Search This Blog

27/04/2018

'ઝૂમરૂ'('૬૧)

ફિલ્મ : 'ઝૂમરૂ'('૬૧)
નિર્માતા    :    અનુપ શર્મા
દિગ્દર્શક    :    શંકર મુકર્જી
સંગીત    :    સચિનદેવ બર્મન
ગીતકાર    :    મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ    :    ૧૮ રીલ્સ- ૧૭૧ મિનિટ્સ
થીયેટર    :    પ્રકાશ (અમદાવાદ)
કલાકારો    :    કિશોર કુમાર, મધુબાલા, અનુપ કુમાર, જયંત, ચંચલ, લલિતા પવાર, સજ્જન, એમ. કુમાર, ભગવાન સિન્હા, જયંત એસ. કે. સિંહ, નિમ્મો, મીનુ, રાજરાની, ખુરશીદ બેગમ, સરલા, પૉલસન, રતન ગૌરાંગ, હરબન્સ દર્શન.      

ગીતો
૧. મૈં હૂં ઝૂમઝૂમ ઝૂમરૂં, ફક્કડ ઘુમુ બન કે ઘુમરૂ    કિશોર કુમાર
૨. ઠંડી હવા યે ચાંદની સુહાની, અય મેરે દિલ    કિશોર કુમાર
૩. બાબુ આના, સુનતે જાના, મંહેગે સૌદા હૈ    આશા- કિશોર- સાથી
૪. મતવાલે હમ મતવાલે તુમ, ચલતે ચલે યૂં હી    કિશોરકુમાર
૫. હે ઝૂમેરે ઝૂમેર ઝૂમે મેરા દિલ ઝૂમે...    આશા- કિશોર
૬. રૂક રૂક થમ થમ ધીરે સે જરા સમ        આશા ભોંસલે
૭. આજા તુ આઝા, અજી ના અજી ના, અરે    આશા- કિશોર- ઉષા
૮. એ ય ભોલાભોલા મન મેરા કહીં રે સજન    આશા- કિશોર
૯. એ બાબાલૂ, બાબાલૂ, બાબાલુબાઆઆ    આશા- કિશોર
૧૦ ગોરી જરા બતીયાં સૂનો જી મોરી મોરી    કિશોર- સાથી
૧૧ કોઇ અલબેલા મસ્તાના, બન બન કે દીવાના    આશા- કિશોર
૧૨ કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા    કિશોર કુમાર 

ગીત નં.-૧ લખ્યું હતું પણ કિશોર કુમારે.

કિશોર કુમાર માટે બધા ગૂન્હા માફ. આપણને એ કોઈ પણ રોલમાં- મુંબઈની ભાષામાં કહીએ તો - 'ઝક્કાસ' ગમતો હતો. એનું સૂરિલું ગળું, કંઠની મીઠાશ અને ગીતના અંતિમ ચરણ સુધીની એની પહોંચ જોયા પછી અફસોસ થાય કે, વચ્ચેના પંદરેક વર્ષો સુધી એ ફિલ્મ સંગીતથી અતડો રહ્યો. એક દેવ આનંદને બાદ કરતા ભાગ્યે જ કોઈ હીરો માટે એણે ગાયું. દેવ આનંદ માટે તો એ શ્વાસનો પ્રાણ હતો, પણ એને માટે ય ભ'ઇ સચિનદેવ બર્મન આગ્રહ કરે તો જ પ્લેબૅક આપે, બધા જ ગીતો માટે નહિ.

યસ. પોતાની ફિલ્મો માટે એ બેશક ગાતો, પણ એમાં ય સંગીતકારે કોઈ કઠિન તર્જ બનાવી હોય તો આ ખેલદિલ માણસ સામે ચાલીને કહી દે, 'યે ગાના રફી સા'બ સે ગવા લીજિયે.. મૈં નહિ ગાઉંગા...' કેટલા બધા ગીતોમાં મુહમ્મદ રફીએ કિશોર માટે ગાયું છે ! આપણે ય, પેલા બહુ જાણીતા શબ્દો વાપરીએ, 'હવે આવા ગાયકો જ નહિ, આવા માણસો પણ નહિ થાય !'

પણ આવી 'ઝૂમરૂ' જેવી ફિલ્મો તો બહુ થઈ ગઈ... અને હજી થયે રાખે છે. 'ઝૂમરૂ'થી વધારે બકવાસ ફિલ્મો તમે ય જોઈ છે, પણ કિશોરના બચાવમાં એટલું કહી શકાય કે, આટલા પરફેક્ટ એક્ટર- કોમેડિયન માટે એ જમાનામાં ન કોઈ સારી વાર્તા આવી, ન કૉમેડીના જાણકાર દિગ્દર્શક કે ન સંવાદ-લેખક. એ તો સલામ કિશોરની કૉમિક માટે પોતાની સૂઝને કે, એની તમામ બકવાસ ફિલ્મોમાં એ કદી પણ બકવાસ નહોતો.

પ્રેક્ષકોને તો એ 'તો ય' હસાવતો રહ્યો. મેહમૂદ કે જ્હૉની વૉકરને મોટો ફાયદો કૉમિકના જાણકાર લેખકો અને દિગ્દર્શકોનો થયો. કિશોરને આવી જાહોજલાલી મળી ત્યારે એ સર્વોત્તમ સાબિત થયો જેમ કે, 'ચલતી કા નામ ગાડી', 'પ્યાર કિયે જા' કે 'પડોસન' બ્રાન્ડની ફિલ્મો, જેના સર્જકોએ કિશોર પાસે ઠેકડા ન મરાવ્યા કે ગમે તેવા ચાળા કરી પ્રેક્ષકોને હસાવવાને બદલે સાચી કૉમેડી આપી.

આ ફિલ્મના દિગ્દર્શક શંકર મુકર્જીએ જેટલી ફિલ્મો બનાવી, એ બધીઓનો હીરો દેવ આનંદ હતો, સરહદ, બારીશ, પ્યાર મુહબ્બત, બનારસી ઠગ, બાત એક રાત કી અને મહલ. વચમાં જરા હવાફેર માટે કિશોર કુમારની આ ફિલ્મ 'ઝૂમરૂ' અને છેલ્લી ફિલ્મ 'ફરાર'માં અમિતાભ બચ્ચનનો લીધો હતો.

ફિલ્મોની યાદી જોઈને તમે ય કહી શકશો કે અતિ સામાન્ય કક્ષાનો એ દિગ્દર્શક હતો. એ કેવો સ્ટુપિડ દિગ્દર્શક હશે કે, કિશોર જેવો ઑલટાઇમ ગ્રેટ કૉમિક હીરો એને મળવા છતાં પૂરી ફિલ્મોમાં એની પાસે લેવાદેવા વિનાના ઠેકડા મરાવ્યા છે, ચાળા કરાવ્યા છે. અને એક સંવાદ એવો નથી લખાવી શક્યા કે, પ્રેક્ષકોને હસવું આવે ! મજરૂર સુલતાનપુરીએ આ ફિલ્મ માટે લખેલા કોઈ પણ ગીતના શબ્દો વાંચો... માની નહિ શકાય કે આટલા મોટા ગજાનો ગીતકાર આવા ફાલતુ શબ્દો લખે ?

'ઝૂમરૂ'ની સૌથી પ્રભાવશાળી સિદ્ધિ એનું દિલડોલ સંગીત હતું એક એક ગીત મન ઝૂમી ઉઠે, એવું બન્યું છે, ખાસ કરીને કિશોર કુમારના કંઠની કમાલોને કારણે. હિંદી ફિલ્મ સંગીતની પ્લેબેક ગાયકીમાં પરફેક્ટ ગાયકો બે જ, એક મુહમ્મદ રફી અને બીજી આશા ભોંસલે. લતા મંગેશકરે કદી આવા તોફાની અને અવાજની બેશુમાર હરકતોભર્યા ગીતો નથી ગાયા. કિશોરના યૉડૅલિંગ જેવું ગાઈ શકતી કોઈ વિદેશી નાનકડી છોકરીનો વિડિયો આજકાલ વોટ્સએપમાં બહુ ફરી રહ્યો છે.

અલબત્ત, યૉડૅલિંગની અસલી કમાલ હોલીવૂડના ગાયક ડૅની કેની હતી. અનુપ કુમારનો ફૅવરિટ ગાયક હોવાથી એ ડૅની કેની રૅકોર્ડસ લઈ આવીને કબાટમાં છાનીમાની મૂકી દેતો. કિશોર જોઈ જતો અને પેલો ન હોય ત્યારે વગાડતો. અનુપ પોતાની રૅકોર્ડસ માટે બહુ પઝેસિવ હતો ને આ ભ', એમ કોઈના ઝાલ્યા ઝલાય એવા નહોતા... એમાં ફાયદો તો હિંદી ફિલ્મ સંગીતને જ થયો.

'ઝૂમરૂ'ના તમામ ગીતો કર્ણપ્રિય હતા, પણ બે વાતો વિવાદાસ્પદ લાગે એવી છે. એક તો કિશોર પહેલેથી દાદા બર્મનના ખૂ..બ્બ લાડકો. એ બીજા કોઈની પણ સાથે વાંકો ચાલે, દાદા પાસે નહિ. ફિલ્મના ટાઇટલ્સમાં સંગીતકાર તરીકે કિશોરે નામ લખાવ્યું છે, પણ વાસ્તવમાં ફિલ્મનું પૂરું સંગીત દાદા બર્મને આપ્યું હતું.

દાદા બર્મને પણ ઇંગ્લિશ ગીતોમાંથી ઊઠાંતરી કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું અને આ ફિલ્મના મોટા ભાગના ગીતો, 'ચોરી કા હૈ માલ ઇસકા, ધોખા ન ખાના...' અલબત્ત, ફિલ્મી ગીત- સંગીતમાં ચોરી કોને કહેવાય અને કોઈને (inspiration) પ્રેરણા, એ આખી જ જુદી ચર્ચાનો વિષય છે. આપણે તો મધુરા ગીતોથી મતલબ અને એ મતલબ અહીં તગડા સ્વરૂપે પૂરો થાય છે. કમનસીબે, કિશોરનું ખૂબ મીઠું ગીત 'મતવાલે હમ, મતવાલે તુમ' ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

એ જમાનામાં ય કેવી ચોરીચપાટીઓ ચાલતી હતી. મૂળ રચનાની ગમે તે નકલ કરી લે, 'ક્રેડિટ' તો દૂરની વાત છે... એ બધું પોતાને નામે ચઢાવી દેવામાં કોઈ શરમ નહિ. આપણા બધાનું ખૂબ વહાલું ગીત, 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા' કિશોરે પોતાના નામે ચઢાવી દીધું. મજરૂહ સુલતાનપુરીએ એના ગીતકાર હોવાનો દાવો કર્યો, (મૂળ ગીતના શબ્દો લખ્યા હતા, જમુના સ્વરૂપ કશ્યપ 'નાતવા'એ !) જ્યારે મૂળ ગીત તો ઠેઠ ૧૯૩૬-માં બૉમ્બે ટોકિઝે બનાવેલી ફિલ્મ 'જીવન નૈયા'માં ખુદ કિશોરના જ મોટાભાઈ અશોક કુમારે પોતાના કંઠે ગાયું અને પરદા પર ભજવ્યું હતું. બહુ વર્ષો પછી મુંબઈમાં એક પ્રાયવેટ જલસામાં આ ફિલ્મના સંગીતકાર સરસ્વતિદેવીને કિશોરની આ ઉઠાંતરી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એ ભલી બાઈ એક શબ્દ પણ ન બોલી, પણ સ્માઇલ એ ભાષામાં આપ્યું, જેનો સીધોસાદો અનુવાદ એ થાય કે, 'આ બધું તો ચાલ્યા કરે... કેટલાને આવું કહેવા જશો ?'

ફિલ્મની પૂરી વાર્તા ધોરણ-૪ના બાળકોને હસાવવા લખાઈ હોય તેવું દેખાઈ આવે છે. પહાડી બસ્તીમાં બન્જારોની એક નાનકડી કૌમનો કિશોર સરદાર બને છે. એ પહેલા વર્ષોથી શહેરમાં રહેતી મધુબાલા એના કરોડપતિ, અત્યંત ક્રૂર અને ઘમંડી બાપ (જયંત)ની જોહૂકમીનો સામનો કરતા એ થરથરે છે, પણ એના પ્રેમી કિશોરને તો પહાડ નીચેની બસ્તીમાં જઈ જઈને મળી આવે છે. કિશોરની મા લલિતા પવાર છે, જેને દાયકાઓ પહેલા જયંતે પ્રેમમાં દગો કરીને પ્રેગનન્ટ બનાવીને છોડી દીધી હતી. વાસ્તવમાં એ જ એની મા છે, જેનો ખુલાસો 'કુમાર' કરે છે ('મુગલે-આઝમ'નો સંગતરાશ (શિલ્પી) જયંત જ્યાં ને ત્યાં બંદૂક લઈને જ ફરે રાખે છે પણ ફોડતો નથી.

વાર્તાના ગરબડગોટાળાને કારણે આપણને જાણ કરવામાં આવે છે કે, મધુબાલા લલિતા પવારની પુત્રી છે અને કિશોર આ કુમારનો પુત્ર છે. જયંતના ૂબેવકૂફ સેક્રેટરી અનુપ કુમાર મધુબાલાની (સગી) બહેન ચંચલને પામતા પહેલા મધુબાલા પાસે વટાણા વેરી જુએ છે. છેવટે બંદૂકોના ધડાકા અને ભડાકાઓ પછી મધુ-કિશોર અને ચંચલ-અનુપ  એક થાય છે.

ત્રણે ભાઈઓ દેખાવમાં જ નહિ, ચાલવામાં કે સંવાદો બોલવામાં ઘણા સરખા લાગતા. ચાલ તો દાદામોનીની જેમ કિશોર પણ બન્ને હાથ ફૂલ-સ્વિંગમાં લટકતા રાખીને દાદાની ઘણી યાદ અપાવે. યોગાનુયોગ, દાદામોનીના તમામ સંતાનોમાં એમના ચેહરાની સમાનતા દેખાતી. એમનો દીકરો અરૂપ કુમાર આજે પણ અશોક કુમારની બેઠ્ઠી પ્રતિકૃતિસમો દેખાય છે. રૂપા, ભારતી (અને સ્વ. પ્રીતિ ગાંગુલી)ને જોતા તમારે કાઠીયાવાડીની ઘૉડે પૂછવું ન પડે, ''તે તમે... કોના દીકરી?' ત્રીજો ભાઈ કૉમેડિયન અનુપ કુમાર પરદા ઉપર પરફેક્ટ બફૂનરી (ગાંડાવેડા) કરતો, પોપટલાલ ઉર્ફે રાજીન્દરનાથની જેમ, પરિણામે હું એ બન્નેને જોઈને ખડખડાટ હસી શકું છું. કોઈને હસાવવા માટે, જરૂરી નથી કે કૉમેડી બૌધ્ધિક જ હોવી જોઈએ... જ્યાં સુધી કોઈના ભાગે હસાવવાનું ન હોય, ત્યાં સુધી એ સ્વીકાર્ય જ હોય. કિશોરની જેમ અનુપને પણ મોટા ચોકડાવાળા શર્ટ પહેરવાનો ક્રેઝ હતો.

મધુબાલાની બહેન ચંચલની જેમ બાકીની બધી બહેનો હિંદુઓને પરણી હતી, એમાંના એક સંગીતકાર બ્રીજભુષણ કાબરાનું નામ મોટું ગણાતું, જેણે મધુબાલાના ફાધર અતાઉલ્લાહ ખાને બનાવેલી ફિલ્મ 'પઠાણ'માં સંગીત આપ્યું હતું. અલબત્ત, આ ફિલ્મનો વર્લ્ડ-રૅકોર્ડ છે કે, બ્રીજ ઉપરાંત એમાં બીજા આઠ સંગીતકારો હતા.

હિંદી ફિલ્મોનો એક તબક્કો એવો હતો કે જ્યારે સુંદરતામાં નરગીસ, મધુબાલા, નિમ્મી કે અન્ય કોઈ હીરોઇન કરતા નલિની જયવંતનું નામ મોખરે હતું. મોટા ભાગે 'ફિલ્મફૅરે' હિંદી ફિલ્મોની સર્વોત્તમ સુંદર હીરોઇનનો વાચકો પાસે સર્વે કરાવ્યો, એમાં મધુબાલા કે મીના કુમારી નહિ, નલિની જયવંતને પ્રથમ નંબર મળ્યો હતો. આજની ફિલ્મ 'ઝૂમરૂ'માં લલિતા પવારની દુકાનમાં લટકતા બધા કૅલેન્ડરોમાં નલિની જયવંતના ફોટા છે. આજની દીપિકા પદુકોણની હાઇટની સરખામણીમાં નલિની સાવ બટકી લાગે, પણ એ વખતે બહુધા ચેહરાની સુંદરતા વધુ જોવાતી. એ જમાનામાં 'પનામા' સિગારેટ અને સૉફ્ટ-ડ્રિન્ક 'ગોલ્ડ સ્પૉટ'ની બોલબાલા હતી. ફિલ્મમાં એના પોસ્ટરો ય જોવા મળે છે.

માનવામાં તો જલ્દી નહિ આવે. પણ સાયલન્ટ અને પછી થોડીઘણી ટૉકી ફિલ્મોમાં લલિતા પવાર હીરોઇન અને તે પણ સેક્સી હીરોઇન ગણાતી હતી. કૅન યુ બીલિવ..?

એ જમાનામાં એણે પરદા ઉપર ચુંબનના દ્રષ્યો પણ આપ્યા હતા. કમનસીબે, ચંદ્રકાંત કદમ નામના હીરો સાથે કોઇ ફિલ્મના દ્રષ્યમાં લલિતાને કદમના હાથે તમાચો ખાવાનો હતો અને દ્રષ્યમાં વાસ્તવિકતા લાવવા લલિતાએ સાચો તમાચો મારવાની ફર્માઇશ કરી. આનાકાની પછી એક પહાડી તમાચો પડયો એમાં એને ઘણું વાગ્યું, બેભાન થઈ ગઈ અને એક આંખ કાયમ માટે ત્રાંસી થઈ ગઈ. (ઘણા વાચકો, આ તમાચો માસ્ટર ભગવાને માર્યો હતો, એવું સમજે છે, એ ગલત છે.) યસ. એક ઍક્ટ્રેસ તરીકે લલિતા પવારને તમે સંપૂર્ણ અભિનેત્રી કહી શકો, એટલા વૈવિધ્યસભર કિરદારો એણે સેંકડો ફિલ્મોમાં કર્યા છે. 'શ્રી.૪૨૦'ની કેલેવાલી બાઇ હોય, અનાડીની મિસીસ ડી'સા હોય કે પ્રોફેસરની 'બુઢ્ઢા' શમ્મી કપૂરના પ્રેમમાં પડીને 'પ્રેમનગર મેં બનાઉંગી ઘર મેં, તજ કે સબ સંસાર'ને હલકથી ગાતી વૈભવશાળી સીતાદેવ વર્મા હોય. એને બધા રોલ સ્યૂટ થતા હતા.

એવો જ ખૂંખાર વિલન જયંત હતો. એના જેવી 'ઈમ્પ્રેસ થઈ જવાય તેવી' પર્સનાલિટી પ્રાણ સિવાય કોઈ વિલનમાં નહિ. હાઈટ-બૉડી અને પ્રભાવશાળી સુંદર ચેહરાને કારણે એક જમાનામાં આ ઝકરીયા ખાન ફિલ્મોમાં 'જયંત'ને નામે ઓળખાયો. મેહબૂબ ખાનની 'સન ઑફ ઈન્ડિયા'માં જયંત મને ખૂબ ગમ્યો હતો. એટલે એના રોલને ખૂબ ધિક્કાર્યો હતો. અમજદ ખાનના એ પિતા થાય, એ તો સહુને ખબર છે.

જયંત મધુબાલાને પહાડ પર લઈ જાય છે, ત્યાં કિશોર પોતાને વિશ્વવિખ્યાત એવરેસ્ટ પર્વતારોહક તેનસિંઘ નૉર્ગેને બદલે પોતાને 'તેલસિંઘ' બતાવે છે. નેપાળી ઍક્ટર રતન ગૌરાંગ અને 'બો'ત પુરાના શેરપા' હોવાનો દાવો કરે છે. એની બાજુમાં-તમે જેને મોટા ભાગે શરીરે સશક્ત બાંધાના પોલીસ ઈન્સ્પૅક્ટર તરીકે અનેક ફિલ્મોમાં જોયો છે, તે એક્સ્ટ્રા કલાકાર 'હરબન્સ દર્શન' છે. કુમાર પ્તાના નામની આગળ એમ. લખાવતો, 'એમ.કુમાર' એટલે મીર મુજ્જન. સાચું અને આખું નામ 'સૈયદઅલી હસન ઝૈદી'. એ લખનૌના શિયા સૈયદોના અત્યંત સન્માનપાત્ર ખાનદાનમાંથી આવતો હતો. એની પુત્રી નકી જહાન 'મિસ ઇન્ડિયા' ('૬૭) કૉન્ટૅસ્ટ જીતી ગઈ હતી.

નકીએ રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ (એના પોતાના દાવા મુજબ) 'આખરી ખત'માં નાનકડો રોલ કર્યો હતો. બીજી અને છેલ્લી ફિલ્મ 'એક ખિલાડી, બાવન પત્તે'માં ચમકી અને એ પછી વિક્રમ કામદાર સાથે પરણીને એણે હિંદુ ધર્મ સ્વીકાર્યો અને નામ 'નંદિની' રાખ્યું હતું.    

ફિલ્મને આટલી સામાન્ય કહેવા છતાં મેં ત્રણ વખત જોઇ છે... ના મધુબાલા માટે નહિ... પૂરી કિશોર દા માટે!

No comments: