Search This Blog

08/04/2018

ઍનકાઉન્ટર : 08-04-2018

* કોંગ્રેસ ભાજપની કોઈ પણ મુદ્દે ટીકાઓ જ કરે છે...
- હા, ભાજપથી એમ પણ ન કહેવાય, 'મેરા ભારત મહાન.'
(
માવજી એમ.દેસાઈ, મુંબઈ)

* 'કર્મ'નો હિસાબ કઈ રીતે લખાય છે ?
- ડાબા હાથે.
(
પ્રાપ્તિ ઉર્મિશ રીંડાણી, રાજકોટ)

* તમારા ઘરમાં કોનું ચાલે છે ?
- અમારા મહારાજનું, નોકરનું... અને કામવાળીનું.
(
ભરત અંજારીયા, રાજકોટ)

* શિવસેના, બીજેપી અને વિશ્વ હિંદુ પરિષદ... ત્રણે ય ને એકબીજા સાથે બનતું નથી, એમાં હિંદુ એકતા ક્યાંથી આવે ?
- હા... એમાં રાષ્ટ્રિય એકતાનો તો છેદ જ ઊડી ગયો !
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* તમને સંગીતનું આટલું ઊંડું નોલેજ છે, તો સફળ સંગીતકાર બની શક્યા હોત... હાસ્યલેખક કેવી રીતે બની ગયા ?
- હાસ્યનું ય પૂરૂં નોલેજ નથી... રામ જાણે હવે શું બનીશ !
(
વિભૂતિ રમેશ જોશી, ઓલપાડ)

* કાળું નાણું બહાર આવશે તો દરેકના ખાતામાં રૂ. ૧૫-  લાખ જમા થશે... પણ મારા ખાતામાં ફૂટી કોડી ય જમા થઈ નથી !
- મારા આવશે તો તમને આપી દઈશ... લહેર કરો !
(
પી.એચ.પટેલ, ફત્તેપુરા-  કપડવંજ)

* ભાજપશાસિત રાજ્યોએ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ મૂક્યો...
- આમ ને આમ ચાલશે તો પ્રજા ભાજપ ઉપર પ્રતિબંધ મૂકી દેશે.
(
અબ્બાસભાઈ કૌકાવાલા, સુરત)

* મારા ગોરધન આખી રાત નસકોરાં બોલાવે છે... શું કરવું ?
- નસકોરાં કે ગોરધન... બેમાંથી એકે ય બદલાવી શકાય નહિ... બન્નેના સૂવાના ટાઈમો બદલાવો.
(
વનિષા આર. પ્રજાપતિ, પાટણ)

* વિધાતાના લેખ બ્રાહ્મણોને જ લખવાના હોત, તો તમે કેવા લખત ?
- પૈસા કેટલા મળે છે, એના ઉપર આધાર !
(
હરિભાઈ બકરાણીયા, અમદાવાદ)

* માતા-  પિતાને ઘરડાઘરમાં મૂકી આવનારાઓ માટે કોઈ સંદેશ ?
- અમેરિકામાં મેં નજરે જોયું છે, ત્યાંના 'સેન્ટરો' (ઘરડાઘર)માં વડીલોને પૂરા જતન અને વહાલથી રખાય છે... ને અહીં ય જોયું છે, કેટલાકમાં વડીલો હડધૂત થાય છે.
(
ફિઝઝા આરસીવાલા, મુંબઈ)

* દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોની ભેળસેળ પકડાય છતાં દાખલો બેસે એવી સજા કોઈને થતી સાંભળી નથી...
- શેખ આદમ આબુવાલાનું નિરીક્ષણ હતું : 'લાંચ લેતે પકડા ગયા ? લાંચ દેકે છૂટ જા.'
(
હરીશ મણિયાર, જેતપુર)

* બેન્કોનું કરી જનારાઓ સામે વડાપ્રધાન ચૂપ કેમ છે ?
- 'મન કી બાત.'
(
મણીબેન પટેલ, ઊંટડી)

* આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું શું કામ છે ?
- એ... શું કોઈ ચાની લારીવાળાનું નામ છે ?
(
કિરણ એસ.પારેખ, પાલઘર)

* શું જૂનાં ગીતોનો જમાનો પૂરો થઈ ગયો છે ?
- લગભગ...!
(
હારૂન ખત્રી, જામખંભાળીયા)

* સવારનું છાપું સાંજે પસ્તી કેમ થઈ જાય છે ?
- સવારે મૂકેલી ચા સાંજે પિવાય છે ?
(
કનૈયાલાલ ભાવસાર, વડનગર)

* મફતિયા પ્રધાનોના ભાડાંભથ્થામાં કાપ મૂકીને એટલા પૈસા સંરક્ષણ પાછળ ખર્ચાય તો?
- તો એ લોકો સંરક્ષણ-બજેટમાંથી ય ભાડાંભથ્થાં લેશે !
(
ઝંખના અંધારીયા, ભાવનગર)

* લગ્ન લાભ-શુભ ચોઘડિયામાં લેવાય છે, છતાં છૂટાછેડા કેમ થાય છે ?
- કેટલાક કિસ્સામાં લગ્ન કરતાં છુટાછેડા વધુ શુભદાયી હોય છે.
(
બાબુભાઈ પટેલ, શંકરપુરા-ખેડા)

* વડીલો માટે દીર્ઘાયુ એ વરદાન નહિ, શ્રાપ કેમ બને છે ?
- તમને શ્રાપ આપું કે વરદાન ?
(
નૈષધ દૈરાશ્રી, જામનગર)

* હવે પછી સવાલ પૂછનારાના મોબાઈલ નંબર, સરનામા ઉપરાંત આધાર-કાર્ડ પણ માંગશો ?
- તમે તો નમ્ર છો. ઘણા તો આ બધું મારી પાસે માંગે છે.
(
ખુશ્બૂ માલબ મારૂ, રાજકોટ)

* મેડમ તુસાડ્ઝના મ્યૂઝિયમમાં આપનું પૂતળું મુકાવવા આપની ફેન કલબે ભલામણ કરી છે...
- એટલી બધી મહેનત કરવાની જરૂર નથી. હાલમાં જે પૂતળા છે (પુરૂષના), એની નીચે આપણા નામની પટ્ટી મૂકાવી દેવાની .... ખર્ચો વહેંચી લેજો.
(
યુનુસ મર્ચન્ટ, મુંબઈ)

* તમારી દ્રષ્ટિએ પૂર્ણપણે નિ:સ્વાર્થ કથાકીર્તન કરતા કયા મહારાજ છે ?
- એક માત્ર, સ્વ.ડોગરેજી મહારાજ. આજના કથાકારો તો રાષ્ટ્રગીતે ય ગવડાવતા નથી.
(
અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આજના સમયમાં બધે અસમાનતા કેમ દેખાય છે ?
- 'ઇ.. કોઈને હાઇટ-બોડી નાના મળ્યા હોય !
(
મયંક આચાર્ય, જામનગર)

* લોકો લગ્નની કંકોત્રીમાં ભોજનનો સમય જ કેમ જોઈ લેતા હોય છે ?
-  હા, તે એમ કાંઈ હસ્તમેળાપમાં તો બેસી ન જવાય ને !
(
ઓમકાર, જોશી, ગોધરા)

* 'પ્રવાસ' કોને કહેવાય ? 'યાત્રા' કોને કહેવાય ?
- નહાવા ગયેલા માટે, 'એ તો યાત્રાએ ગયા છે' કે ટ્રેનના ઉપરના ટીયર પર સૂતેલો 'યાત્રા'એ ગયો છે, એમ ન કહેવાય !
(
ઇશ્વર બી.પરમાર, અમદાવાદ)

No comments: