Search This Blog

03/08/2011

બહુ ખોટું થયું

મને હજી સુધી કોઈ દુઃખીને પદ્ધતિસરનું આશ્વાસન આપતા નથી આવડતું.

કોઈ ગુજરી ગયું હોય, તો આપણા બે શબ્દો સાંભળીને એ લોકોનું દુઃખ ઓછું થવું જોઈએ... એ લોકો પોક મૂકીને નવેસરથી રડવા માંડે, એવો સીન બનવો ન જોઈએ. તબક્કો ભલે એ લોકોને હસાવવાનો નથી, પણ વધારે દુઃખી ય ન કરાય. સાચું આશ્વાસન આપતા એને આવડ્યું કહેવાય કે, તમારા લાગણીમય શબ્દો સાંભળવાથી એ લોકોનું દુઃખ હળવું થવું જોઈએ ને ઉપર ઑલરેડી પહોંચી ગયેલો ડોહો પાછો આવવો ‘ન’ જોઈએ... ઘણાં એવું ભાવનામય બોલતા હોય છે કે, કાકો ય ઉપર બેઠો મુંઝાય કે, ‘હું હાળો ખોટો ઉપડી ગયો... અત્યારે જવા જેવું નહોતું !’

મારાથી સાલું ઊલ્ટું થઈ જાય છે. હમણાં મેં કીઘું તેમ, હું પદ્ધતિસરના ખરખરા શીખ્યો ન હોવાથી મને એટલી જ ખબર કે જતા વ્હેંત, ‘બહુ ખોટું થયું...’ બે વાર બોલીને પેલાનો ખભો પંપાળ પંપાળ કરવાનો હોય છે. એના ખભાની પાછળની સાઇડમાં આપણા હાથના દસ-બાર રાઉન્ડો ફેરવીને, ‘‘હશે ઇશ્વરને ગમ્યું તે ખરૂં !’’ એવું બે-ત્રણ વખત ધીમે ધીમે બોલવાથી, ઉપર મરનારના આત્માને અને નીચે એના છોકરાને શાતા વળે છે. (ખભો સ્ત્રીનો ન હોવો જોઈએ, એ ઘ્યાન રાખવું... નહિ તો પેલો તો ઉપડી ગયો... સાલો જીંદગીભર એ ખભો આપણે પંપાળવાનો આવે ! મુસિબતો ખભા દ્વારા ય આવી શકે. આ તો એક વાત થાય છે.)

બીજું, ખભો પંપાળવાની હૉબી પણ થઈ ન જવી જોઈએ. એને એક શોખ તરીકે ડૅવલપ ન કરી શકાય. આ કલામાં પેલાનો ખભો બેસી જાય, એવો તમારો હાથ બેસી જવો ન જોઈએ. સમાજમાં તમારી છાપ એક સારા (KP) એટલે કે ‘ખભા-પંપાળુ’ની પડે, એ કોઈ ગૌરવનો વિષય નથી. ‘‘ઓહ ન્નો... કાકીના જવાથી મસ્તુભ’ઈ છાના જ નથી રહેતા... ? એક કામ કરો મસ્તુભ’ઇનો ખભો આપણા KP સમાજના જાણિતા અગ્રણી અશોકભ’ઇ પાસે પંપાળાવો.. એમનો હાથ હલકો અને અનુભવી છે. દસ મિનિટમાં તો મસ્તુભ’ઇ સિસોટીઓ વગાડતા ઉભા થઈ જશે. એક કાકી પાછળ તો આટલું જ રડાય, એવું દાદુ બહુ સરસ સમજાવે છે...’’

હું ૬૪ કલાઓ શીખ્યો છું, પણ મને હજી સારો ખભો પંપાળતા આવડતું નથી. યૂ સી... ખભો ખંભાળી આપવો અને પંપાળી આપવો વચ્ચે બહુ ફરક છે. પંપાળો તો એવી રીતે પંપાળો કે, પેલાના હૃદયમાં કરૂણાના સાગરો છલકાય, ખંજવાળના ખાબોચિયા ઉપડવા ન જોઈએ. કેટલાક તો, વાંદરૂ એના બચ્ચાનો બરડો વલુરી આલતું હોય, એવી હસ્તકલાથી આશ્વાસન આપે છે. મિત્રો, ઘ્યાન રાખવું કે મૃત્યુ પ્રસંગે પંપાળવા માટે ફક્ત ખભો જ વપરાય છે. બગલની નીચે કે પડખામાં પંપાળો તો પેલાને ગલીપચી થાય ને સાલો કટાઇમે હસવે ચઢી જાય. સ્મશાનોમાં ઘણી વખત જોવામાં આવ્યું છે કે, મરનારના દુઃખી છોકરા પાસે ખભા ગણીને ટોટલ બે હોય ને પંપાળનારા પાંત્રીસ...! બધા તો મંઝિલ સુધી પહોંચી ન શકે, એટલે હોળી રમવા આયા હોય એમ ગમે ત્યાં હાથ નાખીને પેલાને સાગમટો પંપાળવા માંડે, ‘બહુ ખોટું થયું, ભ’ઇ... ઇશ્વરને ગમ્યું તે ખરૂં... !’ શરૂઆતમાં હોળીની જેમ પેલો મીઠો વિરોધ પણ કરતો રહે, ‘... મસ્તી નહિ, મસ્તી નહિ... મને નહિ... પ્લીઝ’’ પણ સરવાળે આટલી બધી ગલીપચીઓ સહન ન થવાથી હિચકી કે હિબકાને બદલે એ હસવે ચઢી ગયા હોય... સાલી ઘેર બેઠેલી એની બા સ્મશાનમાં આઇને ખિજાય. સુઉં કિયો છો ?

આ, ‘મને નહિ, પ્લીઝ...’ ઉપરથી બીજો ય એક ધડો લેવાનો કે હોળીની માફક, એક હાથમાં ન આયો તો બીજાને રંગી નાંખવાનો... પણ ખાલી હાથે પાછા નહિ આવવાનું, એ પદ્ધતિ અહીં ન ચાલે. સ્મશાન- બેસણામાં તો જેનો ડોહો દેવ થઈ ગયો હોય, એનો જ ખભો પંપાળવાનો હોય, એની પાસે ભીડ હોય ને આપણો નંબર હજી આવે એમ ન હોય તો, ખૂણામાં કોક નવરો ઉભો હોય, એનો ખભો પંપાળવા ના બેસી જવાય. એને કસમયની આંચકી આઇ જાય કે, હજી તો મારા ઘરમાં ગ્રાન્ડ-ફાધરે ય હિંચકે બેઠા ઝૂલે છે ને આ ભાઈ ગેરસમજમાં ફાધરના સંદર્ભમાં ખભો પંપાળવા આવ્યા છે. આ એક જ ક્રિયા એવી છે કે એમાં કલા કે વિજ્ઞાન ન જોવાય.... હૃદયની ઉર્મિઓ જોવાય, થયેલું દુઃખ જોવાય... (હજી કંઈક ત્રીજું ય જોવાતું હોય છે, પણ મને અત્યારે બહુ યાદ નથી આવતું... કોઈ પંખો ચાલુ કરો.)

યસ, અફ કૉર્સ... મરનારના દુઃખી પુત્રનો ખભો ડાબો કે જમણો વાપરવો, એ વાતે કચ્છ અને કાઠિયાવાડ બાજુના કેટલાક ભાવકો મૂંઝાય છે. કેટલાકને પંપાળવાની સ્પીડ (લય... ગતિ) ખબર નથી હોતી. ગાડીનો કાચ સાફ કરવામાં અને ખભો પંપાળવા વચ્ચે ફરક ફક્ત સ્પીડનો છે. પોતું તો બન્ને જગ્યાએ મારવાનું છે, પણ અહીં, ‘‘મારે પછી બીજે ય જવાનું છે...’’ એટલે ઉતાવળ પૂરતો કોઈનો ખભો, ‘એક કામ પતે’ના ધોરણે સ્પીડમાં પંપાળી ના અલાય. તો બીજી બાજુ, તમે નવરા હો ને હવે ઘેર બીજુ કાંઈ કામ ન હોય, એટલે મીટર પૂરું થાય પછી રીક્ષા ઉભી રહેશે, એવી મનોવૃત્તિથી પેલાના ખભે ગોળ ગોળ ચકરડા મારે ન રાખવાના હોય.

ખભા પંપાળવાની સુનેહરી દુનિયામાં સ્પીડની સાથે સાથે પ્રેશરનું પણ મહત્ત્વ જોવાયું છે. ખભો તમારા હાથનું હળવું પ્રેશર આપીને પંપાળવાનો હોય, કિચનનું સિન્ક સાફ કરતા હો એમ કચ્ચી કચ્ચીને, ‘જોર લગા કે... હૈ યા’ પદ્ધતિથી ઉપડવાનું ન હોય. તમારી હથેળીમાં હરણની નરમાશ જોઈએ, એક્યુપ્રેશરવાળો આયો હોય એમ પેલાના બરડામાં ગોદા મારવાના ન હોય, ગાડીનું હોર્ન વગાડતા હો એમ ખભો દબાવાય, કાચની બરણી ખોલવાની હોય એમ પાંચે આંગળીઓ ઘોંચવાની ન હોય. ખોટું કહું છું... ? (જવાબ : ના તમે સાચું કહો છો : જવાબ પૂરો.)

’૭૬ની સાલમાં પહેલીવાર મારાથી એવું બફાયું કે, આજે પણ એ ભૂલ બદલ મારી જાતને માફ કરી શકું એમ નથી. કહ્યું છે ને કે બોલતા ના આવડતું હોય તો ચૂપ રહેવું જોઈએ ફણ એનો ખભો ધુમાવતા- ધુમાવતા મારાથી સાલું એવું પૂછાઈ ગયું કે, ‘સાંભળ્યું છે... છેલ્લે છેલ્લે ડોહા ડચકા બહુ ખાતા’તા... ? કે’ છે કે છેલ્લું ડચકું તો બહુ મોટું આયુ’તું...! જો કે, એકવારમાં મોટુ આઇ ગયું, એ સારું થયું.... પાછળથી કોઈ બબાલ નહિ...!’

મારું આશ્વાસન સાંભળીને, જે પહેલેથી ઑલરેડી રડતા હતા, તે અચાનક બંધ થઈ ગયા. ફિલ્મ ‘શોલે’માં ગાંવવાલો કપાયેલા હાથવાળા ઠાકુરને જોતા હોય. એમ આ લોકો મારી સામે જોતા હતા. એ લોકોના ઘેર નેકસ્ટ ટાઇમ બરોબર સાચવીને દિલાસો આપવો, એ નિર્ણય સાથે હું ઊભો થયો.

સંસ્થાના ઘ્યાન પર એ ય આવ્યું છે કે, બેસણામાં જવાના બદલે કેટલાક મુમુક્ષુઓ નિરાંત મળ્યા પછી સ્વર્ગસ્થના ઘેર જાય છે પણ ત્યાં ગયા પછી શું કરવાનું, કેવું બોલવાનું અને કેટલું બેસવાનું તેની તાલીમ લીધી ન હોવાથી બાફી મારે છે. એ લોકો કાંઈ પણ બોલ્યા- ચાલ્યા વગર એવા ડઘાઈ ગયેલા મોંઢે બેસે છે કે, શોકગ્રસ્ત પરિવાર એ નથી સમજી શકતો કે, આ લોકોના ઘરમાં ય કોક ઊડ્યું લાગે છે અને અહીં સામે ચાલીને ખરખરો કરાવવા આવ્યા છે. એ લોકો ઊભા થઈને આ લોકોને પાણી આપે છે. સામટા ખભા પંપાળે છે. એ તો છેવટે જતા જતા જે શી ક્રસ્ણ કરે, ત્યારે આ લોકો ભાનમાં આવે કે, આ તો આપણા કાકીનો ખરખરો કરવા આવ્યા હતા.

દિલાસો દેવાની સર્વોત્તમ પ્રથા જગતભરમાં શોધાઈ નથી. મળી આવે તો કહેવડાવજો. આપણે શરુઆત તમારાથી કરશું.

સિક્સર
- કૉંગ્રેસ તો નાલાયક છે જ, પણ પ્રોબ્લેમ આગામી ચૂંટણીઓમાં ભાજપને થવાનો છે. કયા મોઢે વોટ માંગશે ? અફઝલ ગુરૂ કે કસાબને ફાંસી, એ. રાજા, કનીમોઝી, શરદ પવાર, યેદીયુરપ્પા, મોંઘવારી, આતંકવાદ... એકે ય મુદ્દે એ વિરોધ પણ કરી શકે એમ છે ? 

No comments: