Search This Blog

14/02/2018

જાયેં તો જાયેં કહાં ?


મુંબઇના જુહુ બીચની ઠંડી રેત પર સંધ્યાટાણે કોઈ કપલ બેઠું છે. બન્ને ઢીંચણથી કાણાં પડી ગયેલા જીન્સવાળા એક ઢીંચણ ઉપર છોકરીએ ડોકું એવી રીતે ગોઠવ્યું છે, જાણે સાયકલના કૅરિયર ઉપર કોઈ કામદારે ટીફિન મૂક્યું હોય !એવી દાઢી અડાડેલી રાખીને એ એના દિલબરના કલાસર્જનને નિરખી રહી છે. ગાંવવાલે એવું માની રહ્યા છે, કે જુવાનીના જીન્સમાં ઢીંચણ પર કાણાં તો પડે !

એ કોઈ ધાંયધાંય સુંદર છોકરી નહોતી, પણ 'ધાંયધાંય' કાઢી નાંખ્યા પછી જે વધે, એટલી સુંદર તો એ હતી જ ! એનું નામ માહિ. એ મગ્ન થઇને એના વહાલાનું રેતી-સર્જન જુએ રાખે છે.

એનો પિયુ ચેહરા પર શૂન્ય હાવભાવ સાથે રેતી ઉપર નકરા લિટાડા કરી રહ્યો છે. આકારના એકે ય ઢંગધડા વગરનું એ હૃદય ચીતર ચીતર કરે છે, તો ઘડીકમાં શૂન-ચોકડીના ૯ ખાના દોરી સામસામા ચોકઠાઓમાં શૂન્ય અને ચોકડીઓ કરતો રહે છે, તો ક્યારેક એ પાંદડું ચીતરીને  મહીં તીર ઠોકે છે. માહિ એના પિયુથી ઇમ્પ્રેસ્ડ ચોક્કસ છે, પણ એના આવા સર્જનોથી નહિ. (રેતી સર્જનનો ગુજરાતી અનુવાદ : ધૂળમાં મળેલું સર્જન)

આ વડો આ થોડામાં શેક્સપિયર થતા થતા પિકાસો બની ગયો. કારણ કે, એના સર્જનો એને પોતાને સમજાતા નહોતા. (પિકાસો એટલે 'પિયુષ કાળીદાસ સોની') સાહિત્યને બદલે કલા ધૂળભેગી થતી માહિ જોઈ રહી હતી. અલબત્ત, પિયુને ચિંતા કોરી ખાતી હતી સાહિત્ય કે કલાની નહિ, માહિને ગુપચુપ મળવાનો એક ચાન્સ પણ મળતો નહતો. વચમાં એ બોલે ય ખરો, 'આજે તો અહીં મળ્યા...કાલે ક્યાં મળીશું, માહિ...?'

જીવ અમારો અહીં બળે છે. પ્રેમની અવસ્થા કેવી દયામણા તબક્કે પહોંચી છે કે, પ્રેમના આવા તોફાની તબક્કામાં માહિ મહત્ત્વની નથી, એનો પિયુ મહત્ત્વનો નથી... મહત્ત્વનું છે, ઘટનાસ્થળ ! આજે તો આટલે દૂર બબ્બે ટ્રેનો બદલાવીને જુહુ સુધી લાંબા થયા છે... કલ ક્યા હોગા ? કાલે ક્યાં મળીશું ? સાલું, જેટલો ટાઈમ મળવામાં કઢાતો નથી, એટલો મુંબઇના ટ્રાફિકમાં કાઢી નાંખવો પડે છે.

ગુજરાતભરના નવા, જૂના, કાયદેસર અને ગેરકાયદેસર... તમામ બ્રાન્ડના પ્રેમીઓનો કોઈ તોતિંગ પ્રોબ્લેમ હોય તો તે છે, મળવા માટેનું સ્થળ શોધવાનો.કોઈ હખે બેસવા દેતું નથી. દરેક સ્થળે કોઈ ને કોઈ જોઈ જાય અથવા છેલ્લી ઘડીએ ભાગવું પડે છે.

એકબીજાના ખભેખભા અને પગના પંજેપંજા અડાડીને બરફના પર્વતો પરથી છોલાય નહિ એ રીતે ગબડવાની લજ્જત અનોખી છે, પણ એવા ગોથમડાં તો ફ્લેટના ટૅરેસ પર પાણીની ટાંકી ઉપરથી ય મરાય એવા હોતા નથી. પેલી હિંમતવાળી હોય ને કૂદી પડી હોય ને આપણે વાગવાની બીકે હજી ટાંકીની ઉપર પાઈપ પકડીને બેઠા હોઈએ... સુઉં કિયો છો ?

કહેવાનો મતલબ એટલો કે, કોઈ જોઈ ન જાય, એવી બેફિક્રીથી પેલીને અડી ય શકાતું નથી... બીજું બધું તો જાવા દિયો, ભાઆ'ય !

શું મુંબઇને બદલે ગુજરાતનું કોઈ સ્થળ હોત તો એ બન્ને આટલા ઇત્મિનાનથી બેસી શક્યા હોત ? શું કોઈ પુલિસવાલાએ ઉઠાડયા ન હોત ? શું ઉપરના માળેથી કોઈએ ડોલ ભરીને આ બન્ને ઉપર પાણી રેડયું ન હોત ? માની લો કે, પિયુએ પેલીના ગાલ ઉપર તાવ માપવાનો હોય એવું ડરતા ડરતા હજી હાથ ન અડાડયો હોત તો ત્યાં ઝાડ પાછળથી બગીચામાં મૉમ સાથે રમવા આવેલું કોક બાળક ફૂટી નીકળીને, 'આન્કલ... યે ક્યા કર રહે હોઓઓ...?' વાળી બૂમ ન પાડત ?

મુંબઇમાં સાવ ઊંધુ છે. ત્યાં જુહુ કે ચોપાટીના દરિયા કિનારે પતિ-પત્ની બેઠા હોય, કે પ્રેમલા-પ્રેમલી બેઠા હોય ને... બેઠાબેઠા હખણા ન રહેતા હોય, તો પણ કોઈ ગણપતરાવ કે ભોંસલે-બોસલેને એમની સામે જોવાની ફૂરસદ હોતી નથી. પ્રસ્તુત લેખ એવા દુ:ખી પ્રેમીઓના લાભાર્થે લખાયો છે, જેમની પાસે પોતપોતાના ભાગે પડતો આવેલો પ્રેમ તો છે, પણ એને લઇને બેસવું ક્યાં, એનું સ્થળ, ગાઇડ-બૂક કે બાઉન્સરોનો સહારો હોતો નથી. જ્યાં બેસે ને જરા ખભે હાથ મૂકવા જાય, ત્યાં પાછળથી કોક બૂમ મારે, 'એ ભાઈ... જરા સખણા બેસો...'

ભાગવું ન પડે એવું સ્થળ શોધી કાઢવાનો ઉપાય પૂરા હિંદુસ્તાનમાં નથી. હજી અમદાવાદમાં એક સ્ત્રીએ બીજા પુરૂષનો હાથ પકડયો હોય તો એ પેઇન્ટિંગ બની જાય છે. લોકો પોતાવાળીનો હાથ છોડાવીને આ લોકોને જુએ છે.

આમ ૪૦-લાખની ગાડી સીજી રોડ ઉપર લઇને નીકળ્યો હોય ને આગલી રીક્ષામાં બે જણા વળગ્યા હોય (વાતે નહિ...!) તો ગાડી ધીમી પાડીને રીક્ષાની પાછળ પાછળ ધીમે ધીમે ચલાવશે. એને જોવાનો ટેસડો પડી ગયો હોય છે. માણસ જે જાહેરમાં કરી શક્તો નથી, એ બીજું કોઈ કરતું હોય તો એ એને મજા આવવા માંડે છે. આવું એ પોતે ઘરમાં કરી શકે છે, એની એને કિંમત હોતી નથી!

જાહેર મૂલ્યોનું ભાન રાખીને પત્ની કે પ્રેમિકાને અડવું, એ કોઈ ગૂન્હો બનતો નથી. જવાબ બધા આપશે કે, આવું બધું ઘરમાં ક્યાં નથી થતું ? જાહેર મર્યાદાઓનો ભંગ કરો એ તો કેવી રીતે સ્વીકારાય ? ગાર્ડનમાં અમારા નાના નાના છોકરાઓ રમતા હોય ને અચાનક આ બન્નેને ચોંટેલા જુએ, તો ઘેર આવીને અમને કેવા સવાલો પૂછે, જેનો અમારી પાસે જવાબ ન હોય... ઘરમાં તો અમે ય એવી રીતે બેસી શક્તા નથી ! (અમારે તો ઘરમાં ય એવા મોકા શોધવા પડે છે...!)

ફફડાટ ઘરના કે બહારના છોકરાઓથી જ નહિ, બધાથી સાચવવાનો હોય છે. કોઈ કડક સ્વભાવનો વાચક જવાબ આપે કે, પ્રેમીઓ કાયદેસરના હોય કે ગેરકાયદે... મળવું ક્યાં ? હોટેલમાં તો લઇ જવાય નહિ ! ત્યાં બન્નેના આધાર-કાર્ડો માંગે છે. બાજુબાજુમાં ખભા અડાડીને બેસી શકાય એવી તો હવે રેસ્ટરાંઓ ય ક્યાં થાય છે ?

સામસામે બેસવું પડે ને એમાં ય પેલીનો કોમળ હાથ હાથમાં લેવા જઇએ ત્યાં વેઇટર, 'સા'બ...ઓર કુછ લાઉં...?' પૂછી પૂછીને 'મૂડ'ની પથારી ફેરવી નાંખે છે ! એને રોજના આવા હજાર આવતા હોય એટલે જાણતો હોય છે કે, સો-પચાસ રૂપીયાની ટીપ પહેલેથી આપી ન દો તો 'સા'બ... ઓર કુછ લાઉં...?' વાળી ચલાવે જ રાખે છે. પહેલા તો ગાર્ડનો બહારની અંધારી ફૂટપાથો પર સ્કૂટર પાર્ક કરીને બેસી શકાતું હતું...

હવે એ લોકોએ ફૂટપાથો કાઢી નાંખી ને ખાંભીઓ બનાવી નાંખી... આવું ને આવું ચાલશે તો આપણી તો કોઈ ખાંભી ય નહિ મૂકે ! આ તો એક વાત થાય છે. અમને યાદ છે, કોઈ જમાનામાં સોસાયટીના કોક બંગલાના અંધારા કમ્પાઉન્ડોમાં કે પોળની પીળી મ્યુનિ. લાઇટોના અંધારા નીચે શાંતિથી મળાતું... જેટલું થઇ શકે, એટલું કરાતું ! એ જમાનામાં તો બિલ્ડરો બંગલાની સાથે સાથે બહાર આવો એકાદો ખૂણો ય રાખતા... હવે તો એવા ખૂણા કે એવા બિલ્ડરો ય ક્યાં થાય છે !

સિનેમાઓમાં પહેલા આવી સગવડો મળી જતી. ઍડ્સ અને ન્યુઝરિલ્સ પતે ને અંધારૂં થાય ત્યારે આપણા શરીરમાં અજવાળાં થતા. એમાં ખતરો એટલો કે, અંધારાને કારણે દિશા નક્કી કરવામાં ભૂલ થઇ જાય તો આપણી માહિને બદલે બાજુમાં બેઠેલા કોઈ મહેન્દ્રકાકાનો હાથ હાથમાં લઇને રમાડવા માંડતા. કાકાને મજા આવતી હોય એટલે એ બોલે નહિ ને ઇન્ટરવલમાં ખબર પડયા પછી આવનારા એકાદ વીક સુધી આપણે ઊલટીઓ ઉપર ઊલટી કરે રાખીએ.

શહેર કા પૂરા ચપ્પા-ચપ્પા છાનમારો... કોઈ જોઈ ન જાય એવી જગ્યાએ ડાર્લિંગને લઇને ઊભા રહેવાની કોઈ જગ્યા નથી. આમાં માણસ મેરેજ કેવી રીતે કરે અને કરે પછી તો આવા ખૂણા તો ઘરમાં ય શોધીને ઊભા રહેવાની લઝ્ઝત ક્યાં ? આપણે એવા આળસુ થોડા હોઈએ કે, લગ્ન થઇ ગયા પછી વાઇફો માટે ગામના આવા ખૂણાઓ શોધીએ...?... કોઈ પંખો ચાલુ કરો !   

સિક્સર
-
આતંકવાદીઓ કાશ્મીરમાં રોજ સરેરાશ આપણા જવાનોને શહીદ કરે છે...
- ને ગૃહમંત્રી રાજનાથસિંહ ફાંકા મારે છે, ''હમ ઇસકા મુંહતોડ જવાબ દેંગે...''
- ઇ.સ.૨૦૧૯ પછી !

No comments: