરમાનો પૂરા કરવા બે ઘડી વૉશરૂમ જાય ને પછી બહાર લારીવાળા પાસેથી ખારી સિંગ લેતા આવે.... એ પણ ઇન્ટરવલ પછીના એક-બે ગીતો સુધી ચાલે. એ જમાનામાં ય આજની જેમ સિંગ ખાઇ લીધા પછી ખાલી પડીકું સિનેમામાં ગમે ત્યાં નાંખી શકો.

આજની જેમ સીટ ઉપર જ પૉપકૉર્નનું બૉક્સ મૂકવા સીટના હાથા ઉપર થીયેટર તરફથી તદ્દન ફ્રી ખાડો આપતા હોય છે, એવી સગવડ અમારા જમાનામાં નહિ હોવાથી ખારી સીંગના ફોતરાં કે પડીકા બાજુની સીટમાં બેઠેલાના ખિસ્સા સિવાય ગમે ત્યાં નાંખી શકતા.... ખરી આઝાદી તો એ હતી, મિત્રો !

ખારી સિંગનો જમાનો લાંબો ચાલ્યો નહિ.... અણધાર્યા આવતા કેટલાક અવાજોને કન્ટ્રોલ કરવા મુશ્કેલ હોય છે. બધા પેટબળ્યાઓ તો સિનેમા છૂટયા સુધી ખારી કે મોળી સિંગ પચાવી શકે નહિ ને ?

સવાલ હજી એ જ છે કે, પૉપકૉર્નને સિનેમા જોવા સાથે શું સંબંધ ? ઍક્ચ્યુઅલી, સિનેમા જોતા પૉપકૉર્ન ખાવાની હોય છે કે પૉપકૉર્ન ખાતા ખાતા સિનેમા જોવાની હોય છે, એ હજી નક્કી થઇ શક્યું નથી. ગુજરાતીઓ 'ડ્રિન્ક્સ' લેતી વખતે ખારી સિંગ, ચણા કે સૅલેડ ખાય છે પણ આવા ધાર્મિક કામે પણ એ લોકો પૉપકૉર્ન નથી ખાતા... ખાય તો બા ખીજાય ! સિનેમામાં પૉપકૉર્નનું બોક્સ એક જ હોય ને નજર સ્ક્રીન પર રાખીને અંધારામાં બાજુમાં બૉક્સ લંબાવવાનું હોય છે.

પૉપકૉર્ન ભરેલું હોવા છતાં ખાસ કાંઇ વજન ન હોવાથી સિનેમા જોતી વખતે વાઇફના હાથમાં પકડાવી રાખી શકાય છે... (એ ફિલ્મ જુએ એના કરતા પૉપકૉર્ન ખાય એ વધુ ફાયદેમંદ છે... પૉપકૉર્નને લગતો બહુ બહુ તો એ એકાદો સવાલ માંડ પૂછે.... ફિલ્મ વિશેના જવાબો આપીને તમારા ગાભા નીકળી જાય ! આ તો એક વાત થાય છે.) બીજું એક કારણ એ પણ હોઇ શકે કે, સિનેમા જોતી વખતે બેમાંથી એકના હાથમાં આવું પડીકું રાખવાથી આજુબાજુ કે પાછળ બેઠેલા પ્રેક્ષકોમાં આપણી છાપો સારી પડે છે કે, ''આ બન્ને ફક્ત ફિલ્મ જોવા જ આવ્યા છે....''

પણ અમારો જમાનો એથી ય આગળ વધેલો. અમદાવાદના પાંચ કૂવા પાસે આવેલી ઈંગ્લિશ ટૉકીઝમાં ઢીશુમ-ઢીશુમ ફિલ્મો જ આવે અને ઈન્ટરવલમાં બહાર નૅપકીન કે ટુવાલની સાઇઝના તળેલા પાપડ દસ-દસ પૈસામાં મળે. પબ્લિક પણ પાપડ જેવી આવતી અને ઈન્ટરવલમાં દરેક પાપડીયો બહારથી પાપડ ખાતો ખાતો અંદર આવે ને કેમ જાણે પાપડ ચાવીને ખાવાની ચીજ હોય એમ દાંત પડે કચડકચડ અવાજો બોલાવતો આવે. ફિલ્મ તો શરૂ થઇ ગઇ હોય ને પાપડખાઉ જરા વિવેકી હોય તો અંધારામાં પાપડ લંબાવીને આપણને ધરે.

એ તો પૂરો ખવાઇ ગયા પછી પરદા ઉપર જરા અજવાળું આવે ત્યાં પેલાને ધ્રાસકો પડે કે, 'યે કૌન સાલા મેરા પાપડ ખા ગયા...?' ત્યારે એને ખબર પડે કે, સાથે આવેલો એનો આઠ-દસ વર્ષનો છોકરો તો સીટમાં આડોપડયો ઘસઘસાટ ઊંઘે છે ને ખોટી દિશામાં પાપડ ધરવાને કારણે પાપડ આપણે ખાઇ ગયા ! એમાં તો, આપણે એની ગેરહાજરીમાં એના ઘેર જઇને જમી આવ્યા હોઇએ એવો બગડે, ''એ ભાઇ... તેરેકુ ના ની બોલણા ચીયે...? મેરા પાપડ ક્યું ખા ગયા ?''

અત્યારે મલ્ટીપ્લેક્સોમાં આવું પૉપકૉર્ન લઇને આવેલાઓને થાય છે... ફરક એટલે કે, આમાં જાણી જોઇને બાજુવાળી અજાણીને અંધારામાં પૉપકૉર્ન ખવડાવવાના હોય છે ! એના વાળો હજી પૉપકૉર્નની લાઇનમાં ઊભો હોય !

સવાલ એ થાય છે કે, પેલો પૉપકૉર્નની લાઇનમાં જ ઊભો હશે ? શું દેશની બીજી બધી લાઇનો મરી પરવારી છે ? શું નોટબંધીની લાઇનો એ ભૂલી ગયો હશે ? ફાયદો એ બેમાંથી કઇ લાઇનમાં ઊભા રહેવાનો થાય ? હવે તો થીયેટરોમાં ફિલ્મ જોવા માટે ક્યાંય લાઇનો થતી નથી. (બસ્સો રૂપીયામાં અમારી આખી પોળ મોડલ ટૉકીઝમાં ફિલ્મ જોઇ આવતી ને આજે બસ્સોની એક...)

સિક્સર
-
શ્રીરામ, શ્રીમહાદેવજી, શ્રીકૃષ્ણ, શ્રીગણપતિ.... આ બધા દેવો કમરથી ઉપરના વસ્ત્રો કેમ નહોતા પહેરતા...?
- એક દેવનું નામ રહી ગયું... મહાત્મા ગાંધી.
(અમને ક્યારેક અમારૂં લખેલું ય ગમતું હોય છે...!)

No comments: