Search This Blog

14/04/2018

'સંગદિલ'('૫૨)

ફિલ્મ : 'સંગદિલ'('૫૨)
નિર્માતા  દિગ્દર્શક : આર.સી. તલવાર
સંગીત    : સજ્જાદ હુસેન
ગીતકાર    : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ : ૧૫૦ મિનિટ્સ
કલાકારો    : દિલીપ કુમાર, મધુબાલા, લીલા ચીટણીસ, પ્રોતિમાદેવી, શમ્મી, દારાસિંઘ, રામઅવતાર, અનવર હૂસેન, કુલદીપ કૌર, બૅબી રોશની અને સુરેન્દ્ર જુનિયર.           

ગીતો
૧.ધરતી સે દૂર ગોરે બાદલોં કે પાર આજા... આશા ભોંસલે-ગીતા રૉય
૨. દર્શન પ્યાસી આઇ દાસી, જગમગ દીપ જલાયે... ગીતા રૉય
૩. દર્દભરી કિસી કી યાદ, દિલ મેં લગા રહી  હૈ આગ.. આશા ભોંસલે
૪.યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર...તલદ મેહમુદ
૫. વો તો ચલે ગયે અય દિલ, યાદ સે ઉનકી પ્યાર કર..લતા મંગેશકર
૬. દિલ મેં સમા ગયે સજન, ફૂલ ખીલે ચમન ચમન...લતા-તલત
૭. કહાં હો કહાં મેરે જીવન સહારે... તલત મેહમુદ
૮. લે ચલ વહાં પિયા જહાં તેરા મેરા જિયા... શમશાદ બેગમ
૯. દર્દભરી કિસી કી યાદ... આશા ભોંસલે
ગીત નં. ૮ અને ૯ ફિલ્મમાં લેવાયા નથી.

અમારા કૉલેજકાળ વખતે આવા ફાંકા મારવાનો વિનય ઘણામાં છલકાતો હતો, ''બર્નાર્ડ શૉ પાછળ તો હું મારી મિલ્કત લૂંટાવી દઉં, એટલો ગમે ! રોજ શૉ ને એક વાર વાંચવાનો તો ખરો જ !'' તો બીજો કહે, ''એં... જેમ સાયગલની પાસે કોઇના ક્લાસ નહિ, એમ શૅક્સપિયરથી મોટો તો એ પોતે ય નહિ...'' છેલ્લે, દાંત ખોતરતો પેલો ઠંડકથી કહેશે, ''હંહ.. તમારામાંથી કોઇએ શાર્લોટ બ્રૉન્ટી (charlotte bronte)ની 'જૅન આયર' (jane lyer) વાંચી છે...? ', મારા ફાધર અને મારી દ્રષ્ટિએ તો આનાથી મોટો કોઇ સર્જક જ થયો નથી...'' આવા આવા ફાંકાઓ પડે. રૉમભ'ઇને ખબરે ય ન હોય કે શાર્લોટ (અથવા કેટલાક દેશોમાં ઉચ્ચાર ''શાર્લોટી'' થાય છે.) લેખક નહિ, લેખિકાનું નામ છે.

ઇ.સ. ૧૯૧૦ થી માંડીને વિશ્વભરમાં શાર્લોટની આ નૉવેલ પરથી એક, બે, ત્રણ નહિ, પૂરી દસ ફિલ્મો બની છે, જેમાંથી ૭ના તો નામો પણ 'જૅન આયર' રાખવામાં આવ્યા હતા... એ ઉપરાંતનું એક 'સંગદિલ.'

'સંગ' એટલે પથ્થર. સંગતરાશ એટલે શિલ્પી, જે કિરદાર 'મુગલ-એ-આઝમ'માં ચરીત્ર અભિનેતા કુમારે નિભાવ્યો હતો... સ્વાભાવિક છે, 'સંગદિલ' એટલે.. ''પથ્થર કે સનમ'' ! આ જ દિલીપની સામે આવી જ સંગદિલ વહિદા રહેમાન ફિલ્મ 'દિલ દિયા, દર્દ લિયા'માં બને છે.. 'હમકો ન યે ગૂમાન થા, ઓ સંગદિલ સનમ...' પણ અહીંના પાપ અહીં જ ધોવા પડે છે, એ ન્યાયે દિલીપ મધુ સામે આ ફિલ્મમાં પથ્થરનો ખડક બની ગયો હતો, એનું એને 'દિલ દિયા...'માં ભોગવવું પડે છે.

દિલીપ કુમાર હોય એટલે ફિલ્મ સારી જ હોય, એવું ન બોલાય... બોલવું હોય તો એમ બોલાય કે, દિલીપ જેવો સિધ્ધહસ્ત હીરો આવી સામાન્ય ફિલ્મમાં ક્યાં ભરાઇ ગયો...? ફિલ્મમાં દિલીપ ગમે છે. કિંમત દિલીપની પર્સનાલિટી અને અભિનયની છે કે, સામે છેડે મધુબાલા હોવા છતાં તમે દિલીપને જ જોયે રાખો. સવાલ એની પર્સનાલિટીથી અંજાવાનો નથી... સ્ક્રીન ઉપર એની હાજરી તમને જકડી લેવા આવે. મધુબાલાને વધુ પડતી ગંભીર બનાવી દેવાઇ છે, કારણ કે ફિલ્મની મૂળ વાર્તાની હીરોઇન (જૅન આયર) પણ એ જ વ્યક્તિત્વ માંગે છે.

પણ એ આ ફિલ્મ ઉતારનાર આર.સી. તલવારને ઝાઝી ખબર પડી નહિ હોય, નહિ તો નિબંધ 'તાજમહલ'વિશે લખવાનો હોય ને ભ''બચુભ'ઇ મુન્નાભ''ના ગૅરેજ વિશે લખી લાવે, એવી સામાન્ય ફિલ્મ 'સંગદિલ' ઉતારી છે.

જુની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોનું મોટું પાપ એ કે, બધા દિગ્દર્શકો અને કૅમેરામૅનો ૯૦ ટકા ફિલ્મો તો અંધારામાં ઉતારે. જેટલો પાર્ટ તેજસ્વી હોય, એટલા પૂરતું જ લાઇટ મૂકે. આ આર.સી. તલવારે શમ્મી કપૂરવાળી ફિલ્મ 'મૅમસા'' અને રાજ કપૂરવાળી 'એક દિલ સૌ અફસાને'. આ સિવાય 'સાકી' અને 'ખીલાડી' પણ  'તલવાર'બાજીનું પરિણામ !

પૂરી ૧૬ મિનિટ રાહો જોવડાવ્યા પછી પરદા ઉપર મધુબાલાનું પ્રાગટય થાય છે. એ ભોળીનો એટલો જ ગૂન્હો કે નાનપણમાં દિલીપ કુમારની સાથે એક કમ્પાઉન્ડમાં રમીને-દિલીપને પ્રેમો કરી કરીને યુવાનીની પહેલી બારી ખોલે છે ને ત્યારે આપણે એને જોઇ શકીએ છીએ. પણ એ આવે ત્યાં સુધી આંખોમાંથી આંસુઓની ધાર ચાલી જાય અને મગજમાં ધારદાર ગુસ્સા ફાટી નીકળે, એવા ત્રણને એ ૧૬ મિનીટ સુધી જોયે રાખવાના.

એમાંના બે-એટલે બારમાસી રોતડ ક્લબના લાઇફ મેમ્બર્સ લીલા ચીટણીસ અને જીવતે જીવતા હરદમ મરેલો લાગતો ઍક્ટર 'શિવરાજ'થી આપણે મોંઢા સિનેમા-હૉલમાં સંતાડવાના... નહિ તો બા ખીજાય ! પણ આ ફિલ્મમાં અને ખરેખરી ખીજકણી અમીરબાનુ છે. જ્યારે જુઓ ત્યારે નાનકડી મધુબાલા (બૅબી રોશની)ને પિટતી જ હોય અને નાનો દિલીપ કુમાર (સુરેન્દ્ર જુનિયર) ઊભો ઊભો જોયા કરતો હોય. (સરપ્રાઇઝિંગલી... સુરેન્દ્ર ક્યાંક ક્યાંક દિલીપ કુમાર જેવો લાગે પણ છે !)

બચપણમાં એકબીજાને પ્રેમ કરતા રહીને મોટા થઇને વિખૂટા પડી ગયેલા દિલીપ-મધુ મોટા થયા પછી જુદા પડી જાય છે. મધુ કોક મંદિરમાં પૂજારણ બને છે અને દિલીપ રઇસ ખાનદાનનો વંઠેલો દીકરો તુંડમિજાજી અને સ્ત્રીઓનો શોખિન. પોતાને થયેલા અન્યાયો માટે એ જગત સાથે લડી લેવા માંગે છે.

નાટકીય ઘટનાઓ પછી સિનેમાના પ્રેક્ષકોને ય ઘેર જવાનું હોય ને, એ દયા રાખીને બરોબર ૧૫૦મી મિનીટે ફિલ્મ પૂરી કરવામાં આવે છે. એ દરમ્યાનમાં લીલા ચીટણીસ, પ્રોતિમાદેવી, શમ્મી, દારાસિંઘ, રામઅવતાર, અનવર હૂસેન અને કુલદીપ કૌર ડૉકિયા કરવા આવતા-જતા રહે છે. આમે ય, ફિલ્મ દિલીપની હોય ત્યારે બાકીના કલાકારો એ ઍક્ટિંગ નહિ, ડોકીયાં કરવાના હોય !

જો કે, એમાં... હમણાં જ ગૂજરી ગયેલી પારસી શમ્મીને સૅકન્ડ હીરોઇનનો (વૅમ્પનો) રોલ મળ્યો છે. '૬૫થી '૮૦ના દાયકાઓમાં ફિલ્મોમાં ડ્રેસ-ડીઝાઇનરનું કામ કરતી શમ્મીની સગી બહેન 'મની રાબાડી'એ પોતાનું નામ હૉલીવૂડની ફિલ્મોમાં પણ રોશન કર્યું હતું. પણ આપણા ગુજરાતીઓને તો જે કામ ઘર જેવું લાગે, એ ઉઠાવી લેવાનું, એ હિસાબે 'મણીબેન રબારી' કરી નાંખ્યું હતું.

એમ તો શમ્મીએ બે-ચાર જાણિતી ફિલ્મોમાં હીરોઇન તરીકે કામ કર્યું હતું. એનું સાચું નામ 'નરગીસ રબાડી' હતું. ગાયક મૂકેશ સાથે એ હીરોઇન હોવાને કારણે એ બન્નેની ફિલ્મ 'મલ્હાર'માં મૂકેશ સાથે મધુરા ગીતો ગાવા મળ્યા હતા. ('કહાં હો તુમ જરા આવાઝ દો હમ યાદ કરતે હૈં...') આશા પારેખની એ જીગરજાન દોસ્ત. બન્ને હરદમ સાથે જ હોય ! ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ'માં શમ્મીનો રોલ થોડોઘણો વખણાયો હતો.

બ્લૅઝર્સ તો દિલીપ કુમાર કદાચ 'માર્ક્સ ઍન્ડ સ્પૅન્સર્સ' ના પહેરતો હશે, પણ અહીં પૂરી ફિલ્મમાં એ કડક શૂટ-ટાઈમાં ફરતો રહે છે. ગામ બખોલ જેટલું નાનું છે, એનો બિઝનૅસ શું છે, એ કોઇને ખબર નથી, ઘરમાં ય શૂટ શેને માટે પહેરી રાખવો પડે, એની તો સાયરા બાનુને ય ખબર પડી નહિ હોય ! અમથું ય, ભારતના હવામાનને કારણે હવે તો ચુસ્ત ઍક્ઝિક્યુટીવ શર્ટ સાથે ટાઇ પહેરવાની પણ બંધ થવા માંડી છે. ભૂલ્યા વગર લાયન્સ-રોટરીવાળાઓ એક જમાનામાં દરેક કાર્યક્રમમાં સફારી પહેરીને આવતા ને ખિસ્સા ઉપર બિલ્લો ચોંટાડયો હોય. હવે તો એ લોકોને ય સમજ આવી ગઇ છે કે, સફારી સિવાય બીજા કપડાં ય સારા લાગે !

કાંઇ બાકી રહી ન જાય, એટલે ફિલ્મનું એકોએક પાત્ર-દિલીપથી લઇને ડોસી પ્રોતિમાદેવી એક જ લયથી-એક જ શિથિલ ગતિથી... અરે, એક જ હાવભાવથી ઍક્ટિંગો કરે જાય છે. દ્રષ્ય કરૂણ હોય કે તોડફોડનું, વિવેક બધા જાળવે છે. જે લયમાં મરેલો શિવરાજ બોલે, એ જ લયમાં દિલીપ કુમાર કે મધુબાલા કે બાકીના તમામ પાત્રો બોલે. ઍક્ટિંગ કરતી વખતે જગ્યા ઉપરથી ખસવાનું પણ નક્કી કરેલી એક જ ધીમી ગતિએ. પૂરી ફિલ્મમાં ક્યાંય તમને સ્ફૂર્તિ ન દેખાય.

શિવરાજ નામનો બીજો એક બારમાસી રોતડો ગયા જનમનો રડતો રડતો અહીં આવી પહોંચ્યો હશે. મરવાનો એને અભિનય જ કરવો પડે એમ નથી... એ ખોટી દોણીઓ ઉચકાવે છે. એની સ્મશાનયાત્રામાં સદીઓ જૂના અનુભવી ડાઘુઓ નાના પળશીકર, નઝીર હૂસેન, મનમોહનકૃષ્ણ, સુલોચના, દીના પાઠક, નિમ્મી, લીલાબાઇ ચીટણીસ... આ બધી ડાઘુ-ઈલેવનો એક પછી બીજી ફિલ્મમાં હોય જ ! (ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણ અને પ્રદીપ કુમાર બેસણાના માનદ કલાકારો !.... હવેના ફિલ્મ-ઍક્ટરો તો કાળા ધબ્બ ગૉગલ્સો પહેરીને બેસણાઓમાં આવે છે.)

પણ એક જબરદસ્ત હીરોઇન હતી આ ફિલ્મ 'સંગદિલ'માં, કુલદીપ કૌર. પ્રાણે જીવનમાં એક જ વખત લફરૂં કર્યું હતું અને એ પણ આવી બાઇ સાથે ! જેને, તોફાની અને બાગી લેખક-પત્રકાર સઆદત હસન મન્ટોએ મુંબઇના પરાંની ટ્રેનના ફર્સ્ટ-ક્લાસના ખાલી ડબ્બામાં જે.નખ્શબ સાથે આખી સુહાગરાત ઉજવેલી જોઇ છે.... અને એ બધું અક્ષરસ: લખી પણ માર્યું છે.

(નખ્શબ નાદિરાનો 'વન ઑફ ધ પતિઝ' હતો), જેણે લતાના 'મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ ચાહત કો ભૂલા દેના...' અને 'આયેગા, આનેવાલા, આયેગા...' જેવા ઑલટાઇમ ગ્રેટ ગીતો ખેમચંદ પ્રકાશના સંગીતમાં ફિલ્મ 'મહલ'માં લખી આપ્યા હતા... અને લતાનું પોતાનું નામ કોતરેલી પૅન લતા પાસેથી આંચકી લઇને ભાગી ગયો અને છેવટે આખી ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં એને બદનામ કરી કે, 'જુઓ... હું અને લતા એકબીજાના પ્રેમમાં છીએ...!' ડઘાઇ અને ડરી ગયેલી લતા ઘરમાંથી બે મહિના બહાર નીકળી શકી નહોતી.

પણ જે કામ હોય તે બધું હેઠે નાંખી દઇ, કેવળ સજ્જાદ હૂસેનના આ ફિલ્મના ગીતો શણગારી રાખવા જેવા છે. તલતનું, 'યે હવા યે ચાંદ યે રાત હૈ, તેરી એક અદા પે નિસાર હૈ...' 'દિલ મેં સમા ગયે સજન, ફુલ ખીલે ચમન ચમન...' 'કહાં હો કહાં મેરે જીવન સહારે' અને હજી એક આશા-ગીતાનું, 'ધરતી સે દૂર ગોરે, બાદલોં કે પાર આજા...' સોહામણું ગીત બન્યું છે.

જે લોકો મારા-તમારા કરતા હિંદી ગીતોનું જ્ઞાન વધારે ધરાવતા હશે, એવા આઠેક લાખ વાચકોના પત્રો આવવાના કે 'સજ્જાદ જરા તોછડો હતો, તેનાથી એના સંગીતને જોડવાની ક્યાં જરૂર છે ? દિલીપ કુમાર-મહામેહનતે સજ્જાદે બનાવેલી ધૂનમાં સજ્જાદને પૂછ્યા વગર સીધી ફિલ્મ 'હલચલ'ના દિગ્દર્શક કે.આસિફ પાસે લાલચોળ થતો પહોંચ્યો, 'યે... ઐસી ક્યા કોઇ ધૂન હોતી હૈ...? નીકાલ દો, મેરે ગાનોં મેં સે...!' ખબર પડી એટલે સજ્જાદ આસિફને પૂછ્યા વિના સીધો પાર્ટી પાસે પહોંચ્યો, 'યુસુફ... મેં તુમ્હેં ઍક્ટિંગ સીખાને આતા હૂં...?..... નહિ, ના ? તો આજ પછી મારા સંગીતમાં તું માથું ન મારતો....'

ધી ગ્રેટ નૌશાદને એ ખૂબ ધિક્કારતો ને પોતે જી-જાનથી ધિક્કારે છે, એ બતાવવા સજ્જાદે પોતાના પાળેલા કૂતરાનું નામ 'નૌશાદ' રાખ્યું હતું, 'ચલ નૌશુ બેટે.. મેરે જૂતે ચાટ લે...'

કિશોર કુમારને એ જોકર કહેતો, એના મરહૂમ પિતાજીનો ય છૂટકો ન રહ્યો ત્યારે સજ્જાદે મુહમ્મદ રફી પાસે થોડાઘણા ગીતો ગવડાવ્યા. 'મૂકેશ તો નાકથી ગાય છે', એવું બેધડક કહી દેતો. એ પૂજારી થઇ ગયો એક માત્ર લતા મંગેશકરના મંદિરનો. મૅટ્રિક-પાસ છોકરાને તો આવડે ય નહિ, એવી સુંદર ભાષામાં એણે લતાના કંઠને સજાવ્યો છે. કહે છે : Lata sang and others made miserable efforts..

જેને સંગીતની સમજ છે, એ બધા જાણકારો કહેશે, 'સજ્જાદ, ઘનચક્કર દેખીતો હતો જ, પણ એનું અલૌકીક સંગીત કદાચ આ ગ્રહ માટે બન્યું જ નહોતું.'

સજ્જાદ હૂસેન એક માત્ર ફિલ્મી વ્યક્તિને એ જીવ્યો ત્યાં સુધી 'પ્રભુ કુંજ'-મુંબઇ  એટલે કે લતાના ઘરે ગમે ત્યારે આવવા જવાની છુટ હતી.

લતા મંગેશકર અને નૂરજહાં સિવાય એ કોઇને ગાયિકા પણ માનતો નહોતો. કોઇકે સજ્જાદ હૂસેનનું ધ્યાન દોર્યું, ''અભી કલકત્તે સે કોઇ સંધ્યા મુકર્જી આઇ હૈ...!'' (સંધ્યા ગાયિકા હતી.) જવાબમાં સજ્જાદે કીધું, ''', હમ સંધ્યા-સુબહા નહિ જાનતે... હમ તો સિર્ફ લતા કો જાનતે હૈ...!'' 

સજ્જાદ હૂસેન બેનમૂન સંગીતકાર હતો, પણ તર્જ બેસાડવા માટે એ પોતાના ઘણાં ગીતોમાં એક શબ્દ રીપિટ કરાવે. 'કહાં હો, કહાં  મેરે'.... 'માજંદરા, માજંદરા', 'ભૂલ ખીલે ચમન-ચમન', અને ધી ઓલ ટાઇમ ગ્રેટ (સંગીતથી) ફિલ્મ 'સૈંયા'નું  'કાલી કાલી રાત રે, દિલ બડા સતાયે રે'....      

યસ. પહેલવાન-હીરો દારાસિંઘની આ સૌથી પહેલી ફિલ્મ હતી. એકાદ ટચુકડા દ્રષ્યમાં એ દેખાય છે. 

No comments: