Search This Blog

21/02/2018

અમે તો પેલ્લેથી કે'તા'તા... !


ઘરમાં દોડાદોડી કરતું બાળક પડી ગયું ને ઢીંચણ છોલાયું, એમાં વાંક એ બાળક સિવાય બધાનો હોય છે અને ઘરના બધા પહેલેથી કહેતા હોય છે કે, ''અમે તો પહેલેથી કે'તા'તા કે, ઘરમાં ભીંતો નંખાવશો તો કોક દિવસ આપણો લેલુ અથડાશે... અરે મકાનમાં ભીંતો નંખાવાય જ નહિ... નંખાવો ત્યારે છોકરા અથડાય છે ને ? પણ અમારૂં સાંભળે છે જ કોણ ?''

સાચ્ચે, આપણા જેટલું બુદ્ધિશાળી ભાગ્યે કોઈ હશે. કંઈક બનવાનું હોય, એની આપણને પહેલી ખબર હોય છે ને જાહેરાત બનાવ બન્યા પછી કરીએ છીએ, ''હું તો પહેલેથી કે'તો'તો... વાતવાતમાં મોબાઇલ ફોન વપરાય જ નહિ... વાપરો છો ત્યારે કાકીના ગૂજરી જવાના સમાચાર એની ઉપર સાંભળવા પડે છે ને !''

સવાલ એ પૂછી શકાય કે, 'તમને પહેલેથી બધી ખબર હતી તો પહેલા કેમ બોલ્યા નહિ ? પહેલા બોલ્યા હોત તો આ ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી ગયો, એ તો ના રહેત ! આખું કિચન પાણી-પાણી થઈ ગયું.'

આ લોકો પહેલા કદી બોલે નહિ, એટલે પછી બોલવામાં એ સાચા પડે છે. ''હું નો'તો કેં'તો ?'' વાળી થીયરીને ઈંગ્લિશમાં I told you so થીયરી કહે છે. ઘડીભર તો આપણને આપણી ઉપર દાઝ ચઢે કે, આમને પહેલેથી ખબર હતી તો પહેલા એમની સલાહ કેમ ના લીધી ? લીધી હોત તો લેલુ ભીંત સાથે અથડાયો નહોત, કાકી ગૂજરી ગયા ન હોત અને ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી ગયો ન હોત !

પરણાવેલી દીકરી દુ:ખી થાય છે, ત્યારે ''હું તો પેલ્લેથી કે'તો'તો, કે આવા ઘરમાં છોકરૂં પૈણાવાય જ નહિ !'' એ વાત જુદી છે કે, આખા લગ્નમાં ૨૦-ટકા ડિસકાઉન્ટવાળો શૂટ પહેરીને મલકાતા મલકાતા એ જ ફરતા હતા.

''આમ તો ગીરૂ માટે ખાસ કોઈ સારો છોકરો મળતો નો'તો... બહુ તપાસ કરી. કંટાળીને સુરૂભ'ઈ મારી પાસે આયા, ''ભટ્ટસાહેબ... ગીરૂ માટે કોઈ સારો છોકરો ગોતી આપો... હું હવે તૂટી ગયો છું...'' કેમ જાણે મારી પાસે તો નોટબંધીની લાઇન જેટલા છોકરા હાજરસ્ટોકમાં પડયા હોય... પણ મેં'કુ... 'ગીરૂ ય આપણી જ દીકરી છે ને...લાઓ, એકાદ સારો છોકરો ભટકાડીએ' એમાં વળી બન્નેનું ગોઠવાયું.

મારાથી કોઈનું દુ:ખ જોયું ન જાય ! કન્યાને સારૂં ઘર મળ્યું, છોકરો સારો નીકળ્યો... ને સુરૂભ'ઈને એમના વાઇફ મારે ઘેર આવીને ખાસ થેન્કસ કીધા ને આપણે ય સામો વિવેક કર્યો કે, ''', હું તો પેલ્લેથી કે'તો'તો કે, આવું ઘર આપણી આખી જ્ઞાતિમાં પડયું નથી... કરી જ નાંખો આંખ મીંચીને !''

એ આંખ મીંચીને કરવામાં છોકરી ઘેર પાછી આવી. ''જોયું બોસ... અમારૂં કીધું માન્યું નહિ ને ગીરૂડી પાછી આઈ ને ? અમે તો પેલ્લેથી કે'તા'તા... ગીરૂડીના લગન-ફગનની ઉતાવળ ના કરો... ના કરો. એનું થોડું શરીર ભરાવા દો... આવી હાંઠીકડા જેવી વહુ ક્યા ઘરમાં ટકે ? સોફા ઉપર બેસાડવાને બદલે ખીંટી ઉપર લટકાવવી પડે. જરા ખવડાઈ-પીવડાઇને તગડી બનાઇ હોત તો એના ગોરધનને કેડે ઉચકીને ગામમાં ફરત પણ આમ ઘેર પાછી ના આવત... સુઉં કિયો છો ?''

''પણ ભટ્ટસાહેબ... તમે તો ગીરૂનું ગોતી આલ્યું'તું... છોકરો ય તમે બતાયો'તો. પહેલા ખબર હતી તો સુરૂભ',ને રોકીએ નહિ કે, અહીં કરવા જેવું નથી.'' ''ભઇ, આપણું કામ છોકરી પૈણાઈ આલવા સુધીનું... ! પછી આગળનું એ લોકોએ ફોડી લેવાનું હોય ! મેં ના પાડી હોત તો એ લોકો ના કરત ?''

એ તો તમને ખબર હશે કે, ગુજરાતભરમાં કોઈ પણ એક્સિડેન્ટમાં વાંક ગાડીવાળાનો જ હોય છે. સામે ભલે બીજી ગાડી હોય, ''જોઈને ચલાવતા જોર આવે છે... ?'' એ સવાલનો અર્થ એ થયો કે, પોતે જોઈને ચલાવતો હતો... ને તો ય એક્સિડેન્ટ થયો. ''આઈ એમ સોરી... વાંક મારો હતો'' એવું કબુલ કરવામાં ભરાઈ જવાય. સામેવાળી પાર્ટી, હોસ્પિટલ, પોલીસ અને અદાલત ચારે ય તમને છોલી નાંખે. ઉપસ્થિત હોય તો નગરજનો તમારી પિટાઇ કરે તે જુદું.

બેટર એ છે કે, વાંક સામેવાળાનો જ કાઢવાનો. સામેવાળો આપણો કાઢે. સવાર સુધી નક્કી થઈ ન શકે કે કોણ જોયા વગર ચલાવતું હતું. રસ્તા ઉપર જમા થયેલી ભીડને નહિ લેવા-નહિ દેવા, છતાં અદબ વાળી કે ખિસ્સામાં હાથ નાંખીને ઊભી રહેશે. બન્ને પાર્ટીઓ 'તમારો વાંક છે... તમારો વાંક છે' એ નક્કી કરવામાં થાકે ને ઘરભેગી થઈ જાય, એ આ ઘટનાનું ઉત્તમ રીઝલ્ટ આવ્યું કહેવાય.

એ વાત જુદી છે કે, આવા એક્સિડેન્ટમાં કોઈ યુવતી શામેલ હોય તો એક્સિડેન્ટ કરનારી બન્ને પાર્ટીઓ તો સવારની ઘરભેગી થઈ ગઈ હોય, પણ પબ્લિક પેલીને મદદ કરવા ખડે પગે તૈયાર હોય, ''બેન... વાગ્યું તો નથી ને ?... બતાવો તો જરા... ક્યાં વાગ્યું છે ?'' એકાદ થપ્પડનો અવાજ અને હજારની ભીડ પલભરમાં ઘરભેગી થઈ જાય.

'હું તો પહેલેથી કહેતો'તો' નામની આ કલાનો વિકાસ ક્રિકેટને કારણ થયો. આપણા દેશમાં કેપ્ટન વિરાટ કોહલી કરતા લગભગ બધાને ક્રિકેટનું સારૂં જ્ઞાન છે. કમનસીબે, ઈન્ડિયા મેચ જીતી ગયું, તો કોઈ કશું બોલનારૂં નહિ મળે. યસ. જીતવાનું તો ઈન્ડિયા જ છે, એવું અમે પહેલેથી કહેતા હતા, એ નિવેદન જીત્યા પછી બહાર આવે, પણ ઈન્ડિયા હાર્યું તો... ''બે અમે તો પહેલેથી કહેતા'તા... આ ધોનકાને કાઢવા જેવો છે... મેચની પથારી ફેરવી નાંખી. હવે પહેલા જેવું નથી રમતો...''

''
ધોનકો... યૂ મીન, મહેન્દ્રસિંહ ધોની... ? કેમ, એણે તારૂં શું બગાડયું છે ? અત્યાર સુધી તો તું જ ધોની-ધોની કરતો'તો...''

''બે... એક કેચ બાફ્યો નહિ ? એમાં જ પેલો ઠોકી ગયો ને ઈન્ડિયા હારી ગયું... આ તમારા ધોનીને જ કાઢવા જેવો છે...''

ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં કોણ હોવું જોઇએ ને કોને કાઢવો જોઈએ, એનું જ્ઞાન પાનના ગલ્લે કે ચા ની કીટલી ઉપર આવી હાફટન આઇટમો બહુ ગંભીરતાથી નક્કી કરતી હોય છે. સરવાળે તય એવું થાય કે, કોહલીને બદલે કીટલીવાળા નંદુને કેપ્ટન બનાવવો જોઈએ... ચા કેવી મસ્ત બનાવે છે !

''
પણ સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝ તો કોહલીએ જીતાડી આપી...''

''બોસ... હું તો પેલ્લેથી કે'તો'તો... કે કોહલી હોય એટલે જીતવાના તો આપણે જ !''

જે બહુ મોટી વ્યક્તિઓ હોય-જેમ કે, અમિતાભ બચ્ચન, સુનિલ ગાવસકર કે આપણા રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલ... એમને મોંઢે કદી ય સાંભળ્યું, 'હું તો પહેલેથી કહેતો હતો... !'?

''હા... પણ બે મોટી વ્યક્તિઓ કાયમ આવું કહેતી હોય છે... રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી !''

સિક્સર
''₹
૮૦-હજાર આપો, તો તમારા બાળકને એડમિશન અપાવી દઉં...'' પોતાના બાળકને અમદાવાદની એક મોટી સ્કૂલમાં એડમિશન અપાવવા એ લોકોએ પેલા ગુરૂને પૈસા આપ્યા... એડમિશને ગયું અને પેલો માણસ પણ છુ... !

No comments: