Search This Blog

25/04/2018

ઊંઘની ગોળી


ઘર આખું ઘસઘસાટ સુતું હોય એટલે જે કાંઈ કરવાનું, એ બધું છાનુંમાનું કરવાનું. 'જે' કાંઈ કરવામાં ફક્ત ઊંઘની ગોળીઓ શોધવાની હતી. રોજ તો ૧૧-૧૨ વાગે ગોળીઓ ગળી જઈએ. આજે રહી ગઈ હતી એટલે ઊંઘ આવતી નહોતી. અડધી રાતના પોણા ત્રણ વાગ્યા હતા. આ તો વળી આપણો સ્વભાવ સારો કે, આપણે કામે વળગ્યા હોઈએ તો બીજાની ઊંઘો ના બગાડવી ! પ્રથા એવી પડી ગઈ હતી કે, ગોળીઓ લીધા વિના ઊંઘ ન આવે.

રાત્રે જ નહિ, સવારના છ- છ વાગ્યા સુધી નીંદરૂં નો આવે ! પડખા બદલી બદલીને કેટલા બદલો ? પથારીની બાઉન્ડરી બહાર પડાય નહિ, નહિ તો ભમ્મ થઈ જઈએ. આમાં તો વાઈફ સતિ સીતા જેવી હોય તો પણ હડફ કરતી ઉભી થઈ જઈને ભડકીને ઘાંટો પાડે, ' આ સું માઈન્ડુ છે અડધી રાતું માં ? પોતે ઘોંટતા નથી ને બીજાઉંને ઘોંટવા દેતા નથી.' બહુ ઓછી વાઈફોને ખબર હોય છે કે, એના ગોરધનને ઊંઘો નહિ આવવા માટે જવાબદાર એ લોકો હોય છે.. આપણે બીજા તો કોનાથી ડરવાનું ?

આમાં પાછી એવી રીકવેસ્ટો ન કરાય કે, હમણાં કલાક- બે કલાક મારા બદલે તું પડખાં બદલી આપ ને ! બદલી બદલીને મારા ખભા દુખી ગયા છે. ગોળી તો રોજ બે લેવી પડે. એ વિના ઊંઘ આવવી શક્ય નથી. આમાં વૈકલ્પિ વ્યવસ્થાઓ વિચારાઈ નથી કે, તમારા ઘેર ઊંઘ ન આવે, તો બાજુવાળાને ઘેર જઈ આવો. પડોસી ગમે તેટલા સહકારની ભાવનાવાળા હોય, ઇમરજન્સી હોય તો પણ નહાયા પછી બે ઘડી એમનો ટુવાલ માંગવા જવાય નહિ. એમે ય ન કહેવાય કે, મને નીંદર નથી આવતી તો આવો ને આપણે તીનપત્તી રમવા બેસીએ !

એટ ધ મોસ્ટ, ગ્રાઉન્ડ- ફલોરે જઈ શકો. ત્યાં પાર્કિંગમાં કૂતરા સુતા હોય, ગાયો ઉભી હોય ને બીક લાગે એવા લાંબા કોટ અને હાથમાં મોટી ટોર્ચવાળો વોચમેન દર ત્રીસમી સેકન્ડે સોસાયટીમાં ચાલતા ડંડા પછાડતો હોય. વોચમેનની જેલસી થાય કે, એ ધારે ત્યારે ઘસઘસાટ ઊંઘી શક્તો. સુતેલો વોચમેન પણ કાંઈ શીખવી શકે, એ ધોરણે એને સૂતેલો જોઈ આવ્યો, ત્યારે ખબર પડી કે, ઊંઘ ન આવતી હોય તો લોખંડની ખુરશી પર માથું ટેકવી, પગની આંટી મારી, બન્ને હાથ પેટ પર રાખીને સુઈ જાઓ તો ઊંઘ જલ્દી આવે. નીચે ગયો જ હતો, તો મેં'કુ...લાય, ભેગાભેગું ગાય- કૂતરાની સુવાની સ્ટાઈલો ય જોઈ લઈએ. ગાય સુધી બધું બરોબર હતું.

પણ કૂતરાની માફક આખી રાત જીભ બહાર કાઢીને ન સુવાય. માણસ સિવાયના કોઈ જાનવરને ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી નથી, એની આપણને ખબર.. પહેલા થયું કે વોચમેનને જગાડીને પૂછી જોઉં કે, 'તમે આમ ઘસઘસાટ સુવા માટે કઈ ગોળીઓ લો છો ?' પણ એ કોઈના ધંધા ઉપર લાત મારવા જેવું થયું, એટલે તમને આટલી સરસ ઊંઘો આવે છે તો મને તમારી જગ્યાએ સુવા દો અને તમે ઉપર... !!!

નિરાશ થઈને ઉપર પાછો આવ્યો. ઘરમાં ક્યાંક તો ગોળીઓ પડી હશે. એ આશાએ ફરી એકવાર જોબ પર લાગી ગયો. પત્ની પોતાની કોઈ મહેનત કે આવડત વગર ઘસઘસાટ ઊંઘતી હતી. એ જાગી ન જાય, એમ એનું ઓશિકું ઊંચુ કરી જોયું.

કબાટો ફરી ફેંદ્યા. ફ્રીજની બધી ભરેલી બોટલો ઊંધી વાળી જોઈ... કદાચ ગળતા પહેલા ગોળીઓ બોટલમાં પડી ગઈ હોય. દવાઓના બોક્સને ફરી ફરી ઊલટાવી- પુલટાવી જોયું. એની તકેદારી રાખવાની. આપણાથી ખખડાટ જરીક અમથો આવે, પણ પેલીનો ઘાંટો છત ફાંડી નાંખનારો આવે..'', સુવા દો ને ! પોતે ઘોંટાતા નથી ને મને ઘોંટાવા દેતા નથી. કે'દુ ના ખટખટખટખટ કર્યા કરો છો, તી...?

વાઈફો જયારે એની બંધ આંખોએ ધમકાવતી હોય ત્યારે વધુ ડેન્જરસ લાગે છે. હું નર્વસ થતો જતો હતો ને એમાં ય, અમારા બેડની ઉપર જોયું તો એક ગરોળી ચીપકેલી હતી. મને બહુ બીક ન લાગે, પણ આ સૂતેલીને સહેજ પણ ગંધ આવી ગઈ કે માથે ગરોળી છે, તો ડરેલી ગરોળીને પોતાને ગરોળી હોવાનો પસ્તાવો થઈ જાય ! એમાં ય, ડીમ- લાઈટવાળી અંધારી છતનો કલર બહુ બીવડાવનારો હોય છે. સિંધીઓ બેડરૂમની છતો ઉપર ફૂલ- સાઈઝના અરીસા ચીપકાવે છે. એમાં તો બાજુમાં પેલી સુતી હોય, એ જોઈને ભડકી જવાય ! માણસને સુતી વખતે શાંતી જોઈએ, હોરર નહિ ! (સીલિંગ) છતમાં અરીસા જડાવવાનો ગેરફાયદો એ છે કે, હર રાતે આપણે કોની સાથે સુતા છીએ. એનો ખૌફ સતાવે રાખે.

ઊંઘ લાવવા માટે રીવોલ્વરની ગોળીથી વધુ ફાસ્ટ ઊંઘની એકે ય ગોળી કામ આપતી નથી. એક ઘોડો દબાવ્યો અને તાબડતોડ લાંબા થઈને 'હૂઇ જવાનું'.. વાઈફ તમને ઉઠાડીને પૂછે ય નહિ, 'તમે ઊંઘની ગોળીઓ લઈ લીધી કે બાકી છે ?'

ખાટલે મોટી ખોડ કે કેમિસ્ટો ડોક્ટરના ચીઠ્ઠા વગર ઊંઘની ગોળીઓ આપે નહિ. ખાટલા ઉપર આનાથી મોટી બીજી કઈ ખોડ આવવાની કે એની ઉપર લાંબા થયા પછી ઊંઘો જ ન આવે ! પહેલા તો ૨૪ કલાક ખુલ્લી રહેતી દવાની દુકાનો ય ઠેરઠેર હતી. હવે શોધવા ભટકવું પડે. હું ઘરથી ૧૨-૧૫ કી.મી. તો નીકળી ગયો હતો. કેમિસ્ટ-શોપ શોધવા માટે. મુંબઈની માફક અમદાવાદ માટે ય  The city that never sleeps લાગુ પડે એમ છે, પણ ચાર રસ્તે બે-ત્રણ પોલીસવાળા ઊભા હતા. મને રોકીને આમ અડધી રાત્રે ક્યાં ફરવા નીકળ્યા, એવો સાદો સવાલ પૂછવા માટે નજીક આવીને મારૂં મોઢું સુંઘ્યું. એના મોંઢામાંથી 'દેસી'ની વાસ મારતી હતી. (મારી હોય તો એ 'દેસી'ની ના હોય !) 'અત્યારે અડધી રાત્રે ક્યાં નીકળ્યા છો ?' એમાંના એકે શકથી પૂછ્યું.

'સાહેબ, હું વિમાનના પૈડાં લેવા નીકળ્યો છું. 'આવું કહેવાની દાઝ તો ચઢી હતી, પણ પોલીસવાળા સામે કદી ય ડાહ્યું ન થવાય, એટલે મેં સાચો જવાબ આપ્યો.

ઊલટતપાસ તો ઘણી કરી, છેવટે એને ય ઊંઘ આવવા માંડી એટલે મને કહે, 'સારા ઘરના લાગો છો- તમને' મેં કીધું,'હા, દેખાવમાં તો હું સારા ઘરનો-' 'અરે ભ', અમે મજાકું ય નો કરીએ ? ડયૂટી પર બધાને સારા ઘરના જ કહેવા પડે. બાકી તમને નીંદરૂં નો આવતી હોય તો એક ભીષણ ઉપાય છે... વગર ગોળીએ તમને ઘસઘસાટ સુવાડવાનો ઉપાય છે.'

'ઓહ સર-જી, બોલો બોલો... મારે ઊંઘવું જ છે.'

'બસ.. આપણી ન્યુસ-ચેનલો પર સમાચારો જોવા માંડો... દસ મિનિટમાં સોલ્લિડ ઊંઘ નો આવી જાય તો આ મારી જગ્યાએ કાલથી તમે ઉભા રે'જો, સાહેબ...     

સિક્સર
૯૦-ની ઉંમરે પહોંચેલા 'ગુજરાત સમાચાર'ના તસ્વીરકાર ઝવેરીલાલ મહેતાને હવે 'પદ્મશ્રી ' એવોર્ડ મળ્યો. એમને યુવા કવિ તેજસ દવેનો શે'ર અર્પણ.
હારનો તો ઠીક પણ છે જીતવાનો ય અણગમો,
વૃધ્ધ બોલ્યો કોર્ટમાં આ એવો જૂનો કેસ છે.

No comments: