Search This Blog

06/04/2018

'રાની રુપમતિ'('૫૭)


ફિલ્મ : 'રાની રુપમતિ'('૫૭)
નિર્માતા : રવિ કલાચિત્ર
દિગ્દર્શક - સંગીત : શ્રીનાથ ત્રિપાઠી
ગીતકાર    : ભરત વ્યાસ
રનિંગ ટાઇમ :૧૫ રીલ્સ, ૧૪૮ મિનિટ્સ
કલાકારો    :ભારત ભૂષણ, નિરૂપા રોય, અરવિંદ પંડયા, ઉલ્હાસ, નલિની ચોણકર, બાબુ રાજે, બી. એમ. વ્યાસ, રત્ના ભૂષણ (ભારત ભૂષણના પત્ની), કૃષ્ણારાવ ચોણકર

ગીતો
૧.બાટ ચલત નઈ ચૂનરી રંગ ડારી    કૃષ્ણરાવ ચોણકર-     મુહમ્મદ રફી
૨.ફૂલ બગીયા મેં બુલબુલ બોલે, ડાલ પે    લતા મંગેશકર-     મુહમ્મદ રફી
૩.રાત સુહાની ઝૂમે જવાની, દિન હૈ દીવાના હાય    લતા મંગેશકર
૪.જીવન કી બીના કા તાર બોલે, આંખો મેં    લતા મંગેશકર
૫.આ લૌટ કે આજા મેરે મિત, તુઝે મેરે    લતા મંગેશકર
૬.આ લૌટ કે આજા મેરે મિત, તુઝે મેરે    મૂકેશ
૭.ઊડ જા ભંવર માયા કમલ કા આજ બંધન તોડ કે    મન્ના ડે
૮.આજા ભંવર સૂની પડી હૈ ડગર (ભાગ-૨)    લતા- મન્ના ડે
૯.અમિય હલાહલ મદભરે.. ઝનનન ઝન બાજે    લતા- રફી
૧૦ઇતિહાસ અગર લિખના ચાહો.. હર હર મહાદેવ    ?
૧૧આંખો મેં સુરમા ડાલ કે જબ આયેગી દુલ્હનિયા    ઉષા મંગેશકર

હિંદુસ્તાન ઉપર જ્યારે શહેનશાહ અકબરનું રાજ હતું, તે સમયમાં મોગલો અને પઠાણો વચ્ચે બાપના માર્યા વેર હતા. આ કારણે માળવાના સુલતાન સુજાતખાન અને અકબર વચ્ચે યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી. પણ સુજાતનો પુત્ર વાજીદ (ભારત ભૂષણ) પ્રેમ અને શાંતિનો ચાહક હતો. એણે માંડવગઢની હિંદુ ક્ષત્રીય રાજકુમારી રૂપમતિ (નિરૂપા રોય) સાથે સંગીતના કૉમન-ગ્રાઉન્ડ પર દોસ્તી બાંધી. મહેલમાં રાણી સાહેબા- રાજા સા'બ અને એના મંગેતર બલદેવસિંહના સખ્ત વિરોધ છતાં રૂપમતિ મંડવા આવી, જ્યાંથી તે પોતાની વહાલી નર્મદા નદીને જોઈ શકે.

(રોજ સવારે માતા નર્મદાના દર્શન કર્યા વિના અન્નનો દાણો નહિ ખાવાની એની પ્રતિજ્ઞા બાળપણની હતી.) એ માટે વાજીદખાને એક કિલ્લા સાથે ઊંચો મીનારો બાંધી આપ્યો. રૂપમતિએ સફળતાપૂર્વક નર્મદાના પાણી પોતાના પ્રદેશ તરફ વાળ્યા, જ્યાં દુકાળને કારણે પાણીની અછત હતી. સુજાતખાનના મૃત્યુ બાદ વાજીદ સુલતાન બને છે અને હવે તે 'બાજ બહાદુર'ના નામે ઓળખાયો. શહેનશાહ અકબરને આની ખબર પડતા પોતાના નવ પૈકીના એક રત્ન સંગીત સમ્રાટ તાનસેનને રૂપમતિના સંગીતની બોલબાલા તપાસવા મોકલે છે, જેથી ખબર પડે કે બાજ બહાદુરને યુદ્ધ જોઈએ છે કે શાંતિ ! તાનસેનનું સ્વાગત તો ભવ્ય થાય છે પણ બાજ બહાદુરનો સુબેદાર હાફિઝ ખાન (ઉલ્હાસ) તાનસેનની ધરપકડ કરીને દુશ્મની બાંધે છે. ગુસ્સાથી ઘૂંઘવાયેલા અકબર એના સેનાપતિ આદમખાન (બી.એમ. વ્યાસ)ને માળવાને ધમરોળીને તાનસેનને છોડાવવા સેના સાથે મોકલે છે. દરમ્યાનમાં હાફિઝ ખાનની પુત્રી ભા.ભૂ.ના પ્રેમમાં પડેલી હમિદા (નલિની ચોણકર) રૂપમતિનું ખૂન કરવા મહેલમાં જાય છે. પણ રૂપમતિ એનું દિલ જીતી લઈ એને પોતાની સખી બનાવી દે છે.

થોડા ઘણા નાટકીય વળાંકો પછી પઠાણો અને હિંદુ લશ્કરના સાથીઓ 'હર હર મહાદેવ' અને 'અલ્લાહુ અકબર'ના ગગનભેદી નારાઓ સાથે અકબરના સૈન્યનો સામનો કરે છે અને રૂપમતિ પણ બાપથી દગો ખાઈ ચૂકેલી હમિદા સાથે મળીને હામિદખાનને મારી નાખે છે. રૂપમતિના રૂપથી મોહાંધ બનેલા શહેનશાહ અકબરે કોઈ પણ ભોગે રૂપમતિ પામવી હતી, એટલે એણે બાજ બહાદુરને પત્ર લખી રૂપમતિને મોકલી દેવા હુકમ કર્યો. વળતો હુમલો કરતા બાજ બહાદુર બાજ બહાદુરે અકબરને એની રાણી બાજ પાસે મોકલવા ઑફર કરી, જેનાથી છંછેડાયેલા અકબરે એના સેનાપતિ આદમ ખાનને માળવા ઉપર ચઢાઈ કરી બાજ બહાદુરને કેદ કર્યો. પરાજયથી હતાશ થઈ ગયેલી રૂપમતિ જાણતી હતી કે હવે અકબર એને છોડશે નહિ, એટલે એણે સાચો હીરો ગળી જઈને આત્મહત્યા કરી. (અહીં ફિલ્મમાં મૂળ વાર્તામાંથી વિવાદો ટાળવા શહેનશાહ અકબરને બદલે સેનાપતિ આઝમખાનને રૂપમતિ પાછળ પાગલ બનાવે છે. મૂળ વાર્તામાં આવું નથી.) અકબરે આ સમાચાર જાણ્યા પછી ખૂબ પસ્તાવો કર્યો, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. ભારે પસ્તાવાથી વિફળ અકબરે બાજ બહાદુરને મુક્ત કર્યો, જે રૂપમતિની સમાધિ ઉપર માથુ પટકી પટકીને આહૂતિ આપી દીધી. પશ્ચાતાપની આગમાં જલતા અકબરે ઇ.સ. ૧૫૬૮માં મ.પ્ર.ના સારંગપુરમાં બાજ બહાદુરનો મકબરો અને રૂપમતિની સમાધિ બનાવડાવી. મધ્યપ્રદેશના માંડુમાં બાજ બહાદુરે બનાવેલો મહેલ આજે પણ જર્જરિત દશામાં પ્રવાસીઓનું મનોરંજન કરવા ટકી રહ્યો છે.

ભારત ભૂષણ ઘણો નહિ, ઘણો જ નબળો એક્ટર... એટલે સુધી કે એને 'એક્ટર' પણ ન કહી શકો. ચેહરા ઉપર હાવભાવની તો એને જાણકારી પણ નહતી.લાશની એક્ટિંગ કરવાની હોય ત્યારે જીવિત કિરદારમાં એ પરફેક્ટ એક્ટિંગ કરી શકતો.

કૉમિકની વાત એ છે કે, દિલીપકુમારની સાથે જેમિની મદ્રાસની ફિલ્મ 'ઇન્સાનિયત'માં કામ કરવાની એણે એટલે ના પાડી હતી કે, એ રોલમાં એક્ટિંગનો કોઈ સ્કૉપ જ નથી, એવો એણે દાવો કર્યો હતો. આ રોલ પછી દેવઆનંદને સોંપાયો હતો. હિંદી ગીતો ને એમાંય ખાસ મુહમ્મદ રફીના ચાહકોને સહેજ પણ ગળે ન ઉતરે એવી વાત એ હતી કે, રફીના અનેક મધુરા ગીતો પરદા ઉપર ભા.ભૂ.ને ગાતા આપણે જોવા પડયા છે. પ્રદીપકુમાર, મનોજકુમાર કે શેખર કે ઇવન ગુરૂદત્ત જેવા અનેક અનામી હીરાઓને રફીના ગીતો ગાવા મળ્યા છે.

અત્યારે યુ-ટયુબ પર એ ગીતો જોઈએ, તો જીવ બળી જાય કે, 'દિલ કી તમન્ના થી મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે..' ગીત ભા.ભૂ પર ફિલ્માયું હતું ? ઇવન, આજની ફિલ્મમાં જ, મુકેશના કેવા સૂરીલા ગીત 'આ લૌટ કે આજા મેરે મિત' દરમ્યાન હરામ છે જો ભા.ભૂ.એ એક પણ વાર ચેહરા ઉપર હોઠ હલાવવા સિવાય એક નાનકડો ય હાવભાવ આપ્યો હોય ! કેમેરો હાલે છે. ભા.ભૂ. નહિ !

અંગત રીતે આ ભારત ભૂષણ ખૂબ ભલો માણસ હતો. વિદ્વાન અને બહુશ્રુત તો ખરો જ. એના જેટલી વિરાટ લાયબ્રેરી ફિલ્મનગરીમાં ફક્ત 'જાની' રાજકુમારના ઘેર હતી. રાજેશ ખન્ના છેલ્લે જે બંગલામાં રહેતો હતો, તે એણે રાજેન્દ્રકુમાર પાસેથી અને રાજેન્દ્રએ ભા.ભૂ. પાસેથી ખરીદ્યો હતો. સાહિત્ય અને કલાના શોખિન ભા.ભૂ. પોતાને ત્યાં શાસ્ત્રીય સંગીતના જલસા કે મુશાયરાઓ રાખતો, જેમાં નુસરત ફત્તેહઅલીખાનના વાલિદ (પિતા) જેવા અનેક નામી ગાયકોની મહેફીલ થતી. રાજ કપુર, દિલીપકુમાર કે દેવ આનંદ સરીખા મોટા માણસો પણ એ મહેફીલમાં આમંત્રણ મેળવવા રીતસરની લાગવગો દોડાવવી પડતી.

ભારત ભૂષણ બહુ મોટું નામ હતું. રામ જાણે કયો ગ્રહ નડી ગયો કે આશા પારેખ- શશિ કપૂરની ફિલ્મ 'પ્યાર કા મૌસમ'માં કામ કર્યા પછી એના બહુ ખરાબ દિવસો આવ્યા. પૈસે ટકે તો વગર પીધે બર્બાદ થઈ ગયો. છેલ્લે છેલ્લે તો આજીજી કરીને ફાલતુ ફિલ્મોના પાર્ટી-ગીતના શુટિંગમાં મેહમાન બનીને ઊભા રહેવાના ફક્ત રૂ. ૧૦૦/- એને મળતા.. એ ય બંધ થઈ ગયા.

તમારામાંથી ઘણાંને આ 'વધારીને' કીધેલી વાત લાગશે, પણ જે સ્ટુડિયોમાં દાખલ થતા વૉચમેનો તો ઠીક, ફિલ્મના નિર્માતાઓ ઊભા થઈને એનો આદર કરતા, એ જ સ્ટુડિયોમાં છેલ્લે છેલ્લે એને 'વૉચમેન'ની નોકરી કરવી પડી... બસ, એના આઘાતમાં ભારત ભૂષણ મૃત્યુ પામ્યો. જુગારની લત અને મીનાકુમારી સાથેના લફરાંને એ સાચો પ્રેમ માની બેઠેલો, એ બન્ને કારણોએ પણ એનું જીવન ટૂંકાવવામાં ઝડપ કરી.

અશોક કુમારની જેમ નિરૂપા રૉયનો પણ 'ચીઝેલ' ચેહરો હતો. એટલે કે ગાલપચોળીયા થયા હોય એમ પાછલા ગાલ ટેકરાવાળા લાગે અને દાઢી અણીયાળી થઈને નીચે આવે. અભિનયમાં એ કાંઈ ઉકાળી શકી નહોતી, હીરોઇન હતી ત્યારે કે મા (ફિલ્મી) બની ત્યારે પણ. એ જમાનામાં ઘણાં હીરોએ પોતાની ફિલ્મી માઓ વહેંચી લીધી હતી. દેવ આનંદને લીલા ચીટણીસ અથવા પ્રોતિમાદેવી જોઈએ. મનોજકુમારને કામિની કૌશલ જોઈએ અને અમિતાભ બચ્ચનને નિરૂપા રોય. એ વાત જુદી છે કે, બચ્ચન એ સ્તર પર હતો કે, એને પડી નહોતી કે એના બાપ તરીકે કે મા તરીકે કોણ આવે છે !

નિરૂપા રૉય એની વહુઓને દહેજ માટે પ્રચંડ ત્રાસ આપે છે, મારઝૂડ કરે છે, એવા સમાચારો વહેતા થયા હતા. એના ગૂજરી ગયા પછી નિરૂપાના બંગલાનો એક રૂમ પોતાનો કરવા બન્ને ભાઈઓ સદીઓથી અદાલતમાં ઝઘડે છે, એના અવસાન પછી પણ અદાલતો ચાલુ છે.

વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગ'થી વધુ જામેલો ચરીત્ર અભિનેતા ઉલ્હાસ પાસે ઍક્ટિંગને બદલે ધૂમધડાકા જોવા સાંભળવા મળે ! કેટલાક માણસો જન્મથી જ ગુસ્સામાં હોય છે, એનો એક દાખલો ઉલ્હાસ.

કેટલાક સંગીતકારો 'ધી ગ્રેટ' થવા સર્જાયા તો હતા, પણ એમની કદર જ ન થઈ, એમાંનું એક નામ શ્રીનાથ ત્રિપાઠીનું. એમના બહુ નહિ, બે-ચાર અમર ગીતો યાદ કરીએ તો મ્હોમાંથી 'હેં ?...- આ ગીત એસ.એન. ત્રિપાઠીએ બનાવ્યું હતું ?' એ ઉદ્ગારો નીકળ્યા વિના ન રહે.

જેમ કે, કોઈ સંગીતપ્રેમી એવો નથી જેણે મુહમ્મદ રફીના કંઠે ફિલ્મ 'લાલ કિલ્લા'ના બે મશહૂર ગીતો 'લગતા નહિ હૈ દિલ મેરા, ઉજડે દયાર મેં' (રાગ : યમન) અને 'ન કિસી કી આંખ કા નૂર હું...' (રાગ : શિવરંજની) ન સાંભળ્યા હોય ! મૂકેશબાબાનું ફિલ્મ : 'સંગીત સમ્રાટ તાનસેન'નું 'ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ' (રાગ: સોહની) કે પછી 'જરા સામને તો આઓ છલીયે.', મૂકેશનું ફિલ્મ 'ચંદ્રમુખી'નું 'નૈન કા ચૈન ચુરાકર લે ગઈ, કર ગઈ નીંદ હરામ' કે આપણા બધાનું સહિયારૂં લતાએ ગાયેલું સુંદર ગીત 'ઓ પવનવેગ સે ઉડને વાલે ઘોડે' (જય ચિત્તોડ).

પણ આ લખનાર માટે ત્રિપાઠીજીનું સર્વોત્તમ ગીત એમના ચેલાની જેમ બનેલું મધુરૂ યુગલ ગીત 'અદા સે ઝૂમતે હુએ, દિલો કો ચુમતે હુએ, યે કૌન મુસ્કુરા દિયા' (શમશાદ- રફી ફિલ્મ 'સિનબાદ, ધ સેલર')નું હતું. શમશાદ બેગમ મુહમ્મદ રફીથી એક દોરો ય કમ મીઠડી નથી લાગતી.. એનો અવાજ આ ગીતમાં તો ખૂબ મીઠો લાગે છે.

આ ગીતમાં હીરોઇન નસિમ સાથે 'સિનબાદ..'નો હીરો પટ્ટાબાજ રંજન હતો (આ બન્ને ફિલ્મોમાં ત્રિપાઠી કે ચિત્રગુપ્તના સહાયક તરીકે આપણા 'તારી આંખનો અફીણી'વાળા સ્વ દિલીપ ધોળકીયા હતા. હિંદીમાં '' અક્ષર ન હોવાથી એમને ઓળખનાર બધા 'ઢોલકીયા' કહેતા, જે નહોતું ગમતું માટે 'ડૉ. દિલીપ' નામ રાખ્યું.) સાઉથની ફિલ્મોમાં રંજન એક મોટું નામ હતો, પણ હિન્દીમાં બહુ ચાલ્યો નહિ, 'મૈં હૂ દિવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભી કહે..' એ ફિલ્મ 'હક્કદાર'માં બુલો સી રાનીના સંગીતમાં મૂકેશે ગાયેલું ગીત રંજન ઉપર ચિત્રાંક્તિ થયું હતું. ઉપરાંત તલવારબાજી માટે બનતી ઘણી બધી ફિલ્મોમાં રંજન આવ્યો, પણ આખરી દિવસોમાં શરાબની લત અને પૈસાનું દેવું - બન્ને એક સાથે વધી જતા આ હીરોએ મુંબઈમાં પોતાના ફ્લેટની બાલ્કનીમાં દોડી સીધી રોડ ઉપર છલાંગ મારી દીધી અને મૃત્યુ પામ્યો. અને એમના ચેલા એટલે ચિત્રગુપ્તનું 'એય સબા ઉનસે કહે જરા, ક્યું હમે બેકરાર કર દિયા' (આશા- રફી ફિલ્મ : 'અલીબાબા ૪૦ ચોર'- મહિપાલ અને શકીલા) પણ અમને એટલું જ ગમે. બહુ ઓછા સંગીતચાહકો આ સુધી આ બંને યુગલ ગીતો પહોંચ્યા છે.

લતા મંગેશકર જ નહિ, ફિલ્મી ગીતોથી બેહદ પ્રભાવિત થયેલા કોઈ શોખિન માટે લતાનું આ ફિલ્મનું 'રાત સુહાની, ઝૂમે જવાની દિલ હૈ દીવાના હાય તેરે લિયે...' ગીત ફિલ્મમાં નિરૂપાએ નહિ, નલિનીએ ગાયેલું છે. તમારા પોતાના લતાએ ગાયેલા શ્રેષ્ઠ ૧૦- ગીતોમાં આરામથી આ ગીત મૂકી શકશો.

વધારે સન્માન તો મુહમ્મદ રફી માટે થાય છે કે, કૃષ્ણરાવ ચોણકર સાથે 'બાટ ચલત નઈ ચૂનરી રંગ ડારી...' જુગલબંધીમાં રફી કેવી નિપૂણતાથી શાસ્ત્રોક્ત હરીફાઈમાં ઇક્વલી સફળ થાય છે ! ઘણી અઘરી તાનો મારવાની હતી. આ ગીતમાં રફી અને ચોણકર જેવા સિદ્ધહસ્ત ગાયકથી એક દોરો ય ઉતરતા નથી. આવું જ શાસ્ત્રોક્ત સ્તરે ઊંચા આસમાનો સર કરતું લતા- મન્ના ડેનું 'ઊડ જા ભંવર માયાનગર કા' ગીત છે. ત્રિપાઠીજીને સલામ કે આ ફિલ્મના એક એક ગીત માટે વિસ્તારથી લખું તો ય ઓછું પડે એમ છે.

પણ, આપણા જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ હિંદી ગીતોનો મોટો પ્રોબ્લેમ એ હતો કે, દિગ્દર્શકો પોતાને જે કોઈ રીતે મહાન ગણતા હોય, મોટા ભાગના દ્રષ્યો રાતના લેવાતા. શૂટિંગ ઘર કે મહેલમાં કર્યું હોય તો પણ કોઈ ગ્રેટ શૉટ લેવાઈ રહ્યો હોય એમ દ્રષ્યના પાત્રોના ચહેરા ઉપર થોડું ઘણું લાઇટ આવે, એટલે પત્યું ! પણ આપણે ફિલ્મ આખી કાળી ધબ્બ ફિલ્મ જોવી પડે ને ? આ ફિલ્મમાં મહેલના અંધારાના દ્રષ્યોમાં પણ લાઇટ તો કેવળ પાત્રના શરીર પર માંડ પડતું દેખાય ! કમનસીબે, આવી બેવકૂફી ઓલમોસ્ટ હર એક હિંદી ફિલ્મમાં નોંધાવાતી. થેન્ક ગૉડ... આ લોકો સૂર્યના દ્રષ્યો પણ દીવાના અજવાળે નહોતા લેતા !

ફિલ્મનો કચરો કરાવવામાં આઠેક આના બાકી રહી ગયા હશે કે ફિલ્મના સંગીતની સાથે દિગ્દર્શન પણ ત્રિપાઠીજીએ પોતાની પાસે રાખ્યું. એમણે ખૂબ સહેલાઈથી સાબિત કરી આપ્યું કે, જેટલા ઊંચા ગજાના એ સંગીતકાર હતા, એટલા જ ફાલતુ દિગ્દર્શક હતા. કાઠિયાવાડના કૂકરવાડાની ભાગોળે આવેલી કોઈ બે ઝૂંપડીઓમાં 'રાની રૂપમતિ' બનાવ્યું હોય તો આનાથી વધારે સારું બન્યું હોત. યુદ્ધના દ્રષ્યો તો કેવા ખૂંખાર લાગવા જોઈએ, એને બદલે મોગલો અને પઠાણો સામસામે દાંડિયા-રાસ રમતા હોય એવું લાગે છે. જાતે યુદ્ધ કરવા જતા ભા.ભૂ.એ પોલાદી બખ્તરને બદલે કોઈના ભીનાં લટકતાં લેંઘા ઓઢી લીધા હોય એવા લાગે છે. નિરૂપા રૉય સાથેના પ્રેમદ્રષ્યો હોય કે મૈદાન-એ- જંગમાં તલવારબાજી કરતો હોય. બન્નેના હાવભાવમાં કોઈ ફરક પડે નહિ.

એ જમાનાની ધાર્મિક અને સ્ટન્ટ ફિલ્મોમાં વિલન તરીકે આવતો લમ્બુ કલાકાર બી. એમ. વ્યાસ છે, જે આ ફિલ્મના સંગીતકાર ભરત વ્યાસનો ભાઈ હતો. આ લોકો રાજસ્થાનના હતા. સંગીત સમ્રાટ તાનસેનના કિરદારમાં આપણી જૂની ગુજરાતી ફિલ્મોના સન્માનનીય કલાકાર અરવિંદ પંડયા છે, જેમની દીકરી ન્યુજર્સી- અમેરિકામાં રહે છે, જેમની સાથે આ લખનારની મુલાકાત થઈ છે. રદ્દી કોમેડી પણ આપણા ગુજરાતી કલાકાર બાબુ રાજેએ કરી છે.

આપણા જમાનાની મોટા ભાગની ફિલ્મોની કમનસીબી એ હતી કે, ઉત્તમ ગીતો જોવા/ સાંભળવા હોય તો આવી થર્ડ-ક્લાસ ફિલ્મ પણ જોવી પડે. જે ફિલ્મના હીરો ભા.ભૂ. હોય ને નિરૂપા રૉય.. એથી મોટી નિરાશા એના જેવી મોટા ભાગની ફિલ્મોમાં જોવા મળતી.., પછી એ ફિલ્મ 'સંગીત સમ્રાટ તાનસેન' હોય, 'જનમ જનમ કે ફેરે' હોય, 'ચંદ્રમુખી' કે 'કવિ કાલીદાસ' હોય, બધા સારા... પૂરી ફિલ્મ જોતાં ભલભલો દર્શક ગુસ્સાથી લાલચોળ થઈ જાય... સદ્નસીબ, ગણીએ તો સર્વોત્તમ હિંદી ફિલ્મ સંગીતનો આ જ એક જમાનો હતો '૫૦થી ૭૦ના દાયકાનો !

No comments: