Search This Blog

17/08/2011

આ દાળ દાળ જાણે કે, વાડકા વસંતના, ખાંડવી એ બીજું કંઈ નથી, પગલાં વસંતના

કોકને મૂકીને આયા પછી ડાધુઓ સર્કલમાં બેઠા હોય, એમ મને અને મારા ફૅમિલીને એમના ડાઈનિંગ-ટેબલ પર સેટ કરી દેવાયા હતા. વર્ષોથી ચીરૂભ’ઈ - મીનુબેનનો આગ્રહ હતો કે, ‘અમારે ત્યાં ડિનર પર આવો.’ અમને બહુ સારું લાગ્યું. કારણ કે એ લોકો અમને બોલાવતા’તા... અમારે ઘેર આવવાના નહોતા. અમે પેલ્લેથી આવા લોકો બહુ ગમે, જે આપણા ઘેર ડિનર પર આવવાને બદલે આપણને બોલાવે. આપણા ઘેર તો કેટલી બધી તકલીફો પડે ? આ બનાવો, ને તે બનાનો, આ લઈ આવો ને તે લઈ આવો ને પાછું રસોઈ તો બનાવવાની જ. ડિનર-ટેબલ ગોઠવવામાં મુશ્કેલીઓ કાંઈ ઓછી પડે છે ? મહેમાનો ગયા પછી નોકર-બોકર ના આયો હોય તો પ્રોબ્લેમ નહિ ? આપણે એ લોકોના ઘેર જમી આઈએ, તો આ બધી બબાલો તો નહિ ! આ તો એક વાત છે. હવે તો, નવી વસ્તીગણતરી મુજબ પણ, આવા લોકો બહુ ઓછા રહ્યા છે. હું તો આદતન, મને જમવા બોલાવનાર તમામના ફોટાઓનું કલેક્શન કરું છું, જેથી વખત આવે મારા ગામના પાદરે એમના પાળીયા બનાવી શકાય કે, જમાડવાના ઇતિહાસમાં આ લોકો અમર થઈ ગયા. 

બહું મોટું મન રાખીને એ ઘરવાળા ય, ઘર જાણે એમનું હોય એમ અમારી સાથે ટેબલ પર બેસી ગયા હતા. આપણને એનો શું વાંધો હોય ? કોઈને પોતાના ઘેર જમવા બોલાવીને, પોતે ય સાથે બેસી જાય, એ મને બહુ ન ગમે, પણ આપણું ચારે બાજુથી મોટું મન... ચલાવી લીઘું ! ચીરૂભ’ઈ અને મીનુબેનના ઘરમાં બાથરૂમની સાઈઝનું અને જેવું ડાઈનિંગ-ટેબલ હતું. જમવાનું પતી ગયા પહેલા આ લોકો નહાતા પણ આની ઉપર હશે, એવું આપણને લાગે. 

ડિશો પિરસાતા ખુશ્બૂ તો સારી આવતી હતી એટલે બઘું બહારથી મંગાવ્યું હશે, એટલી તો ખાતરી થઈ ગઈ, ઘણીવાર સમાજમાં એવું થતું હોય છે કે, એકવાર માણસું જમી જાય, એમાં ઘેર ગયા પછી અડધા ઢબી ગયા હોય ને બાકીના ભીંટે ચોંટી જાય, એવા માંદા પડી જાય. એટલે બીજી વાર ત્યાં ગુડાવાનું કોઈ રિસ્ક ના લે. પણ શ્રીકૃષ્ણના સુદર્શન-ચક્ર જેવી પહેલી ડિશ આવી, ત્યાં જ એમણે બીવડાવી માર્યા, ‘આજે તો બઘ્ઘું ઘેર જ બનાવ્યું છે... અમારા અશોકભ’ઈને ખાંડવી બઉ ભાવે, એટલે આજ તો ડબ્બલ ખવડાવવી છે...!’ 

મેં તપેલીમાં ચોંટેલી ખાંડવી જોઈ. હજી ઉખાડવાની બાકી હતી. ત્યાં જ જીવ ઊડી ગયો. ખાંડવીને બદલે ગૂમડે ચોપટવાનો પીળો મલમ લઈ આવ્યા હોય, એવો એ પદાર્થ લાગતો હતો... સમજો ને, અમારે દાઝ્‌યા પછી લગાડવાનું બર્નોલ ખાંડવી સમજીને ખાવાનું હતું. પણ એમ પાછો હું સ્પૉર્ટી ... ! (કોઈએ હસવું નહિ !) આપણને ખબર કે, ખાંડવી બનાવવી કેટલી અઘરી પડે છે. નાનીમોટી ભૂલ થઈ બી જાય. આપણે એના આકાર ઉપર નહિ જવાનું, સ્વાદ અને જથ્થા તરફ જવાનું. એમ પાછો હું બહુ વિવેકી ય નહિ, એટલે જેવી એની ડિશ આવી કે તરત જ મેં પહેલો લબ્દો ઉપાડ્યો અને મ્હોંમાં મૂક્યો. 

ચાવવાની દુનિયામાં જેમના નામો અમર થયા છે, એ બધા કહે છે કે, જમવા માટે મ્હોંમાં કાંઈ પણ મૂકો, એટલે તમારું જડબું ઓટોમૅટિકલી ચક્કરચક્કર હરતું-ફરતું થઈ જાય. જોનારને ખબર પડે કે, ભાઈ કાંઈ ચાવી રહ્યા છે. 

અહીં જલા ઊલટું થયું, ખાંડવીનો પહેલો જ ઘાણ મોંઢામાં મૂકતાની સાથે જીભ ચાળવામાં ચોંટી ગઈ. કહે છે કે, જેની ઉન્નતિ છે, એનું પતન છે જ. જે ઉપર જાય છે, એ નીચે આવે જ છે, પણ સદરહુ કૅસમાં ઉપર ગયેલું જડબું નીચે પાછું ન આવ્યું. સાલુ, જીભ ગાલની બહાર હોત તો જરી ખેંચીને ય નીચે લાઈએ... આ તો જડબામાં મજબુત દાંતોની પાછળ કેદ હતી. મારું આવું જડબું જોઈને આવી કળા કરી જનાર મોરલી મીનુબેન હસી પડી. મારા સૌરાષ્ટ્રની ભાષામાં આને ‘પડ્યા ઉપર પાટું’ કિયે...! મારું તો નમ્રપણે માનવું છે કે, આમ કોઈનું જડબું ચોંટી ગયું હોય ત્યારે તમારાથી હસાય તો નહિ જ. ‘કૈદ મૈં હૈ બુલબુલ સૈયાદ મુસ્કુરાયે, રહા ભી ન જાય કુછ સહા ભી ન જાયે... હોઓઓઓઓ !’ 

તાળવે ચોંટેલી જીઉ છુટી પાડવામાં, કહે છે કે ઍક્સપીરિયન્સ બહુ જોઈએ. આમાં તો અગાઉ હજારો વખત જીભો ચોંટી ગયેલી હોય, એવાઓનું જ કામ. આમ મોંઢા વડે ડચડચડચ કરતા ડચકારા બોલાવતા રહો, એમાં કાંઈ ન વળે. કેટલાક લુહારભાઈઓનું માનવું છે કે, બહારથી ઊંધો તવેથો ય મોંમાં ન ખોસાય, નહિ તો અન્ય ડબ્બા, પેટી, ઢાંકણા કે સજ્જડ પદાર્થો ખોલવા માટે આ પદ્ધતિ ખોટી નથી... એમાંય પેલીનો ગોરધન સાલો સલાહ આપે, ‘અશોકભાઈ, તમે બેઠા બેઠા ખાંડવી ગળી નહિ જવાની... ચાવવાની ! આ ચ્યૂંઈગ-ગમ નથી, ખાંડવી છે...!’ 

તારી ભલી થાય, ચમના, ગાડીની સીટનું રૅક્ઝિન સજડસંબ ચોંટાડવું હોય, તો આ તારી ખાંડવી કામમાં આવશે, એ તું મને ખવડાવે છે ? ચંપક મહારાજ તને કદી માફ નહિ કરે ! પાછું, એમના જ ઘરમાંથી કોક સજેશન કરે, ‘દાદુ... સાબુના પાણીના કોગળા કરો. બે મિનિટમાં જડબું ક્લીયર !’ સાલી હું અહીં ખાંડવી ખાવા આયો છું કે, મોંઢામાંથી પરપોટા કાઢવા, એની ખબર પડતી નહોતી. કાંઈક બાકી રહી જતું હોય, એમ મારી વાઈફે સલાહ આપી, ‘અસોક.... એમ તમે મોઢા ફૂલાય-ફૂલાય નો કરો.. જરી ધીરજું રાખો.. શવાર શુધીમાં જડબું ખુલી જાસે, તંઈ હું તમને નવીનક્કોર ખાંડવીયું બનાવી દઈશ...’ 

દરમિયાન ચોંટી ગયેલા જડબા સાથે હું સહેજ બી હૅન્ડસમ નહોતો લાગતો. મને જોઈને તો મને ય હસવું આવતું હોય, ત્યાં બૃહદ સમાજના મોંઢે ક્યાંથી તાળા મારવા ? હું નવરો બેઠો બેઠો આપબળે જડબું ખોલવાના ટ્રાયો મારતો હતો. એમાં સૌ પ્રથમ ખોલાય એટલા હોઠ ખોલવાના.. છેલ્લી બન્ને દાઢો દેખાય એવા. પછી દાંતો ખોલવા માટે જોર મારવાનું. આવું આઠેક હજાર વખત કરવાથી... કહે છે કે, જડબાં ખુલી જતા હોય છે. પણ હોઠો ય ખોલીખોલીને તમે કેટલા ઉઘાડબંધ કરો ? એમાંય ફક્ત બંધ ફૅક્ટરીની બહાર લોખંડની રૅલિંગ જેવા આપણા દાંત જ દેખાય. 

ડૉ. મનમોહનસિંઘ જેવું મારું જડબું પર્મેનૅન્ટલી સિવાઈ તો નહિ જાય ને, એ ફફડાટે તાબડતોબ ડૉક્ટરને બોલાવાયા. એમણે આઈને પહેલું પૂછ્‌યું, ‘કાંઈ ખાવા-બાવામાં કચરાપટ્ટી આઈ ગઈ’તી...?’ 

સૌજન્ય ખાતર એમના માટે ય ખાંડવીની એક ડિશ ખાવાના ઉપયોગ માટે મંગાવવામાં આવી. ડૉક્ટર માટે તો પ્લૅટમાં બે કિડનીઓ મંગાવાઈ હોય, એવું મોંઢું બગાડીને એમણે ના પાડી. પણ ડૉક્ટર, ડૉક્ટર હોવા છતા ભણેલો-ગણેલો જરૂર હોવો જોઈએ. એણે તરત કહી દીઘું, ‘આમાં કોઈ દવા-ફવા કરવાની જરૂર નથી. પાંચેક મિનિટમાં એની મેળે ખુલી જશે. તમે અડઅડ ના કરો...’ (શું ના કરો ? જવાબ : અડઅડ ના કરો. જવાબ પૂરો.) 

પછી તો, હરએક શામ કી એક સુબહા હોતી હૈ, એમ એ મંગળ ઘડી પણ આવી. ટૅબલ-ટેનિસના બૉલ જેવા અવાજ સાથે જડબું ખુલી ગયું. 

હું મારા જ કર્મો ભોગવી રહ્યો છું. મારા કોઈ લેખમાં એક વાર મેં લખી શું નાખ્યું કે, મને સૌથી વઘુ ખાંડવી ભાવે છે કે, મને ઓળખીતાઓ મને જીવતો મૂકતા નથી. મને જોતાં જ એ લોકોને ખાંડવી યાદ આવે છે. આજે તો મારું કે મરું, એવા ઝનૂન સાથે મારી પાછળ ખાંડવીના તગારાં લઈને દોડે છે. 

‘ખાંડવી’ વિશેની મારી વિશ્વવ્યાપી જાહેરાત પછી મારી પત્તેડી ઝીંકાઈ ગઈ. મને જોતા વ્હેંત મહિલાઓને પોતાના ઘરમાં ગઈ કાલની પડી રહેલી ખાંડવી યાદ આવે. બહુ વધી હોય તો નાંખી દેવા કરતા કોક બિચારાના પેટમાં જાય તો આપણને પુણ્ય મળે ને બિચારાની આંતરડી ઠરે, એટલે મને મોકલાવે છે. જગતભરમાં આજ સુધી કોઈને ખાંડવી ખવડાવવાના SMS હજારોની સંખ્યામાં નહિ મળ્યા હોય. કેટલીક સાહિત્યપ્રિય સ્ત્રીઓએ તો ખાંડવી સાથે મારું નામ જોડતી શાયરીઓ ય લખીને મોકલી હતી. 

‘આ દાળ દાળ જાણે કે, વાડકા વસંતના,
ખાંડવી એ બીજું કંઈ નથી, પગલાં વસંતના’ 

એ તો મને પછી ખબર પડી કે, ‘વસંત’ એના ગોરધનનું નામ હતું. સાલાએ પોતાના પગલાં પાડેલી ખાંડવી મને ખવડાઈ દીધી હતી. કેટલીક મહિલાઓએ તો ઓફર કરી, ‘અશોકજી, અમારી ખાંડવી ખઈ લીધા પછી તમારી ‘બુધવારની બપોરે’માં લખજો કે, ખાંડવી તો પદ્મિની પટેલની જ.’ કેટલાક ડાયનિંગ-હૉલમાં એમની ખાંડવીઓ સાથે મારું નામ જોડાયું, ‘એન્કાઉન્ટર-ખાંડવી’, (એમાં જે લોકો જમવા ગયા’તા, એ ય બંધ થઈ ગયા !) રોજ સાંજે કોઈને કોઈના ઘેરથી મારા ઘેર ખાંડવી ભરેલું ‘ગીફટ-પૅકેટ’ પડ્યું જ હોય. ઘર આખું ખાંડવી, ખાંડવી ને ખાંડવીથી ભરેલું. પડોસીઓ ફરિયાદ કરવા ગયા કે, ‘આખા ફલેટમાં ખાંડવીની ખૂશ્બુ એવી ફેલાઈ ગઈ છે કે, અમારા આઈસક્રીમો કે રસમલાઈઓમાંથી ય એનો સ્વાદ આવે છે. અમે નહાવા બેસીએ ત્યારે ય સાબુને બદલે શરીર પર ખાંડવી ચોપડતા હોઈએ એવી બીકો લાગે છે. અમારી દીકરીના રિસેપ્શનમાં ૨૮૦-ગિફટ પૅકેટો ખાંડવી ભરેલા આયા છે... અમારે ચાટવાના...? કૃપા કરી આ બંધ કરો.’ 

તો સમજીને, આપણે ખાંડવી બંધ કરીએ. 

સિક્સર 
હાઈ-વે પર ‘માઈલ’ સ્ટોન્સ પર ‘કિ.મી.’ લખેલા હોય છે... વૅરી ફની... ! પણ કોકને જરા પૂછી જુઓ, એ કી.મી. તમારા શહેરના કયા સ્થળથી ગણાય ? ૯૮-ટકા લોકોને આનો જવાબ આવડતો નથી ને ખોટી ઠોકાઠોક કરે છે... (જવાબ : આવતા અંકે) 

No comments: