Search This Blog

12/08/2011

‘ઇત્તેફાક’ (’૬૯)

ફિલ્મ : ‘ઇત્તેફાક’ (’૬૯)
નિર્માતા : બી. આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : સલિલ ચૌધરી
સંવાદ : અખ્તર-ઉલ-ઇમાન
રનિંગ ટાઇમ : ૧૦૪-મિનીટ અને ૧૨-રીલ્સ.
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : નંદા, રાજેશ ખન્ના, બિંદુ, મદન પુરી, સુજીતકુમાર, ઇફતેખાર, જગદિશરાજ, ગજાનન જાગીરદાર અને મેહમાન ભૂમિકામાં અલકા.

સાલ બરોબર એ જ... ૧૯૬૯-ની, પણ રાજેશ ખન્નાને સાતમા આસમાન પર બેસાડનારી ફિલ્મ ‘આરાધના’ હજી રીલિઝ નહોતી થઇ. એટલે બી.આર. ચોપરાની આ ‘ક્વિકી’ ખન્ના માટે થોડી ય સુપરહિટ થઇ, એનો ફાયદો ‘આરાધના’ને મળ્યો. (‘ઇત્તેફાક’ અમદાવાદના કૃષ્ણ સિનેમામાં આવ્યું હતું, તેના થોડા જ વખત પછી ‘આરાધના’ સામે જ આવેલી રૂપમ સિનેમામાં આવ્યું હતું. લોકોને ખન્નો ગમવા માંડ્યો હતો. ‘ઇત્તેફાક’ એને ફળી. ચોપરાને વધારે ફળી કારણ કે, એમની રાબેતા મુજબની મોટા બજેટની ફિલ્મોના શિરસ્તા મુજબ, ધર્મેન્દ્ર-સાયરા બાનુ-ફિરોજખાનવાળી ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’ હજી તો બની રહી હતી, ત્યાં જ સાયરા બાનુને મોટી સર્જરી કરાવવાની આવી. ચોપરાનું તો પોતાનું પ્રોડકશન હાઉસ છે, એટલે કર્મચારીઓ-કારીગરોને પગારો ચાલુ રાખવા પડે. એટલે ખર્ચાને પહોંચી વળવા ફકત ૨૮-દિવસના શૂટિંગમાં ‘ઇત્તેફાક’ ઉતારી નાંખી. શૂટિંગના પહેલા દિવસથી ગણીએ તો બરોબર ત્રીજા મહિને તો ફિલ્મ રીલિઝ થઇ ગઇ. આમાં આનંદ કહો કે ચોંકવા જેવું એ હતું કે, એ જમાનાની જ નહિ, ઇવન આજે પણ ફિલ્મ ફલૉર પર જાય (એટલે કે, શૂટિંગનો પહેલો દિવસ) એના બબ્બે-ત્રણ ત્રણ વર્ષે ફિલ્મ થીયેટરમાં પહોંચે છે. જસ્ટ થિન્ક ઓફ ઇટ, બૉય... રાજ કપૂરની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ ૧૯૬૦-માં રીલિઝ થઈ, એ પછી ‘સંગમ’ ઠેઠ ’૬૪-ની સાલ સુધી બનતી રહી.. ‘મેરા નામ જોકર’ પૂરી થતા છ-વર્ષ લાગ્યા, એટલે કે ’૭૦-માં આવી.

બી.આર. ચોપરાએ એમની ફિલ્મોમાં કંઇક નવું તો આપ્યું જ છે. કોક ઇશ્યૂ લઇને એમની ફિલ્મ બની હોય, જેમ કે, ‘ફિલ્મ ‘સાધના’માં વેશ્યાઓના પુનઃસ્થાપનનો પ્રશ્ન હતો, ‘નયા દૌર’માં સમાજના મશિનીકરણ સામે વિદ્રોહ હતો, ‘વક્ત’માં સમયને માન નહિ આપનારાઓ સામે લાલબત્તી હતી, તો પુરાવાના અભાવે મોટે ભાગે તમામે તમામ બળાત્કારીઓને નિર્દોષ છોડી મૂકવાની અદાલતની લાચારી સામે એક સુંદર ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝૂ’ બનાવી હતી. ‘કાનૂન,’ ‘ઇત્તેફાક’ કે ‘હમરાઝ’ જેવી ફિલ્મો થ્રિલર હતી. એમાં મૅસેજ મૂકવાની આવશ્યકતા રહેતી નથી. વાર્તા સારી હોવી જોઈએ અને વાર્તા ચોપરાની ફિલ્મોનો USP (એટલે કે Unique Selling Point એટલે કે, કોઇપણ માલ વેચવા માટે જે તે પ્રોડકટની મુખ્ય ખાસીયત) રહેતો.

પણ, એ તો કહેવાય એવું કે, બી.આર. ચોપરાની ફિલ્મોની વાર્તાઓ માટે એક અલગ સ્ટૉરી-ડીપાર્ટમેન્ટ ચાલે છે (ટાઇટલ્સમાં એનો ગર્વપૂર્વક ઉલ્લેખ થાય !), બાકી આ આખી ફિલ્મ ‘ઇત્તેફાક’ બ્રિટનમાં હજી પાંચ જ વર્ષ પહેલા ઉતરેલી ફિલ્મ ‘Signpost to Murder’ ની બેઠી કૉપી હતી, જેમાં નંદાવાળો મૂલ રોલ બ્રિટિશ ઍકટ્રેસ Joanne Woodwards (ઉચ્ચાર : જોઍન વૂડવર્ડઝ) કર્યો હતો. મુંબઇની નાટ્યસંસ્થા આઇ.એન.ટી.એ આ જ ફિલ્મ પરથી નાટક ‘ઘૂમ્મસ’ બનાવ્યું હતું, જે જોયા પછી ચોપરાએ એ નાટકના હીરો અરવિંદ જોશીને જ ફિલ્મ ‘ઇત્તેફાક’માં રાજેશ ખન્નાવાળો રોલ આપવાના હતા. કેમ ના આપ્યો... ‘હમેં કુચ્છ પતા નહિ, ઠાકૂર... !’ જો કે, હવે શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, એ નાટકોના કલાકાર અરવિંદ જોશીને આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેકટરોની પંગતમાં બેસવા મળ્યું હતું.

આપણે ત્યાં દેસી ભાષામાં આવી ફિલ્મોને બહુ જાણિતા શબ્દમાં ‘સસ્પૅન્સ ફિલ્મ’ કહેવાતી. ઍકચ્યૂઅલી, એને થ્રિલર ફિલ્મ કહેવાય-થ્રિલર્સ. બહુ સાચું પૂછો તો, ઇવન હજી ય આપણે ત્યાં આવી થ્રિલર્સ ભાગ્યે જ બને છે. જે બને છે, તેમાં કોઇને પૂછી જોવાનું હોય જ નહિ કે, કઇ ઇંગ્લિશ ફિલ્મમાંથી સીધી ઉઠાંતરી કરી છે ? એ તો કરી જ હોય. વર્ષો પહેલા એક ધોળીયો માથાનો ભટકાયો હતો, ૧૯૫૪-માં ફિલ્મ ‘નૉક ઓન વૂડ્‌સ’ બનાવનાર દિગ્દર્શક મૅલ્વિન ફ્રૅન્કે આપણા દેસી નિર્માતા નરેન્દ્ર સૂરીને અમેરિકાની કૉર્ટમાં ઘસડી જઈ, આ ભ’ઇ ખાલી થઇ જાય, એટલી મોટી રકમની નુકસાનીનો દાવો માંડ્યો હતો. યાદ હોય તો ફિલ્મના પરદા પર જે ગીત સંગીતકાર (શંકર) જયકિશન ગાય છે, તે મૂકેશનું ‘અય પ્યાસે દિલ બેઝુબાં, તુઝ કો લે જાઉં કહાં’ ઉપરાંત હીરો કિશોરકુમારનું હિચકીવાળું ગીત ‘આજ ન જાને પાગલ મનવા કાહે કો ઘબરાયે, હિચહિચ હિચકી આયે, તબિયત ખીચખીચખીચ જાયે’ જેવા મઘુરા પણ નકલીયા ગીતો હતા. કિશોરકુમાર તેનું જાણિતું ‘યૉડેલિંગ’ આ ફિલ્મ ‘નૉક ઑન વૂડ્‌સ’ના હીરો-ગાયક ડૅની કે ની નકલ મારીને શીખ્યો હતો. થીયેટરોમાં હાર્ડલી કોઇ ૧૦-દિવસનો બિઝનૅસ કર્યા પછી હૉલીવૂડના નિર્માતાઓએ ભારતની આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવ્યો, તે એટલે સુધી કે, ‘બેગૂનાહ’ના ગીતો હજી હમણાં ૪-૫ વર્ષથી જ મળવા માંડયા છે અને તે પણ બજારમાં તો હજી નહિ... મારા-તમારા જેવા શોખિનો ક્યાંથી લઇ આવ્યા હોય તો.

એ વાતે ય પાછી એટલી જ સાચી કે ‘ઇત્તેફાક’ જેવી થ્રિલર ચોપરા જ ઉતારી શકે. અગાઉ એમને અશોકકુમાર- નંદા- રાજેન્દ્રકુમાર વાળી ફિલ્મ ‘કાનૂન’ સફળતાપૂર્વક ઉતારવાનો અનુભવ હતો. ચોપરા હિંમતવાળો માણસ હતો કે, ગીતો વગરની ફિલ્મ કોઇ વિતરક Distributors લે જ નહિ, તો ય ‘કાનૂન’ હિટ ગયું. એની જેમ જ, આ ફિલ્મ ‘ઇત્તેફાક’ પણ ગીતો વગરની બનાવી. બંનેના સંગીતકાર સલિલ ચૌધરી. બંને ફિલ્મોમાં ગીતો નહિ, પણ ગીતો વગરની ફિલ્મમાં ફક્ત બૅકગ્રાઉન્ડ-મ્યુઝિક આપવું બહુ કઠિન પડે. ફિલ્મના દ્રષ્ય અનુસાર દર્શકને ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સેકન્ડે સંગીતના માઘ્યમથી આંચકો આપવો, ખુશ કરી દેવો, હસાવવો કે ધ્રૂજારી ઉત્પન્ન કરવી આપણે માનીએ એટલું સહેલું નથી. સલિલ દાની તો માસ્ટરી હતી, ગીત વગરની ફિલ્મોમાં સંગીત આપવાની. (કેટલીક વખત તો ફિલ્મ વગરના ગીતોમાં ય એ સંગીત આપતા...) અફ કૉર્સ, આ ફિલ્મમાં કેટલીક જગ્યાઓએ ખાલીપીલી ઘોંઘાટીયું સંગીત વગાડીને દાદાએ બૉર કર્યા છે.

બી. આર. ચોપરાએ એમના નાના ભાઈઓને બેફામ મદદ કરી છે. ધરમ ચોપરાને એમની મોટા ભાગની ફિલ્મોનું કૅમેરા કામ સોંપ્યું. તો બીજા નાના ભાઇ યશ ચોપરાને ડાયરેકશનો આપ્યા. એ તો આજે મોટું નામ છે, પણ આ ફિલ્મ ‘ઇત્તેફાક’માં ભ’ઇ નવાસવા હોવાનું દેખાઈ આવે છે. ફિલ્મની શરૂઆતના દ્રષ્યોમાં કયા કારણથી અડધી રાત્રે પોલીસવૅન કે મૉટર-સાયકલોની ભાગમભાગ બતાવે છે.. નો આઇડીયા. ગાંડાની હૉસ્પિટલમાંથી ભાગેલો રાજેશ ખન્ના અડધી રાત્રે ખૂબ દોડતો રહે છે - પાછળ પોલીસ. આપણે કંટાળી જઇએ ત્યાં સુધી દોડાદોડી અટકતી પણ નથી. ઇન્ટરવલ સુધીમાં ખન્નો ન પકડાય, તો આપણે પોલીસને હવાલે થઇ જઈએ, એવા ઝનૂનો ઉપડે, છતાં આ દ્રષ્યો લંબાયે રાખ્યા છે. ફિલ્મની વાર્તા મુજબ, આ દ્રષ્યો પ્રતિકાત્મક બતાવી શકાયા હોત. કહેવાનું તો એટલું જ હતું કે, ખન્નો ભાગ્યો છે, તો પછી શું કામ મગજની મેથી મારે છે, ભ’ઇ ?

ફિલ્મનો પ્લૉટ બહુ નાનો છે, એટલે બીજી ફિલ્મોની જેમ કોઈ ૧૭-૧૮ રીલ્સની આ લાંબી ફિલ્મ નથી કારણ કે, ગીતો પાછળ વેડફાતો સમય અહીં બચાવાઇ લેવાયો છે, પણ તો ય ૧૨-રીલ્સમાં ય ફિલમ પૂરી કરવી પડે, એટલે દિગ્દર્શક યશ ચોપરાને નવું કાંઇ ક્રિયેટિવ નાંખવાનું ન સૂઝયું, એઠલે સાવ ફાલતુ દ્રષ્યો લંબાવી-લંબાવીને ફિલ્મની પટ્ટી વેડફી બહુ નાંખી છે. એક નાનો દાખલો આપું. ઇન્સ્પેકટર સુજીતકુમારના ખિસ્સામાંથી નીકળેલું લાઇટર કોણે આપ્યું હતું, એ જાણવા અડધી રાત્રે બિંદુને ફોન કરવાનો છે. અહીં બીજો કોઇ સમર્થ ડાયરેકટર એના મદદનીશને, ઇવન ઇશારાથી પણ કહી શકે - બિંદુને બોલાવવા માટે. એ પછીના તરતના શૉટમાં બિંદુ સાથે સીધી પૂછપરછ થતી જ બતાવવાની હોય. એને બદલે, અહીં જન્મ્યા પછી સીધો પોલીસ-ઇન્સ્પૅકટર તરીકે જ બહાર પડેલો બારમાસી પોલીસ-ઇન્સ્પૅકટર ઇફતેખાર એના જેવા જ બારમાસી સબ-ઇન્સ્પૅકટર જગદિશ રાજને બિંદુને બોલાવવાની સૂચના આપે. બેવકૂફીની હદ ત્યાં આવે કે, આઠ ડિજીટનો બિંદુનો ફોન નંબર ધુમાવે, બિંદુના ઘરમાં ઘંટડી રણકે, ગાડી લઇને એ ઘરની બહાર નીકળે, નંદાના ઘરની બહાર ગાડી ઊભી રાખીને અંદર જતી બતાવાય.. વૉટ નૉન-સૅન્સ ! 

બીજી, બેવકૂફી તો માફ કરી ન શકાય એવી છે. ફિલ્મમાં આ બે મોટા ગજાના પોલીસ-અધિકારીઓ ઉપરાંત પો.સ.ઇ. લૅવલનો સુજીતકુમાર ઉપસ્થિત હોવા છતાં હૉસ્પિટલના ડૉક્ટર ગજાનન જાગીરદાર ખૂનની તપાસાર્થે પોલીસની સાથે સાથે બધે માત્ર ફરે નથી રાખતા.. પોલીસે હવે શું કરવું, એની સૂચનાઓ પણ આપે રાખે છે. વળી કોઇ ખૂન કરનાર પોલીસ પોતે હોય તો જગતભરના કોઇ પોલીસ-ખાતાનો એવો કોઇ ડોબો પોલીસ હોય ખરો કે, બંગલામાં આખી રાત લાશ પડી હોવા છતાં અને એ બંગલામાં પોતાની ગેરકાયદેસરની પ્રેમિકા (નંદા) હોવા છતાં ન એક ફોન કરે, ન પોતે આવે... જાણે કાંઇ બન્યું જ નથી એમ ! અને તે પણ લાશ આખી રાત એ ઘરમાં જ પડી રહી હોય ત્યારે ? ભારતભરની ફિલ્મોમાં દરેક પોલીસવાળો હાથમાં લાકડી શેની રાખતો હોય છે.... અને રાખે તો બીજા હાથમાં પછાડ પછાડ શેની કરતો હોય છે, એની તમને ખબર હોય તો મને જણાવજો. આમ તો, પોલીસ સાથે ભાઇબંધી રાખવી પડે. એવા દિવસો આવ્યા નથી, એટલે હું તો નહિ પૂછી શકું, પણ તમારામાંથી કોઇને પર્સનલી ‘અંદર-બહાર’ થવાનો અનુભવ હોય તો એ ય પૂછી લાવજો કે, દરેક ફિલ્મમાં ભાગતા ખૂની કે ચોરની પાછળ પોલીસો દોડતા બતાવાય છે, એ વાસ્તવમાં એક પણ... રીપિટ.... ‘એક પણ’ પોલીસવાળો વીસ-ફૂટે ય દોડી શકે એટલો તંદુરસ્ત છે ખરો ? આ તો ચોર-પોલીસ દોસ્ત હોય પછી દોડવાની જરૂર જેનો માલ ગયો હોય એને પડે... આ બંને દોસ્તોને નહિ ! સુઉં કિયો છો ?

ખન્નો અને યશ ચોપરા આ ફિલ્મથી દોસ્ત બન્યા, એટલે બનતા સુધી યશે પહેલી ફિલ્મ ‘દાગ’ બનાવી, તે પ્રોડકશન-હાઉસનું નામ ‘યશ-રાજ ફિલ્મ્સ’માં રાજ એટલે રાજેશ ખન્ના પણ ભાગીદાર બન્યો, જે આજ સુધી ચાલે છે. એક જમાનાનો સુપર સ્ટાર હોવા છતાં ખન્નો ફેંકાયો એના સ્વભાવ અને ચમચાઓને કારણે. જેલસ બહુ હતો, એટલે અમિતાભ બચ્ચનનો ઉદય જોઇ ન શકયો. એની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એના ખાસ ચમચા સુજીતકુમારને લેવાનો આગ્રહ એનો હોય. સુજીત એક જમાનામાં તો પોતાને ભોજપુરી ફિલ્મોનો દિલીપકુમાર કહેવડાવતો... એ વાત જુદી છે કે, દિલીપ પોતાને હિંદી ફિલ્મોનો સુજીતકુમાર કહેવડાવે તો ઘેર જઇને આપણે પંખો ચાલુ કરી દેવો પડે...!

મદન પુરીને ય ચોપરાની લગભગ બધી ફિલ્મોમાં કામ મળ્યું છે. ઍકટર તો સારો હતો જ, પણ અત્યંત પ્રભાવશાળી અવાજ અને કદરૂપા ચહેરાને કારણે એને લાયક રોલ ખૂબ મળી રહેતા. ચોપરાની ફિલ્મોમાં અલબત્ત ,એની શક્તિને દાદ મળે, એવા રોલ્સ મળતા હતા. બહેન બિંદુ હંમેશની જેમ અહીં પણ કાળા કામો કરે છે છતાં લાગે છે, થોડી પણ બહેન ન કહેવાય એટલી સુંદર.

ફિલ્મની વાર્તા તો થ્રિલર્સમાં કહી દેવાની ન હોય (જેને Spoilers કહે છે.) પણ ફિલ્મનો સસ્પૅન્સ-બસ્પૅન્સ ખોલ્યા વગર-ખાસ તો જેમને આ ફિલ્મ જોયે વર્ષો થઇ ગયા છે અને જરા યાદ અપાવવું હોય તો, સાળી (બિંદુ)ની હાજરીમાં પત્ની (અલકા)નું ખૂન કરીને ભાગી જવાનો જેના ઉપર આરોપ છે તે દિલીપ રૉય (રાજેશ ખન્ના) ભાગતા ભાગતા અજાણતામાં નંદાના બંગલામાં ભરાય છે. બંગલામાં સાવ એકલી નંદા ગભરાઈ જાય છે, પણ ખન્નો જબરદસ્તીથી એનું મોંઢું બંધ રખાવે છે. બસ, આખી રાત ચાલેલા આ નાટકના અંતે એક સાથે બંને ખૂનોના ખુલાસા થાય છે.

આ ફિલ્મ જોવાના હો, તો એક મઘુર સમાચાર : ખન્નો નવોસવો હોવાથી આ ફિલ્મમાં એના રાબેતા મુજબના આંખના ઝટકા કે દેવ આનંદની માફક મોઢું હલાય-હલાય કરવાનું કે એવા કોઇ મૅનરિઝમ્સ જોવા નહિ મળે, સહેજ પણ ગભરાયા વિના આ ફિલ્મ જોજો. માં અંબા બધા સારાવાના કરશે.

No comments: