Search This Blog

28/08/2011

ઍનકાઉન્ટર : 28-08-2011

* સ્ત્રીએ પાંચે આંગળીએ ગોરમાંને પૂજ્યા હોય, તો સારો ગોરધન મળે, તો પુરુષને...?
- પુરૂષો ગમે ત્યાં આંગળી કરી આવતા હોય છે....
(મધુકર પી. માંકડ, જામનગર)

* બૉબી દેઓલના સસુરજી રૂ. ૩૦૦-કરોડના આસામી છે... આપના સસુરજી ?
- લોકો વાઇફો બદલવાના આગ્રહી હોય છે....આવા કૅસમાં હું સસરો બદલવા તૈયાર છું ! 
(વલ્લભ પારેખ, કાલોલ) 

* રાજ કપૂર સાથે નામ ફક્ત નરગીસનું બોલાય છે.... સીમી, વૈજ્યંતિ, પદ્મિનીનું કેમ નહિ ?
- અહીં અમારા નામો હકી સિવાય કોઈની સાથે નથી બોલાતા, તો અમારે જીવો બાળવાના....? 
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

* મારે પણ ‘ઍનકાઉન્ટર’ કરવું છે...  મદદ કરશો ?
- ઍનકાઉન્ટરો કરવા માટે મદદોની નહિ, સામે કોઇ બોકડો ઊભો હોવાની જરૂર પડે છે. 
(શર્લી કાનાબાર, અમદાવાદ) 

* વાહનોથી થતા પ્રદુષણનો કોઇ ઇલાજ ?
- સાયકલ. 
(અમોલી શાહ, મોરબી) 

* તમારી દ્રષ્ટિએ ઢંગધડા વગરનો સવાલ કોને કહેવાય ?
- મારો ઇન્ટરેસ્ટ ફક્ત ‘ઢંગધડા વગરના’ જવાબો પૂરતો છે. 
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા) 

* ક્યારેય કોઈ લેખકનું અપહરણ થતું સાંભળ્યું નથી....!
- આ ફરિયાદ છે કે દિલાસો...? 
(ગૌતમ દોશી, અમદાવાદ) 

* ડિમ્પલ કાપડીયાના મામલે રાજેશ ખન્ના અને અક્ષયકુમારની તમને બીક નથી લાગતી ?
- એ લોકોની તો હું જાન છોડાવી રહ્યો છું....! 
(દર્શના ધવલ શાહ, વડોદરા) 

* ખૂબસુરત સ્ત્રી બાબતે વઘુ નસીબદાર કોણ ? પતિ કે પડોસીઓ ?
- હું એકાદ આંટો વડોદરે મારી જઉં, પછી ખબર પડે ! 
(ધવલ એ. શાહ, વડોદરા) 

* પહેલાના જમાનાના ફિલ્મ કલાકારો અપ-ટૂ-ડેટ થઇને બહાર નીકળતા... આજે લઘરા જેવા કપડા, દાઢા વધારેલા ને ફાલતુ બનીને બહાર નીકળે છે... સુઉં કિયો છો? 
- હજી અમારા સાહિત્યકારોને તમે જોયા નથી... જમાનો પહેલાનો હોય કે આજનો.... સાલાઓ સાવ સાહિત્યકારો જેવા થઈને બહાર નીકળે છે ! 
(સુરેશ આચાર્ય, અમદાવાદ) 

* તમે મારા સવાલનો કદી જવાબ કેમ આપતા નથી ?
- તમે સવાલ પૂછો છો કે હપ્તે-હપ્તે આત્મકથા લખીને મોકલો છો, તેની ખબર પડતી ન હોવાથી ! 
(સોનલ પટેલ, અમદાવાદ) 

* ‘રામબાણ’ ઇલાજ એટલે શું ?
- જુલાબ. 
(લલિત ઓછા, જૂનાગઢ) 

* હકીભાભી વારેઘડીએ લંડન કેમ જતા રહે છે ?
- અમદાવાદમાં શાંતિ સ્થાપવા. 
(મણીબેન પટેલ ઊંટડી-વલસાડ) 

* તમારૂં ઍનકાઉન્ટર વાંચીને ઢળી પડેલાઓનું પછી શું થાય છે ?
- એમને બસ... કાઢી જાય છે ! 
(મૌલિક જોશી, અમદાવાદ) 

* સલમાન અને કૅટરીના કૈફ લગ્ન કયારે કરશે ?
- પેલો શર્ટ પહેરશે ને આવી આ કાઢશે ત્યારે. 
(મયૂર જે. ચાવડા, રાણાવાવ) 

* સૅક્સ રૅકૅટ પકડાય ત્યારે પકડાયેલી સ્ત્રીઓ હવે શેને માટે મોંઢા ઢાંકે છે ?
- એમને પબ્લિસિટીનો મોહ નહિ ને....! 
(ચંદ્રેશ વી. કાચા, મોરબી) 

* Buy One, Get One Freeનો સહિ ફાયદો ક્યારે મળશે ?
- લગ્નનું ગોઠવાતું હોય ત્યારે આ સ્કીમ લાગુ પડે ત્યારે. 
(મીસીસ પૂનમ ખોસલા, મુંબઈ) 

* ગઇ રક્ષા બંધનમાં તો તમારો હાથ રાખડીઓથી ભરાઇ ગયો હશે, નહિ ?
- નહિ. કોઇ મને ભાઇ બનાવવા રાજી નથી. 
(શૈલેષ ભાનુશંકર જોશી, મહુવા) 

* નવરાત્રી દરમ્યાન સહુના વજન ઘટવાના કારણો કયા ?
- કેટલાકના પછી તો બહુ વધી જાય છે ! 
(પરિન્દા અનુપમભાઈ પટ્‌ટણી, અંજાર) 

* ઇશ્વરે પશુઓને આડા બનાવ્યા છે, છતાં સીધા ચાલે છે ને માણસોને ઊભા બનાવ્યા છે, છતાં આડા ચાલે છે....કારણ શું ?
- મને પણ ઊભા ઊભા લખતા નથી ફાવતું. 
(અલ્પા બી. ચાવડા, ચલાલા) 

* ગુજરાતમાં પાણીની તંગીવાળા અનેક ગામડાઓમાં દારૂ છુટથી મળે છે...શું સમજવું ?
- સમજવાનું કાંઇ નહિ. દારૂ ભરીને લોટે-લોટે નહવાય નહિ ! 
(જીતેન્દ્રસિંહ આર. રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ) 

* ‘આઇ.પી.એલ.’માં રમવાનો તમને ચાન્સ મળી જાય તો ?
- પૈસા ‘આઇ.પી.એલ.’માં રમવાથી કમાવાતા નથી....એની બહાર રહીને કમાવાય છે. 
(હુઝેફા હકીમ સવઇ, મુંબઈ) 

* ‘માય નૅઇમ ઇઝ અશોક દવે’નામની ફિલ્મ બને તો તમે એમાં ક્યો રોલ કરો ?
- એના બાપનો ! 
(રશીદા હકીમ સવઇ, મુંબઈ) 

* દરેક શુભ પ્રસંગે શ્રી ગણેશજીને બેસાડવામાં આવે છે, તો શિવ-પાર્વતિના લગ્નપ્રસંગે ક્યા ભગવાનને બેસાડેલા ?
- હું એ પ્રસંગે જરા મોડો પહોંચેલો, એટલે ખબર નથી ! 
(ધર્મિષ્ઠા અનિરૂદ્ધ જાદવ, કોદરામ-વડગામ) 

* આપણા સ્વામીઓ, ગુરૂઓ કે સંતો આતંકવાદીઓના વિસ્તારોમાં આશ્રમ કેમ બાંધતા નથી ?
- બધે એમ કાંઇ દાનવીર બોકડાઓ ના મળે....! 
(નયન ખત્રી, રાજકોટ) 

* સતકર્મી દુઃખી અને દુષ્કર્મી સુખી કેમ ?
- આ બન્નેમાંથી તમે મને શેમાં ગણ્યો છે ? 
(સૈયદ મુકદ્દમ, પાલનપુર)

No comments: