Search This Blog

04/04/2018

કોઇ નિશાની રહેવી ન જોઇએ...!


એ પારસી તો નહોતો, પણ 'રૂસ્તમ' નામ એને બહુ ગમતું. નામ પ્રમાણે ગુણ હોવા જરૂરી નથી, એની એને ખબર. નામ પ્રમાણે બૉડી પણ હોવું જોઇએ, એ ડ્રીમ હોઈ શકે, વાસ્તવિકતા નહિ. મોંઢે મુઠ્ઠી રાખીને નાનકડો ખોંખારો ખાઈને આડું જોઇને એ કબુલ કરતો કે એનું સાચું નામ તો 'રમેશ' હતું, પણ ઓહ... રમેશ કેવું આઉટ ડૅટેડ નામ ! સાલું મિનિમમ'૫૦-ની સાલ પછી કોઈ ફોઇએ આ નામ પાડયું પણ નથી.

બોલવા-બોલાવવામાં થોડું ય રૉમેન્ટિક લાગે ? જાણે સવારે દૂધની કોથળીવાળાને બોલાવતા હોઈએ એવું લાગે. એને બદલે જરા ટંકાર કરી જુઓ, 'રૂસ્તમ..' 'ઓહ, આહ અને ત્રીજું ઇહ...' આપણી જ નહિ, આપણને બોલાવનારાની ય પર્સનાલિટી પડે. એ વાત જુદી છે કે, બોલાવ્યા પછી આપણને જુએ તો ખચ્ચક ખાઈ જાય કે, 'રૂસ્તમો સાવ આવા હશે ?' પારસીઓ પાસેથી સાંભળ્યું હશે, એટલે રૂસ્તમનું કોઈ 'રૂસી' કહે તો ય ગમે... સાલું, ક્યાં રમેશ ને ક્યાં રૂસી સુધી વાત પહોંચી ?

પણ રૂસ્તમના વખાણે ય કરવા પડે, એવી એક ચીજ એની પાસે હતી, એની છ-ફૂટની ગુલાબી પર્સનાલિટીની હેન્ડસમ ખાસ નહિ, પણ ચાર્મિંગ તો લાગે.

પદ્મિનીને તો રૂસ્તમ પહેલી નજરે જ ચાર્મિંગ લાગી ગયો હતો, એ જ મિલ્કત ઉપર એણે પરણી નાંખ્યું હતું. નામનોઇગો તો પદ્મિનીને ય હતો, પણ સાલા ગુજરાતીઓ પદ્મિનીનું 'પદુ' કરી નાંખે, એમાં એ સાઉથ ઇન્ડિયન બહુ અકળાતી. આખું ન ફાવતું હોય તો 'પદ' કાઢી નાંખીને ફક્ત 'મીની'થી બોલાવો, પણ આ શું...પદુ'... હાઉ દેસી ઇટ સાઉન્ડસ...?

બન્ને વચ્ચે સારૂં બનતું હતું. ખોટી ગરબડ નહિ પણ પદુ...સૉરી, પદ્મિની પઝેસિવ ખરી... ઘણી શંકાશીલ ! આમ એને કારણે બન્ને વચ્ચે મુસિબતો કદી ય ન થાય, પણ નથી થતી, એટલેજ રૂસ્તમ વધારે ઍલર્ટ રહેતો. એને ઍલર્ટ રહેવા જેવું ય હતું. એક નાનકડું પણ સૉલ્લિડ મૂડીરોકાણ થતા થઇ ગયું હતું, ઑફિસની જ 'બન્ની' સાથે. નામ તો એનું ય 'ગોમડીયું' - 'બિના' હતું. સાલું બિના તે કોઈ નામ છે કે કોઈ ગામના પાનવાળાની દુકાનનું નામ છે ! ખીજાઈને એણે પોતે જ બિનાનું બન્ની કરી નાંખ્યું, જે રૂસ્તમને એના રૂસીને બહુ ગમતું. બન્ને વચ્ચે છેલ્લા અઢાર મહિનાથી 'પેલુંપેલું' હતું...પેલું શું કહેવાય...? હા, 'પેલું' હતું.રૂસી પોતે તો રહેતો પણ બન્નીને ય મર્યાદામાં રાખતો.

ચાલુ ઓફિસે કોઈ આંખમટક્કા નહિ. કોઇને ખબર તો ન જ પડવી જોઇએ નહિ તો પદુડી-આઈ મીન, પદ્મિની ઓફિસે આવીને બન્નીને ફટકારે એવી તોખાર છે... બાકી આપણા ઘરે શું થયું, એ તો ઑફિસમાં ક્યાં કોઇને ખબર પડવાની હોય ! ભલે હસબન્ડ-વાઇફ નહોતા. પણ બન્ને વચ્ચે ઘણી સિમિલરિટી. બન્ને ક્યાંય ભૂલ ન કરે. ઓફિસના ૩૪ વર્ષનો રેકોર્ડ હશે કે, આ બન્નેમાંથી કોઇએ ક્યાંય કશી ભૂલ કરી હોય !

આજે થઇ ગઈ.

રૂસ્તમ અને બન્ની ઑબ્વિયસલી, બન્ને મોકા શોધતા હોય કે ક્યાંક મળાય.કોઈ જોઈ ન જાય, એ તો પૂર્વ શરત હોય, એટલે પકડાઈ જવાય એવા નાનકડા ચાન્સો તો એ બન્ને જતા કરે. આવા પકડાઈ ન જવાય એવા પ્રેમોમાં તો નાનકડા જ નહિ, મોટકડા ચાન્સો ય અનેકવાર જતા કરતા ને પછી બબ્બે દિવસ એના જીવો બળે કે, 'સાલી, હાથમાં આવેલી પપ્પી ય જવા દેવી પડી'તી !' રૂસીને ગ્રામરનું જ્ઞાન ખરૂં, એટલે પોતે ને પોતે ભૂલ સુધારે, 'પપ્પીઓ હાથમાં ન આવે, યૂ સ્ટુપિડ !'

પણ આજે ઓફિસના સ્ટોરરૂમમાં અનાયાસ ચાન્સ મળી ગયો ને બન્ને---ઓહ બુલશીટ... બધું લખવાનું હોય...વાચકો આવું બધું વર્ષો પહેલા કરી ચૂક્યા હોય !

એમ તો રાઇટ ટાઈમે છુટા ય પડી ગયા, પણ રૂસી થોડો નહિ, જરા ફફડી ગયો, ઘેર જતા પહેલા દર વખતે એ પોતાની જાતને પૂરેપૂરી તપાસી લે. કોઈ સબૂત રહી જવો ન જોઇએ. ખાસ કરીને, લિપસ્ટિકના ડાઘા બહુ ડેન્જરસ હોય છે. આપણું ધ્યાન ન હોય ને ઘેર ગયા પછી પ્રગટે ! (કરેકશન : આ વાક્યમાં 'આપણું' શબ્દ સુધારીને 'તમારૂં' કરી નાંખવું...હું એવો નથી..ભૂલચૂક લેવીદેવી.)

હજી ગ્રાઉન્ડ-ફ્લોર પર જ રૂસી હતો ને અચાનક ઝટકા સાથે એને યાદ આવ્યું, 'ઓ મ્મી ગૉડ... કાંઈ રહી ગયું તો નથી ને ? લિફ્ટમાં બેસતા પહેલા દબાવેલું બટન તો પાછું ખેંચાય નહિ ને લિફ્ટ આવી જાય તો પોતાની જાતને તપાસવાની માંડ કોઈ આઠ-દસ સૅકન્ડસ મળે... ભલે ફ્લેટ તો આઠમા માળે હતો, એટલે પહેલા-બીજા કરતા આઠમા સુધી સુધારવાનો ચાન્સ વધુ મળે.'

ને તો ય, એણે લિફ્ટ જવા દીધી. કોઇએ ઉપર બોલાવી લીધી હશે. ત્યાં સુધીમાં એ ખૂબ ઝડપ-ઝડપથી પોતાની પૂરી જાતને ખંખેરવા માંડયો. ગૂન્હાખોરીની દુનિયાનો પહેલો નિયમ. કોઈ સબૂત મત છોડો. આગળનું તો બધું દેખાય પણ કોઈ ડાઘ પાછળ-બાછળ રહી ગયો ન હોય. આગળથી નીચા વળવું સહેલું છે, પાછળ ઝૂકવું તો કેવી રીતે ફાવે ? જીન્સનો નાનામાં નાનો દોરો ય નજરથી છટકવો ન જોઇએ, નહિ તો પેલીની નજર બિલાડી જેવી છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં જ નજર પડે ! એક ઢીંચણ ઊંચો કરીને શૂઝ અને મોજાં જોઈ લીધા-કેમ જાણે પદ્મિની બૂટમાં બચકું ભરી ગઇ હોય ! સઉન્ડસ ઓકે...! જીન્સની બન્ને બાંયની ઊલટતપાસ થઇ ગઇ. 'એ વખતે' શર્ટ તો કાઢ્યુંનહોતું છતાં ય, 'ઇ... મરવાના થયા હોઈએ ત્યારે દૂંટીમાંથી ય કોઈ સુરાગ નીકળે !

રૂસ્તમ ભારે ચોક્કસ માણસ હતો અને એ બાતમી એની પોતાની પાસે ય હતી (કે એ, 'ચોક્કસ માણસ' છે !) હવે જલ્દી કરવું પડે એમ હતું. લિફ્ટ નીચે આવવા નીકળી ચૂકી હતી. રૂસી થોડો પેનિકમાં તો આવી ગયો, છતાં જેટલી સેકન્ડો બચતી હતી, એમાં શરીરની પૂર્ણ તપાસ થઇ ચૂકી હતી ને ઓફિસમાં કોઈ નિશાની છોડી ન આવ્યો હોય એ માટે પોતાના બધા પોકેટ્સ તપાસી લીધા, મોબાઈલ પણ સલામત !

લિફ્ટ ગ્રાઉન્ડ-ફ્લોર પર આવી ગઈ... ઓહ ન્નો !નો...નો...નો ! પદ્મિનીનો ગોરધન હતો, પિયૂષીયો સાલો...! રૂસીને જોવા છતાં જાણે ઓળખતો જ નથી, એવો ગભરાઈને ભાગતો ગૅટની બહાર નીકળી ગયો. રૂસી જોતો જ રહ્યો. બન્ની કરતાં તો આનાથી વધારે સાચવવાનું હોય, પણ... એ અમારા ફ્લેટસમાં શેનો આયો હશે ? લિફ્ટમાં જતા રૂસી પોતે થથરી ગયો. પિયુષીયો અહીં કેમ ? આ ફ્લેટમાં તો પદ્મિની કહેતી હતી, એ લોકોનું કોઈ ઓળખિતું નથી...! કોઈ નવો લોચો તો નહિ હોય ને?

ઘરમાં ગયા પછી રૂસ્તમનો પહેલો સવાલ બન્નીને, 'પિયુષ કેમ અહીં આવ્યો હતો ?'

'પિયુષ...? કોણ પિયુષ...?? આઈ ડોન્ટ નો સમવન...વ્હોટ ડીડ યૂ સે, 'પિયુષ...'? સોરી ડાર્લિંગ...હું કોઈ પિયુષ-ફિયુષને ઓળખતી નથી... !' એ વાત જુદી છે કે, બન્ની રૂસ્તમની આંખોમાં આંખ મિલાવીને વાત નહોતી કરતી.

ને અચાનક કોઈ અજાણ્યા સૅલફોનની રિંગ વાગી. ઘરમાં જ કોઈ અનઆઈડૅન્ટિફાઇડ ફોન પડયો હતો, જે વાગ્યો. બન્ની ઝડપથી લેવા ગઈ,પણ એ પહેલા રૂસ્તમે ઉપાડી લીધો. રૂસીએ ઉપાડયો પણ બોલ્યો નહિ. સામેથી આવેલો અવાજ ભારે ગભરાયેલો હતો.

'બન્ની...બન્ની ડાર્લિંગ... તારો હસબન્ડ આવી ગયો લાગે છે... ને હું મારો ફોન તારા કિચનના ટૅબલ પર ભૂલી ગયો છું... જલ્દી---' 

સિક્સર
ખુમારી માટે આનાથી બીજો કોઈ ઉત્તમ શૅ'ર તમે સાંભળ્યો છે ? પાકિસ્તાનના હરદિલ અઝીઝ મરહૂમ શાયર, કવિ અને દાર્શનિક જનાબ જૉન ઍલિયાનો એક તગડો શૅ'ર છે :

'મૈં જો હૂં, જૉન એલિયા હું જનાબ,
મેરા બેહદ લિહાઝ કીજિયેગા.'

આવું રાહુલબાબા પોતાના માટે દેશને કહી શકે એમ છે ?

No comments: