Search This Blog

07/08/2011

ઍનકાઉન્ટર : 07-08-2011

* સિંહણનું દૂધ ફક્ત સોનાના વાસણમાં જ લઈ શકાય, એનું શું કારણ?
- અમે તો ભૈયાનું દૂધ જ વાપરીએ છીએ. 
(જીનલ એ. બારોટ, અમદાવાદ)

* અર્જુન શ્રીકૃષ્ણને આટલા બધા સવાલો શું કામ પૂછે છે?
- હવે ખબર પડી ને કે, લોકો મને ‘કૃષ્ણ ભાગ બીજો’ કેમ કહે છે? 
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* જુતા-ચંપલ બદલી લેવાની શ્રેષ્ઠ જગ્યા કઇ?
- બદલતા રહો... નહિ તો ક્યાંક ભરાઈ જશો. 
(સુમન વડુકૂળ, રાજકોટ)

* પત્નીનું મગજ બહુ ગરમ રહેતું હોય, તો શું કરવું?
- તમારૂં કઢાવી નાંખો. 
(ધવલ એ. શાહ, વડોદરા)

* સ્ત્રીઓની કઈ ટેવ તમને ગમતી નથી?
- માથામાં તેલ નાંખેલી સ્ત્રીની હું સામે ય જોતો નથી. 
(મહાસુખ દરજી, વિશાલનગર)

* સાસુ કોઇને ગમતી નથી, એનું કારણ?
- આવા કૅસોમાં સાલી આપણા સસરાને પણ એ ગમતી નથી હોતી...! કોઈ પંખો ચાલુ કરો. 
(કુ. પુષ્ટિ શાહ, વડોદરા)

* પૃથ્વી પર ઑલરેડી આટલા જીવ-જનાવરો હતા, છતાં ઇશ્વરે માણસને કેમ બનાવ્યો?
- આ બધામાંથી ફક્ત માણસ ઇશ્વરને બનાવે છે, એ ટ્રીક શીખવા માટે. 
(અરવિંદ દેશપાંડે, વિજલપુર/નવસારી)

* તમારા કમ્પાઉન્ડમાં પૈસાનું ઝાડ છે, એ વાત સાચી ?
- છે, પણ ત્યાં ભૂત થાય છે. 
(સલમા, નડિયાદ)

* તમને પૂછાયેલા સવાલોથી તમારી કિંમત ઘટે છે કે વધે છે?
- એનો આધાર તમારી સમજ વધે છે કે ઘટે છે, એની ઉપર છે! 
(ડૉ. સી.કે. સિનોજીયા, મોરબી)

* ક્રિકેટમાં સટ્ટા વિશે શું માનો છો ?
- એકના દસ કરી આપો, તો કહું. 
(ખુશી ઠક્કર, અમદાવાદ)

* મારો મિત્ર માત્ર ‘સહિયર પૂર્તિ’ વાંચે છે. સુઉં કિયો છો?
- મિત્રોના નામે ય કેટલાક લોકો સવાલ પૂછતા હોય છે! 
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* દરેક ચૂંટણી પહેલા ઘટક પક્ષો વચ્ચે રીસામણાં-મનામણા કે ધમકી-સંધિઓ ચાલતી હોય છે. આ નાટક છે કે નબળાઈ?
- નાલાયકી. 
(દેવાંશુ વસાવડા, ભરૂચ)

* જેને આપણે પોતાના માનીએ છીએ, એ જ વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડે, તો શું કરવું?
- લમણાં ઉપર બામ ઘસીને ઓઢીને સુઇ જવું.
(જમીલા મુન્શી, કાવી)

* ‘મીસ’ અને ‘મીસિસ’ વચ્ચે શું ફરક ?
- તમે એ બેમાંથી એક હશો, તો પૂછવું નહિ પડે. 
(સલમા મણિયાર, વીરમગામ)

* સ્વ. મૂકેશ જેવો મીઠડો અવાજ હિંદી ફિલ્મોમાં કોઈ નથી. આપ શું માનો છો?
- ‘ઐસી પાગલ ન હો મુહબ્બત મેં, મેરી દીવાનગી કો પ્યાર ન કર... હોઓઓઓ.’ 
(મથુરભાઈ સોની, ચેન્નઈ-તમિલનાડુ)

* ‘ગમ્મે તે...’ નો મતલબ...?
- ગમ્મે તે. 
(હુસેન હુજેફા મર્ચન્ટ, નાસિક)

* મારે તમને મળવા અમદાવાદ આવવું છે, પણ ગાડીઓ ભરચક હોવાથી ટિકિટ નથી મળતી, તો શું કરવું?
- રોકડા મોકલાવી દો ને. 
(હાતિમ અસગરઅલી કાગળવાલા, મુંમ્બ્રા)

* એક જ ભગવાનનું મંદિર ઘરમાં હોય ને બીજું સેંકડો કી.મી. દૂર હોય, તો ભક્તો પાસે ત્યાં સુધી લાંબા થવાનું શું કારણ?
- પોતાની પબ્લિસિટી પૅકેજમાં કરવી હોય, તો લાંબા થવું પડે.. 
(ઓમકાર કે. જોશી, ગોધરા)

* તમને ભગવાને ક્યારેય દર્શન દીધા છે?
- કઇ કમાણી ઉપર હવે એ મને મોંઢું બતાવે? અમારે બન્નેને સહેજ બી બનતું નથી. 
(યોગેશ કૃ. દલાલ, સુરત)

* કીડીઓની જેમ કહે છે કે, મંકોડાના ટોળા ન હોય...
- રાઈટ. અમારામાં કિટ્ટી પાર્ટી-ફાર્ટી ન હોય! 
(રમીલા પ્રહલાદ રાવળ, રાજપિપળા)

* ટીવીની તમામ સીરિયલો છળકપટથી કેમ ભરેલી હોય છે?
- એવું નથી. ‘ઍનિમલ પ્લૅનેટ’ કે ક્રિકેટની મૅચો ય છળકપટથી ભરેલી હોય છે.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* દીકરી ને ગાય, દોરે ત્યાં જાય. આપ શું કહો છો?
- દીકરીની ખબર નથી, પણ ગાયો તો રબારી દોરે ત્યાં જ જાય. 
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ)

* ‘કોઈ તમને એક ગાલે લાફો મારે તો બીજો ધરવો.’ આપ એવું કરો છો?
- યસ. એક લાફો મારી દીધા પછી બીજો ખાવા પેલો ઊભો રહ્યો હોય, તો હું એની મનોકામના પૂરી કરું છું. 
(મૂકેશ ડી. મોદી, વાઘાસણ-થરાદ)

* ‘રામરાજ્ય’ સ્થાપવા શું કરવું જોઈએ?
- ચૂંટણી-કમિશ્નરની કચેરીમાંથી યોગ્ય ફૉર્મ ભરી નવા પક્ષ માટે અરજી કરવી જોઈએ. 
(ગીરિશ બી. વાઘેલા, અમદાવાદ)

* હકીભાભી અને એમના બા તમારા ઉપર આટઆટલા ખીજાય છે, તો પગલાં કેમ લેતા નથી?
- મારા પગલાં કરતા એમનો પંજો બહુ ભારે છે. 
(ધાત્રી એ. ભટ્ટ, વડોદરા)

* તમારા દુશ્મનો સાથે તમે કેવો વ્યવહાર કરો છો?
- હું મારૂં સૌજન્ય કદી ચૂક્યો નથી. 
(ઉષા એલ. અમીન, નડિયાદ)

* ગુસ્સે થયેલી સ્ત્રી માટે ‘વિફરેલી વાઘણ’ શબ્દો વપરાય છે... ગુસ્સે થયેલા પુરૂષ માટે શું?
- એ વાઘણનો ગોરધન. 
(મઘુકર માંકડ, જામનગર)

No comments: