Search This Blog

20/04/2018

'પહેલી ઝલક'('૫૫)

ફિલ્મ : 'પહેલી ઝલક'('૫૫)
નિર્માતા : સેઠ જગતનારાયણ
દિગ્દર્શક  : એમ.વી.રમણ
સંગીતકાર : સી. રામચંદ્ર
ગીતકાર: રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ    :૧૭ રીલ્સ-૧૫૬ મિનિટ્સ
કલાકારો : કિશોર કુમાર, વૈજ્યંતિમાલા, પ્રાણ, ઓમપ્રકાશ, શમ્મી, જવાહર કૌલ, શિવરાજ, રૂપા વર્મણ, કમલાકાંત, નંદકિશોર, બેગમ પારા, રણધિર, કુમકુમ, હૅલન, રતન ગૌરાંગ, સી.એ.દૂબે, ટુનટુન અને 'દારાસિંઘ'.

ગીતો
૧.ઝમીં ચલ રહી, આસમાં ચલ રહા હૈ-૧...    હેમંત કુમાર
૨.ઝમીં ચલ રહી, આસમાં ચલ રહા હૈ-૨...    હેમંત કુમાર
૩.મુહબ્બત ને મુઝે મારા મેરી...    આશા  - કોરસ
૪.ઉંચી ઉંચી દુકાન, મીઠા મીઠા પકવાન...    લતા મંગેશકર
૫.કૈસે ભાયે સખી રૂત સાવન કી...    લતા મંગેશકર
૬.ના મારો નજરીયાકે બાન, અકેલી આઈ...    લતા મંગેશકર
૭.ચરણદાસ કો પીને કી જો આદત ન હોતી...    કિશોર કુમાર
૮.છોડો જી છોડો કલાઈ, ઓ પ્યાર કી દુહાઈ...    લતા મંગેશકર
૯.દેખ કે મેરા ગોરા મુખડા...ગલી મેં આના...    લતા મંગેશકર
૧૦.જમાને સે નિરાલા હૈ મેરી ઉલ્ફત કા ફસાના...    લતા મંગેશકર
૧૧.આતા હૈ પૈસા, જાતા હૈ પૈસા, દાંવ લગાને મેં...    શમશાદ બેગમ

આવી બહુ ઓછી સફળ અને જાણિતી થયેલી ફિલ્મોને આપણે ખાસ તો હીરો-હીરોઇન કે ફિલ્મના ગીતો ઉપરથી નિર્ણય બાંધીને જોઈએ છીએ કે, 'ચલો... કિશોર કુમાર છે... મઝા આવશે'... 'અરે, કોઇ નહિ ને આપણી વૈજુ તો છે ને ? અડધા પૈસા તો એના ડાન્સમાં જ વસૂલ છે, બૉસ !'

પણ મારો તો આ ફિલ્મ જોવા પાછળનો જાનદાર હેતુ મારા ખૂબ લાડીલા વિલન 'પ્રાણ'ને જોવાનો હતો અને લૂક ઍટ માય નિર્ણય...! પૂરી ફિલ્મમાં પ્રાણ જ છવાઈ ગયો છે... બાકીના એકે ય (કિશોર, વૈજુ કે સી.રામચંદ્ર)એ પૈસા-વસૂલ કામ કર્યું હોય એવું લાગ્યું નહિ. પ્રાણ એક તો બારમાસી વિલન હોવા છતાં મોટા ભાગની ફિલ્મોમાં હીરો કરતા ય વધુ હૅન્ડસમ લાગતો હોય, પોતાનો રોલ એણે જ નિભાવ્યો હોય અને ફિલ્મ કોઇ પણ વર્ષમાં બની હોય... પરફેક્ટ કપડાં પ્રાણ જ પહેરતો. એનું ફિઝિક એવું હતું કે, કોઈ પણ કપડામાં એ શોભી ઉઠે.

ભૂલ્યા વગર બધી ફિલ્મોમાં રાડારાડ કરતો રહેતો ઓમપ્રકાશ જીવનભર કોઈ નવીનતા લાવી ન શક્યો, એમાં પ્રેક્ષકોને મનોરંજન કરતા બૉર વધુ કરવા લાગ્યો. ઓમે પોતાની એક્ટિંગ સ્ટાઇલ કદી બદલી જ નહિ. સ્ક્રીન પર એ રડે ત્યારે મૅક્સિમમ બૉર કરી શક્તો. અફ કોર્સ, થોડાઘણા કિસ્સામાં ઋષિકેશ મુકર્જી જેવા કાબિલ દિગ્દર્શકના હથ્થે ચઢી ગયો હોય ત્યારે લાઇફ-ટાઈમની સુપર્બ એક્ટિંગ પણ એ જ કરી શક્તો.

આ ફિલ્મની સૅકન્ડ હીરોઇન રૂપા વર્મણ (બર્મન) ખૂબસુરત અભિનેત્રી હોવા છતાં આ ફિલ્મ પછી દેવ આનંદની 'બાઝી'માં અને છેલ્લે 'મલ્લિકા સલોની' ('૫૩)માં આવી, એ પછી એનું શું થયું, એ ખબર ના પડી ! અહીં એ વિલન પ્રાણની બેસહારા પત્ની બને છે. પહેલવાન દારાસિંઘને આમ તો હીરો તરીકે પહેલીવાર આપણા ગુજરાતી દિગ્દર્શક-નિર્માતા અને કૅમેરાના જાદુગર કહેવાતા બાબુભાઈ મિસ્ત્રીએ ફિલ્મ 'કિંગકોંગ'માં ('૬૨) ચમકાવ્યો, પણ એ પહેલા દિલીપકુમાર-મધુબાલાની ફિલ્મ 'સંગદિલ' ('૫૨) અને આજની ફિલ્મમાં એ પહેલવાન તરીકે આવી ચૂક્યો હતો. ઓમપ્રકાશ એક્ટિંગમાં એ દારાસિંઘ ફિલ્મી કુશ્તીમાં એકના એક જ રહ્યા.
પહેલવાને એના દાવામાં નવી કરામતો ઉમેરી નહિ. બધાને ખબર પડી જતી કે, દરેક ફિલ્મમાં એનો એક દાવ કૉમન હોય, પોતાના ખભા પાછળથી સામેના પહેલવાનના માથાને બન્ને હાથી પકડીને આખી ગુલાંટ ખવડાવીને પછાડવાનો. ચોક્કસપણે કુશ્તીની દુનિયામાં આ કોઈ અજાયબ દાવ હશે, પણ એની દરેક ફિલ્મમાં આ એકનો એક દાવ કેટલી વાર જોયે રાખવાનો ?

બારમાસી રોતડો શિવરાજ અહીં પણ ટપક્યો છે. એ તો ઓમપ્રકાશ કતા ય વધુ દર્દનાકભર્યું રડી શક્તો. આપણે બધાએ ભેગા મળીને દિગ્દર્શક એમ.વી.રમણનું ચોક્કસ કાંઈ બગાડયું હશે કે, એને ગરીબ ભિખારી બતાવવા જીંથરા જેવા ગુંચળા બાલ-દાઢી ઉપર જાણે કોઇએ ઍંઠવાડ ઢોળ્યો હોય, એમ આપણે એની સામે જોઇ ન શકીએ ને તો ય રમણે એની પાસે હેમંત કુમારનું આખું ગીત 'ઝમીં ચલ રહી હૈ...' ફિલ્મમાં કોઈ લેવાદેવા વગરનું ગવડાવ્યું છે !

હજી કાંઈ બાકી રહી જતું હોય ને એ હિંદી ફિલ્મનો ઘણો મોટો કલાકાર હોય એમ ફિલ્મની વાર્તાનો સસ્પૅન્સ એના નામે રખાવ્યો છે, એટલે ફિલ્મના અંત સુધી એને જોયે/સાંભળે રાખવાનો ! તારી ભલી થાય ચમના... આપણને કિશોર કુમાર ઉપરથી માન ઉતરી જાય, એમ અહીં એને કિશોરના 'ખોવાયેલા બાપ' તરીકે બતાવ્યો છે ! અરે ભ'ઇ... ખોવા માટે કોઈ સારો બાપ લઇ આવવો હતો...! આ તો એક વાત થાય છે !

વૈજ્યંતિમાલાના નૃત્યો શાસ્ત્રોક્ત તો અપેક્ષિત હોય, પણ આ ફિલ્મમાં એ સમયના પોતપોતાના ક્લાસમાં નંબર-વન ગણાતા નૃત્ય-નિર્દેષકો હીરાલાલ, બદ્રીપ્રસાદ અને સાઉથનું મોટું નામ, દંડયુધ્ધપાણીને કામ સોંપવામાં આવ્યું હતું. પણ ફિલ્મના દરેક નૃત્ય ગીતો બહુ સામાન્ય કક્ષાના હતા. અહીં લતાના અવાજમાં સી.રામચંદ્રએ મહારાષ્ટ્રની પારંપરિક લાવણીનું નૃત્ય-ગીત, 'દેખકે મેરા ગોરા મુખડા...' બનાવ્યું છે, એ પણ અતિસામાન્ય કક્ષાનું છે.

ફિલ્મોમાં આજ સુધી આવેલી તમામ લાવણીમાં કદાચ સર્વોત્તમ તો રિમા લાગૂએ ફિલ્મ 'આક્રોશ'માં પેશ કરી હતી. પોતપોતાના જમાનાની વાત છે. લતા મંગેશકર પાસે હિંદી ફિલ્મોમાં તેનું સર્વપ્રથમ ગીત ગવડાવનાર સંગીતકાર દત્તા દાવજેકરના એ દિવસો આવ્યા કે, ઈવન આ ફિલ્મમાં આસિસ્ટન્ટ સંગીતકારનો નોકરો કરવો પડયો. ('તિરૂ લીલ્લા...તિરૂ લીલ્લા...ગાયે લતા, ગાયે લતા' ગવડાવનાર કે.દત્તા જુદા. એ દત્તા કોરગાંવકર)

સવાલ આટલા ગ્રેટ સંગીતકાર અન્ના (ચિતલકર રામચંદ્ર)ના કમિટમૅન્ટ માટે થાય કે, જીવનભર... સૉરી, કરિયર-ભર એમણે એકલી લતાને જ પોતાનો ઓક્સિજન સમજ્યો, એમાં બાકીના હરકોઈ ગાયકને હડસેલે રાખ્યા. પરિણામે, એક વાર લતા સાથે સંબંધો પૂરા થઇ ગયા, પછી અન્નાનું કોઈ ન રહ્યું. આપણે વાત 'કમિટમૅન્ટ'થી શરૂ કરી હતી કે શંકર-જયકિશન કે નૌશાદની માફક અન્નાએ પૂરી ફિલ્મોના ગીતો સુપરહિટ બનાવ્યા હોય એવા દાખલા કેમ બે, ત્રણ કે ચાર જ છે ?

આ બંને સંગીતકારોનો સ્ટ્રાઇક-રૅટ કેટલો ઊંચો હતો કે, ફિલ્મમાં દસ ગીતો હોય તો દસે દસ હિટ હોય અને એવી તો એમની આગળપાછળની મોટા ભાગની ફિલ્મો હોય ! અન્નાએ એવી મેહનત કરી લાગતી નથી. આજની ફિલ્મનો જ દાખલો લઇએ. કયું ગીત તમને યાદ છે ? એમની સરિયામ હિટ ફિલ્મો અનારકલી, સરગમ, પતંગા, શેહનાઈ, અલબેલા, નવરંગ કે થોડાઘણા 'પરછાંઇ' અને આઝાદને બાદ કતા બહુ ઓછી ફિલ્મોના સળંગ ગીતો હિટ થયા હોય.યસ.

દરેક ફિલ્મમાંથી એક એક હિટ ગીત લેવું હોય તો અન્નાની માસ્ટરી સામે આવે, 'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદ મેં હમ કિતના રોયેં' (ફિલ્મ 'શીન શીનાકી બુબલા બૂ'... જે કદી સિનેમાઓમાં રીલિઝ જ થઇ શકી નહોતી !) પણ એ જ ફિલ્મના બાકીના ગીતો કયા ? નહિ તો એક એક ફિલ્મનું એક ગીત (અને એ ય લતાનું જ હોય !) તો અન્ના જેવી મજા ભાગ્યે જ કોઈ સંગીતકારે કરાવી છે !

'અય આંખ અબ ન રોના, રોના તો ઉમ્રભર હૈ...' (સિપહીયા), 'તેરે ફૂલોં સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર' (નાસ્તિક), 'અય ચાંદ પ્યાર મેરા, મુઝ સે યે કહ રહા હૈ' (ખઝાના), મુઝ પે ઇલ્ઝામે બેવફાઇ હૈ' (યાસ્મિન) અને સ્ત્રી (કૌન કો તુમ કૌન હો... ફોર ઍ ચૅઇન્જ, મહેન્દ્ર કપૂર...ઉપરાંત લતાનું 'ઓ નિર્દયી પ્રિતમ)' આંખ રોઈ મગર, મુસ્કુરાના પડા (૨૬-જનવરી), કૈસે આઉં જમુના કે તીર (દેવતા), 'ભીની ભીની હૈ, મીઠી મીઠી હૈ' અને રફીનું 'યે હસરતથી કે ઇસ દુનિયા મેં કોઈ કામ કર જાયેં' (નૌશેરવાને આદિલ), મેરે જીવન મેં કિરન બન કે બિખરનેવાલે(આશા-મન્ના ડે : તલાક) અને માસ્ટરનો છેલ્લો ક્લાસ શૉટ, 'મૈં જાગું સારી રૈન, સજન તુમ સો જાઓ' (બહુરાની) એક અનિલ બિશ્વાસને બાદ કરતા સી. રામચંદ્ર જેવો 'સર્જક' સંગીતકાર આપણે ત્યાં ભાગ્યે જ થયો છે. ખુદ શંકર (જયકિશન)ના કહેવા મુજબ, 'અનિલ દા અને અન્ના જેટલા ઓરિજીનલ ધૂનો પેશ કરનારા તો અમે ય નહિ. ખુદ નૌશાદ પણ ક્યાંકથી તૈયાર બંદિશ ઉઠાવીને પોતાના સંગીતમાં લઇ લેતા.'

અન્નાના પતનનું બીજું પણ એક કારણ જાણકારો કહે છે કે, રિધમ-સૅકશનમાં એમના સંગીત ઉપર મહારાષ્ટ્રના લોકસંગીતનો વધુ પડતો પ્રભાવ હતો - ખાસ કરીને લાવણીની રિધમ. આ જ તકલીફે ગુજરાતી સંગીતકારો કલ્યાણજી-આણંદજી પાસેથી ખાસ કોઈ વિશેષ કઢાવ્યું નહિ!

ઘણા વાચકો ફરિયાદ કરે છે કે, ઘણીવાર આ કૉલમમાં ફિલ્મની વાર્તા જણાવાતી જ નથી. એમને જણાવવાનું એટલે કે, જે તે ફિલ્મમાં વાર્તા જેવું કાંઈ પડયું હોયતો જણાવીએ. જેમ કે, આ ફિલ્મમાં તમે વાર્તા શોધવા જાઓ તો 'ચિત્રલોક' ને બદલે 'ઝગમગ'ના લેખક થઇ જાઓ. બાળવાર્તા ય આનાથી સારી હોય. સારી કે ખરાબ તો પછીની વાત છે. ફિલ્મ જોનારને વાર્તાનો કોઈ તાળો તો મળવો જોઇએ ને ? છતાં, ચલો... એક ટ્રાય કરીએ.

એ જમાનો હતો જ્યારે વિવાહ પહેલા વહુનું મોઢું જોવાનો રિવાજ નહતો. રિવાજ જ નહિ, એ બદતમીઝ રિવાજ હતો. ઓમપ્રકાશના દીકરા (જવાહર કૌલ) સાથે દીકરીને પરણાવવા આવેલો પિતા કેદારનાથ (કમલકાંત) એ જમાનાના નવા પવન મુજબ, વરઘોડા વખતે જ જીદ કરે છે કે, કન્યાનું મોંઢુ જોયા સિવાય હું લગ્ન નહિ કરૂં. વિવાહ પહેલા કન્યાનું મોંઢું જોવાતું/બતાવાતું જ નહિ.

એ તો પાપ ગણાતું. 'કન્યાનું મોંઢું જોયા વિના હું લગ્ન નહિ કરૂં !' મૂરતીયાની એ જીદ સામે એના પિતા અને ભાવિ સસુરજી તાબે થાય છે અને લગ્ન પહેલા કન્યાને મોઢું બતાવવા લઇ આવે છે. કન્યા (વૈજ્યંતિમાલા) તો રૂપરૂપનો અંબાર જોઇને મુરતીયો કાચી સેકન્ડમાં રાજી થઇ જાય છે, પણ કન્યા બેધડક આવાને પરણવાનો ઇન્કાર કરી દે છે. કરોડપતિ (હા.... એ જમાનામાં કરોડપતિ એટલે બહુ પૈસાવાળો કહેવાતો...!) બાપનો ઉચ્છંગલ નબીરો પ્રાણ એની પત્ની (રૂપા વર્મણ)ને ઠુકરાવીને અન્ય સ્ત્રીઓ સાથે રંગરેલીયા મનાવતો રહે છે.) તમારા બધાની વાત સાચી પડી...'પ્રાણ પહેલેથી જ બદમાશ હતો !...ફિલ્મોમાં) જેલમાંથી છુટીને રસ્તા ઉપર આવારાગર્દી કરતા કિશોર કુમાર જેના માથેથી ટોપી કાઢી લે છે, એ મોટરસાયકલવાળો કલાકાર (ચીની મોંઢાવાળો બટકો) 'રતન ગૌરાંગ' છે જે જન્મે નેપાળી હતો.કિશોર પાસે નોકરી ધંધો છે નહિ, એટલે જુગાર રમે જાય છે. આ બાજુ, ગરીબ સ્ત્રીઓનું આધાર-કાર્ડ બનીને વૈજ્યંતિમાલા નૃત્યના શો કરે છે, પણ એ પહેલાં લગ્નમંડપમાંથી પાછી ફરીને એ પિતા કેદારનાથનું ઘર છોડી દે છે, જસ્ટ ગરીબોની સેવા માટે ! ત્યાં એ પતિદેવ પ્રાણના ત્રાસથી કંટાળીને નદીમાં ભૂસકો મારવા આવેલી રૂપા બર્મનને બચાવી એની સાથે દોસ્તી કરી લે છે અને રૂપાને પોતાને ઘેર લાવે છે.

'ખાવા-પીવા-રહેવાનું ફ્રી.' નદીમાં ભૂસકા મારવા જતી અન્ય અબળાઓને આનો ખ્યાલ નહિ હોય નહિ તો રોજના છવ્વીસ ભૂસકાઓ નદીમાં એ બધીઓ મારતી હોત ! આ બાજુ, ઓમપ્રકાશનો છોકરો જવાહરકૌલ અને ફૅશનેબલ અને બદતમીઝ છોકરી શમ્મીને પરણીને પસ્તાય છે. પ્રાણ અહીં આવીને પણ કોઈ હાંધા-હલાડા કરતો રહે છે અને ગળાનો નૅકલેસ ચોરી લે છે.

ફિલ્મના અંત સુધી એ ખબર પડતી નથી કે, ઑરિજીનલી એ કોના ગળાનો નૅકલેસ છે. આ બાજુ, પ્રાણ જવાહરને એક ડાયરી બતાવીને બ્લેકમૅઇલ કરતો રહે છે ને પેલો શેના માટે ડરતો રહે છે, એ આજે આ ફિલ્મના ૬૩ વર્ષ પછી ય કોઇને ખબર પડી નથી. બસ, ફિલ્મના અંતે બધાએ સુખેથી ભેગા કરવા પડે, એ મુદ્દો ધ્યાનમાં રાખીને જવાહર કૌલને શિવરાજનો દીકરો અને કિશોરને ઓમપ્રકાશનો દીકરો પુરવાર કરીને પ્રેક્ષકોને છોડી મૂકવામાં આવે છે.'

વૈજ્યંતિમાલા તમિલનાડુમાં વસુંધરાદેવી (જે પોતે પણ ૪૦-ના દાયકાની તમીલ હીરોઇન હતી) અને પિતા એમ.ડી.રમણને ત્યાં જન્મી હતી. આ નામની સિમિલરીટીને કારણે ઘણાને ભૂલ થઇ જાય છે કે, આ ફિલ્મ 'પહેલી ઝલક' બનાવનાર દિગ્દર્શક એમ.વી.રમણ એના પિતા છે. અફ કોર્સ, રમણ માટે એ લાડકી અને ભાગ્યવાન હીરોઇન હતી અને વૈજુને એની પહેલી હિંદી ફિલ્મ 'બહાર'માં હીરોઇન બનાવી. વૈજ્યંતિ ૧૩ august 1936 ના રોજ જન્મી હતી, એટલે વિચાર કરો કે, આજે ૮૨ વર્ષની ઉંમરે ય એ તરોતાઝા રહે છે. પસંદગીના કાર્યક્રમોમાં નૃત્યના શો પણ કરે છે.

પહેલી ફિલ્મથી જ કિશોર વૈજ્યંતિમાલાનો ખાસ હીરો બની ગયો હતો. નિમ્મી અને મીનાકુમારી પણ એની પાસે એકદમ કમ્ફર્ટેબલ. વહિદા રહેમાને ઈવન હમણાં હમણાંના ઇન્ટરવ્યૂઝમાં કિશોરના બેતહાશા વખાણો કર્યા છે કે, 'કિશોર દા સૅટ પર અમારી સાથે હોય એટલે બધો થાક ઉતરી જાય. એ ખૂબ હસાવતા રહે. શૂટિંગ વખતે એમનો શોટ હોય કે ન હોય, દૂર ખુરશીમાં બેઠા બેઠા કોઈ ચાળા કરીને અમને હસાવે ! હું એમની સાથે માંડ એકાદ-બે ફિલ્મોમાં આવી છું, પણ એ ફિલ્મો કિશોર દાને કારણે વહાલી થઇ ગઇ છે. મીના કુમારીને ય કિશોર ખૂમ ગમતો. અલબત્ત, ચચ્ચાર વખત પૈણી-પૈણીને તૂટી ગયેલો કિશોર હવે વધારે તૂટવા માંગતો નહોતો, એટલે આમાંની એકે ય સાથે એનું કોઈ લફરૂં નહોતું.'

તમે આ ફિલ્મ જોઈ હોય તો તમારો વાંક નથી અને હવે જોવાના હો તો ભોગ તમારા...!

No comments: