Search This Blog

17/02/2018

'બુલંદી' (૮૧')


ફિલ્મ : 'બુલંદી' (૮૧')
નિર્માતા    :    મોહન રાવ    
દિગ્દર્શક    :    ઇસ્માઇલ શ્રોફ           
સંગીતકાર    :    રાહુલદેવ બર્મન    
ગીતકાર    :    મજરૂહ
રનિંગ ટાઇમ    :    ૧૮ રીલ્સ          
થિયેટર    :    શિવ (અમદાવાદ)    
કલાકારો    :    રાજકુમાર, આશા પારેખ, ડેની ડેન્ઝોંગ્પા, કિમ, કાદરખાન, કુલભૂષણ ખરબંદા, રાજકિરણ, રાકેશ બેદી, જીવન, ભરત કપૂર, સુધીર, નીતિન સેઠી, સી.એસ. દુબે, હૅલન, માસ્ટર ભગવાન, પ્રોતિમાદેવી, મુસ્તાક મર્ચન્ટ, સિદ્ધાર્થ કાક, ગુલશન ગ્રોવર, આઝાદ

ગીતો
૧.    અબ રાત હો ગઇ  જવાં.....    આશા- રફી- શૈલેન્દ્રસિંઘ
૨.    કહો કહાં ચલે, જહાં તુમ.....    આશા ભોંસલે- કિશોરકુમાર       
૩.    અરે દિલ સે દિલ મિલે.....    રાહુલદેવ બર્મન    
૪.    તેરા દિલ ઓ રે બાબુ.....    આશા ભોંસલે           
૫.    અભી તો હમ હુએ જવાં.....    કિશોરકુમાર

એક ટાઇટ થ્રિલર જોવું હોય તો 'બુલંદી'ની ડીવીડી મંગાવી લેજો. યુ-ટયુબ પરે ય વિના મૂલ્યે જોવા મળશે. પણ આવી સુંદર ફિલ્મ તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ બતાવવી જોઈએ, એ હિસાબે ડીવીડી વધુ સારી. આપણા સંતાનોને સારું શિક્ષણ જ નહિ, આપણા હૌંસલાને પાર કરે એવી બુલંદી પણ આપવી હોય તો ફિલ્મો આવી બતાવવી જોઈએ. સમાજને કોઈ તંદુરસ્ત સંદેશો આપતો રાજકુમારનો કદાચ આ એકમાત્ર ફિલ્મનો અભિનય છે. આ અમે ખોટું લખ્યું.

અને રાજકુમારની ફિલ્મ 'ઊંચે લોગ'માં પણ રાજકુમારનો આવો જ તગડો સંદેશાત્મક રોલ હતો.. 'કાજલ', 'વક્ત' કે 'હમરાઝ' જેવી ફિલ્મોમાં 'જાની' આપણને ગમે તો ખૂબ, પણ એમાં છોકરાઓને સંદેશો આપવા જેવું કંઈ ન મળે.

રાજકુમાર તેની પત્ની આશા પારેખ અને બહેન કિમ સાથે પ્રામાણિક પ્રોફેસરી કરે છે. વિદ્યાર્થીઓમાં લોકપ્રિય તો ખૂબ છે, પણ રાજકિરણ, ડેની ડેન્ઝોગ્પા અને રાકેશ બેદી જેવા અળવીતરા વિદ્યાર્થીઓને એ સહુના કરોડપતિ પિતાઓના હઠાગ્રહથી ટયુશનો આપે છે અને સુધારે પણ છે.

આ બાજુ કાદરખાન, જીવન, કૃષ્ણધવન અને ડેની (ડબલ રોલમાં) જેવા માલેતુજારો પોતાના બે નંબરના ધંધાઓને એક નંબરના કરવા સંપૂર્ણ પ્રામાણિક પ્રોફેસર ખુરાના (રાજકુમાર)ને ફસાવવા માંગે છે, પણ બૉસની ફૂલટાઇમ પ્રામાણિકતા વચ્ચે આવે છે એમાં આ લોકો દુશ્મન બનીને રાજકુમારને ફક્ત કૉલેજમાંથી જ નહિ, દુનિયામાંથી કઢાવવાના પેંતરા કરે છે, પરંતુ એ જ શેઠિયાઓના હવે સુધરેલા સુપુત્રોની મદદથી રાજકુમાર સત્યનો જય કરાવે છે.

રાજકુમાર ૮ ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ (લોરાલઇ- બલૂચિસ્તાનમાં જન્મ) મૂળ નામ કુલભૂષણનાથ પંડિત. મૃત્યુ ૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ મુંબઈમાં ૬૯ વર્ષની ઉંમરે અવસાન થયું. આટલા સુદ્રઢ શરીરના માલિકને ફિલ્મ 'આનંદ'માં રાજેશ ખન્નાને થયો હતો, એવો એક્ઝેક્ટ તો નહિ, પણ 'હોજકિન્સ લિમ્ફોમા' નામનો જાનલેવા રોગ થયો હતો.

બીમારીના છેલ્લા બે વર્ષ રાજકુમાર આપણા બધાથી જોઈ પણ ન શકાય, એવી શારીરિક યાતનાઓથી પીડાયો હતો. ૭૦- પ્લસ હિન્દી ફિલ્મો એવી કરી કે, જે કરી એ બધામાં રૂઆબ એનો બરકરાર રહ્યો... પછી સામે 'પૈગામ'નો કે સૌદાગરનો દિલીપકુમાર હોય, પરદા પર રાજની એન્ટ્રી થતી હોય ત્યારે તમે બીજા કોઈ એક્ટર કે એક્ટ્રેસને જોતા નથી, રાજકુમારને જોયે રાખો છો.

આનાથી દિલીપકુમાર કે દેવઆનંદની પ્રતિભાનો એક છાંટો ય ઓછો થતો નથી, પણ આ સ્ટાયલિશ હીરોની રાજવી પર્સનાલિટી અને સંવાદો બોલવાની છટા કોઈને પણ મંત્રમુગ્ધ કરી મૂકે, અભિનયની ઉંચાઈઓમાં એ કોઈ ગ્રેટ એક્ટર નહોતો, પણ ઇંગ્લિશમાં જેને 'સ્ક્રીન પ્રેઝન્સ' કહેવાય, એ વિરાટ હોવાને કારણે સામાન્ય પ્રેક્ષકો પણ એના અભિનયમાં બહુ ઊંડા ઉતરતા નહિ. પણ જે ફિલ્મમાં એનો કિરદાર પાત્રને અનુરૂપ હોય, ત્યાં એ અશોકકુમાર (ફિલ્મ: ઉંચે લોગ') જેવા ઓલટાઇમ શ્રેષ્ઠ એક્ટરોને પણ ખાઈ જતો. રોલ એની પર્સનાલિટીને અનુરૂપ હોય તો ! ફિલ્મ 'વક્ત' કે 'હમરાઝ'માં રાજકુમારને બદલે જગતનો કોઈ એક્ટર તમે વિચારી પણ ન શકો.

મેહબૂબખાનને રાજકુમારની લિમિટેડ પર્સનાલિટીનો ખ્યાલ હતો, માટે 'મધર ઇન્ડિયા'માં કેવો દરજીએ સિવેલો હોય (ટેયલર મેઇડ) એવો પરફેક્ટ પણ ટચુકડો રોલ આપ્યો હતો. એ થોડીવાર માટે આવે છે ને ફિલ્મ પૂરી થયા સુધી દર્શકોને ઇન્તેઝાર રહે છે કે, '...કદાચ પાછો આવશે, હોં !'

ઇન્ડિયાના પુરુષો માટે 'છટા' શબ્દનો ઉપયોગ ફક્ત બે હીરો માટે થતો, રાજકુમાર અને શશિ કપૂર. શશિબાબા પણ એવા જ સ્ટાયલિશ. રાજકુમારની ખૂમારી અને પોતાને જે લાગે એ સામાવાળાને ક્ષણનો ય ભાગવાનો ટાઇમ આપ્યા વિના મોઢે જ ખંખેરી જ નાખવાનો, એ હીરોઇઝમ પ્રેક્ષકોને ખૂબ ગમતું.

વધારાની કોઈ પણ અદાકારી બતાવ્યા વિના 'વક્ત'માં મદન પુરીના હાથમાંથી રામપુરી ચક્કુ સાહજીકતાથી આસાનીથી છિનવી લઈ એ માત્ર એટલું જ બોલે છે, 'યે બચ્ચોં કે ખેલને કી ચીઝ નહિ.. લગ જાતા હૈ તો ખૂન નીકલ આતા હૈ...' વાચક તરીકે તમે ભલે મિમિક્રી- આર્ટીસ્ટ ન હો, પણ આટલો જ સંવાદ બીજા કોઈ પણ હીરો બોલતો હોય, એ ધારી જુઓ... ત્યાં રાજકુમારની કિંમત સમજાશે.

'ઊંચે લોગ'માં પણ એનું ખૂન કરવા માંગતા ચરિત્ર અભિનેતા તરૂણ બોઝના હાથમાંથી સાહજીકતાથી રીવોલ્વર લઈ લઇને એ 'વક્ત' જેવો જ ડાયલોગ બોલે છે, 'ઇસે પકડના તો આસાન હૈ... ચલાના નહિ !'

એ પરદા પર કિરદારો કરતો, એ કિરદારોની છાંટ એની પર્સનલ લાઇફમાં આબેહૂબ હતી. કોઈ ફ્લાઇટમાં જતો હશે, એમાં 'જેનિફર' નામની એરહોસ્ટેસ ગમી ગઈ... ફિર ક્યા ? પેલીને ના પાડવાનો કે વિચારી જોવાનો મોકો ય મળવો જોઈએ ને ? એ બધું રાજકુમારે બન્ને હાથ ફેલાવીને આપ્યું, તો સામે કાશ્મિરના આ સારસ્વત બ્રાહ્મણ પંડિતને હિંદુ સ્ત્રી ઘરમાં લાવવાની હતી, એમાં 'જેનિફર'ની 'ગાયત્રી' થઈ ગઈ.

પુરૂરવા, વાસ્તવિકતા અને પાણિની નામના ત્રણ સંતાનો ય થયા. એનો મોટો દિકરો પુરૂરવા ક્રોએશિયાની સુંદર મોડેલ ક્રોયાલિક ગ્રડકને પરણ્યો. પુરૂ ફિલ્મોમાં તો એ બાપનું નામે ય પૂરું કરી નાખે એવો નબળો એક્ટર હતો, એટલે નિર્માતાઓએ એને 'બાઇ બાઇ ચાયણી, કિસ કે ઘેર...' રમાડી રમાડીને જે સી ક્રસ્ણ કરી દીધું.

નાનો પાણિની ૧૯૯૭માં મહિપ સંધૂ (સંજય કપૂરની પત્ની) અને નિર્મલ પાંડે સાથે કોઈ ફિલ્મમાં આવવાનો હતો, પણ ફિલ્મ ડબ્બામાં મૂકી દેવી પડી. ને તો ય ઠેઠ ૨૦૧૦-માં પાણિની 'મિલેંગે મિલેંગે' નામની ફિલ્માં આવ્યો ખરો. ૨૦૦૧-માં પુત્રી વાસ્તવિકતા 'મિટ્ટી' નામની ફિલ્મમાં આવી અને નામ પણ 'રાની રાજકુમાર' રાખ્યું, પણ એ તો ફિલ્મે ય મિટ્ટીમાં મળી ગઈ.

'મધર ઇન્ડિયા'નું હજી એકાદ મહિનાનું શૂટિંગ થયું હશે ને રાજકુમાર પોતાનું અને દોસ્ત પ્રકાશ અરોરા સાથે કોઈ ગામડાના રસ્તે આવતો હતો ને પાન ખાવા ઊભા રહ્યા એમાં કોકની સાથે ઝગડો થયો ને એક માણસ ઘટનાસ્થળ પર જ મરી પણ ગયો. કેસ તો એકાદ વર્ષ ચાલ્યો પણ રાજકુમાર ભૂતકાળમાં મુંબઈમાં પોલીસ- સબ ઇન્સ્પેક્ટર હતો, એ થોડું કામમાં આવ્યું અને છૂટી ગયો.

ફિલ્મોમાં આવ્યા પછી ડેની સુધી બરોબર હતું પણ એની અટક 'ડેન્ઝોંગ્પા' બોલતા બીજાના મ્હોમાંથી થૂંક નીકળી જતું, એમાં એ વખતે પૂનાની ફિલ્મ ઇન્સ્ટિયૂટમાં એની સાથે ભણતી જયા ભાદુરીએ 'ડેન્ઝોંગ્પા' કઢાવી નાખ્યું... માત્ર ડેની આપણને બધાને સદાય યાદ રહેશે ઝીનત અમન અને સંજય ખાનવાળી ફિલ્મ 'ધૂન્દ' જેમાં, એ ઝીનીનો અતિઆકરો છતાં લાચાર પતિ બને છે. આ સંપૂર્ણ નોન-કન્ટ્રોવર્શિયલ માણસ ફિરોઝખાનની ફિલ્મ 'ધર્માત્મા' કરવા અફઘાનિસ્તાન ગયા, એમાં ફિલ્મ 'શોલે'નો ગબ્બરસિંહનો રોલ અમજદખાનને મળી ગયો.

ડેની આપણને સહુને ગમે એવો હતો. કપડાં બહુ ઊંચી ફેક્ટરીઓના પહેરતો. એને ભાગ્યે જ ટી.વી. પર તમે કોઈ ફિલ્મ પાર્ટી કે એવોર્ડ સમારંભમાં જોયો હશે. આજની ફિલ્મ 'બુલંદી'માં એ પહેલીવાર ડબલ રોલ કરે છે, પણ રાજકુમાર સામે ટકવા બાપ- દીકરા તરીકે બન્ને પર્સનાલિટીમાં એ સહી પુરવાર થાય છે.

આટલાં વર્ષો સુધી ફિઝીક કેવું પરફેક્ટ જાળવી રાખ્યું છે ! યુવાની અને અવસરો એવા ચાલતા હતા કે, ડેની આ જ ફિલ્મની હીરોઇન કિમના (આ કિમ યશપાલ.. એ વખતની ડિમ્પલ કાપડિયા જેવી ક્યારેક લાગતી અને એમાં એ ખુશ પણ હતી. ડેની એના પ્રેમમાં પડી ગયો.... લગ્ન પણ કરવાનો હતો... ગોડ નૉવ્ઝ... પછી કયું કૂતરું કરડી ગયું ! ફિલ્મની હીરોઈન કિમ ડૅની સાથે સાચુકલા પ્રેમમાં પડી.

અલબત્ત, ફિલ્મનગરીમાં તો કાંઈ શાશ્વત હોતું નથી, એટલે થોડો સમય હવાફેર માટે દિગ્દર્શક રોમુ એન. સિપ્પીના પ્રેમમાં પડી આવી અને જેનો જમાનો અને જેનું નામ હર ત્રીજી હીરોઇન સાથે એ જમાનામાં ચાલતું હતું, તે મિથુન ચક્રવર્તી પણ કિમનો એક જમાનાનો ફૂલટાઇમ પ્રેમી.

એ વાત પાછી જુદી થઈ કે, માત્ર ધંધો કરવા નવા ફૂટી નીકળેલા નિર્માતા '૮૦ના દાયકા પછી તદ્દન બનાવટી લાગે એવા સંવાદો કેવળ રાજકુમારને ધ્યાનમાં રાખીને લખાવા લાગ્યા, એમાં સંવાદ- લેખકો તો ઠીક, સ્વયં રાજકુમારે ય બેવકૂફ લાગવા માંડયો.

બી. આર. ચોપરા જેવા સિદ્ધહસ્ત નિર્માતા ય રાજના સંવાદોની પાછળ પડી ગયા અને 'કર્મ' નામની આખી ફિલ્મ માત્ર સંવાદોના જોરે બે રાજકુમારો (ડબલ રોલ)માં બનાવી મૂકી. એમાં પાછા આધ્યાત્મિક સંવાદો મૂક્યા હતા. એકે ય સંવાદમાં ઠેકાણું નહિ. ફિલ્મની સાથે ચોપરાને રાજકુમાર... બધા પિટાઈ ગયા.

ગુલશન ગ્રોવર એ જમાનામાં કેવો 'અનવોન્ટેડ' એક્ટર હશે કે, આ ફિલ્મમાં નવો નવો હોવાને કારણે ને સાઇડમાં ફક્ત એકાદ-બે દ્રષ્યો માટે ઊભા રહેવાનું આવ્યું છે- બોલવાનું કાંઇ નહિ.

આશા પારેખ એ ઉંમરે પહોંચી હતી, જ્યાંથી એને નક્કી કરી લેવાનું હતું કે, હીરોઇનના રોલ તો આ ઉંમરે (ને આ શરીરે) મળવાના નથી...તો બા કે ભાભીના રોલ કરવા કે નહિ ? આ ફિલ્મમાં પણ છે તો રાજકુમારની પત્ની, પણ ઍક્ટિંગ બતાવવાનો એકેય અવસર મૂળથી પણ મૂકાયો નથી. (આશા પારેખ સાથે ફિલ્મ 'રાખી ઔર હથકડી'માં કિશોર- આશા ભોંસલેનું 'અચ્છી નહિ સનમ દિલ્લગી દિલે બેકરાર કી...' ગીત તેમજ ઝીન્નત અમન સાથે 'યાદોં કી બારાત નીકલી હૈ આજ દિલ કે દ્વારે' ગાનાર હીરો વિજય અરોરા આંતરડાના કૅન્સરને કારણે મૃત્યુ પામ્યો, એ સમાચારે કોઈ ફિલ્મીપત્રો કે મેગેઝિનોને મહત્ત્વના નહિ લાગ્યા હોય...!)

ફિલ્મમાં હૉલીવૂડની ફિલ્મ 'ઓડેસા ફાઇલ'નો એક પ્રસંગ સહેજે ય ખૌફ રાખ્યા વિના સીધ્ધો જ ઉઠાવ્યો છે, જ્યારે પ્રિન્ટિંગ પ્રેસના માલિક ભરત કપૂર એની મા પ્રોતિમા દેવીની સારવાર કરે છે, ત્યારે જ કાદરખાન અને ખરબંદા આવીને ભરતનું ખૂન કરે છે.

એવી જ રીતે, દિગ્દર્શકે કીધું હશે કે, આપણી ફિલ્મમાં પણ હેલનનો એક 'મુંગડા-ડાન્સ' જોઈએ... ફિર ક્યા ? હેલનને જ બોલાવી દીધી ને એ જ મુંગડાની કોપી અહીં ઠઠાડી દીધી. મહેશ ભટ્ટની સુચિતાર્થ ફિલ્મ 'અર્થ'માં શબાના આઝમીને જરૂર હતી ત્યારે સહારો આપનાર યુવા એક્ટર રાજકિરણ રિશી કપૂર- સીમીની 'કર્ઝ'માં હતો. આ સિંધી દેખાવડો પૂરો અને હિરો મટીરિયલ હતો.

આગળ- પાછળની સ્ટોરી તો ખબર નથી, પણ ઠેઠ અમેરિકામાં જઈને મગજનો અસ્થિર બની ગયો અને આજ સુધી ગાંડાની હોસ્પિટલમાં રહે છે. રાજકિરણને 'લ્યૂકોડર્મા' (કોઢ) પણ આખા શરીરે નીકળ્યો છે. રિશી કપૂર અમેરિકા ગયો ત્યારે એના પુનર્વસવાટ માટે પૂરા પ્રયત્નો કર્યા પણ રાજકિરણ પાછો ન આવ્યો.

સાલ '૮૧ની  હતી અને 'પંચમ' એટલે કે રાહુલદેવ બર્મનના આંટા પૂરા આવી ગયા હતા એટલે સુધી કે, એકસામટી ૨૦- ૨૫ ફિલ્મોનું સંગીત તદ્દન ફ્લોપ આપવાને કારણે હવે નિર્માતાઓ આર.ડી.ના નામ ઉપર ઘસીને ના પાડી દેતા હતા, 'આર.ડી.ને બદલે ગમે તે ભોજીયો ભ'ઇ લાવો, પણ એ તો નહિ જ જોઈએ.'

પંચમે બે બદામના નિર્માતાઓ પાસે સાચા અર્થમાં હાથ ફેલાવવાનો વારો આવ્યો કે, 'સર.. એક આ વખતે ચાન્સ આપી જુઓ... મેં ક્યારેય ન બનાવ્યું હોય એવું ઝન્નાટ સંગીત આપીશ.... બસ, એક ચાન્સ આપો'' અને પૂરા પ્રોફેશનલ નિર્માતાઓને હવે આર.ડી.માં વિશ્વાસ નહોતો. પાછલા દિવસોમાં પંચમ પાંચે સૂરોમાં રિબાયો. આ ફિલ્મમાં પણ પંચમે કેવું ફાલતું સંગીત આપ્યું છે ! કોઈ  ગીત હિટ  નહિ.

બસ, જીંદગીભર આવા ને આવા રોલ કરીને પોતાનું કોઈ નામ ન કરી શકેલો સુધીર એક વાતે ગર્વ લઈ શકતો હતો કે, મદન મોહનનું ફિલ્મ 'હકીકત'માં મુહમ્મદ રફીએ ગાયેલું 'મૈં યે સોચકર ઉસ કે દર સે ઉઠા થા...' આ સુધીર ઉપર ફિલ્માયુ હતું. એનું સાચું નામ તો 'ભગવાનદાસ મુલચંદ લુથરીયા' હતું અને આજનો મશહૂર નિર્માતા- નિર્દેશક મિલન લુથરિયાનો આ સુધીર કાકો થાય.

મૃત્યુ સમયે એના ફેમિલીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈના મૃત્યુની જાણ એટલે ન કરી કે, ફિલ્મ નગરીમાંથી એ ફેંકાઈ ગયો હતો ને બોલાવેલું ય કોઈ ના આવે એના કરતા નહિ બોલાવેલા અજાણ્યાઓ આવે એ સારૂ. બાકી તો, મૂકેશનું દર્દીલું ગીત, 'મુઝે રાતદિન યે ખયાલ હૈ, વો નઝર સે મુજકો ગીરા ન દે..' ગીત આ સુધીરે પરદા ઉપર ગાયું હતું.

રાજકુમાર જે ફિલ્મમાં હોય એટલે એને એક ને જ જોવાનો હોય ને તમે છેતરાતા નથી. કમ-સે-કમ બીજા હીરો કરતા વળતર વધારે મળે. હદ બહારની સિગારેટો હરદમ પી પી કરવાથી આવો મજેલો એક્ટર આપણે ગુમાવ્યો. દેવ આનંદની માફક રાજકુમાર પણ માથે વિગ પહેરતો, એ કરતા ય કેન્સરે એનો ચહેરો અને શરીર વિકૃત કરી નાખ્યા હતા, એટલે માંદગીના છેલ્લા કેટલાક મહિનાઓથી અને મૃત્યુ પછી એના ચાહકોને શ્રદ્ધાંજલિ આપવા જવાની છૂટ નહોતી. દેવ આનંદનું ય એક્ઝૅક્ટ આવું હતું.

જે વાળ ઉપર દુનિયા પાગલ હતી, ત્યાં ઢંગધડા વગરની વિગ પહેરવાની આવી હતી અને આમે ય મૃત્યુ ભલભલાના ચેહરાની આખરી ક્ષણો બગાડી નાખે છે, એમાં દેવ આનંદને તો ખબર પડવા માંડી હતી કે, હવે એના દિવસો ભરાઈ ગયા છે, એટલે આખરી દિવસોમાં એ દેશને બદલે પરદેશ (લંડન) જતો રહ્યો અને ત્યાં જ પ્રાણ ત્યાગ્યા, પણ ગૂજરી ગયા પછી કોઈને દેવ સાહેબનો ચહેરો જોવાની છૂટ નહોતી. આ ફિલ્મના ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફ ન જાણે ક્યાં ખોવાઈ ગયા છે.

નહિ તો જેટલી બનાવી, એ લગભગ બધી સુંદર ફિલ્મો બનાવી. રાજેશ ખન્ના શબાના આઝમીનું 'થોડી સી બેવફાઈ' એમણે બનાવ્યું હતું. 'આહિસ્તા આહિસ્તા', 'પુલિસ પબ્લિક' કે 'નિશ્ચય' જેવી ફિલ્મો એમના માનસ સંતાનો. આજકાલ શ્રોફ ફિલ્મો બનાવે છે કે નહિ તેની જાણ નથી.

3 comments:

Anonymous said...

With due respect,
देवानंद मृत्यु ना डर थी विदेश भागी gayo तो? मारे रेणुका चाउड्री जेवु हसवु padse मरण नी तारीख़ कोने ख़बर hoy छे? Moreover he wasn’t hiding himself due to old age. I met him just 3 months before his death, and found him lively as always, though weak due to advanced age.
Regards 🙏🙏
Mukesh Joshi.

Ashok Dave said...

YOU MAY BE PARTLY RIGHT, BUT THE FACT IS, HE DIDN'T WANT ANYONE TO SEE HIS FACE, WHEN HE KNEW HIS END IS NEAR.
RAAJ KUMAR TOO DIDN'T WANT HIS BODY TO BE SEEN BY OTHERS. IT NEVER REFLECTED THEIR COWARDICE, BUT THESE GREAT HEROES WANT THEIR FANS TO BE REMEMBERED BY HOW THEY LOOK IN THEIR HEY DAYS.
THANKS FOR BEING SO MUCH IN RESPECT OF DEV SAAB.

Anonymous said...

Dear Ashokbhai,
I do agree with your good selves.
Regards,
Mukesh Joshi. 🙏