Search This Blog

10/08/2011

માઉન્ટ આબુ

‘‘પરોઢીયે પાંચ વાગે...??? એટલું બઘું વહેલુ તો કેવી રીતે ઉઠાય.... અને પાછું-’’ કોક બોલ્યું.

દર ઑગસ્ટમાં અમારૂં શનિવારની બેઠકનું સંગીત-ગ્રૂપ માઉન્ટ આબુ જાય જ. આપણે ત્યાં તો વરસાદનાય અતાપતા ના હોય, જ્યારે માઉન્ટ પર આ સીઝન એટલે ફૉગ... ઘૂમ્મસ... કોહરા અને ઝીણકો-ઝીણકો વરસાદ... ક્યા બ્બાત હૈ! આવા ક્લાયમેટમાં ગયા પછી પ્રોબ્લેમ એટલો જ કે, આબુની પહાડીઓની લીલીછમ્મ ઝાડીઓના પગ ચાટતા ભીના ભીના રસ્તાઓ ઉપર આપણે ચાલવાનું, પણ એવા ચાલવાનો હવે કોઇ આનંદ ન હોય કારણ કે ચાલવાનું તો ૨૦-૨૫ વર્ષથી આપણી સાથે રેગ્યૂલર જે આવતી હોય એની સાથે જ ને? કમાવાનું શું?.... સાલું છતાં મોંઢું હસતું રાખવાનું.... કહે છે કે, પેલા જોકની જેમ, નખી તળાવમાં એક સાથે તરતા બગલા-બગલીમાં સાંજ સુધીમાં બગલી બદલાઇ જાય છે... આપણે તો આબુ હોય કે અંબાજી, એ જ જૂનો પુરાણો પેટીનો માલ વાપરવાનો!... કોઇ પંખો ચાલુ કરો હવે!

આબુના વરસાદ અને ઘુમ્મસમાં પલળવું નસીબદારોનું કામ છે. પલળવાને બદલે છત્રી-રૅઇનકોટ લઇને આવેલાઓના બરડામાં એ જ છત્રીના ગોદા મારવા જોઇએ, એવું મારૂં નમ્રપણે માનવું છે. (નમ્રતાનો આ નવો પ્રકાર હજી બે દહાડા પહેલા જ મેં શોઘ્યો છે... ગોદા પણ નમ્રતાથી મારવાના! આવી કોન્ટ્રાસ્ટ-કલ્પના તો અશોક દવેને જ સૂઝે... વાહ... તમારામાંથી કોક મારા ઉપર ઈમ્પ્રેસ થયું હોય તો મને દિન ૭માં જણાવવું... એ પછી મારી નમ્રતા બદલાઇ પણ જાય!)

યસ. મોટું આકર્ષણ ત્યાંના ફૉગનું. વહેલી પરોઢે ઉઠો, ત્યાં આપણી હૉટેલની બાલ્કનીમાં ય ઘૂમ્મસ છવાયું હોય. નવા નવા આબુ આયા હોય, એ રીક્ષાનો ઘૂમાડો સમજીને બારણાં બંધ કરી દે. અમારા જામનગરનું એક ફૅમિલી પહેલી વાર આબુ આવ્યું હતું ને ફોગ તો ફિલ્મોમાંય નહિ જોયેલું, એમાં તો બગડ્યા, ‘‘...રાંઇન્ડનાં જામનગરના રીક્સાવારાંવ આંઇ આબુની હૉટલુંમાં પણ છોડતા નથ્થી...! આંઇ ઉપર આવીને ઘુમાડાં ગરકાવી જાઇ છે...!’’

માઉન્ટ આબુના ડ્રીઝલ (ઝરમર-ઝરમર વરસાદ) અને ફૉગ વચ્ચે નહાવાથી કહે છે કે, બીયર પીવાની જરૂરત પડતી નથી. (જો કે, બીયર ચીલ્ડ હોય તો ન છુટકે ય પીવો પડતો હોય છે!) જેને વ્હિસ્કી અને વાઇન વચ્ચેના તફાવતનીય ખબર નથી,
એવા ગુજરાતીઓ આબુ જઇને લસ્સીની માફક દારૂ પીવા માંડે અને પછી હોટેલની બહાર આવીને ઊલટીઓ કરે. હોટેલની પાછળ એમની વાઇફો ઊલટીઓ કરતી હોય... પરમેશ્વર એ બન્નેને સારા દિવસો દેખાડે!


આમ તો હરિભક્તો શ્રીકૃષ્ણજન્મની હોંશભેર ઉજવણી આબુ જઇને કરતા હોય છે, બાવન-પાનાની ગીતાના જ્ઞાનયજ્ઞો ગોઠવીને. અમારા માંકડ સાહેબ નાગર હોવાથી આ ભક્તિવંદનાને રૂદ્રીકહે છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અહીં ગીતાપાઠ કરવા આવેલા હરિભક્તોને જુઓ તો એમ જ લાગે કે, કૃષ્ણ દ્વારકા-વૃંદાવનમાં નહિ, માઉન્ટ આબુ આઇ-આઇને માખણ ચોરીઓ કરતા હશે!

એટલે અમારી સંગીત-બેઠકવાળા તૈયાર બધા થઇ જાય, પણ અમારા ગ્રૂપનો સો-કૉલ્ડ લીડર જરા નહિ, પૂરો ભેજાગૅપ માણસ છે. બઘું ડંકાની ચોટ પર ઍક્ઝૅક્ટ સેકંડે જ કામ કરવાની એની બાળહઠને કારણે આખું ગ્રૂપ હઇડ-હઇડ થાય. એને તો બોલવું છે, પણ પરોઢીયે પાંચ વાગે નીકળી જવાનું હોય તો ઘરમાં બધાએ ઉઠી જવું પડે મોડામાં મોડું સાડા ત્રણ વાગે. પશુઓ આખી રાત જાગતા હોય, એમ એ રોજ આખી રાત જાગતો હોય, એટલે એને પાંચ વાગે તો શું, ત્રણ વાગેય ફાવે... આપણે મરી રહીએ ને?

અમારી શનિવારની આ સંગીત-બેઠક પણ વર્લ્ડ-રૅકોર્ડ બનાવે એવી છે. બઘું મળીને પચીસેક કપલ્સ આવે છે, એમાંથી એકાદ-બેને તો સંગીતની જાણકારી બી છે, બોલો... ને તોય છેલ્લા ૨૦ વર્ષથી ટક્યું છે. જાણકારોના કહેવા મુજબ, આખા ગ્રૂપમાં સંગીતની સમજ કોઇને ન હોવાથી જ ગ્રૂપ આટલું ટક્યું છે. અમે લોકો જૂની હિંદી ફિલ્મોના ગીતો ફક્ત સીડી પર સાંભળીએ, ગાવા કોઇને નહિ દેવાના. ગાય તો ગળું દબાવી દેવાનું.

પરોઢીયે વહેલા ઉઠવામાં પ્રોબ્લેમ નહાવા-ધોવાનો જ નહિ, બીજોય હોય! રોજ તો બધા પોતપોતાના ટાઇમે ઉઠીને મન ફાવે અને તન ફાવે ત્યારે શાંતિ-ઘાટ જતા હોય. આમાં તો તઇણ વાગ્યામાં ઘરના બધાએ સામટું ઉઠી જવાનું, એટલે શાંતિ-ઘાટના દ્વારે ભક્તોની ભીડ જામી હોય, ધમાધમ ચાલતી હોય. ‘‘તૂ ચલ... મૈં આયા, હોઓઓઓ’’ મોંઢા મરડઇ-મરડઇને ગવાતું હોય. સંતો જ લખી ગયા છે કે, સકળ વિશ્વમાં કેવળ આ જ એક એવો ઘાટ છે, જ્યાં પરમ શાંતિ મળે છે, પણ બધાના ઘરમાં રૂમે-રૂમે ઘાટ ન હોય. બધાએ વહેંચીને ખાવાનું હોય. એક અંદર હોય તો બીજા ચાર બહાર હોય. આમ તો આ એક સામાજીક દુષણ પણ છે કેમ કે, રોજબરોજના જીવનમાં પડોસીની પત્ની અને એ લોકોનું ટોયલેટ, બસ આ બે જ ચીજો સૌજન્યના ધોરણે માંગી શકાતી નથી. બન્ને ઘરની બાઓ ખીજાય...!

શાંતિઘાટની પણ એક અનેરી દુનિયા છે. ધર્મ કોઇપણ પાળતા હો, કેવળ આ જ સ્થાનકે આવીને તન-મન હળવા થાય છે. વિચારો શુઘ્ધ થવા માંડે છે. મંદિરો કે સાઘુસંતો કરતા વઘુ શાંતિ અહીં મળે છે. અહીં નાનામોટાના ભેદભાવો જોવાતા નથી. સહુ સરખા. આમાં કેવું હોય છે કે, આમાં તો બસ... એવું જ હોય છે. અંદર ગયેલો સમજે છે કે, બહાર ઊભેલાએ હવે જવાની જરૂર નથી... મેં પતાઇ દીઘું છે, એટલે મહીં બેઠો બેઠો મુસ્કુરાતો-મુસ્કુરાતો પ્રોજેક્ટ પૂરો કરતો હોય. બહાર ઊભેલા બધા ગીન્નાએ રાખે. કહે છે ને કે, ‘‘માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાઝે જોને...’’ એ શાંતિ-ઘાટ માટે કહેવાયું છે... લોકો ભજન સમજી બેઠાતા...! બઘું સમુંસુતરૂં પાર ઉતરી ગયા પછી, બહાર નીકળતી વખતે ચેહરા પર જે સ્માઇલ આવે છે, તે ડિવાઇન એટલે કે, દૈવી હોય છે. નડીયાદ, વલસાડ અને ગોંડલ બાજુના ફરસાણવાળાઓ જય અંબેબોલીને કહે છે કે, પાંચસો વર્ષ પહેલા લિયોનાર્ડો દવિન્ચીએ બનાવેલા મહાન પૅઇન્ટિંગમાં મોના લિસાનું સ્માઇલ શાંતિઘાટમાંથી બહાર નીકળતી વખતનું છે. ચલો એક રીતે સારૂં થયું કે રાઝ ઉકલી ગયો. નહિ તો જગતભરમાં સદીઓથી ચર્ચા ચાલતી હતી કે, મોના લિસાના સ્માઇલનો ભેદ શું હશે?

દર વર્ષે આબુ જવાનો ભેદ પણ શું હશે, God knows...! ઘણા લોકો જે સ્થળે એકવાર ગૂન્હો કરી આવ્યા હોય, ત્યાં બીજી વાર જતા નથી. હું હનીમૂનની વાત કરી રહ્યો છું. આવું સ્થળ તો પછી જીંદગીભર પુરૂષને ખાવા દોડે, ખાટા ઓડકારો આવે રાખે, સાંભારની ચમચી મોંઢામાં જવાને બદલે દાઢી ઉપર અથડાય અને નખી લૅક પર ઘોડા ઉપર બેસીને ફોટા પડાવ્યા હોય તો ફક્ત ઘોડાના ફોટા હસતા આવે.

અમારા આખા ગ્રૂપમાંથી એકેય સભ્યે પોતાનું પહેલું કે દર મહિનાવાળું હનીમૂન માઉન્ટ આબુમાં નથી કર્યું, માટે સહુ એકીઅવાજે કોઇપણ જાતનો ભય રાખ્યા વિના આબુ... આબુ અને આબુને વધાવી લે છે. આમાં તો કોણ રિસ્ક લે? આ નિરીક્ષણનો બીજો અર્થ એ પણ થાય કે, ગ્રૂપના તમામ સભ્યો બુઘ્ધિવાળા અને સંસ્કારી છે.

અફ કૉર્સ, હજી ઘણા લોકોને આબુ ગયા પછી શું કરવાનું હોય છે, તેની પાકી બાતમી હોતી નથી. સાલા કેટલાક તો તરસ લાગે તો પાણીઓ પી લેતા હોય છે, બોલો! એક કારણ એ સમજાતું નથી કે, માઉન્ટ આબુમાં કયા મોંઢે લોકો ફોટા પડાવવા માંડે છે? પાછળ નખી લૅક આવવું જોઇએ. અંધકન્યાને રસ્તો ક્રોસ કરાવવાનો હોય, એમ દરેક ગોરધન પોતાની વાઇફનો ખભો પકડીને ફોટા પડાવે છે. કોઇપણ બાજુથી માપો, તો માપ ઍકઝૅક્ટ સાડા ચાર ફૂટનું આવે, એવા તોતિંગ ઢગરા ધરાવતી ગુજરાતણો અહીં જીન્સ પહેરીને ફૂદુક-ફૂદુક થતી હોય. બેન ચંપા... આવા ઝભલામાં પડાવેલા ફોટા તું કોઇ કાળે ય દેરાસરમાં કોઇને બતાવતી નહિ... તારા દરજીની બા ય ખીજાશે.

પુરૂષોને અહીં આવીને જ ચડ્ડા પહેરવાના મનો થાય છે. રામ જાણે કઇ ફૅકટરીમાં કાળા ઢીંચણો બનાવડાવી લાયો હશે, પણ એને એમ પણ ન થાય કે, તારા પગ અને બાકીના શરીરના આકારો ઉત્પાદનની ભૂલને કારણે અલગ-અલગ આવ્યા છે, તેથી જય અંબે બોલીને આજથી ચડ્ડો પહેરવાનું માંડી વાળ, ભાઈ... આબુના વરસાદમાં તું ચડ્ડો ના પહેર... ચડ્ડો ના પહેર... ચડ્ડો ના પહેર! કોઇક બિસ્માર અને પડુ-પડુ થતા બિલ્ડિંગની ભીંતે ચોંટેલી અને ખવાઇ ગયેલી પાઇપોમાંથી નિતરતા પાણી જેવા તારા પગો આખા માઉન્ટ આબુને જોવા પડે છે... તારૂં કે તારા ફાધરનું તો કાંઇ જતું નથી, પણ અમને જગતભરના ચડ્ડાઓ ઉપરથી માનપાન ઉતરી જાય છે... તું ચડ્ડો ના પહેર, ભાઈ!

એમાં ય, એકે ય પુરુષને જરસી ખરીદતા આવતી નથી. કાં તો રંગ એવો પકડી લાવ્યા હોય કે, નવરાત્રીના ગરબા વખતે ઝભલાં તરીકે ય કામ ન લાગે અને જે પહેરી હોય તે ટાઇટમટાઇટ હોવાને કારણે કન્યાશાળાના વિધવા સંચાલિકા બહેન (ઉંમર : ૭૨, નીક નૅઇમ : પથ્થર કે સનમ’, પતિના મૃત્યુનું કારણ : ખબર નથી... બાતમી પૂરી) માઉન્ટ આબુની સરઝમીં પર ફાળો ઉઘરાવવા નીકળ્યા હોય એવો તું લાગશ...! એમની જરસીઓ પેટેથી ચડી ગયેલી અને લારીવાળી મારવાડણની પાછળ એની નાનકડી છોક્કરી રોડ પર ખેંચાતી આવે, એમ આની જરસી ટમી પાસેથી ખેંચાતી ખેંચાતી આવે. એમાંય સાલી જરસી નીચે ઢીંચણીયો ચડ્ડો... કોઇ પંખો ચાલુ કરો, યાર...!

આબુમાં બૉટિંગનો મહિમાય અનોખો છે. ગામ આખું જોતું હોય, એવું હનીમૂન આવી ભીડમાં આઇને કરવાના ધખારા નવા પરણેલાઓને કયા ખૂણેથી ઉપડતા હશે? તાજા પતેલા યુઘ્ધમાં ઘવાયેલો વર્ગ-૪નો સૈનિક એની બાના ખોળામાં લાંબો થઇને પડ્યો હોય એમ, બૉટમાં કાળા ગૉગલ્સ ચઢાવીને હસુ-હસુ થતી એની તાજી વાઇફ ઉપર અડધો ઢળેલો બેઠો હશે. વાઇફના ખોળામાં સૂતેલો એ બન્નેનો ફોટો પાડી આલવા હોડીવાળાને કૅમેરા આપશે, પણ એવો ફોટો હોડીવાળાનો નહિ પાડી આલે. જમાનો જ સ્વાર્થનો આવ્યો છે, જુઓ ને!

આ તાજા પૈણીને આયેલાઓની બોટ-સવારીની વાતો થાય છે... બાકીના તો આબુ આવતા ખેડબ્રહ્મા અને અંબાજીમાં પ્રાર્થના કરતા આયા હોય કે, બોટ અધવચ્ચે જાય ત્યારે માતાજી તળાવમાં મોટું તોફાન ઉપડાવજો...! જય અંબે.

સિક્સર
- બાળક લાંબુ અને એશોઆરામથી જીવે, એને માટે માં-બાપો એનું નામ કસાબરાખવા માંડ્યા છે!

1 comment:

Anonymous said...

અશોક દવે ની હાસ્ય શૈલી નુ શ્રેશ્ઠ ઉદાહરણ
simply too good