Search This Blog

22/04/2018

ઍનકાઉન્ટર : 22-04-2018


* બેન્કોનું કરી નાંખવામાં નીરવ મોદી તો માલ્યાનો ય બાપ નીકળ્યો. સજા તો બેન્કના અધિકારીઓને પણ થવી જોઈએ ને ?
- ખિસ્સામાં કરોડ-કરોડ પડયા હોય પછી એકાદ વર્ષની સજા ય... તોડે છે !
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ) અને (મહેશ એમ.પરમાર, અમદાવાદ)

* માત્ર વોટ માંગવા મોદી સવર્ણો સાથે આવો ખેલ ખેલી શકે ?
-  સવર્ણો કે ઓબીસીના વોટ્સની ચિંતા મોદીને કે કોંગ્રેસને છે ?
(
કલ્પના જયરામ પટેલ, સુરત)

* નરેન્દ્ર મોદી તમને રસ્તામાં મળે તો શું પૂછો ?
-  ક્યાં ખોવાઈ ગયા છો ?
(
નવલ મોદી, અમદાવાદ)

* બેન્કોના આટઆટલા કૌભાંડો જોઈને શું થાય છે ?
-  આપણે બસ... જોયા જ કરવાનું ?
(
મધુકર મેહતા, વિસનગર)

* ભ્રષ્ટાચાર દૂર કરવા શું કરવું જોઈએ ?
-  કાંઈ નહિ !
(
મયૂર ભોગાયતા, ભરૂચ)

* પહેલા મોદી-મોદી ચાલ્યું, પછી માલ્યા-માલ્યા ને પાછું મોદી-મોદી ! હવે શું ?
-  કંઈક 'કરી બતાવો'.. તો 'મહેન્દ્ર-મહેન્દ્ર' થાય !
(
ડો.મહેન્દ્ર મેસુરીયા, અમદાવાદ)

* છોકરાને ઠરીઠામ કરવા બહુ ભણાવીને વિદેશ મોકલવો કે બેન્કમાંથી લોન લઈને વિદેશ મોકલી દેવો ?
-  
ભાજપ અને કોંગ્રેસમાં ઓળખાણો વધારો.
(
ડો. શૈલજા એ.ઠક્કર, અમદાવાદ)

* 'ઓહ.. તમે છો ?' ના કેટલા અર્થો કાઢવા ?
-  વચમાં '' મૂકી દો.
(
રવિ ઘાડવે, સુરત)

* મંત્રી બનતા પહેલા કમ-સે-કમ 'સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, એ પૂર્વશરત ?
-  એટલે બધે દૂર જવાની જરૂર નથી. 'સિવિલ સર્વિસ'નો અર્થ શું થાય, એટલો જવાબ આપે તો ય ચાલે.
(
રૂતુલ રાજ, વ.વિદ્યાનગર) અને (અશ્વિન મોરે, સુરત)

* સ્વ.ગુણવંત છો. શાહ જેવી હિંમતથી લખનારા બીજા ક્યારે આવશે ?
-  એમનું 'નેટવર્ક' વાંચીને સ્વર્ગમાં 'ઘૂસેલાઓ' ય ફફડે છે..
(
રામ આહિર, અમદાવાદ)

* આપે ક્યારે ય કોલેજમાં રેગ્યૂલર લેકચરો એટેન્ડ કર્યા હતા ?
-  હું કોલેજ સુધી તો ભણ્યો હોઈશ.. એ વિશ્વાસ બેઠો લાગે છે !
(
હર્ષાલી ત્રિવેદી, જૂનાગઢ)

* બનાવટી ડિગ્રીથી તમે બી.કોમ થયા.. કેટલા આપવા પડયા ?
-  પાસ થવા માટે એ લોકો મને વર્ષે દસ-પંદર લાખ રૂપિયા આપતા હતા.
(
અશ્વિન મોરે, સુરત)

* તમારા 'બુધવારના' અનુસંધાનમાં, શું રાષ્ટ્રગીતો હવે હન્ટર વીંઝીને ગવડાવવા પડશે ?
-  સામાન્ય નાગરિકને સરહદ પર જવાનું હોતું નથી, પહાડો ચઢવાના હોતા નથી, દાન દેવાના નથી... એક રાષ્ટ્રગીત ગાવા માટે ય કહેવું પડે ? સાધુમહારાજો જીદ પર આવી ગયા છે કે, કોઈ કહે ને અમે ગાઈએ..? ને આપણા જેવાઓને જયહિંદ બોલવાની ભાવના ય થતી નથી... ધર્મગુરુઓ વાત હવે ઇગો પર લઈ ગયા છે કે, 'કોઈ કહે ને અમે શેના ગાઈએ?        
(
કૃષ્ણનાથ જીવાજી, અમદાવાદ)

* પૈસાને મૂકવા ક્યાં ? બેન્ક પર તો ભરોસો રહ્યો નથી !
-  મારા ઘરે આપી જાઓ. ૨૦-૨૫ વર્ષ સુધી કોઈ તમારી પાસે માંગવા આવે તો નામ આપણું દેજો.  
(
નીલેશવાળા, સરખડી-કોડિનાર)

* પેલી પ્રિયા પ્રકાશે આંખોના લટકા કરી કરીને આખું ગામ ગાંડુ કરી નાખ્યું હતું... તમે કાંઈ ન બોલ્યા ?           
-  
એની મમ્મીએ કર્યા હોત તો મારા કોઈ કામમાં ય આવત !

* 'પાસપોર્ટ'ની શી જરૂર છે ?
-  પોર્ટ પર જવા માટે પાસ થવું પડે.

* વહેમની કોઈ દવા કેમ શોધતું નથી ?
-  મારી પાસે પડી છે, પણ મને વહેમ છે કે, એ નહિ કામમાં આવે.
(
ધવલ જે.સોની. ગોધરા)

* તમે કેટલું કમાઓ છો ?
-  બસ... આ ઝકરબર્ગ ઢીલો પડે, તો એનું 'ફેસબુક' ખરીદી લેવું છે.
(
જયમીન દરજી, વડોદરા)

* રાહુલ ગાંધીને લઈને ફિલ્મ બનાવવાની હોય તો ફિલ્મનું નામ શું રાખો ?
-  'બાહુમોદીને રાહુલપ્પા કો ક્યું મારા ?'
(
શૈલેષ દરજી, અમદાવાદ)

* પૂરા દેશમાં હડતાલ, બંધ. દેખાવો કે રસ્તા રોકો જેવાં કોઈ આંદોલનો જ ન હોય, એવો દિવસ ક્યારે આવશે ?
-  તમને ખબર છે ? એ પણ રોજગારી છે. એના રોકડા પૈસા મળે છે.
(
પ્રફૂલ્લ કોઠારી, જૂનાગઢ)

* સીરિયસ પેશન્ટને બચાવી ન શકાય તો દર્દીના સગા જાનલેવા હુમલો કરે છે...
-  ભારતભરના મેડિકલ કાયદા ડોક્ટરોની ફેવરમાં છે.
(
ડો. તૈય્યબ સાહેરવાલા, ગોધરા)

* સુપરમેન, સ્પાઈડરમેન કે બેટમેન જેવી ફિલ્મો હિટ જાય છે, પણ 'પેડમેન ' જેવી નહિ !
-  હવે તમને લાગે છે ને કે, પુરુષોનો બધામાં વાંક હોતો નથી !
(
નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

* નેતાઓ માટે નિવૃત્તિની ઉંમર કોઈ નહિ ?
-  એમના તો અવસાનની ય નથી નીકળતી !
(
શશીકાંત દેસલે, સુરત)

* મારા સવાલનો જવાબ છાપશો કે 'એનકાઉન્ટર' કરી નાંખશો ?
-  જોઈ જુઓ. હજી ઓક્સિજન પર છે.
(
વસંત મોરથાનીયા, મુંબઈ)

* તમે રાહુલ ગાંધી હો તો શું કરો ?
-  બકવાસ.
(
ધ્રૂવિત પટેલ, બોડેલી)

No comments: