Search This Blog

28/02/2018

જબ કૂત્તે પે લેખક આયા...


જેના ઘેર કૂતરૂં હોય, ત્યાં અમે જતા નથી. એક જ જગ્યાએ એક સાથે બે ભેગા કરવાનો કોઇ અર્થ નથી. હું બન્નેના દેખાવને ધ્યાનમાં રાખીને વાત કરૂં છું, સ્વભાવ નહિ. સ્વભાવમાં તો એમનો ડૉગી ઘણો ભલો માણસ... આઇ મીન, ઘણો ભલો કૂતરો છે.

આ સર્ટિફિકેટ એના સાઉથ ઇન્ડિયન માલિક કુટ્ટુસ્વામીને આપી શકાય એમ નથી. કહે છે કે, આખો જન્મારો કૂતરા સાથે કાઢ્યો હોવાને કારણે કુટ્ટુસ્વામીનો સ્વભાવ જ નહિ, દેખાવ પણ એમના ડૉગી જેવો થઇ ગયો હતો.

અહીં મારૂં નિરિક્ષણ પરફૅક્ટ સાચું પડે એમ છે કે, જેના ઘેર કૂતરૂં હોય, એને તમારાથી 'કૂતરૂં' ન કહેવાય. નામ બોલતા ન આવડતું હોય તો 'ડૉગી' કહો ત્યાં સુધી વાંધો નહિ. 'આ કૂતરો તમારો છે ?' એવી તોછડી ભાષામાં બોલો તો કૂતરાને તો પછી, પહેલા એના માલિકને ખોટું લાગી જાય. નામ બોલતા બધાને ન ય આવડે કારણ કે, મોટા ભાગના ડૉગીઓના નામ અમેરિકન વૈજ્ઞાાનિકો કે રશિયન સ્પૅસ સાયન્ટિસ્ટોના હોય છે.

''નામ તો એનું 'દોસ્તોયેવ્સ્કી' છે... પણ તમે એને 'ફિયોદોર' કહેશો તો ચાલશે.'' જીભ બહાર કાઢીને અમારી સામે જોયે રાખતા ડૉગીના માથે હાથ પંપાળતા, મારો ડર જોઇને એમણે મને ખાત્રી પણ આપી, ''ડૉન્ટ વરી... એ નહિ કરડે.'' પછી મોટી સિક્સર મારી હોય એમ જાતે જ ખડખડાટ હસતા બોલ્યા, ''એ લેખકોને નથી કરડતો.'' એમની સાંત્વના સાંભળીને ચિંતા મને થઇ કે, હવે આ કૂતરો લેખક કદી નહિ બની શકે.''

મેં વહાલથી એની સામે જોયું, એ જ મારો ગૂન્હો. એ મારા ખોળામાં આવીને બેઠો. (હું માલિકની વાત નથી કરતો... કૂતરાની વાત કરૂં છું.) થૅન્ક ગૉડ... એ લોકોએ હાથી નહોતો પાળ્યો. છતાં સૌજન્ય ખાતર મેં બહુ વર્ષોથી સાચવી રાખેલું સ્માઇલ એને આપ્યું. એનામાં સંસ્કાર સારા નહિ હોય એટલે મારા સ્માઇલનો જવાબ સ્માઇલથી આપવાને બદલે એ ભસ્યો. મને થયું, ''હું કોઇ બૅન્કમાં આવી ગયો લાગુ છું.''

ફ્રૅન્કલી કહું, તો એ મારા ખોળામાં આટલો બેસી રહે, એ મને પસંદ નહોતું. પણ ડર એ હતો કે આને ઉઠાડીશ તો એનો માલિક કુટ્ટુસ્વામી મારા ખોળામાં બેસી જશે, એના કરતા સહન કરી લે, ભાઇ !

જગતભરના પાળેલા ડૉગીઓનો એક રોગ કૉમન હોય છે. એ બધાના વાળ ખરતા હોય છે અને તે પણ મેહમાનના ખોળામાં જ ! નૈતિકતા એ છે કે, જેના પાળેલા ડૉગીઓ મેહમાનના ખોળામાં બેસી જતા હોય, એમણે મેહમાનને પહેરવા આપવા માટેના ટુવાલો અલગ રાખવા જોઇએ. આ તો સારૂં છે, ડૉગીઓ લાંબા વાળની ફેશનમાં માનતા નથી, નહિ તો એક રહી ગયો તો આપણે તો ઘેર જવાબ આપવાના વાંધા પડી જાય ને ! ખોળામાં તો કૂતરાને બદલે કૂતરી હોય તો ય આપણે તો ન બેસાડીએ કારણ કે એ બધા મોંઢું ઊંચુ કરીને આપણા ગાલ ચાટવા માંડે છે.

સાલું, જે કામ ઘરવાળા કદી ન કરે, તે આવા બહારવાળા કરી બતાવે. ફ્રૅન્કલી કહું તો, મારા ચેહરામાં ચાટવા જેવું કશું નથી, પણ આ વિષયના જાણકારો કહે છે કે, આમાં તો ચોખ્ખો ઋણાનુબંધ હોય છે. ગત જન્મમાં તમે બન્ને એકબીજાની ખૂબ નજીક હશો.... સગા ભાઇ કે યારદોસ્તો પણ હોઇ શકો. એકબીજા વિના ચાલે નહિ એવા. બસ, એ વખતના તમારા ગાલ ચાટવાના રહી ગયા હોય, એ આ જન્મે આવીને પૂરા કરે છે... એમાં ખોટું કશું નથી, કેવળ વહાલ જ છે.'

''આમાં એવું ન હોય....'' મેં એમને અધવચ્ચે કાપીને પૂછ્યું, ''...કે ગયા જન્મમાં મારે એને બચકું ભરવાનું બાકી રહી ગયું હોય, એ આ જન્મમાં ભરી લેવાનું હોય ?''

''ભરી લો.... એ ભરવા દે તો ! અને ક્યાં ભરશો ?''

કોઇ મને બહુ પ્રેમપૂર્વક પોતાના ઘેર બોલાવે, ત્યારે પહેલા પૂછી લઉં છું, ''કૂતરૂં છે ?'' એ ના પાડે પછી હું સ્વસ્થ થઇ જઉં છું અને નવા કપડાં પહેરીને ફૅમિલી સાથે એમને ઘેર જઇએ છીએ. અલબત્ત, ''કૂતરૂં છે?''નો જવાબ એમણે પ્રામાણિકતાથી આપ્યો હતો, ''...કે પાળેલું છે...ડૉન્ટ વરી !'' પણ એ એમના ઘર પૂરતો. બંગલાની બહાર રખડતા કૂતરાઓ સાથે એ લોકોને ઘર જેવા કે સૉસાયટી જેવા સંબંધો નહોતા... ભાજપ-કૉંગ્રેસ જેવા હતા.

એમની સોસાયટીમાં રખડતા કૂતરાઓ સાથે કુટ્ટુસ્વામીએ સહેજ પણ સારા સંબંધો રાખ્યા નહોતા. એક તો અમારી કારના રૂફ પર બધા ચઢી ગયા, કેમ જાણે એમના બાપાનો માલ હોય ! (સૉરી, એમના બાપાનો નહિ, મારો માલ હતો !) અને હવે તો શહેરભરના કાર માલિકોને ખબર છે કે, ઘર પાસે ગાડી આપણે કૂતરાઓને સુવા માટે જ કરીએ છીએ. એમની પોતાની સાઇઝનો ગોબો રૂફ પર પાડી દે.

સોસાયટીના ધાર્મિક લોકો કૂતરાને ખવડાવવા માટે જે કાંઇ લેતા આવે, એ ગાડીના રૂફ પર ઠાલવી દે... ઉતાવળમાં આપણું ધ્યાન રહ્યું ન હોય ને બેઠા પછી એમને એમ ગાડી ચલાવી દઇએ, તો પાછળ આવનારાના મનમાં છાપ પડે કે, ''બિચારો... કાર લઇને માંગવા નીકળ્યો છે...!''

આગળ-પાછળ ઉપર-નીચે.. ચારે તરફ કૂતરા અને એના બંગલાના ઝાંપે કુટ્ટુસ્વામી પોતે ઊભો હતો. અમારે તો કોનાથી વધારે ડરવાનું છે, એ નક્કી કરી ન શક્યા. ''આ જાઇયે... યે કુચ્છ નંઇ કરેંગે'' એવું એણે અડધા ખોલેલા ઝાંપાની પછવાડેથી કહ્યું હતું. એણે નજર મારી તરફ નહિ... ભયની મારી કૂતરાઓ સામે રાખી હતી એટલે, ''આ જાઇએ... યે કુચ્છ નંઇ કરેંગે'' મને કીધું હતું કે કૂતરાઓને, તેની ઝટ ખબર તો ન પડી ! એ પવિત્ર શ્વાનો નીરવ મોદી ગૂ્રપ અને પંજાબ નૅશનલ બૅન્કના માણસો.... આઇ મીન, શ્વાનો હતા કે નહિ, તેનો વિશ્વાસ એક જ વાક્યને લીધે પડયો કે, ''યે કુચ્છ નંઇ કરેંગે !''

સંસારમાં આટઆટલા જાનવરો છે, છતાં પાળવા માટે આપણા ગુજ્જુઓ પાસે એક માત્ર કૂતરો રહી ગયો છે. દુબાઇના શેખો ચીત્તા-દીપડાં અને વાઘ-સિંહ પણ પાળે છે. બિલ્લી પણ પાળી શકાય છે. અમારે કાંઇ જુદું કરી બતાવવું હતું એટલે લાલ મોંઢા અને લાલ સીટવાળું વાંદરૂ પાળ્યું. દેખાવમાં મારા જેવું જ સુંદર હતું પણ અમારો સ્વભાવ થોડો શરમાળ, એનો નહિ ! વળી સ્થળાંતર કે સ્થાનાંતરના વિષયમાં એ પોતાનો માલિક હતો. હમણાં ડ્રૉઇંગ-રૂમમાં તો હમણાં કિચનમાં.... હમણાં મુંબઇમાં તો કાલે દુબાઇમાં !

એટલો સંતોષ જરૂર થાય કે, આવા મોટા જ્વૅલર્સ કે બૉલપૅન ઉત્પાદકો પાસે પાળવા માટે આખી સરકારો મળી રહે છે, વિરોધપક્ષના નેતાઓ મળી રહે છે, ભરપુર પબ્લિસિટી આપવા માટે ટીવી-ચૅનલો મળી રહે છે... આ પાળેલા ડૉગીઓ સદભાગ્યે કોઇને કરડતા નથી... ટીવીવાળા પબ્લિસિટી આપે ત્યાં સુધી 'ભોં-ભોં' કરીને બધું હોલવાઇ જાય છે....

વાત જરાક હાથ બહાર જશે, એટલે મોદીને રોબર્ટ વાડ્રા યાદ આવશે !

સિક્સર
હવે પછી કોઇ બૅન્કમાં દસ-વીસ હજારનો ગોટાળો પકડાશે, તો બૅન્ક એનું સન્માન કરશે અને ટીવી-ચૅનલવાળાઓ પેલા બિચારાની ફિલમ ઉતારતી ડીબૅટો રાખશે.

No comments: