Search This Blog

25/02/2018

ઍનકાઉન્ટર : 25-02-2018


* ચૂંટણી લડતા ઉમેદવારે પોતાની એક નંબરની સંપત્તિ જાહેર કરવી પડે છે, પણ બે નંબરની મિલકતોનું શું ?
- આજ સુધી દેશના એકે ય નેતા પાસે બે નંબરની સંપત્તિ હોવાની સરકારોને જાણ નથી !
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછવા આધાર-કાર્ડ લિન્ક કરવાનું ક્યારે શરૂ થશે ?
- સવાલ પૂછનારાઓ પોતાનાં નામ- સરનામાં નહિ લખે ત્યારે.
(
આનંદ કણસાગરા, ઉપલેટા)

* રાહુલજીને પ્રવચન કરતાં ક્યારે આવડશે ?
- જ્યારે મોદી સિવાય બીજા એકે ય વિષયનું ભાન પડશે ત્યારે.
(
ધિમંત ભાવસાર, બડોલી- ઇડર)

* બેરોજગારી ક્યારે જશે ?
- રોજગારી આવશે ત્યારે.
(
મિત નંધા, અમદાવાદ)

* 'ઓપરેશન ઓલઆઉટ'માં હજી સુધી ૧૯૫- ગયા... તમારા 'એનકાઉન્ટર'માં કેટલા રહ્યા ?
-૧૯૫.
(
રવિ બી. ધાડવે, સુરત)

* તમને ભાજપના પ્રવક્તા નીમ્યા છે, એવું સાંભળ્યું છે !
- મને ખોટું બોલવાની આદત નથી.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* આવનારી લોકસભાની ચૂંટણીઓમાં 'મોદી મૅજીક' ચાલશે કે નહિ ?
- ચૂંટણી પહેલા લોકભોગ્ય બજેટ આવશે અને પાકિસ્તાન સામે ફરી સર્જીકલ-સ્ટ્રાઇક જેવું કંઇક કરી બતાવશે...
(
મધુરી પુરોહિત, ભાવનગર)

* ઘરવાળીનું મોઢું બંધ કરાવવા બાજુવાળીમાં વધુ ધ્યાન આપવાની ફોર્મ્યૂલા તમે બતાવી, પણ એમ કરવાથી બેમાં લટકે, તો શું કરવું ?
- બાજુવાળીને પડતી મૂકીને સામેવાળીમાં ધ્યાન પરોવો.
(
કાન્તિલાલ માકડીયા, રાજકોટ)

* વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપની જીત થઈ... સુઉં કિયો છો ?
- હવે તો ભાજપને ય એનું આશ્ચર્ય થાય છે.
(
મંથન પી.મોઢ, ગાંધીનગર)

* ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીઓમાં બધા પક્ષોએ બ્રાહ્મણોની બાદબાકી કરવાનું કારણ ?
- બ્રાહ્મણોની ૮૪- પેટાજ્ઞાાતિઓ છે અને બધીઓ એમ માને છે કે, આ ૮૪-માં સૌથી ઊંચા અમે ! પોતે બ્રાહ્મણ છે, એટલું પૂરતું નથી.
(
ડો.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* મારે શેરબજારનું કરવું છે. કેમ કરવું ?
- કરી નાંખો.
(
વિપુલ મકવાણા, સિંદસર)

* તમારે ચૂંટણી લડવી હોય તો ક્યાંથી લડો ?
- અત્યારના રાજકીય પક્ષોને જોયા પછી તો... હવે હું વોટ આપવા જઈશ કે કેમ, એ ય સવાલ છે !
(
રવિ દિયોરા, લુણધારા)

* બેસણાંની જાહેરાતો કે અવસાન નોંધ બિનજરૂરી નથી લાગતી ?
- તે હશે, પણ એ વગર મરવું કેવી રીતે ?
(
દિપક એમ.પંડયા, બિલિમોરા)

* શિયાળામાં શું કરવું અને શું ન કરવું ?
- શિયાળો ગયા પછી આવું ના પૂછવું.
(
ગૌરવ મૂલીયા, રાજકોટ)

* વર્લ્ડ- હેરિટેજમાં શામેલ થવા મરવું જરૂરી છે ?
- બેસ્ટ લક.
(
મૂકેશ વી. તેજાણી, ભાવનગર)

* ડો.મનમોહનસિંહ અત્યારે બોલે છે, એવું વડાપ્રધાન હતા ત્યારે બોલ્યા હોત તો ?
- ત્યારે ય કોણ સાંભળતું'તુ..?
(
અશ્વિન મોરે, વડોદરા)

* ભારતની સૌથી ખતરનાક નદી કઈ ?
- ભૂસકો માર્યા પછી ય બહાર આવવા ન દે એ.
(
આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)

* લો બોલો... રાહુલ ગાંધી પણ જનોઈધારી છે !
- જનોઈને સંસ્કાર સાથે સીધો સંબંધ છે.
(
શફવાના ઝેડ.પટેલ, ભરૂચ)

* શું તમે ભગવાનને કદી મંદિરમાં જોયા છે ખરા ?
- મને તો અરીસામાં ય દેખાય છે.
(
હિતેન મેંદાપરા, સુરત)

* વૈજ્ઞાનિકો લાંબા વાળ કેમ રાખતા ?
- તો તો અમારા કવિઓ ય વૈજ્ઞાાનિકો કહેવાય !
(
હિતેશ તળપદા, અલીણા-ખેડા)

* તમને રાષ્ટ્રગીત માટે ઝનૂન ઊપડે છે, એવું સૈનિકોના દુ:ખી થતાં કુટુંબીજનો ઉપર ઉપડે તો દેશનું કલ્યાણ દૂર નથી !
- તમારા બન્ને ઝનૂનોને પ્રણામ.
(
હેમાંગિની અતુલ શાહ, અમદાવાદ)

* ચૂંટણીના ઉમેદવાર પાસે મિનિમમ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ ?
- તમારે વિધાનસભાઓ અને લોકસભા ખાલી કરાવવી લાગે છે.
(
મહેશ એમ.પરમાર, અમદાવાદ)

* વિરાટ કોહલીની પ્રચંડ સફળતા પાછળ અનુષ્કાનો હાથ હશે ?
- પગ પણ હોય !
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમને તમારી કઈ કુટેવ ગમતી નથી ?
- કુટેવ સ્વીકારવાની.
(
રિયાઝ જમાણી, મહિવા)

* ઢેલને મનાવવા મોર કળા કરે તો નારીને મેળવવા નરે શું કરવું ?
- મોરને લગ્ન-બગ્ન કરવાનાં હોતાં નથી...માણસોએ તો કરવાં પડે !
(
દિનેશ કે.પટેલ, ભૂરાવાવ- ગોધરા)

No comments: