Search This Blog

18/04/2018

તમે આ ત્રણ સવાલના સાચા જવાબ આપશો ?


'તમે ડ્રિન્ક્સ લો છો ?'

'તમને પારકી (પણ સુંદર) સ્ત્રીઓ ગમે છે ?

'....ગાળો બોલો છો ?'

આમાંનો એક એક જવાબ તમે સાચો જ આપવાના છો-મનમાં, અને બધાનો જવાબ 'હા'માં આવવાનો ! પહેલો સવાલ ઑપ્શનમાં છોડી શકાશે, પણ બાકીના બેમાં ક્યાંથી છટકવાના... ? ઍક્સક્યૂઝ મી...તમે પીતા હો તો, બહાર બધાને કહી દેવાથી આબરૂ વધવાની નથી અને 'નથી પીતા' એવું સાચું બોલવાથી આબરૂ વધી ય જવાની નથી.

(... લોકો આમ તો પાછા તમને ઓળખતા હોય ને...? આ તો એક વાત થાય છે !) 'નહિ પીનારાઓ'ના મનમાં ઠસી જાય છે કે, દારૂ પીનારા બધા આવા લફંગાઓ જ હશે ! નહિ પીનારાઓ એવી હવા ઊડાડે છે કે, દારૂએ લાખોની જીંદગી બર્બાદ કરી નાંખી....ઉફ, એક તો બતાવો ! હોય એમ તો...નફ્ફટની માફક ચિક્કાર દૂધ પીધે રાખે તો એમાં ય મરવાનો છે અને ત્યારે કોઇ પોસ્ટરમાં એવું લખેલું નહિ આવે, 'દૂધીયો દૂધને શું પીવાનો....? દૂધ જ દૂધીયાને પી જાય છે.'

આમાં તો, કોઇની પાસે કબુલ કરાવવાની જરૂરત નથી, પણ સારા ઘરના, ખૂબ શિક્ષિત અને ધૂમધામ પૈસાવાળા મોટા ભાગના ગુજ્જુઓ દારૂ પીએ છે. બધાને પોતાની મર્યાદા ખબર હોય, એટલે ફિલ્મોના દારૂડીયા જેવી વાત અહીં ક્યારેય ન બને. કમાલ કરે છે ગુજ્જુ સ્ત્રીઓ. પીવાનો હવે એમને માટે સ્ટેટસ-સીમ્બૉલ બની ગયો છે.

એમને પીતા ખાસ આવડતું નથી, પણ હવે આ લૅટેસ્ટ ટ્રૅન્ડ બની ગયો હોવાથી, '...ક્યારેક લઇએ વળી ! આમ હૅબિટ-બૅબિટ નહિ !' બે-ચાર ફૅમિલી ભેગા થયા હોય ત્યારે ગુજ્જુ સ્ત્રીઓ પૂરા ઠાઠમાઠવાળા કપડાં પહેરે છે. કપડાં... વૉ'ડી યૂ મીન...? સાડી...? આમ પીવા બેસવું અને આમ સાડી પહેરવી એટલે મણીબેનને ફાઇવ-સ્ટાર હૉટેલના ઍક્ઝિક્યુટિવ-સ્યૂટમાં ઉતાર્યા હોય એવું લાગે. ભ', આમાં તો...સૉરી, બેન આમાં તો જીન્સ અને ટૉપ જ હોય ! સ્ત્રીઓ માટે ડ્રાયવિંગ અને ડ્રિન્ક્સ, બંને 'ફાવે તો ફાવે'વાળો મામલો છે !

બીજો સવાલ સુંદર સ્ત્રીઓને મનભરીને જોવાનો છે. એવું ખૂબ ગમે, એમાં તો કોઇ ના પાડી શકે એમ નથી. (ના પાડવા જાય તો સમાજમાં ખોટી શંકાઓ ઊભી થાય.) અફ કૉર્સ, મનભરીને તો ક્યારેય કોઇ સુંદરી જોઇ શકાતી નથી. આખરે, આપણે આબરૂ સાચવીને નાના નાના ગૂન્હાઓ કરવાના છે. એવું ઊભડક જોઇ લેવામાં ય કેટલી બધી શરતો પાળવી પડે છે !

એક તો, વાઇફ બાજુમાં ન હોવી જોઇએ. બીજું, આપણે પેલીને જોઇએ છીએ, એની સમાજને ખબર પડવી ન જોઇએ. ત્રીજું, એના ગયા પછી બીજી આવતી જ હોય છે, એટલે ગૂમાવ્યાનો જીવ બાળવો મૂર્ખામી છે. સુંદર સ્ત્રીને ટગરટગર જોતી વખતે એક આકરી શરત એ પણ પાળવી પડે છે, કે એને ટગરટગર જોઇ શકાતી નથી. એમાં ય, આપણે એને જોઇએ છીએ, એ કમસેકમ એ જોતી હોવી ન જોઇએ, નહિ તો એની બા ય ખીજાય !

બહુ અઘરી શરત તો એ પણ છે કે, વાઇફ ભલે આપણી સાથે હોય ,એ ખાસ કાંઇ નડવાની નથી. એ બાજુમાં ચાલતી હોય ને ! આપણું લશ્કર ક્યાં લડે છે, એની સેનાપત્નીને ખબર ન પડે, પણ પેલીનો ગોરધન વીસ-પચ્ચીસ માઇલ દૂર હોવો જોઇએ. એ આપણને જોઇ જવો ન જોઇએ. વાઇફની માફક એને આપણી બાજુમાં ચાલવાની ઑફર કરી શકાતી નથી. આપણે આવી સુંદરતા જોતા હોઇએ, ત્યારે એ આપણી સામે ઘુરતો હોય...સાલો કદરદાનીનો જમાનો જ રહ્યો નથી કોઇ પંખો ચાલુ કરો !

પ્રકૃતિની આ એક મનમોહક રચના છે કે, આજના ત્રણે પ્રશ્નપત્રોમાં ઉંમરનો કોઇ બાધ નથી. ૭૦-૭૫ ઉપર પહોંચેલો સમાજ માટે નકામો થઇ ગયો હોઇ શકે, પણ સ્ત્રીઓ માટે એ કદી નકામો હોતો નથી. આ ન'કામો' શબ્દનો ઍક્ઝૅક્ટ શબ્દાર્થ લેવાનો નથી. ૭૫-૮૦ વાળાય લાંબુ ચાલે એવા હોય છે, પણ 'એ કાકા...હવે તમે ડોહા થયા...' એવા એવા તાના મારીને બિચારાને ગાર્ડનના બાંકડે ફિટ કરાવી દે છે.

અને છેલ્લો સવાલ. તમે ગાળો બોલો છો ?

કોઇ આ સવાલ મને પૂછે તો હું તરત ઉમળકાભેર 'હા' પાડી દઉં છું. મને ગાળો સંભળવી નહિ, બોલવી બહુ ગમે. અને એ પણ ગમે ત્યાં વેડફી ન નાંખુ. લાઇફમાં કદી એક વાર પણ 'સાલો' જેવી ગાળ નહિ બોલેલા, બહુ દૂધે ધોયેલા હોય છે ને મા-બેનની નઠારી ગાળો બોલનારા પાપીઓ છે, એની તો હું ગાળ બોલીને ય હા ન પાડું. કહેવાય છે કે, ગાળ એ ગુસ્સાની વૉમિટ છે.

જ્યાં તમે છુટા હાથની મારામારી કરી શક્તા નથી, જ્યાં કોઇને મારવા જઇએ ત્યાં આપણને વાગે એવું વધારે હોય છે ને જ્યાં રોજના પચાસ સાથે હાથોહાથની ફાઇટિંગ કરવી ફાવે એવું ન હોય ત્યારે ગાળો બોલી નાંખવાથી આપણી ઉત્તેજના શાંત થાય છે, મન હળવું થાય છે, બદલો લીધાનો સંતોષ થાય છે અને દુશ્મન આપણું કાંઇ બગાડી શક્તો નથી, કારણ કે આવી ગાળો કાચ બંધ કરીને ચાલુ ગાડીએ નફ્ફટ ટ્રાફિક-નૉનસૅન્સિયાઓને દેવાની હોય છે.

કાચ ખોલીએ તો પેલો મારવા આવે ને ? વળી આવી મા-બેનની ગાળો મનમાં બોલી નાંખવાની હોય છે તેથી કારમાં બાજુમાં ફાધર બેઠા હોય તો ય ચિંતા કરવી ન પડે. શહેરના લોકોની ટ્રાફિક-સૅન્સ જોયા પછી રોજની પચાસ મારામારીઓ કરો ત્યારે મન હળવું થાય...તનના ઠેકાણાં ન રહે ! સુઉં કિયો છો ? મૅનેજમૅન્ટ કે મૅડિકલનું ભણતી છોકરીઓ કે ઉચ્ચ ખાનદાનની સન્માન્નીય સ્ત્રીઓને પણ બેફામ નઠારી મા-બેનની ગાળો દેતા જોઇ છે (મને નહિ...) ભલે બોલતી. ગંદી ગાળો બોલવાથી કોઇનું ખાનદાન નીચું આવી જતું નથી...

.... અને નહિ બોલવાથી સંસ્કારો આવી જતા નથી.

સિક્સર
ટીવી-ચૅનલોની ડીબેટોમાં એકબીજાની સાથે બેફામ ઘાંટાઘાંટ કરીને ઝગડતી ભાજપની પ્રવક્તા નૂપુર શર્મા, કૉંગ્રેસની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી અને 'આમ આદમી'વાળી અલકા લામ્બા, રામ જાણે કોના પૈસે દોહા-કતારના કરાના બીચ ઉપર એકબીજા સાથે ધીંગામસ્તી કરતી એક ફોટામાં જોવા મળી છે....

આપણે ભાજપ અને કૉંગ્રેસ માટે ઝગડી મરીએ છીએ.

અને તમે ભાજપના હો કે કૉંગ્રેસ તરફી, આટલા અમનચમન કરતા આપણા ધારાસભ્યોએ હજી પોતાના પગાર-ભથ્થાં વધારવાની માંગણી કરી છે. દરેકે સહિઓ કરી છે.

...અને અનામતના મુદ્દે દેશનો એક પણ નેતા સવર્ણો કે ઓબીસી માટે એક અક્ષરે ય બોલ્યો નથી...ભલેને સંપૂર્ણ એકતરફી દલિતો માટે બોલે, પણ કંઇક તો બોલે ! કેવી રમતો રમાય છે આ દુષ્ટ લોકો દ્વારા...! આવાને ઇ.સ. ૨૦૧૯-ની ચુંટણીમાં વોટ અપાય ?

No comments: