Search This Blog

05/08/2011

‘ફૂલ ઔર પથ્થર’ (’૬૬)

ફિલ્મ : ‘ફૂલ ઔર પથ્થર’ (’૬૬)
નિર્માતા-દિગ્દર્શક : ઓપી રાલ્હન
સંગીત : રવિ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૧૮ - રીલ
થીયેટર : અલંકાર (અમદાવાદ)
કલાકારો : મીનાકુમારી, ધર્મેન્દ્ર, શશીકલા, મઘુમતિ, ઓપી રાલ્હન, ઇંદિરા બિલ્લી, જીવન, લલિતા પવાર, મદનપુરી, મનમોહન કૃષ્ણ, લીલા ચીટણીસ, શ્યામકુમાર, સપ્રુ, સુંદર, ટુનટુન, રામમોહન, ઇફ્તિખાર, સતીષ, બ્રહ્મ ભારદ્વાજ, બૅબી ફરીદા, માસ્ટર અઝીઝ, માસ્ટર અનિલ, રામ અવતાર, જ્હૉની વ્હિસ્કી, રાની અને લક્ષ્મી છાયા

ગીતો
૧ જીંદગી મૈં પ્યાર કરના સીખ લે, જીસકો જીના હૈ મરના સીખ લે- આશા ભોંસલે
૨ તુમ કૌન, મામુલ. મૈં કોન આમિલ. જો પૂછુંગા બતલાઓગે -મુહમ્મદ રફી
૩ શીશે સે પી, યા પૈમાને સે પી, યા મેરી આંખો કે મયખાને સે પી- આશા ભોંસલે
૪ મેરે દિલ કે અંદર, ચલાતી હૈ ખંજર- મુહમ્મદ રફી
૫ દિયા ના બુઝા મેરે ઘર કા... સુન લે પુકાર આઈ આજ તેરે દ્વાર- આશા ભોંસલે
૬ લાઈ હૈ હજારો રંગ હોલી- આશા ભોંસલે અને સાથીઓ

ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ બહુ બધાને યાદ રહી હોય, એ બનવાજોગ નથી. જોઈ’તી, એટલું યાદ હોય. જોયા પછી ફિલ્મ ગમી’તી પણ ખરી, પણ મહીં શું આવતું’તું, એ ભૂલી ગયા હોઈએ. ઠેઠ ’૬૬ ની સાલનું તો આજે કેટલું યાદ હોય ? અમદાવાદના રેલવે સ્ટેશન સામેની અલંકાર સિનેમામાં ‘ફૂલ ઔર પથ્થર’ આવ્યું, ત્યારે ધર્મેન્દ્રનો જમાનો શરૂ થઈ ચૂક્યો હતો, પણ જમાનો આ ફિલ્મને કારણે શરૂ થયો હતો, એ તો આજે ધરમો ય કબુલે છે. જુઓ, આ ફિલ્મની સાથે એકલા ધરમાની જ કેટલી ફિલ્મો અમદાવાદમાં ચાલતી હતી ?

લાઈટ હાઉસમાં શશી કપૂર-નંદાનું ‘નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે’, સામેની લક્ષ્મીમાં દેવકુમાર-ઇંદ્રાણી મુખર્જીનું ‘મેરે લાલ’, રૂપમમાં સાધના-સુનિલ દત્તનું ‘મેરા સાયા’, મૉડેલમાં ‘મમતા’, રીગલમાં જૉય મુખર્જી-આશા પારેખનું ‘લવ ઈન ટોક્યો’, પ્રકાશમાં બલરાજ સાહની-નિરૂપા રૉયનું ‘લાડલા’, રીલિફમાં ધર્મેન્દ્ર-નૂતનનું ‘દિલને ફિર યાદ કિયા’, કૃષ્ણમાં ધર્મેન્દ્ર-આશા પારેખનું ‘આયે દિન બહાર કે’, નવી નવી શરૂ થયેલી રૂપાલીમાં ધર્મેન્દ્ર-માલા સિન્હા-તનુજાનું ‘બહારેં ફિર ભી આયેગી’.... આમે ય ભારતની પ્રજાને ધરમમાં બહુ અંધશ્રદ્ધા છે.

ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ રાજેન્દ્ર કુમારે પ્રસ્તુત કરી છે. જો કે, એનો અર્થ શું થાય, એ ફિલ્મ બનાવનારાઓને પોતાને ય ખબર નહિ હોય. ફિલ્મના ટાઈટલ્સ (નંબરીયા !!!) શરૂ થાય, એ પહેલાં આવું Rajendra Kumar Presents લખાઈને આવે. પોતાની સગી બો’ન પૈણી નાંખનાર બનેવીલાલ રાજેન્દ્રકુમારને ખુશ રાખવા સાલેરામ ઓપી રાલ્હને આ મહેરબાની કરી હોય, એવું બને. આમ તો, ઓપી રાલ્હને સુનિલ દત્તને હીરો તરીકે પસંદ કર્યો હતો, પણ મીનાકુમારીના આગ્રહથી ધર્મેન્દ્રનો જેકપૉટ લાગ્યો હતો. એક્ચ્યુઅલી.. ફિલ્મના અડધા શૂટિંગે ધર્મેન્દ્રને રાલ્હન સાથે ઘણો મોટો ઝઘડો થઈ ગયો હતો. રાલ્હન વારંવાર એનું અપમાન કરી દેતો હોવાને કારણે.. અને ધરમાએ ફિલ્મ છોડી પણ દીધી હતી. ફરી એકવાર મીનાકુમારીની જીદને કારણે ધર્મેન્દ્રએ સમાધાન કરી લેવું પડ્યું હતું.

‘ફૂલ ઔર પથ્થર’થી મીનાકુમારી ધર્મેન્દ્ર પાછળ રીતસર એક ગાંડીની માફક પાછળ પડી ગઈ. ‘પાછળ પડી ગઈ’નો મતલબ એવો નહિ કે, પેલા ભ’ઈ બહુ સીધાસાદા સંત હતા. ધરખમ પુરૂષ માણસ હતો અને એ જમાનાની સર્વોત્તમ અને સેક્સી અભિનેત્રી એની પાછળ પાગલ હોય, પછી એ કાંઈ રાખડી લેવા જાય ? મુંબઈ આખું જાણતું હતું કે, આ બન્ને હવે છૂટા પડે એમ લાગતું નથી. મીનાનો ગોરધન કમાલ અમરોહી સમસમી જતો હતો, આ બઘું જોઈ/સાંભળીને પણ હાથ તો મીનાના ય મજબુત હતા. ધરમો ય અસલી ફાઈટમાં બે-ચારને તો પહોંચી વળે એવો મસ્ક્યુલર હતો, એટલે અમરોહીને ભાગે ફક્ત મુઠ્ઠીઓ જ કચકચાવવાની આવી દાઢમાં તો એણે ય ધરમને રાખ્યો કે ક્યારેક આનો બદલો લઈશ. ‘એક દિવસ ધર્મેન્દ્રનું મોઢું કાળું કરીશ.’ ચાન્સ મળી ગયો. સામે ચાલીને એણે ધરમને પોતાની ફિલ્મ ‘રઝીયા સુલતાન’નો હીરો બનાવ્યો. એમાં એને યાકુત (હબસી)નો રોલ આપી, માત્ર મોઢું જ નહિ, આખા શરીરે કાળો ધબ્બ બનાવી દીધો... કમાલ સમજ્યો કે એણે બદલો લઈ લીધો છે.

પણ વાસ્તવમાં એવું નહોતું. પ્રવાસની શોખિન મીનાકુમારીની ટૅક્સી ફક્ત ધર્મેન્દ્રના બસ-સ્ટેન્ડે જ નહોતી ઊભી રહેતી ધરમા સાથે ‘ચંદન કા પલના’, ‘બહારોં કી મંઝિલ’, ‘કાજલ’ અને ‘મઝલી દીદી’ જેવી ફિલ્મો કરતા કરતા અન્ય મુસાફરોનું ય ઘ્યાન રાખતી. ધરમો ય ‘એંસી-ને-હો’નો હતો. બન્ને એકબીજાને વફાદાર નહોતા, એમાં ભરાયો કમાલ અમરોહી. મીનાને તલાક તો આપી દીધા, પણ ફિલ્મી પરદા પર દયાની દેવી માટે દેશભરમાં સહુને સહાનુભૂતિ હતી. પાછી પેલી શાયર પણ હતી. તલાક લીધા પછી મીનાકુમારીએ કમાલને સંબોધીને એક ઉત્તમ શે’ર લખ્યો.

तलाक तो दे रहे हो, कहेर के साथ,
मेरी खुशियां भी लौटा दो महेर के साथ.

(મૂળ અરબી શબ્દ ‘કહેર’ મતલબ નફરત સાથેનો ગુસ્સો. ‘મહેર’ એટલે મુસલમાનોમાં નિકાહ વખતે પતિએ પત્નીને આપવાની થતી રકમ.)

પણ પરદા પાછળની જે સ્ટોરી હોય તે... અત્યાર સુધી ચારે બાજુ અટવાતા ધર્મેન્દ્રના નસીબના દસે દરવાજા આ ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થરે’ ખોલી આપ્યા. ધર્મેન્દ્ર મુંબઈ આવ્યો ત્યારે પૂરો ગરીબ અને દેહાતી હતો. મનોજ કુમાર એ જ નક્શે-કદમ પર હતો. બંનને અચાનક દોસ્તી થઈ ગઈ. બંને મુંબઈ હીરો બનવા આવ્યા હતા. બંને સાથે સ્ટ્રગલ કરતા હોવાથી દોસ્તી અચ્છી થઈ ગઈ હતી. પણ એકવાર બંનેને સફળતા મળી, એટલે વાંક કોનો, એ જાવા દિયો... એ પછી આજની તારીખ સુધી ધર્મેન્દ્ર અને મનોજકુમાર વચ્ચે બોલવાના સંબંધો ય રહ્યા નથી. એ બંનેને ભેગા તમે ક્યારેય નહિ ભાળ્યા હોય.

ધરમ બહુ ચાલ્યો, એના કારણો ઉઘાડી આંખ જેવા હતા. એક તો, ધરમો આવ્યો ત્યાં સુધી આપણો એકપણ હીરો એના તેવું રોબસ્ટ શરીર ધરાવતો નહોતો. ભારતના પ્રેક્ષકોએ શરીરથી આના જેવો મરદ હીરો જોયો નહોતો. એટલે લોકોએ તાબડતોબ વધાવી લીધો. પણ એક્ટિંગમાં ભ’ઈ સાવ દારાસિંઘ જેવા, એટલે એ જમાનામાં ખૂબ ઉપડેલો દારાસિંઘ ધરમાની કમ્પેરિઝનમાં સારો એક્ટર કહેવાતો. બોલો, એક જીતેન્દ્રને બાદ કરતા ધરમ એક માત્ર એવો હીરો હતો જેનું કદી પતન થયું નથી... એ આજ સુધી ચાલ્યો આવે છે. પછી તો થોડી થોડી એક્ટિંગ પણ આવડવા માંડી. ખાસ કરીને કૉમેડી અચ્છી કરી લેતો. એની એ કમાલ દુલાલ ગુહાએ પહેલીવાર પારખી અને ‘મૈં જટ યમલા પગલા દીવાના, હો રબ્બા...’ એ રફી સાહેબના ગીતવાળી ફિલ્મ ‘પ્રતિજ્ઞા’માં એ કોઈ મજેલો ઍક્ટર હોય, એવું સરસ કામ કરી બતાવ્યું, એમાં તો સ્વયં ૠષિકેષ મુકર્જી પણ ઇમ્પ્રેસ થઈ ગયા અને એમની બે-ત્રણ ફિલ્મોમાં કામ આપી દીઘું. આ એની પોતાની સ્ટોરી હતી,પણ ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ની સ્ટોરી આમ તો ચીલાચાલુ હિંદી ફિલ્મોની જ પેટર્ન હતી. બિગ બૉસ મદનપુરીના ભાડુતી ગુંડા તરીકે ચોરીચપાટી કરતા શાકા (ધરમ) ગામમાં પ્લેગ ફાટી નીકળતા એક ગરીબ ઘરમાં ધાડ પાડે છે, (ધરમ કરતા ધાડ પડી...!) ત્યાં ખબર પડે છે કે, ઘરવાળા એ ઘરની શાંતિ (મીનાકુમારી)ને બિમાર હાલતમાં છોડીને જતા રહ્યા છે. ધરમો શાંતિની સારવાર કરવા લાગી જાય છે ને સાથે સાથે એને પ્રેમ કરવાની મજૂરી પણ કમાઈ લે છે. બહાર બઘું સમુસૂતરું પાર ઉતરતા શાંતિના સાસરીયાઓ પાછા આવે છે. જુએ છે તો એમનું ઘર લૂંટાયું હતું... શાંતિ બધો બ્લેમ પોતાના માથે લઈ લે છે. શાકો એને છોડાવીને એની સાથે ભાગી જઈ પોતાની પાસે રાખી લે છે. બહેન શશીકલા તો ફિલ્મના પહેલા જ દ્રશ્યથી ધરમા પાછળ પાગલ હોવાથી એ કાંટોય દૂર કરવો જરૂરી હતો. ફિલ્મ પૂરી થાય તે પહેલા એ કાંટો ય દૂર થાય છે. બીજી બાજુ, શાંતિના સાસરીયાઓને ખબર પડે છે કે, શાંતિ બહુ મોટા ખજાનાની માલકિન છે, એટલે એ પાછા આવે છે અને ‘‘શાંતિ પામવાના’’ પ્રયાસો કરે છે. પછી તો ‘ધી એન્ડ’ પહેલા આગના ભડકા, મારામારી, ભાગદોડ ને એવું બઘું બતાવવું પડે, નહિ તો બઘ્ધાની બાઓ ખીજાય.

અહીં આપણા એક લૉસની - નુકસાનની પણ વાત કરી લઈએ. ઇન ફૅક્ટ, આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક ઓપી રાલ્હન વાસ્તવમાં તો બહુ ઊંડા ગજાનો કોમેડિયન હતો. એની પોતાની ફિલ્મો સિવાય બહાર ક્યાંય કામ કરતો ન હોવાથી આપણે એક ‘ક્લાસ’ કોમેડીયન ગુમાવવો પડ્યો.

સંગીતકાર રવિ ખાસ કંઈ ઉકાળી શક્યા નથી. આમેય કેબરે-ડાન્સ પર ગીતો તૈયાર કરવાનું એમનું ગજું નહિ. ખોટું પેટ્રોલ બાળતા હતા. ઓપી નૈયર, સચિનદેવ બર્મન અને શંકર-જયકિશનને બાદ કરતા, એ જમાનામાં કોઈપણ સંગીતકારને આવા વેસ્ટર્ન-મ્યુઝિક પર ઘૂનો બનાવતા આવડતી પણ નહોતી. એકાદ પીસ એકોર્ડિયનનો વગાડ્યો, બે કટકા ગીટારના વગાડ્યા અને ઢોલક-તબલાંને બદલે બોંગો-કોંગો પછાડ્યા એમાં ક્લબ-ડાન્સ કે કેબરે બઘું આવી ગયું. ઘુન પાછા દેસી જ હોય. એ જ રીતે, ક્લબ-ડાન્સમાં પણ એમની કોઈ નવીનતા ન લાગે. કોરિયોગ્રાફરો પોતે પણ ખાસ કાંઈ જાણતા નહોતા એટલે રોક-ઍન-રોલ, જર્ક, ચા-ચા-ચા જેવા ત્રણ-ચાર નમૂનાઓ શીખી લીધેલા, એમાં હાથ પહોળા રાખીને પહેલા આ બાજુ અને પછી આ બાજુ પગ બદલીને કેડો હલાવે રાખવાની, એમાં બઘું આઈ ગયું... હઓ !

શશીકલાનો પૂરબહાર જમાનો હતો. એ હતી, ત્યાં સુધી તો હરકોઈ કહેતું, ‘એના જેવી વૅમ્પ (ખલનાયિકા) બીજી કોઈ નહિ થાય.’ એ દાવાના સમર્થનમાં કૅસ એવો રજુ કરવામાં આવતો કે, વૅમ્પમાં જરૂરી હોય, એવું ધગધગતું રૂપ અને પિટ-ક્લાસવાળાઓને પણ લલચાવે એવી મારકણી અદાઓ અત્યારે ચીપ લાગતી હશે, એ જમાનામાં તો બાલ્કનીવાળાઓને ય એ જ ગમતું. શશીકલાએ બહુ સહન કર્યું છે. એને એનું સૅક્સી રૂપ બહુ નડ્યું. હીરો હોય કે નિર્માતા, બધા એની પાસે એક જ પ્રકારની માંગણી કરતા.. છૂટછાટો લેતા. એ આવી વિકૃતિઓથી બહુ ઉબાઈ ગઈ અને કંટાળીને ઘર છોડીને ભાગી ગઈ અને ભારતભરના જંગલોમાં આઘ્યાત્મિક જ્ઞાન મેળવવા સાઘુ-સંતો વચ્ચે ભટકવા માંડી, ત્યારે ખબર પડી કે, આપણા તો સાલા સાઘુ-સંતો ઉપરે ય વિશ્વાસ મુકાય એવો નથી. છેવટે કંટાળીને મુંબઈ પાછી આવી.

મીનાકુમારી માટે આમ તો ‘આ વળી એક બીજી ફિલ્મ’ જ હતી. ધરમને કારણે એણે રસ વધારે લીધો હતો.

ઘ્યાનથી એની ફિલ્મો જોઈ હોય તો મીનાકુમારી ડાબા હાથની ટચલી આંગળી છુપાવતી હતી, જે હતી જ નહિ. કોઈપણ દ્રષ્યમાં દુપટ્ટા જેવી કાંઈપણ આડશ લાવીને એ આંગળી છુપાવતી હતી. એક સ્ટોરી મુજબ, ઇન્સ્યોરન્સ ક્લૅઈમ કરવા એણે જાતે ટ્રેનની મુસાફરી દરમિયાન બારી નીચે આંગળી રાખીને કાપી નાંખવાની હિંમત કરી હતી. બીજી, આઠમી કે છપ્પનમી કોઈ સ્ટોરી પણ હશે... આવી સ્ટોરીઓને સત્યના સમર્થનો ન મળે. ટચલી આંગળી નહોતી, એ હકીકત સાચી. ’૬૬ની ફિલ્મોના ‘બેસ્ટ એક્ટર’ના ફિલ્મફૅર એવોર્ડ માટે ધર્મેન્દ્ર નોમિનેટ થયો હતો, પણ સ્વાભાવિક છે, ફિલ્મ ‘ગાઈડ’ના દેવ આનંદની સરખામણીમાં ધરમો ફિક્કો પડે. એ એવોર્ડ દેવ આનંદને મળ્યો. જોકે, આ વર્ષે રીલિઝ થયેલી તમામ ફિલ્મો કરતા ‘ફૂલ ઔર પથ્થરે’ બોક્સ-ઓફિસ પર સૌથી વઘુ વકરો કર્યો હતો. ફિલ્મમાં સાચા લાગે એવો આખો મોહલ્લો અને અન્ય સૅટ્‌સ પાછળ ખૂબ પૈસા ખર્ચાયા હતા, જેને માટે શાંતિ દાસને બેસ્ટ આર્ટ ડાયરેક્ટરનો ફિલ્મફૅર એવોર્ડ જરૂર મળ્યો હતો. એમણે ખાસ તો આગના દ્રશ્યોમાં પણ ખૂબીઓ બતાવી હતી.

મુખ્ય વિલન તો મદનપુરી છે, પણ નવાઈ લાગે કે, આ ફિલ્મમાં ઇફિ્‌તખાર એના ચમચા તરીકે ભાડૂતી ગુંડાનો રોલ કર્યો છે... એકેય ડાયલોગ પણ બોલવા મળ્યો નથી. મદનપુરીના બીજા લુખ્ખા તરીકે ફિલ્મ ‘જ્હૉની મેરા નામ’માં દેવ આનંદની સાથે કાળો લોંગ કોટ પહેરીને ફાઈટ કરનાર વિલન શ્યામકુમાર છે, જેણે સુરૈયા સાથેનું ગીત ‘તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, હોઓઓઓ...’ ગાયું હતું. ફિલ્મમાં આ ગીત શ્યામ ગાય છે, એ પાછો જુદો.

હિંદી ફિલ્મોની ૭૦-ટકા ફાઈટો ગૅરેજ કે બંધ કારખાનામાં જ કેમ થાય છે, તે મને ક્યારેય સમજાયું નથી. પિપડાં હોય, હોય ને હોય જ, પણ તમામ ખાલી પિપડાં. કોઈ વાચકોને આજ સુધીની એકપણ હિંદી ફિલ્મની કારખાના ફાઈટ્‌સમાં એકપણ ભરેલું પિપડું જોયું હોય ને મને જણાવશે તો, પૂરી ચકાસણી બાદ એ વાચકને અમારા તરફથી પાંચ વર્ષમાં એક ભરેલું પિપડું ગિફટમાં આપવામાં આવશે. (કમ-સે-કમ, રોજ તમારા ઇ-મેઈલ પર તમે પરદેશની કોઈ બૅન્કના અજાણ્યા ખાતામાંથી ૫-૧૦ કરોડ ડૉલર્સ જીત્યા છો, એવી લુખ્ખી લાલચ તો આ નથી...!)

1 comment:

Anonymous said...

superb
jem vachta jaiye em jame.classical music ni jem
vaah dadu