Search This Blog

17/04/2018

ઍનકાઉન્ટર : 16-04-2018


* બહુ મોંઘી કારના માલિકો સમાજને શું સંદેશો આપે છે ?
- એ જ કે, અમારી સમૃધ્ધિ ફક્ત 'બુગાટી' ખરીદવા પૂરતી જ છે. (આ 'બુગાટી' રૂ. ૧૨-કરોડની આવે છે, જેમાં પહેલું ઑઇલ બદલવાના જ રૂ. ૨૧-લાખ થાય છે.) 'દુબાઇ'માં આ કાર પોલીસો વાપરે છે.
(
દિલીપ એસ. પ્રજાપતિ, અમદાવાદ)

* 'ગુરૂ પૂર્ણિમા'ના પર્વે તમારા ચેલાઓ તરફથી શું શું ગિફ્ટ્સ મળી ?
- ઘણા ચેલાઓ પોતાના બાળકો રમાડવા મૂકી ગયા છે... હજી પાછા લેવા આવ્યા નથી.
(
કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

* શું તમે અક્ષયકુમારની ફિલ્મ 'પૅડમેન' જોઈ ?
- ના. પણ અજય દેવગણની બેહતરીન ફિલ્મ 'રૅઇડ' જોઇ. સહુએ જોવા જેવી ફિલ્મ છે.
(
પૃથ્વીરાજ કોરડીયા, અમદાવાદ)

* કોઇ વાર કૂતરૂં પાછળ પડે તો શું કરો ?
- એ શું કરવા માંગે છે, એ જોવા ઊભો ન રહું.
(
નીલ કાલરીયા, જૂનાગઢ)

* દવે સાહેબ. વંદે માતરમ. અને જયહિંદ.
- તમે ખૂબ ગમી ગયા.
(
મહેશ એમ. પરમાર, અમદાવાદ)

* આજના સમયે 'મેરા ભારત મહાન' કેવી રીતે કહેવું ?
- આજથી હજારો વર્ષ પહેલા ય કહેવાતું અને હજારો વર્ષ પછી ય કહેવાશે, 'મેરા ભારત મહાન'.
(
ચેતન પટેલ, નાસિક)

* જો ઉત્ક્રાંતિવાદ પાછો આવે તો માણસ આદિમાનવ બને ખરો ?
- તમે બહુ કંટાળ્યા લાગો છો...
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* પ્રિયા પ્રકાશની જેમ તમને કોઇએ આંખ મારી છે ?
- કોઇ હાથ તો અડાડે..! આઈ મીન, કોઇ આંખ તો અડાડે...!!
(
ડૉ. નીલેશ ત્રિપાઠી, અમદાવાદ)

* બ્લડ-ગ્રૂપ પ્રમાણે લોહીના રંગ અલગ અલગ હોત તો ?
- તો ભારતીયોમાં ત્રણ રંગોનું લોહી મળત...કેસરી, સફેદ અને લીલો.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* મોંઘવારી ઘટાડવા સરકારે શું કરવું જોઈએ ?
- મોંઘવારી કેવળ ભારતમાં જ નથી... સર્વત્ર છે, દસે દિશામાં છે. સૂચનો બધા પાસે છે, ઉપાય કોઇની પાસે નથી.
(
મહેશ ધાબલીયા, મુંબઇ)

* જે રોડ ઉપર કોઇ બૅન્ક હોય, ત્યાંથી પસાર થતા બીક લાગે છે... શું કરવું ?
- શક્ય હોય તો તમારી અટક માલ્યા, મોદી કે ચોક્સી રાખી દેવી.
(
મહેશ સી. પટેલ, અમદાવાદ)

* તમારા ગુજરાતી પૅપરમાં ઘણી કૉલમોના નામ ઇંગ્લિશમાં છે, 'ઍનકાઉન્ટર,સ્પેકટ્રોમીટર, હોરાઇઝન'... આવું કેમ ?
- ઈઝ ધૅટ સો...???
(
આશા મહેતા, વડોદરા)

* તમે અને મોદી આપવડાઈ કરવાનું ક્યારે છોડશો ?
- ખોટી લઘુતાગ્રંથિ રાખો છો....ગ્રો અપ, મૅન !
(
હિતેશ પારેખ, વાપી)

* ઘણા પુરૂષ પત્નીથી કેમ ડરે છે ?
- તમે ભાંગી ન પડતા. અમારા બધાની જેમ હિંમત રાખજો.
(
કેતન ફળદુ, રાજકોટ)

* તમને અત્યાર સુધીનો વાહિયાત સવાલ કયો લાગ્યો ?
- તમે તો ઇન્ટેલિજન્ટ સવાલ પૂછ્યો છે...
(
ધવલ પોન્ડા, ભાવનગર)

* 'વૉટ્સઍપ'થી ક્યારે સવાલ પૂછાશે ?
- તમે તો રીક્ષામાં જતા હો, ત્યારે પણ પૂછી શકો.
(
વૉલ્શ ક્રિશ્ચિયન, મેહમદાવાદ)

* તમે ચીફ મિનિસ્ટરના ભાઇ છો, એવી ખબર પડે તો ?
- બસ. પછી તો ચીફ મિનિસ્ટરને ખબર પડવી જોઈએ.
(
દીક્ષિત પટેલ, વડોદરા)

* ખોટું બોલવું સાચું કે સાચું બોલવું ખોટું ?
- તમે અત્યારે સાચું બોલ્યા.
(
અજય જોશી, નાસિક)

* તમારા જવાબો પરથી છેલ્લા કેટલાક સમયથી લાગે છે કે, તમને ય હવે મોદી પર ભરોસો રહ્યો નથી !
- જ્યાં સુધી ભારતના વડાપ્રધાન બનવા માટે બીજો કોઇ લાયક માણસ નહિ મળે, ત્યાં સુધી મોદી
એમના સ્થાને બરોબર છે.
(
નીતિન પટેલ, અમદાવાદ)

* અનામત મુદ્દે કેમ કોઇ પણ પક્ષ કાંઇ બોલતો નથી ?
- તમે મતદાર હો તો અત્યારથી નક્કી કરી લો, આવતી લોકસભાની ચુંટણીમાં ભાજપ-કૉંગ્રેસની શું હાલત કરવી !
(
પ્રભુતા રાકેશ પંડયા, સુરત)

* બૅન્કમાંથી અબજો રૂપિયાની લોન લઇને પરદેશ રફુચક્કર થઇ જવાનો કોઇ ઉપાય...?
- હું લંડન પહોંચું, પછી મને ફોન કરજો.
(
સાબિર દાહોદવાલા, પેટલાદ)

* હમણાંથી દીકરીના જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે...
- અમારે તો સરકારી-સૅટ પૂરો થઈ ગયો !
(
મનિષ રામાવત, દ્વારકા)

* દેશમાં 'નીરવ' શાંતિ ક્યારે સ્થપાશે ?
- જ્યારે કોઇ મેહૂલનો માલ્યા.... આઇ મીન, વિજય થશે !
(
ફિરોઝ હાફેઝી, બિલિમોરા)

No comments: