Search This Blog

01/04/2018

ઍનકાઉન્ટર : 01-04-2018


* ચીને પાંચમી પેઢીનું વિમાન બનાવ્યું, પણ ભારતને માલ્યા કે મોદી જેવા વિક્રમી કૌભાંડો કરનારાને આંબી શકશે ?
- આટલા કૌભાંડો પછી ય ભારત ટકી રહે છે... અને હજી નવા નવા લોહીઓને ચાન્સ મળતા રહે છે, એ વિક્રમ છે !
(
જી.એન.પરીખ, વડોદરા)

* ભક્તિરસને બદલે ફિલ્મ- સંગીતનો રસ કેમ વધુ સ્વીકાર્ય બન્યો છે ?
- મેહનત અને પૈસા ફિલ્મી સંગીતમાં વધુ રોકાય છે.
(
અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આખું જૂનાગઢ ફર્યો પણ ક્યાંય 'અશોક દવેના શિલાલેખો'ન મળ્યા.. !
- આધાર- કાર્ડ સાથે રાખ્યું'તું ?
(
મણીલાલ રૂઘાણી, રાણાવાવ)

* ચોરની ચાર આંખો ને કોટવાલની બે જ કેમ ?
- સર્જીકલ- ડીફેક્ટ !
(
અનિલ દેસાઈ, નિયોલ- સુરત)

* ધૂળેટીમાં તમને રંગવાની ગમ્મત પડે કે રંગાવાની ?
- એમાં પાર્ટીનો પોતાનો કલર કેવો છે, એ જોવું પડે !
(
મોઈન અસલમભાઈ મેમણ, નડિયાદ)

* લગ્નનો એક એક ફેરો પૂરો થાય, ત્યારે ટકોરા કેમ વગાડવામાં આવતા નથી ? શ્રી સત્યનારાયણની કથામાં દરેક અધ્યાય પછી ટકોરા પડે છે !
- લગ્નમાં તો બધા જાગતા હોય ને !
(
કિરીટ જે. તલાટી, રાણાવાવ)

* દુબઈમાં કાયદા કડક છે અને ગૂન્હાઓ ઓછા થાય છે... આપણે ત્યાં ?
- હા, પણ જસ્ટ, એટલા માટે વારંવાર દુબાઈ જવું તો ન ફાવે ને ?
(
મનુભાઈ શાહ, અમદાવાદ)

* આડંબર વિનાનું જીવન કેમ જીવી શકાતું નથી ?
- ના ના... અમને તો ફાવી ગયું છે !
(
લિન્યસ પેલમોર, અમદાવાદ)

* આજકાલ યુવાનો દાઢી- મૂછ રાખતા કેમ થઈ ગયા છે ?
- ભલે ને રાખે ! આપણા બન્નેના ધંધાને વાંધો આવે એમ નથી.
(
ચતુરભાઈ પોસ્ટમેન, અંકલેશ્વર)

* ભાગવત- સપ્તાહોમાં ફિલ્મી ધૂનો પર ભજનો ગવાય છે, તો રાષ્ટ્રગીત ગાવામાં શું વાંધો છે ?
- ના. હવે સમાચાર આવવા માંડયા છે કે, ઘણી ભાગવત- સપ્તાહોમાં રાષ્ટ્રગીત શરૂ થયું છે.
(
રોહિત આઈ.દવે, હાલોલ)

* હવેની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી.નરેન્દ્ર મોદીની હાલત સ્વ.ઇંદિરા ગાંધી જેવી નહિ
થાય ને ?
- એ હવે એમને જોવાનું છે !
(
મનહર શેઠ, વડોદરા)

* લોકમાતા સાબરમતિ નદીની રેતીની ય લોકો ચોરી કરી જાય છે... શું કરવું ?
- 'આ જગ્યાએ પહેલા નદી હતી', એવું હજી કહેવાતું નથી, ત્યાં સુધી ચલાવી લો.
(
જીતેન્દ્રસિંહ રાઠોડ, પ્રાંતિજ)

* ન્યાયની દેવીની આંખો ઉપર પાટો ક્યારે હટશે ? શું ન્યાય આંધળો છે ?
- ૫૦ ટકા ખરો ! કેસ જીતનારને આંધળો નથી લાગતો.
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* 'વાયરલ'અને 'વાયરસ' વચ્ચે શું ફરક ?
- 'વાયગ્રા' અને 'વાડીલાલ' જેટલો !
(
સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* માલ્યા, નીરવ, લલિત, ચોકસી... 'ઉચાપત કલબ'...?
- કાશ... એક નામ ઓર હોત...'અશોક દવે'!
(
રમેશ એમ.પટેલ, નડિયાદ)

* તમે કહો છો, 'મુહમ્મદ રફી એટલે શિવલિંગ ઉપર દૂધની ધારા..' તો મૂકેશ ?
- 'ઓઉમ'નો નાભિમાંથી ઉચ્ચાર !
(
મહેશ એમ.મહેરિયા, અમદાવાદ)

* રોકેટયાનમાં મોદીજી અને રાહુલજી સાથે તમને બેસવાનો ચાન્સ મળે તો સ્વીકારો ખરા ?
- આવો ચાન્સ એ બન્નેને મળ્યો કહેવાય !
(
કાજલ હરકાંત ત્રિવેદી, રાજકોટ)

* તમે ભાજપ કે કોંગ્રેસ.. કોને માનો છો ?
- ફ્રેન્કલી.. બે માંથી એકે ય ને નહિ. રોજ આપણા જવાનો શહિદ થાય છે, આતંકવાદીઓ તગડા થતા જાય છે ને આ લોકોનું એક નિવેદન પણ આવતું નથી ! સામો પ્રહાર કરવાની વાત તો બહુ દૂરની છે.
(
માલિની સ્વરાજ પટેલ, વડોદરા)

* શું દેશપ્રેમની સાથે માનવપ્રેમ પણ હોવો જોઈએ ?
- બન્ને ધોધમાર હોવા જોઈએ.
(
નૂર ઇબ્રાહિમ સુમરા, મુંબઈ)

* ટ્રાફિક- પોલીસ હજી સિસોટી વગાડીને વાહનો રોકે છે.. એમાં આધુનિકરણ ક્યારે આવશે ?
- સિતાર વગાડીને વાહનો ઉભા રાખવા અંગેની વાટાઘાટો ચાલે છે.
(
ખૂશ્બુ માલવ મારૂ, રાજકોટ)

* 'સ્વચ્છતા અભિયાન'... એટલે શું ?
- ટાઈમપાસ.
(
એહમદઅલી અલવી, વડોદરા)

* ભારત સિવાય ક્યા દેશમાં આટલી બધી રજાઓ હોય છે ?
- સોમવારે પૂછજો. આજે રવિવારે મારે રજા છે.
(
અનિલ દેસાઈ, ઉમરેઠ)

* સંસદમાં કોંગ્રેસના રેણુકા ચૌધરીએ ખડખડાટ હસીને મર્યાદા ઓળંગી...
- પક્ષનો આદેશ હોત તો એ ભેંકડો પણ તાણત... !
(
જીતેન્દ્ર રામાભાઈ પટેલ, ઊંઝા)

No comments: